હવે આપણે આ મહાપુરુષો, એટલે મહાન અવતારો નહીં, પરંતુ કેવળ સિદ્ધ ગુરુઓ કે જેમણે ધ્યેય પ્રાપ્ત કર્યું છે, તેમને વિશે વિચાર કરીશું. તેમને હંમેશાં, જેમના ઉપર મનને કેન્દ્રિત કરવું પડે છે, તે મંત્રોના માધ્યમ દ્વારા આધ્યાત્મિક જ્ઞાનનાં બીજોનો શિષ્યમાં સંચાર કરવો પડે છે, આ મંત્રો શું છે? ભારતીય દર્શન અનુસાર આ સમગ્ર વિશ્વની અભિવ્યક્તિના કારણરૂપે નામ અને રૂપ રહેલાં છે. મનુષ્યના વ્યષ્ટિ જીવનમાં ચિત્તવૃત્તિની એક પણ લહરી એવી ઊઠી શકતી નથી કે જે નામરૂપથી મર્યાદિત ન હોય. જો આ સાચું હોય કે પ્રકૃતિ સર્વત્ર એક જ નિયમ પ્રમાણે નિર્મિત છે, તો આ પ્રકારની નામરૂપાત્મકતા એ આ સમસ્ત બ્રહ્માંડનો નિયમ હોવો જોઈએ. यथैकेन मृत्पिण्डेन सर्वम् मृणमयं विज्ञातं स्यात्— ‘જેવી રીતે માટીનો પિંડ જાણવાથી માટીની બધી વસ્તુઓ જાણી શકાય છે.’ તેવી રીતે આ દેહપિંડને જાણી લેવાથી સમસ્ત વિશ્વ બ્રહ્માંડનું જ્ઞાન થાય છે. હવે રૂપ બાહ્ય પડ છે, નામ અથવા ભાવ તેની અંદરનો ગર્ભ છે. શરીર એ રૂપ છે, મન અથવા અંતઃકરણ એ નામ છે; અને વાક્શક્તિ ધરાવતાં બધાં પ્રાણીઓમાં આ નામની સાથે તેના વાચક શબ્દોનો હંમેશાં સંબંધ રહે છે. વ્યષ્ટિ-મહત્ એટલે કે ચિત્તમાં ઊઠતા વિચારતરંગોએ પ્રથમ શબ્દો તરીકે અને તે પછી વધુ સ્થૂળરૂપ તરીકે વ્યષ્ટિ માનવમાં પોતાને અભિવ્યક્ત કરવા જોઈએ.
બ્રહ્માંડમાં બ્રહ્માએ અથવા હિરણ્યગર્ભે અથવા સમષ્ટિમહતે પોતાને સૌથી પ્રથમ નામ તરીકે અને પછી રૂપમાં એટલે કે વિશ્વ તરીકે અભિવ્યક્ત કર્યા. આ સઘળું વ્યક્ત ઇન્દ્રિયગ્રાહ્ય જગત એ રૂપ છે કે જેની પાછળ અનાદિ સ્ફોટ, અર્થાત્ સમસ્ત જગતની અભિવ્યક્તિનું કારણ શબ્દબ્રહ્મ છે. આ અનાદિ સ્ફોટ કે જે સમસ્ત ભાવ અથવા નામનું મુખ્ય અનાદિ ઉપાદાન સ્વરૂપ છે અને જેના દ્વારા ઈશ્વર આ વિશ્વને સર્જે છે તે મૂળ શક્તિ છે. એટલું જ નહીં, બલ્કે ઈશ્વર પહેલાં પોતાને સ્ફોટરૂપે પરિણત કરે છે અને તે પછી પોતાને વધારે સ્થૂળ ઇન્દ્રિયગ્રાહ્ય જગતરૂપે અભિવ્યક્ત કરે છે. આ સ્ફોટનો વાચક એકમાત્ર શબ્દ છે અને તે આ ૐ છે અને જે રીતે વિશ્લેષણના કોઈપણ શક્ય સાધન દ્વારા આપણે શબ્દને તેના ભાવથી અલગ કરી શકીએ નહીં તેમ આ ૐ અને આ અનાદિ સ્ફોટ અવિભાજ્ય છે. માટે બધા પવિત્ર શબ્દોમાં તે સૌથી વધુ પવિત્ર છે, બધાં નામ અને રૂપોનો તે જનક છે. આ અનાદિ ૐ માંથી જ સમસ્ત બ્રહ્માંડ પેદા થયું તેમ ધારી શકાય. પરંતુ એમ શંકા ઉઠાવી શકાય કે જો કે ભાવ અને શબ્દ અવિભાજ્ય છે, તોપણ એક જ ભાવ માટે ભિન્ન ભિન્ન વાચક શબ્દો હોય છે. એટલે જગતની ઉત્પત્તિ જે ભાવમાંથી થઈ તે ભાવનો વાચક શબ્દ માત્ર ૐકાર જ હોવો જોઈએ એમ ન કહી શકાય, આ શંકાનો અમારો જવાબ એ છે કે કેવળ ૐકાર જ સર્વભાવસૂચક પ્રતીક છે અને તેના જેવો બીજો કોઈપણ શબ્દ નથી. જો કે સ્ફોટ જ બધા શબ્દોનું ઉપાદાન છે. તોપણ તે પૂર્ણપણે વિકસિત થયેલો કોઈ એક અમુક શબ્દ નથી. અર્થાત્ એક શબ્દથી બીજા શબ્દને અલગ કરનાર ભિન્ન ભિન્ન વિશિષ્ટતાઓને તેમાંથી ખેંચી લેવામાં આવે તો જે પાછળ રહે છે તે જ સ્ફોટ; એટલા માટે આ સ્ફોટ નાદબ્રહ્મ કહેવાય છે.
હવે જો કોઈ શબ્દ સ્ફોટના પ્રતીક તરીકે વાપરવામાં આવે અને તે આ સ્ફોટમાં કંઈ પણ વિશિષ્ટતા ઉત્પન્ન કરે, તો તે સ્ફોટ સ્ફોટ રહે નહીં. એટલે જે શબ્દથી સ્ફોટમાં કોઈપણ વિશિષ્ટતા ન આવે અને સાથોસાથ તેના સ્વરૂપને સૌથી વધુ વ્યક્ત કરે, તે શબ્દ જ સ્ફોટનું સાચું પ્રતીક છે અને એ શબ્દ માત્ર ૐકાર જ છે; કારણ કે અ ઉ મ્ આ ત્રણે અક્ષરો જ્યારે સાથે ઉચ્ચારાય છે ત્યારે ‘ૐ’ બને છે અને આ અક્ષર જ બીજા બધા શક્ય ઉચ્ચારોનું સર્વ સામાન્ય પ્રતીક થઈ શકે. આમ બધા ઉચ્ચારો કરતાં ‘અ’ સૌથી ઓછો વિશિષ્ટ છે, એટલા માટે શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે ‘अक्षराणामकारोऽस्मि।’ ‘અક્ષરોમાં હું ‘અ’ કાર છું.’ વળી બધી સ્પષ્ટ ઉચ્ચારિત-ક્રિયાઓનો આરંભ જિહ્વામૂળથી થાય છે તથા અંત ઓષ્ઠથી થાય છે. આમાંથી ‘અ’ જીભના મૂળ અર્થાત્ કંઠમાંથી ઉત્પન્ન થાય છે અને ‘મ’ અંતિમ ઓષ્ઠ્ય શબ્દ છે. ‘ઉ’ તે શબ્દલહરી સૂચવે છે કે જે જીભના મૂળથી શરૂ થઈ આળોટતી આળોટતી ઓષ્ઠોમાં સમાપ્ત થઈ જાય છે. જો યોગ્ય રીતે ઉચ્ચારાય તો ‘ૐ’ શબ્દોચ્ચારની સમગ્ર પ્રક્રિયાનું પ્રતીક થાય. આ કાર્ય અન્ય કોઈપણ શબ્દ સિદ્ધ કરી શકે નહિ; તેથી આ શબ્દ જ સ્ફોટનું સૌથી વધારે યોગ્ય પ્રતીક છે. એ જ ૐકારનો ખરો અર્થ છે. વળી પ્રતીક અને જેનું તે સૂચક છે તે વસ્તુ, એ બેને કદી અલગ કરી શકાય નહીં; તેથી ‘ૐ’ અને સ્ફોટ બંને એક જ છે. વળી સ્ફોટ એ વ્યક્ત જગતનું સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ઈશ્વરની વધારે સમીપ છે અને વાસ્તવમાં ઈશ્વરીય જ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ છે, એટલા માટે ‘ૐ’ પણ ઈશ્વરનો સાચો સંજ્ઞાવાચક શબ્દ છે. વળી જેવી રીતે અપૂર્ણ માનવ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મનું ચિંતન કંઈક વિશેષ દૃષ્ટિબિંદુથી સગુણ રૂપમાં કરી શકે છે, તેવી જ રીતે ઈશ્વરના શરીરરૂપી આ જગતનું ચિંતન પણ માનવ મનનાં દૃષ્ટિબિંદુ અનુસાર થાય છે.
ઉપાસકના મનમાં જ્યારે જે પ્રકારનું તત્ત્વ પ્રબળ થાય છે, ત્યારે તે પ્રકારના ભાવોની જાગૃતિ થાય છે. તેનું ફળ એ આવે છે કે એક જ ઈશ્વર ભિન્ન ભિન્ન ગુણવિશિષ્ટ હોવાથી ભિન્ન ભિન્નરૂપે અભિવ્યક્ત થયેલો જોવામાં આવે છે અને એક જ વિશ્વ ભિન્ન ભિન્ન રૂપોવાળું દેખાય છે. જેવી રીતે ઓછામાં ઓછું વિભક્ત અને સૌથી વધારે વ્યાપક પ્રતીક જે ૐ છે, તેમાં ભાવ અને તેનો વાચક શબ્દ એકબીજા સાથે અવિભાજ્યરૂપે તેના વાચક શબ્દનો હોય છે, તેવી જ રીતે આ પ્રકારનો અવિભાજ્ય સંબંધ ઈશ્વરનાં જુદાં જુદાં સ્વરૂપો અને જગત વચ્ચે પણ હોય છે; તેથી આ બધા માટેના વાચક શબ્દો અલગ અલગ હોવા જરૂરી છે. આ શબ્દપ્રતીકો, જે મહાપુરુષોની ગંભીર આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા પ્રગટ થાય છે, તે ઈશ્વર તથા વિશ્વ વિશેના વિભિન્ન ભાવોને યથાસંભવ સ્પષ્ટરૂપે પ્રકટ કરે છે અને જે પ્રકારે ‘ૐ’ એ અખંડબ્રહ્મનો સૂચક છે, તે પ્રકારે બીજા મંત્રો પણ તે જ તત્ત્વ વિશેના વિભિન્ન ભાવોના વાચક છે; અને તે બધા ઈશ્વરના ધ્યાન અને સત્યની પ્રાપ્તિમાં સહાયક બને છે.

