(પાસાડેના – કેલિફોર્નિયામાં યુનિવર્સલિસ્ટ ચર્ચમાં જાન્યુઆરી ૨૮, ૧૯૦૦ના રોજ આપેલ પ્રવચન)

જે શોધ ઈશ્વર પાસેથી આપણને પ્રકાશ લાવી આપે છે તેના કરતાં બીજી કોઈ વસ્તુની શોધ માનવહૃદયને વધુ પ્રિય લાગતી નથી. આત્મા, ઈશ્વર અને માનવીના ભાવિ વિશેના અભ્યાસમાં, પ્રાચીન કે આધુનિક કાળમાં જેટલી માનવીય શક્તિ ખર્ચાઈ છે તેટલી બીજી કોઈ બાબતમાં ખર્ચાઈ નથી. આપણા રોજબરોજના વ્યવહારમાં, આપણી આકાંક્ષાઓમાં, આપણાં કાર્યોમાં, આપણા મહાન પુરુષાર્થમાં આપણે ગમે તેવાં ડૂબેલાં હોઈએ, તોપણ કવચિત્ તેમાં વિસામો આવે છે, મન અટકી જાય છે અને આ દુનિયાથી પર એવી કોઈ બાબત તે જાણવા માગે છે. કવચિત્ ઇંદ્રિયાતીત પ્રદેશની તેને ઝાંખી થઈ જાય છે અને ત્યારે તેને મેળવવા માટે તે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે બધા દેશોમાં યુગોથી થયા કર્યું છે. મનુષ્યે ઇંદ્રિયાતીત વસ્તુ જોવાની ઇચ્છા કરી છે, પોતાનો વિસ્તાર કરવા માગ્યો છે; તથા જે બધાંને આપણે પ્રગતિ, ઉત્ક્રાંતિ કહીએ છીએ તેનું માપ હંમેશાં આ એક જ શોધમાં કઢાયું છે કે માનવીના ભાવ વિશેની શોધ, ઈશ્વર માટેની શોધ.

જેમ જુદી જુદી પ્રજાઓમાં આપણા સામાજિક પ્રયત્નો ભિન્ન ભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રદર્શિત થાય છે; તે જ રીતે માનવીનો ધર્મ માટેનો પ્રયાસ જુદા જુદા ધર્મો દ્વારા દર્શાવાય છે અને જેમ જેમ જુદી જુદી સામાજિક સંસ્થાઓ સતત ઝઘડ્યા કરે છે, એકબીજા સાથે સતત સંઘર્ષ ચલાવ્યા કરે છે, તે જ પ્રમાણે આ ધાર્મિક સંસ્થાઓ સતત એકબીજા સાથે લડાઈ કર્યા કરે છે, સતત ઝઘડ્યા કરે છે. કેટલીક સામાજિક સંસ્થાના મનુષ્યો એવો દાવો કરે છે કે જીવવાનો હક માત્ર તેમને જ છે અને બની શકે ત્યાં સુધી નિર્બળ લોકોના ભોગે તે હક તેઓ ભોગવવા માગે છે. હાલ દક્ષિણ આફ્રિકામાં આ જાતની ભીષણ અથડામણ ચાલે છે તે આપણે જાણીએ છીએ. તે જ પ્રમાણે દરેક ધાર્મિક સંપ્રદાયે પોતાને જ જીવવાનો એકહથ્થુ હક માગ્યો છે. બેશક, આપણે જાણીએ છીએ કે ધર્મ કરતાં માનવીને બીજી કોઈ વસ્તુ વિશેષ આશીર્વાદરૂપ બની નથી; છતાં એ પણ વિચારવા જેવું છે કે ધર્મ કરતાં બીજા કશાએ આટલી ખાનાખરાબી પણ આણી નથી. જેમ ધર્મ સિવાય અન્ય કોઈ બાબતે શાંતિ અને પ્રેમને માટે વધારે પ્રયાસ કર્યો નથી, તેમજ ધર્મ સિવાય કોઈએ એટલી ભયંકર તિરસ્કારની લાગણી પણ પેદા કરી નથી. જેમ ધર્મ સિવાય કોઈએ માનવી માનવી વચ્ચેના ભ્રાતૃભાવનો આદર્શ વધુ સાર્થક કરી બતાવ્યો નથી, તેમ જ ધર્મ સિવાય માનવી માનવી વચ્ચેની કટ્ટર દુશ્મનાવટ પણ કોઈએ વધુ પ્રમાણમાં ઊભી કરી નથી. ધર્મ સિવાય કોઈએ વધારે સેવા સંસ્થાઓ સ્થાપી નથી કે માણસો અને પશુઓ માટે સુદ્ધાં, ઈસ્પિતાલો બાંધી નથી, તેમજ ધર્મ સિવાય કોઈએ દુનિયામાં લોહીની નદીઓ પણ એથી વધારે રેલાવી નથી. સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે બધાની અંદર ઊંડે ઊંડે એક વિચારધારા ચાલુ જ રહી છે; અનેક મંડળીઓ, ફિલસૂફો, તુલનાત્મક ધર્મના અભ્યાસીઓ વગેરે લોકોએ આ બધા પરસ્પર ઝઘડતા સંપ્રદાયો વચ્ચે સમન્વય સાધવા પ્રયાસ કર્યો છે અને હજી પણ કરી રહ્યા છે. કેટલાક દેશમાં આ પ્રયાસો સફળ થયા છે, પણ સમગ્ર દુનિયાની દૃષ્ટિએ તેઓ નિષ્ફળ ગયા છે.

કેટલાક ધર્મો એવા છે કે જે અતિ પ્રાચીન કાળથી ચાલ્યા આવ્યા છે; તેઓ એવા વિચારથી ઓતપ્રોત છે કે સર્વ સંપ્રદાયોને જીવવા દેવા જોઈએ; તેઓ સમજે છે કે દરેક પંથનો કંઈક અર્થ છે, તેની પાછળ કોઈ મહાન ભાવના દૃઢમૂળ થઈને રહેલી છે અને તેથી જગતના ભલા માટે તે આવશ્યક છે અને તેમને મદદ કરવા યોગ્ય છે. આધુનિક કાળમાં પણ એવા જ વિચારો પ્રવર્તે છે અને સમયે સમયે તેનો અમલ કરવાનો પ્રયાસ પણ થયા કર્યો છે. આ પ્રયાસો હંમેશાં આપણે ધારીએ તેટલા પૂરતા કે જોઈએ તેટલા કાર્યક્ષમ બની શકયા નથી. ઊલટું, ઘણી વાર તો આપણને પોતાને અંદરોઅંદર વધારે ઝઘડતા જોઈને નિરાશા ઉત્પન્ન થાય છે.

આવા સાંપ્રદાયિક વિચારોને બાજુએ મૂકી દઈને હવે આ વાતનો સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને જણાશે કે દુનિયાના બધા ધર્મોમાં મૂળે એક મહાન જીવનશક્તિ રહેલી છે. કેટલાક કહે છે કે આ વાતથી પોતે અજ્ઞાત છે; પણ અજાણ હોવું એ કાંઈ બહાનું નથી. કોઈ માણસ એમ કહે કે ‘બહારના જગતમાં જે ચાલી રહ્યું છે તે હું જાણતો નથી, માટે બહાર જગતમાં જે ચાલે છે તે અસ્તિત્વમાં જ નથી,’ તો તે અક્ષમ્ય છે. તમારામાંના જેઓ આખા જગતમાં ચાલતી ધર્મભાવનાની પ્રવૃત્તિને નીરખતા હશો તેઓ આટલું તો સંપૂર્ણ રીતે જાણતા હશો કે જગતના મહાન ધર્મોમાંના કોઈનો નાશ થયો નથી, એટલું જ નહીં પણ પ્રત્યેક ધર્મ આગળ વધતા જાય છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધે છે, મુસલમાનોની સંખ્યા હવે વધે છે, હિંદુઓ વધારે દૃઢ થતા જાય છે; યહૂદીઓ પણ વધતા જાય છે, તથા આખી દુનિયા પર વેરાઈ ગયેલા હોઈ ઝડપથી સંખ્યામાં વધતા જવાથી યહૂદીઓનો સંપ્રદાય પણ નિરંતર વધતો રહે છે.

દુનિયામાં માત્ર એક જ ધર્મનો—એક પ્રાચીન મહાન ધર્મનો હ્રાસ થયો છેઃ તે છે પ્રાચીન પારસીઓનો જરથોસ્તી ધર્મ. ઈરાન ઉપરના મુસલમાનોના વિજય પછી આ લોકોમાંના લગભગ લાખેક માણસોએ ભારતમાં આવીને આશરો લીધો, જ્યારે કેટલાક ઈરાનમાં જ રહી ગયા. જેઓ ઈરાનમાં રહી ગયા હતા તેમાંથી ઘણાખરા મુસલમાનોના જુલમને કારણે ઓછા થતાં થતાં છેવટે માત્ર દશ હજાર રહ્યા. ભારતમાં તેઓની સંખ્યા લગભગ એંશી હજાર છે, પછી તેઓ વધતા નથી. અલબત્ત તેમાં એક મૂળભૂત મુશ્કેલી છે; તેઓ બીજાને પોતાના ધર્મમાં લાવવાનું કરતા નથી અને ભારતમાં રહેલા આ મુઠ્ઠીભર માણસો પિત્રાઈનાં લગ્નવાળી પ્રથાને વળગી રહેવાને કારણે સંખ્યામાં વધતા નથી. આ એક માત્ર અપવાદ સિવાય બીજા બધા મહાન ધર્મો જીવંત છે, ફેલાયા છે અને વૃદ્ધિ પામે છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે દુનિયાના બધા મહાન ધર્મો ઘણા પ્રાચીન છે; તેમાંનો કોઈ આધુનિક કાળમાં ઉત્પન્ન થયો નથી. દુનિયાના દરેક ધર્મની ઉત્પત્તિ ગંગા અને યુફ્રેટિસ નદીઓની વચ્ચેના પ્રદેશોમાં થઈ છે. યુરોપમાં એક પણ મહાન ધર્મનો ઉદય થયો નથી કે નથી થયો અમેરિકામાં; પ્રત્યેક ધર્મની ઉત્પત્તિ એશિયામાં જ થઈ છે અને સર્વ ધર્મો દુનિયાના તે ભાગના જ છે. આધુનિક વૈજ્ઞાનિકો કહે છે તેમ, જે વધુ લાયક હોય તે જ ટકી રહે એ નિયમ જ જો કસોટી હોય, તો આ ધર્મો હજી સુધી જીવતા રહ્યા છે એ જ બતાવે છે કે તેઓ કેટલાક લોકો માટે યોગ્ય જ છે. તેઓએ જીવંત રહેવું જોઈએ તેનું કારણ પણ એ છે કે તેઓ ઘણાનું ભલું કરે છે. મુસલમાનો કેવી રીતે દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાં ફેલાય છે અને આફ્રિકામાં દાવાનળની માફક પથરાય છે તે જુઓ. બધો વખત બૌદ્ધો મધ્ય એશિયામાં જ ફેલાતા રહ્યા છે. યહૂદીઓની માફક હિંદુઓ પણ બીજાનું ધર્માંતર કરતા નથી; છતાં ધીરે ધીરે બીજી જાતિઓ હિંદુ ધર્મમાં આવતી જાય છે અને હિંદુઓના રીતરિવાજો અપનાવીને તેમની સાથે મેળ સાધે છે. તમે બધા જાણો છો તેમ ખ્રિસ્તી ધર્મ પણ ફેલાય છે; જો કે એના પ્રચારમાં જેટલી શક્તિ ખરચાય છે તેટલું પરિણામ આવ્યું છે કે કેમ એ વિશે મને શંકા છે. ખ્રિસ્તીઓની પ્રચાર પદ્ધતિમાં એક મોટો દોષ રહેલો છે; આ દોષ બધી જ પાશ્ચાત્ય સંસ્થાઓમાં છે. ત્યાં વ્યવસ્થાતંત્ર જ નેવું ટકા શક્તિ ખાઈ જાય છે; વ્યવસ્થાતંત્રનો ત્યાં અતિરેક છે. ધર્મોપદેશ હંમેશાં એશિયાના લોકોનું કાર્ય રહ્યું છે. પાશ્ચાત્ય લોકો વ્યવસ્થાશક્તિમાં, સામાજિક સંસ્થાઓમાં, સૈન્યોમાં અને રાજવહીવટ વગેરેમાં મહાન છે; પરંતુ ધર્મપ્રચારની બાબતમાં તેઓ એશિયાવાસીઓને મુકાબલે ઊભા રહી શકે નહીં. એશિયાવાસીઓને તે કામ આવડે છે; તે માટે વધારે પ્રમાણમાં વ્યવસ્થાતંત્રનો ઉપયોગ તેઓ કરતા નથી.

ટૂંકમાં, માનવજાતિના ઇતિહાસમાં આ એક હકીકત છે કે આ બધા મહાન ધર્મો અસ્તિત્વ ટકાવી રહ્યા છે, વિકાસ પામે છે તેમજ તેમના અનુયાયીઓ સંખ્યામાં વધતા જાય છે. આમાં ચોક્કસ કંઈક અર્થ છે. જો સર્વજ્ઞ અને દયામય સૃષ્ટિકર્તાની એવી જ ઇચ્છા હોત કે આ બધાં ધર્મોમાંનો એક જ ધર્મ જીવતો રહે અને બાકીના બધા નાશ પામે તો તો ઘણા કાળ પૂર્વે જ તેમ બની ગયું હોત. જો આ બધા ધર્મોમાંનો માત્ર એક જ સાચો હોય અને બાકીના બધા ખોટા હોય, તો તો અત્યાર સુધીમાં તે ધર્મ સર્વવ્યાપી બની ગયો હોત. પણ તેવું નથી; આમાંનો એકેય ધર્મ સર્વવ્યાપી બન્યો નથી. બધા ધર્મો કયારેક વૃદ્ધિ પામે છે, તો કયારેક હ્રાસ પામે છે. એટલે હવે આ બાબત વિચારો કે તમારા જ દેશમાં છ કરોડથી વધુ માણસો છે અને તેમાંથી લગભગ બે કરોડ માણસો જ જુદી જુદી જાતના ધર્મોના અનુયાયીઓ છે. આથી તે કાયમ પ્રગતિ કરે છે એમ ન કહેવાય. દરેક દેશોમાં જો તેના આંકડાઓ કાઢવામાં આવે તો કદાચ તમે જાણી શકશો કે ધર્મો કેટલીક વાર પ્રગતિ કરે છે, તો કેટલીક વાર પાછા પડે છે. સંપ્રદાયોની સંખ્યા કાયમ વધતી જાય છે. જો કોઈ પણ એક ધર્મ એવો દાવો કરે કે તેની પાસે જ સઘળું સત્ય છે અને અમુક ગ્રંથમાં જ ઈશ્વરે પોતાનું સઘળું સત્ય સમાવી દીધું છે,—જો તે સાચું હોય તો આટલા બધા પંથો કેવી રીતે થઈ શકે? ભાગ્યે જ પચાસ વર્ષ પસાર થાય છે ત્યાં તો એક જ ગ્રંથના આધારે વીસ નવા સંપ્રદાયો ઊભા થાય છે. જો ઈશ્વરે અમુક ગ્રંથોમાં જ બધાં સત્યોનો સમાવેશ કરી નાખ્યો હોય, તો આ પુસ્તકોનાં વાકયો ઉપર ઝઘડા કરવા માટે તે આપણને આપ્યાં જ ન હોય. પરંતુ આ એક હકીકત છે એમ જણાય છે. આમ શા માટે? એમ માનીએ, ભગવાને એવું એક પુસ્તક આપ્યું હોય કે જેમાં ધર્મનું બધું સત્ય સમાયેલું હોય. પરંતુ તેથી એકે હેતુ સરતો નથી, કારણ કે તે ગ્રંથને કોઈ સમજી શકતું નથી. દા.ત. બાઇબલ અને ખ્રિસ્તીઓના બધા સંપ્રદાયો લો. એક જ વાકય ઉપર દરેક સંપ્રદાય પોતાની સ્વતંત્ર વ્યાખ્યા આપે છે અને કહે છે કે તે વાકયનો અર્થ કેવળ તે સંપ્રદાય જ સમજી શકયો છે, બાકીના ખોટા છે. આ જ સ્થિતિ બધા ધર્મોની છે. મુસલમાનોમાં પણ ઘણા પંથો છે; બૌદ્ધોમાં પણ છે અને હિંદુઓમાં તો સેંકડો છે. હવે આ બધી હકીકત રજૂ કરીને હું એ બતાવવા પ્રયાસ કરું છું કે આધ્યાત્મિક બાબતમાં માનવજાતને એક જ વિચારસરણીમાં બાંધવાનો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ થયો છે અને હંમેશાં નિષ્ફળ થવાનો છે. આજે પણ કોઈ માણસ એક નવો મતવાદ શરૂ કરે અને પછી પોતાના અનુયાયીઓથી વીસ માઈલ દૂર જઈ બેસે, તો તેને જણાશે કે એ અનુયાયીઓએ વીસ સંપ્રદાયો ઊભા કર્યા છે. આમ થતું તમે કાયમ જુઓ છો. તમે બધાને એક જ વિચારના અનુયાયી બનાવી શકો નહીં; આ હકીકત છે અને આમ છે તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. હું કોઈ પણ સંપ્રદાયની વિરુદ્ધ નથી; સંપ્રદાયો છે તેથી હું ખુશી છું અને તેમની સંખ્યા વધતી જાય તેવું હું ઇચ્છું છું. શા માટે? કારણ કે જો તમે અને હું અને અહીં હાજર રહેલા બધા માત્ર એક જ જાતનો વિચાર કરીએ તો પછી આપણને વિચાર કરવા માટે કોઈ બાબત જ રહેશે નહીં. આપણે જાણીએ છીએ કે ગતિ ઉત્પન્ન કરવા માટે બે કે તેથી વધારે બળો એકબીજા સાથે સંઘર્ષમાં આવવાં જોઈએ. વિચારોનો સંઘર્ષ, વિચારોની ભિન્નતા નવા વિચારોને જગાડે છે. હવે જો આપણે બધા એક જ રીતે વિચાર કરતા હોઈએ તો આપણે એકબીજાના મોં સામે શૂન્ય દૃષ્ટિથી જોનારા સંગ્રહસ્થાનમાંના ઈજિપ્તના મમી (મસાલા ભરીને સાચવી રાખેલાં મડદાં) જેવા બની જઈશું. એથી વિશેષ કંઈ નહીં! વેગવંત વહેતા પ્રવાહમાં જ ઘૂમરીઓ અને વમળો થાય; સ્થિર અને બંધિયાર પાણીમાં વમળ હોતાં નથી. જ્યારે ધર્મો મરી જાય ત્યારે જ સંપ્રદાયો ઊભા થતા અટકે; એ તો સ્મશાનની શાંતિ અને સંવાદિતા થાય. જ્યાં સુધી માનવજાતિ વિચાર કરતી રહેશે ત્યાં સુધી સંપ્રદાયો રહેવાના જ. વિવિધતા એ જીવન્તપણાની નિશાની છે અને તે રહેવી જ જોઈએ. સંપ્રદાયોની સંખ્યા વધે તેવું હું તો માગું કે જેથી છેવટે દુનિયામાં જેટલા મનુષ્યો છે તેટલા સંપ્રદાયો થાય અને દરેકની પાસે ધર્મભાવનાની પોતાની આગવી પદ્ધતિ હોય!

પરંતુ એ સ્થિતિ તો આજે પણ છે. આપણામાંનો દરેક જણ પોતાની રીતે જ વિચાર કરે છે. પણ આ સ્વાભાવિક ક્રમમાં સર્વદા અન્તરાયો આવ્યા છે અને હજુ પણ આવ્યા કરે છે. જો સીધી રીતે તલવાર નહીં વાપરવામાં આવી હોય, તો બીજા ઉપાયો યોજાયા હશે. ન્યૂયોર્કના એક મોટા પ્રચારક શું કહે છે તે સાંભળો. તે એવો પ્રચાર કરે છે કે ફિલિપ્પીનોને તાબે કરી લેવા જોઈએ, કારણ તેમને ખ્રિસ્તી ધર્મ શીખવવાનો તે એક જ માર્ગ છે! તેઓ કેથોલિક તો છે જ, પણ પ્રચારકની ઇચ્છા તેમને પ્રેસ્બિટેરીયન (ખ્રિસ્તીઓનો એક સંપ્રદાય) બનાવવાની છે અને તે માટે તે પોતાની જાતિ પાસે ખૂનરેજીનું ભીષણ પાપ પણ કરાવવા તૈયાર છે. કેવું ભયંકર! તે આ દેશના એક મોટામાં મોટા પ્રચારક છે, વાતો કરતાં શરમ ન અનુભવે ત્યારે દુનિયાની સ્થિતિનો વિચાર કરો; અને જ્યાં શ્રોતામંડળ તેને વધાવી લે તે લોકોનો પણ ખ્યાલ કરો! આ શું સભ્યતા છે? આ તો માત્ર નવાં નામો અને નવા સંજોગો વચ્ચે બહાર આવતી હિંસક પશુની, માણસખાઉં જંગલીની, પુરાણી લોહીતૃષા છે. તે સિવાય બીજું શું છે? જો વસ્તુસ્થિતિ અત્યારે આવી હોય તો જ્યારે પ્રાચીન કાળમાં એક સંપ્રદાય પોતાની બધી શક્તિથી બીજા બધા સંપ્રદાયોને છિન્નભિન્ન કરી નાખવા મથતો હતો, તે કાળની દુનિયા કેવી ભયાનકતામાંથી પસાર થઈ શકે તેનો વિચાર કરો. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. આપણામાં રહેલો વાઘ માત્ર સૂતેલો છે; તે મરેલો નથી. જ્યારે તક મળે ત્યારે તે તરાપ મારે છે અને પ્રાચીન કાળની પેઠે પોતાનાં નખો અને દાઢનો ઉપયોગ કરે છે. તલવાર કે સ્થૂળ હથિયારો ઉપરાંત તિરસ્કાર, સામાજિક ધિક્કાર અને સામાજિક બહિષ્કારરૂપી વધારે ભયંકર હથિયારો પણ છે અને એ રીતે આપણી પેઠે વિચાર નહીં કરનારા લોકો સામે આ મહા ભયંકર શસ્ત્રો અજમાવવામાં આવે છે. પણ જે રીતે આપણે વિચાર કરીએ છીએ તે રીતે બધા શા માટે વિચાર કરે? તેમ કરવાનું મને કોઈ કારણ દેખાતું નથી. જો હું સમજશક્તિવાળો માણસ હોઉં તો તેઓ મારી જ રીતે વિચાર નથી કરતા તે માટે મારે ખુશી થવું જોઈએ. મારે સ્મશાન જેવી ભૂમિમાં રહેવું નથી, મનુષ્યોની દુનિયામાં મારે મનુષ્ય તરીકે રહેવું છે. વિચારશીલ મનુષ્યોમાં તો મતભેદ હોવા જોઈએ. ભિન્નતા એ વિચારનું પ્રથમ લક્ષણ છે. જો હું વિચારશીલ માણસ હોઉં તો હું વિચારશીલ માણસો વચ્ચે રહેવાનું પસંદ કરું, કેમ કે ત્યાં મતભેદને અવકાશ છે.

તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે આ બધી વિવિધતા સાચી કેમ હોઈ શકે? જો એક વિચાર સાચો હોય તો તેથી વિરુદ્ધનો વિચાર ખોટો છે; એક જ સમયે પરસ્પર વિરોધી મતો સાચા કેમ હોઈ શકે? આ પ્રશ્નનો હું ઉત્તર દેવા માગું છું. પરંતુ પ્રથમ હું તમને પૂછું છું કે દુનિયાના સઘળા ધર્મો શું ખરેખર પરસ્પર વિરોધી છે? જે બાહ્ય રૂપોમાં આ મહાન વિચારો રજૂ થયા છે તેમની વાત હું નથી કરતો; જુદા જુદા ધર્મોમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી ઇમારતો, ભાષાઓ, અનુષ્ઠાનો, ગ્રંથો વગેરે વિશે પણ હું નથી કહેતો. હું તો દરેક ધર્મના અંતરાત્મા વિશે કહું છું. પ્રત્યેક ધર્મની પાછળ તેનો આત્મા રહેલો છે; તે આત્મા બીજા ધર્મના આત્મા કરતાં જુદો હોઈ પણ શકે. પણ શું તેઓ પરસ્પર વિરોધી છે? તેઓ એકબીજાના વિરોધી છે કે એકબીજાના પૂરક છે, તે જ પ્રશ્ન છે. હું જ્યારે નાનો હતો ત્યારે આ પ્રશ્ન મેં હાથ ધરેલો અને આખું જીવન તેનો અભ્યાસ કર્યા કરું છું. મારા નિર્ણયો તમને કંઈક ઉપયોગી નીવડે તેમ માની હું તમારી સમક્ષ તે રજૂ કરું છું. હું માનું છું કે તેઓ પરસ્પર વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે. દરેક ધર્મ જાણે કે મહાન સાર્વભૌમ સત્યનો એક અંશ છે અને મહાન સત્યના તે ભાગને સાકાર કરવામાં તથા તેનું વિશિષ્ટ ધોરણ ગોઠવવામાં પોતાની સઘળી શક્તિનો ઉપયોગ કરે છે. એનો અર્થ, પૂર્તિરૂપનું એનું કામ છે, બહિષ્કારરૂપનું નહીં. મુખ્ય વિચાર આ છે. એક પછી એક વિચારપ્રણાલીઓ ઉત્પન્ન થાય છે, દરેકમાં એક મહાન વિચાર મૂર્તિમંત થાય છે અને આદર્શો ઉપર આદર્શોનો વધારો થતો જાય છે. એ જ માનવજાતની પ્રગતિ છે. માણસ કદીયે અસત્યમાંથી સત્યમાં જતો નથી પણ સત્યમાંથી સત્યમાં જાય છે, નીચલી કોટિના સત્યમાંથી ઊંચી કોટિના સત્યમાં જાય છે, પણ કદીય અસત્યમાંથી સત્યમાં જતો નથી. બાળકમાં પિતા કરતાં વધારે બુદ્ધિનો વિકાસ હોય તેથી શું પિતામાં બુદ્ધિ ન હતી? બાળક એટલે પિતા ઉપરાંત કંઈક વધારે છે. જો જ્ઞાનની તમારી આજની સ્થિતિ જ્યારે તમે બાળક હતા તે સમય કરતાં વધુ સારી હોય તો શું તે પૂર્વસ્થિતિને તમે અત્યારે તિરસ્કારશો? તમે પાછળ દૃષ્ટિ કરીને તેને બુદ્ધિહીનતા ગણશો? તમારી અત્યારની સ્થિતિ તે બાળકના જ્ઞાન ઉપરાંત કંઈક વધારે છે.

વળી આપણે જાણીએ છીએ કે એક બાબત વિશે પરસ્પર વિરોધી દૃષ્ટિબિન્દુઓ હોઈ શકે, છતાં તે બધાં એક જ વસ્તુ દર્શાવે. ધારો કે એક માણસ સૂર્ય તરફ જઈ રહ્યો છે; જેમ જેમ તે આગળ વધતો જાય છે તેમ તેમ દરેક તબક્કે તે સૂર્યના ફોટા લેતો જાય છે. જ્યારે તે પાછો ફરે છે ત્યારે તેની પાસે સૂર્યના જે અનેક ફોટા હોય છે તે આપણી સમક્ષ રજૂ કરે છે. આપણે જોઈએ છીએ કે તેમાંથી કોઈ પણ બે ફોટા એકસરખા નથી; છતાં એમ કોણ કહી શકશે કે જુદા જુદા તબક્કાએ લેવાયેલા આ બધા ફોટાઓ એક જ સૂર્યના નથી? જુદા જુદા ખૂણેથી આ દેવળના ચાર ફોટા લો તો તે જુદા જુદા દેખાશે અને છતાં તે બધા આ દેવળના જ ફોટા છે. એ જ પ્રમાણે આપણે બધા એક જ સત્યને જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈએ છીએ, તે આપણા જન્મ, કેળવણી, વાતાવરણ અનુસાર ભિન્ન લાગે છે. આપણે સત્યનું દર્શન કરીએ છીએ, ઉપર વર્ણવ્યા અનુસાર આપણે તેને પકડીએ છીએ, આપણી બુદ્ધિ પ્રમાણે તેને સમજીએ છીએ અને આપણા પોતાના મનથી તેને ગ્રહણ કરીએ છીએ. જેટલા પૂરતું એ સત્ય આપણા પરિચયમાં આવ્યું હોય અને જેટલું આપણે તેને ગ્રહણ કરી શકતા હોઈએ, તેટલા પૂરતું તેને સમજીએ છીએ. આ જ બાબત માણસ માણસ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે અને કવચિત વિરોધી વિચારો પણ ઉત્પન્ન કરે છે; તોપણ આપણે બધા તે મહાન સાર્વભૌમ સત્યના જ અંશ છીએ.

એટલા માટે, મારો ખ્યાલ તો એ છે કે ઈશ્વરની આખીયે યોજનામાં આ બધા ધર્મો ભિન્ન ભિન્ન શક્તિઓ છે અને બધી માનવજાતના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે અને તેમાંથી એકેયનો નાશ થાય તેમ નથી, કોઈ તેનો નાશ કરી શકે તેમ નથી. જેમ પ્રકૃતિની કોઈ શક્તિનો તમે નાશ કરી ન શકો, તેમ આ આધ્યાત્મિક શક્તિઓમાંની એકેયનો પણ તમે નાશ કરી ન શકો. દરેક ધર્મ જીવંત છે તે તો તમે જોયું. સમયે સમયે તે પાછો હઠે કે આગળ વધે. કોઈ કાળે તેનાં બાહ્ય અનુષ્ઠાનોનો ઘણો ભાગ તે ગુમાવે; તો બીજે સમયે તેમાં અનુષ્ઠાનોનો ઠાઠ વધતો હોય. ગમે તેમ પણ તેનો આત્મા સદાય અંદર હોય જ છે; તે કદીય નાશ પામતો નથી. દરેક ધર્મ જે આદર્શને રજૂ કરે છે તે આદર્શ કદી નાશ પામતો નથી અને તેથી દરેક ધર્મ બુદ્ધિપૂર્વક આગળ વધતો જાય છે.

જે વિશ્વધર્મ માટે દરેક દેશના તત્ત્વચિન્તકોએ સ્વપ્નાં સેવ્યાં છે તે તો અસ્તિત્વમાં છે જ, જેમ માનવીનો વિશ્વ-ભ્રાતૃભાવ અસ્તિત્વમાં છે જ તે જ પ્રમાણે વિશ્વધર્મ પણ છે. તમારામાંના જે કોઈએ દૂર દૂર પ્રવાસો કર્યા છે, તેણે દરેક પ્રજામાં ભાઈઓ કે બહેનો કયાં નથી મેળવ્યાં? મને તો આખી દુનિયામાં મળ્યા છે. ભ્રાતૃભાવ તો અસ્તિત્વમાં છે જ. માત્ર કેટલાક લોકો આ જોઈ શકતા નથી અને નવા ભ્રાતૃભાવ માટે પોકાર પાડીને જે છે તેને માત્ર ઉથલાવી નાખે છે. વિશ્વધર્મ પણ અસ્તિત્વમાં છે જ. જો પુરોહિતો અને જે બીજા લોકોએ જુદા જુદા ધર્મોનો ઉપદેશ કરવાનું કામ પોતાને માથે લીધું છે તેઓ જો થોડા સમય માટે પણ ઉપદેશ આપવાનું બંધ કરી દે તો આપણે તે ભ્રાતૃભાવને અને વિશ્વધર્મને જોઈ શકીશું. પણ તેઓ પોતાના સ્વાર્થને કારણે તેમાં વારંવાર ખલેલ પહોંચાડે છે. તમે જોયું હશે કે દરેક દેશમાં પુરોહિતો અત્યંત રૂઢિચુસ્ત હોય છે. શા માટે? એવા થોડાક જ પુરોહિતો છે કે જે લોકોને દોરવણી આપે છે; તેમાંના મોટા ભાગને તો લોકો જ દોરે છે અને તેઓ તેમના ગુલામો અને ચાકરો બની રહે છે. જો તમે કહો કે અમુક વસ્તુ સૂકી છે તો તેઓ કહેશે કે હા સૂકી છે; જો તમે તેને કાળી કહેશો તો તેઓ પણ તેને કાળી કહેશે. જો લોકો પ્રગતિ કરે તો પુરોહિતોપણ પ્રગતિ કરશે; તેઓ પાછળ રહી શકે જ નહીં. તેથી પુરોહિતો પર દોષ ઢોળતાં પહેલાં—જો કે તેમ કરવાની પ્રથા થઈ પડી છે—તમારે પોતાની જાતને દોષ દેવો જોઈએ. તમે જેને માટે યોગ્ય હો તે જ તમને મળી શકે. જે પુરોહિત તમને નવા અને પ્રગતિશીલ વિચારો આપીને આગળ લઈ જવા ધારે તેની શી વલે થાય? તેનાં બાળકો કદાચ ભૂખે મરે અને તે પોતે ચીંથરેહાલ થઈ જાય. જે દુન્યવી કાનૂનોથી તમે બંધાયેલા છો તેનાથી જ તે પણ બંધાયો છે. તે કહે છે કે ‘જો તમે આગળ વધતા હો તો ચાલો આપણે ચાલીએ.’ અલબત્ત, લોકમતથી ડરે નહીં તેવા કેટલાક અપવાદરૂપ આત્માઓ હોય છે. તેઓ સત્યને જુએ છે અને તેમને મન સત્યની જ કિંમત છે. જાણે કે સત્ય તેમને વળગી રહ્યું છે, જાણે કે તેમના ઉપર એ સવાર થયું છે. તેઓને આગળ ચાલ્યા સિવાય છૂટકો જ નથી હોતો. તેઓ કદી પાછળ જોતા નથી અને તેમને લોકોની પરવા હોતી નથી. તેમને માટે એક ઈશ્વર જ હોય છે; ઈશ્વર જ પ્રકાશરૂપ છે અને તે પ્રકાશને તેઓ અનુસરે છે.

આ દેશમાં મને એક મોરમન ગૃહસ્થ મળ્યા. હું તેનો ધર્મ અપનાવું એને માટે તેણે પ્રયાસ કર્યો. મેં કહ્યુંઃ ‘તમારા સિદ્ધાંત માટે મને પુષ્કળ માન છે પણ કેટલાક મુદ્દાઓ ઉપર આપણે એકમત નથી. હું સંન્યાસી સંપ્રદાયનો છું અને તમે બહુપત્નીત્વમાં માનો છો. પણ તમે ઉપદેશ આપવા ભારત શા માટે જતા નથી.’ આથી તેને આશ્ચર્ય થયું. તેણે કહ્યુંઃ ‘કેમ, તમે લગ્નમાં માનતા નથી અને અમે બહુપત્નીત્વમાં માનીએ છીએ; છતાંય મને તમારા દેશમાં જવા કહો છે?’ મેં કહ્યુંઃ ‘બરાબર છે ; મારા દેશબંધુઓ ગમે ત્યાંથી આવનાર દરેક ધર્મભાવનાને સાંભળશે. તમે ભારત જાઓ તેમ હું ઈચ્છું છું. પ્રથમ તો એ કે હું સંપ્રદાયોની વિપુલતામાં માનનારો છું. બીજું ભારતમાં એવા ઘણા માણસો છે કે જેઓ આજે હયાતી ધરાવતા કોઈ પણ સંપ્રદાયથી બિલકુલ સંતુષ્ટ નથી ; અને આ અસંતોષને કારણે તેઓ ધર્મથી વેગળા રહે છે. કદાચ તમે તેમાંના કેટલાકને મેળવી શકો.’ જેટલી સંપ્રદાયોની સંખ્યા વધારે, તેટલા પ્રમાણમાં લોકોને ધર્મ મેળવવાની તક વધારે. જે હોટલમાં બધી જાતનો ખોરાક મળે, તેમાં દરેકને પોતાની ભૂખ સંતોષાવાની તક પ્રાપ્ત થાય છે. માટે દેશમાં સંપ્રદાયોની સંખ્યા વધે તેમ હું ઇચ્છું છું કે જેથી વધારે લોકોને ધાર્મિક બનવાની તક મળે. લોકોને ધર્મ નથી ગમતો તેમ ન માનશો. હું તે વાત સ્વીકારતો નથી. જેની તેમને જરૂર છે, તે પુરોહિતો તેમને આપતા નથી. જેને આપણે નિરીશ્વરવાદી, યા જડવાદી માનતા હોઈએ છીએ, તેવો માણસ કોઈ એવી વ્યક્તિને મળે કે જે તેને જરૂરી સત્ય આપે, તો એ વ્યક્તિ સમાજમાં શ્રેષ્ઠ ધાર્મિક મનુષ્ય બની જાય તેવો સંભવ છે. આપણી જ રીતે આપણને જમવાનું ફાવે. દા.ત. અમે હિંદુઓ અમારી આંગળીઓ વડે ખાઈએ છીએ; અમારી આંગળીઓ તમારી આંગળીઓ કરતાં વધુ વળે તેવી છે; અમારી જેમ તમે આંગળીઓનો ઉપયોગ કરી શકો નહીં. માત્ર ખોરાક ખાવો જોઈએ એટલું જ નહીં પણ તે તમારી ખાસ રીતે જ તમારે ખાવો જોઈએ. આધ્યાત્મિક વિચારો તમારી પાસે આવવા જોઈએ એટલું જ નહીં પણ તમારી રીતે તે તમારી પાસે આવવા જોઈએ. તેમણે તમારી પાસે તમારી પોતાની ભાષામાં, તમારા આત્માની ભાષામાં બોલવું જોઈએ અને ત્યારે જ તમને એ સંતોષ આપી શકશે. જ્યારે મારી ભાષા બોલતો કોઈ માણસ આવે છે અને મારી ભાષામાં મને સત્ય સમજાવે છે ત્યારે હું તેને જલદી સમજી શકું છું અને તે કાયમ માટે મેળવી શકું છું. આ એક મહાન સત્ય છે.

હવે આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે માનવ મનના પ્રકારો અને કક્ષાઓ કેટલી વિવિધ છે અને તેથી ધર્મો ઉપર કેટલી મોટી જવાબદારી છે! કોઈ માણસ બે કે ત્રણ સિદ્ધાંતો રજૂ કરે અને એવો દાવો કરે કે તેનો ધર્મ આખી માનવજાતને સંતોષ આપે એવો છે. પ્રભુના પ્રાણી સંગ્રહસ્થાન જેવી દુનિયામાં તે એક નાનું પિંજરું હાથમાં રાખીને જાય છે અને કહે છેઃ ‘ઈશ્વર, હાથી અને સહુએ આમાં જવાનું છે. હાથીના ભલે આપણે કાપીને કટકા કરવા પડે તોપણ તેણે આમાં જવું જ જોઈએ.’ વળી કોઈ એવો સંપ્રદાય હોય કે જેમાં થોડાક સારા વિચારો પણ હોય. તેના અનુયાયીઓ કહે છે કે ‘બધા મનુષ્યોએ આમાં ભળવું જોઈએ.’ ‘પણ તેમાં તો જગ્યા નથી.’ ‘હરકત નહીં; તેઓના ટુકડા કરી નાખો, પણ ગમે તેમ કરીને તેમને આમાં લાવો. જો તેઓ આમાં નહીં ભળે તો તેમનો નાશ થશે.’ હજુ સુધી એવો ઉપદેશક કે સંપ્રદાય મેં જોયો નથી કે જે અટકીને પોતાની જાતને પૂછે કે ‘લોકો આપણને શા માટે સાંભળતા નથી?’ ઊલટું તેઓ તો લોકોને શાપ આપે છે અને કહે છે કે ‘લોકો દુષ્ટ છે.’ તેઓ કદી પૂછતા નથી કે ‘એમ કેમ બને છે કે લોકો મારા શબ્દો સાંભળતા નથી? હું તેમને સત્ય કેમ સમજાવી શકતો નથી? હું શા માટે તેમની ભાષામાં બોલી શકતો નથી? હું તેઓની આંખો કેમ ખોલી શકતો નથી?’ સાચી વાત એ છે કે તેઓએ પોતે સરખું સમજવું જોઈએ અને જ્યારે લોકો તેમનું સાંભળતા નથી એમ જણાય, ત્યારે જો કોઈને શાપ આપવો હોય તો તેમણે પોતાની જાતને જ શાપ આપવો જોઈએ. પણ તેઓ તો સર્વદા લોકોનો જ દોષ જુએ છે. તેઓ પોતાના સંપ્રદાયને બધાને સમજાવી શકે તેટલો મોટો કરવા કયારેય પ્રયાસ કરતા નથી.

આમ શા માટે આટલી બધી સંકુચિતતા દેખાય છે, પોતે એક ભાગરૂપ હોવા છતાં શા માટે પૂર્ણ હોવાનો દાવો કરે છે, એક ક્ષુદ્ર મર્યાદિત અંશ એવો પોતે હંમેશાં અનંત હોવાનો દાવો શા માટે કરે છે, તે આપણે એકદમ જોઈ શકીએ છીએ. માનવીના દોષક્ષમ મગજમાંથી છેલ્લા થોડા સૈકાઓ થયાં ઉદ્‌ભવેલા અને ઈશ્વરના અનંત સત્યનું પૂરેપૂરું જ્ઞાન હોવાનો તુમાખીભર્યો દાવો કરનારા આવા નાના સંપ્રદાયોનો ખ્યાલ તો કરો! તેમના ગુમાનનો ખ્યાલ તો કરો! જો તે કંઈ પણ દર્શાવતું હોય, તો તે આ જ છે કે મનુષ્યો કેવા મિથ્યાભિમાની છે! આવા દાવાઓ હંમેશાં નિષ્ફળ ગયા છે તેમાં આશ્ચર્ય નથી; અને ઈશ્વરની દયા છે કે તેઓ નિષ્ફળ થવાને સર્જાયા છે. આ બાબતમાં મુસલમાનો સૌથી સારી સ્થિતિમાં હતા. તેઓ જે એક એક પગલું આગળ ભરતા તે તલવારથી જ ભરતા—એક હાથમાં કુરાન અને બીજામાં તલવાર! કાં તો કુરાન લો અગર માથું આપો; ત્રીજો કોઈ વિકલ્પ જ નથી. તેમની કેટલી અદ્‌ભુત સફળતા થઈ તે તમે ઇતિહાસ પરથી જાણો છો. છસો વર્ષ સુધી તેમને કોઈ રોકી શકયું નહીં; પણ પછી એક સમય એવો આવ્યો કે જ્યારે તેમને પોતાને થંભી જવું પડ્યું. જો બીજા ધર્મો તેવી જ પ્રથા અનુસરશે તો તેમનું પણ એવું જ થશે. આપણે બધા આવાં બાળકો છીએ! આપણે મનુષ્ય સ્વભાવને હંમેશાં વીસરી જઈએ છીએ. જ્યારે જીવન શરૂ કરીએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણું ભાવિ કંઈક અસામાન્ય હશે અને કોઈ પણ બાબત તે આસ્થામાંથી આપણને ચલાયમાન કરી શકશે નહીં. પણ જ્યારે પુખ્ત થઈએ છીએ ત્યારે આપણે જુદી રીતે વિચાર કરીએ છીએ. આવું જ ધર્મનું પણ છે. પ્રથમ તબક્કામાં તેઓ થોડા પ્રસરે એટલે તરત જ એવો ખ્યાલ કરવા માંડે છે કે થોડાં વર્ષોમાં જ પોતે આખી માનવજાતનું મન બદલી શકશે; અને એવી આસ્થાને જોરે બળજબરીથી ધર્માંતર કરવા માટે ખૂન અને કતલ કર્યે જાય છે. પછી તે નિષ્ફળ જાય છે અને ત્યારે વધારે સમજવા લાગે છે. આપણે જોઈએ છીએ કે આ સંપ્રદાયોએ જે માટે શરૂઆત કરી હતી તેમાં તેઓ સફળ થયા નહીં. એક રીતે તે આશીર્વાદરૂપ છે. હવે ધારો કે આમાંનો એકાદ ઝનૂની સંપ્રદાય આખી દુનિયા ઉપર સફળતા મેળવી શકયો હોત તો માનવી આજે કયાં હોત? પ્રભુનો પાડ માનો કે તેઓ સફળ ન થયા. છતાંય તે દરેક એક મહાન સત્ય રજૂ કરે છે; દરેક ધર્મમાં એક વિશિષ્ટ ભવ્યતા છે, જે તેનો આત્મા છે. અહીં મને એક જૂની વાર્તા યાદ આવે છે. કેટલીક માનવભક્ષી રાક્ષસીઓ માણસને મારી નાખતી તથા અનેક જાતનો ઉપદ્રવ કરતી; પણ જ્યાં સુધી અમુક પક્ષીઓમાં રહેલા તેમના જીવને કોઈ શોધી કાઢે નહીં, તેમ જ જ્યાં સુધી આ પક્ષીઓ સલામત હોય, ત્યાં સુધી આ રાક્ષસીઓ કોઈથી મારી શકાતી નહીં. આપણા દરેકના આત્મા પણ જાણે કે આવા પક્ષીમાં હોય છે, એ આત્માને જીવનમાં એક આદર્શ હોય છે, એક ધ્યેય સિદ્ધ કરવાનું હોય છે. પ્રત્યેક માનવ આ આદર્શનું, આ ધ્યેયનું મૂર્ત સ્વરૂપ છે. તમે ગમે તે ગુમાવો પણ જ્યાં સુધી તે આદર્શ નષ્ટ થયો નથી તથા તે ધ્યેયને નુકસાન પહોંચ્યું નથી ત્યાં સુધી કોઈ તમારો ઘાત કરી શકશે નહીં. લક્ષ્મી આવે ને જાય; દુઃખોના પહાડો પણ ખડકાય; પણ જો તમે આદર્શને પૂર્ણ રીતે સાચવી શકયા હો તો તમને કોઈ હણી શકશે નહીં. તમે વૃદ્ધ થયા હો, સો વર્ષે પહોંચી ગયા હશો, પણ જો પેલું ધ્યેય તમારા હૃદયમાં જીવંત અને તાજું હોય તો તમને કોણ મારી શકે? પણ જ્યારે તે આદર્શ નષ્ટ થાય અને ધ્યેયને હાનિ પહોંચે તો તમને કોઈ બચાવી શકશે નહીં. અઢળક લક્ષ્મી કે દુનિયાની સઘળી સત્તા પણ તમને બચાવી શકશે નહીં અને પ્રજાઓ પણ વ્યક્તિઓના મોટા સમૂહો સિવાય બીજું શું છે? પ્રજાઓના આ સમન્વયમાં પ્રત્યેક રાષ્ટ્રે પોતાનો આદર્શ પૂરો કરવાનો હોય છે; જ્યાં સુધી તે પ્રજા પેલા આદર્શને વળગી રહે છે ત્યાં સુધી કોઈ તેનો સંહાર કરી શકશે નહીં. પણ જો તે પ્રજા પોતાના જીવનનો આદર્શ છોડી દઈ કોઈ બીજી વસ્તુની પાછળ પડે, તો તેનું જીવન ટૂંકું થાય અને તેનો નાશ થઈ જાય.

ધર્મની બાબતમાં પણ આમ જ છે. આ બધા પ્રાચીન ધર્મો આજ સુધી જીવંત છે તે હકીકત જ એમ પુરવાર કરે છે કે તેમણે પોતાનો આદર્શ અકબંધ રાખ્યો છે; ઘણી ભૂલો છતાં, પુષ્કળ મુશ્કેલીઓ છતાં, અનેક ઝઘડાઓ છતાં, મૂર્તિઓ અને અનુષ્ઠાનોનાં આવરણો હોવા છતાં દરેકનું હૃદય સાબૂત છે, જીવતું જાગતું ધબકયા કરે છે. તેમાંનાં એકેયે પણ જે મહાન આદર્શને માટે પોતે સર્જાયો હતો તે ગુમાવ્યો નથી. તેમના આદર્શનો અભ્યાસ કરવો એ બહુ મજાનું છે. દાખલા તરીકે ઇસ્લામ ધર્મ લો. ખ્રિસ્તી લોકો ઇસ્લામ ધર્મનો જેટલો તિરસ્કાર કરે છે તેટલો બીજા કોઈ ધર્મનો કરતા નથી. તેઓ એમ માને છે કે ઇસ્લામ ખરાબમાં ખરાબ ધર્મ છે. કોઈ પણ માણસ મુસલમાન થાય છે કે તરત જ સમગ્ર મુસ્લિમ જગત કશા પણ ભેદભાવ સિવાય બાથ ભરી તેને ભાઈ તરીકે સ્વીકારે છે; બીજો કોઈ ધર્મ આમ કરતો નથી. જો તમારો કોઈ અમેરિકન આદિવાસી મુસલમાન થાય તો તુર્કસ્તાનના સુલતાનનેય તેની સાથે ભોજન લેવામાં કંઈ વાંધો નહીં હોય. તેનામાં બુદ્ધિ હશે તો સમાજમાં ગમે તે સ્થાન મેળવવામાંય તેને કોઈ પ્રતિબંધ નહીં નડે. પરંતુ આ દેશમાં મેં હજુ એવું કોઈ દેવળ જોયું નથી કે જ્યાં ગોરા માણસો અને કાળા હબસીઓ એકી સાથે ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હોય. આ વાતનો જરા વિચાર કરો. ઇસ્લામ તેના બધા અનુયાયીઓને એકસરખા ગણે છે. આમ તમે જોઈ શકશો કે મુસલમાન ધર્મની આ એક ખાસ વિશિષ્ટતા છે. કુરાનમાં ઘણી જગ્યાએ તમને જીવનના આદર્શો અતિશય ભોગપરાયણ દેખાશે. તેનો કાંઈ વાંધો નહીં. ઇસ્લામ ધર્મ દુનિયામાં જે આદર્શનો પ્રચાર કરવા આવ્યો છે તે આ છેઃ સર્વ ઇસ્લામી અનુયાયીઓ વચ્ચે સમાન ભ્રાતૃભાવ! મુસલમાન ધર્મનું સારસર્વસ્વ આ છે, સ્વર્ગ અને જીવન વગેરે અંગેના બીજા બધા વિચારો સારા નથી; તે બધા તો ફાલતુ, નિરુપયોગી વધારા છે.

સમગ્ર હિંદુ પ્રજામાં તમે જે એક વ્યાપક ભાવના જોશો તે છે આધ્યાત્મિકતા. બીજા કોઈ પણ ધર્મમાં, દુનિયાના બીજા કોઈ પણ ધર્મગ્રંથોમાં, ઈશ્વરના વિચારની વ્યાખ્યા કરવા પાછળ આટલી બધી શક્તિ વાપરવામાં આવી નથી. તેમણે આત્માની વ્યાખ્યા એવી રીતે કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ પાર્થિવ સ્પર્શ તેને બગાડી શકે નહીં. આત્મા દિવ્ય હોવા જોઈએ. આત્માને આત્મા તરીકે જ સમજવો; તેને માણસ બનાવી નાખવો નહીં. એ જ ઐકયની ભાવનાનો, એ જ સર્વવ્યાપી ઈશ્વરના સાક્ષાત્કારનો ઉપદેશ બધે આપવામાં આવ્યો છે. તેઓ માને છે કે ઈશ્વર સ્વર્ગમાં રહે છે વગેરે વાતો સાવ નકામી છે. એ તો ઈશ્વરને સામાન્ય માણસ તરીકે ઉતારી પાડવાનો વિચાર છે. જે કાંઈ સ્વર્ગ છે તે અહીં અને અત્યારે જ છે. અનંત કાળમાં એક ક્ષણ બીજીના જેવી જ છે. જો તમે ઈશ્વરમાં માનતા હો તો તેને હમણાં પણ જોઈ શકો. જ્યારે સાક્ષાત્ અનુભૂતિ થાય ત્યારે જ ધર્મની શરૂઆત થાય તેમ અમે માનીએ છીએ. સિદ્ધાંતોમાં માનવામાં કે બુદ્ધિપૂર્વકના સ્વીકારમાં કે કોઈ પ્રકારની જાહેરાત ઉપર ધર્મનો આધાર નથી. જો ઈશ્વર હોય તો તેને તમે જોયો છે? જો તમે ‘ના’ કહો તો ઈશ્વરને માનવાનો તમને શો અધિકાર છે? જો ઈશ્વર છે કે નહીં તે વિશે તમને શંકા હોય તો તેને જોવા માટે તમે પ્રયાસ કેમ કરતા નથી? તમે દુનિયાનો ત્યાગ કરીને શા માટે આ એક જ ધ્યેય પાછળ તમારું આખું ય જીવન અર્પણ કરતા નથી? ત્યાગ અને આધ્યાત્મિકતા ભારતના બે મહાન આદર્શો છે અને ભારત આ આદર્શોને વળગી રહે છે માટે જ તેની ભૂલો કંઈ વિસાતમાં નથી.

ખ્રિસ્તીઓએ જે સાર સમા વિચારનો પ્રચાર કર્યો છે તે એક જ છે કે ‘જાગ્રત રહો અને પ્રાર્થના કરો. સ્વર્ગનું રાજ્ય નજીકમાં છે.’ તેનો અર્થ એમ થાય છે કે મનને પવિત્ર કરો અને તૈયાર રહો! તે ભાવના કદીય નાશ પામતી નથી. તમને યાદ હશે કે યુરોપના અંધકાર યુગમાં અને અત્યંત વહેમી ખ્રિસ્તી દેશોમાં પણ ખ્રિસ્તીઓએ હંમેશાં બીજાને મદદ કરીને, ઈસ્પિતાલો વગેરે બંધાવીને, પ્રભુના આગમન માટે પોતે સદાય તૈયાર રહેવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી ખ્રિસ્તીઓ આ વિચારને વળગી રહેશે ત્યાં સુધી તેમનો ધર્મ જીવતો રહેશે.

અત્યારે એક આદર્શ મારા મનમાં ઊભો થાય છે. કદાચ એ કેવળ સ્વપ્ન પણ હોય. આ દુનિયામાં તે કદીય સફળ થશે કે નહીં તે હું જાણતો નથી. પણ શુષ્ક વાસ્તવિકતામાં મરવા કરતાં કોઈ વાર સ્વપ્ન સેવવું વધારે સારું હોય છે. દુષ્ટ વાસ્તવિકતાઓ કરતાં મહાન સત્યોનાં સ્વપ્ન પણ વધુ સારાં હોય છે. માટે ચાલો આપણે એક સ્વપ્ન સેવીએ.

તમે જાણો છો કે મનની વિવિધ ભૂમિકાઓ છે. તમે અત્યંત વ્યવહારુ બુદ્ધિવાદી હો તો તમને મૂર્તિઓ કે ક્રિયાકાંડની પરવા ન હોય; બુદ્ધિગમ્ય નક્કર હકીકતો હોય તો જ તમને સંતોષ થાય. ત્યાર પછી આવે પ્યૂરીટનો કે મુસલમાનો કે જેઓ પોતાના પ્રાર્થના સ્થળમાં ચિત્ર કે મૂર્તિ રાખવા દેતા નથી. વારુ. હવે એક બીજો માણસ છે જે વધારે કલાપ્રિય છે ને કળાનો બહુ શોખીન છે. તેને પુષ્કળ પ્રમાણમાં કળા જોઈએ છીએઃ જેવી કે રેખાઓનું તથા વળાંકોનું સૌંદર્ય, રંગો, પુષ્પો તથા આકૃતિઓ. મીણબત્તી, રોશની અને વિધિઓનો બધો ઠઠારો તેને જોઈએ છીએ કે જેથી કરીને તે ઈશ્વરને જોઈ શકે. જેમ તમારું મન બુદ્ધિ દ્વારા ઈશ્વરને ગ્રહણ કરે છે, તેમ તેનું મન આવાં ભૌતિક સાધનોથી ઈશ્વરને ઓળખે છે. ત્યાર પછી આવે છે ભક્ત કે જેનો આત્મા ઈશ્વર માટે પોકાર કરે છે; ઈશ્વરની ઉપાસના તથા તેની સ્તુતિ કરવા ઉપરાંત તેને બીજો કોઈ વિચાર આવતો નથી અને છેલ્લે આ બધાથી દૂર રહેતો તત્ત્વજ્ઞાની છે કે જે આ બધાંની હાંસી કરે છે. તે એમ માને છે કે આ બધું કેવું નિરર્થક છે? ઈશ્વર વિશેના આ બધા તે કેવા વિચારો છે!

આ બધા ભલે એકબીજાની હાંસી કરે, પણ દુનિયામાં દરેકને સ્થાન છે. આ બધા વિવિધ મતો, આ બધા વિવિધ નમૂનાઓની જરૂર છે. જો કદીય કોઈ આદર્શ ધર્મ થવાનો હોય તો તે આ બધા પ્રકારના માણસોની ભૂખ મટાડવા માટે પૂરતા પ્રમાણમાં મહાન અને વિશાળ હોવો જોઈએ. તેણે ફિલસૂફને તત્ત્વજ્ઞાન, ઉપાસકને પ્રેમ અને કર્મકાંડીને સર્વ પ્રકારનાં સુંદર પ્રતીકો આપવાં જોઈએ; કવિને તેમણે જોઈએ તેટલી હૃદયની ઊર્મિઓ અને બીજી બધી વસ્તુઓ આપવી જોઈએ. આવો ઉદાર ધર્મ ઘડવા માટે આપણે ધર્મના પ્રારંભ કાળ સુધી જવું પડશે અને તેમાં બધા ધર્મોને સમાવી લેવા પડશે.

ત્યારે આપણો મૂળમંત્ર હશે સ્વીકાર અને નહીં કે બહિષ્કાર. કેવળ પરમત સહિષ્ણુતા નહીં; કારણ કે કહેવાતી સહિષ્ણુતા તો ઘણી વાર નિંદારૂપ હોય છે; હું તેમાં માનતો નથી. હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું. શા માટે બીજા ધર્મને ચલાવી લેવા જોઈએ? હું માનું છું કે તમે ખોટા છો પણ હું તમને માત્ર ચલાવી લઉં છું એનું નામ સહિષ્ણુતા. તમે કે હું બીજાને રહેવા દઈએ છીએ, ચલાવી લઈએ છીએ, તેવો ખ્યાલ રાખવો એ જ શું પાપ નથી? ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે દરેકની સાથે હું ઈશ્વરની પૂજા કરું છું. હું મુસલમાનની મસ્જિદમાં જઈશ, ખ્રિસ્તીના દેવળમાં જઈને ક્રોસ પાસે ઘૂંટણભર થઈને પ્રાર્થના કરીશ; હું બૌદ્ધોના મંદિરમાં જઈને બુદ્ધ અને તેના ધર્મનું શરણ લઈશ; અને દરેકના હૃદયને પ્રકાશિત કરનારી જ્યોતિમાં પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરતા હિંદુની સાથે જંગલમાં જઈને હું ધ્યાનમાં પણ બેસીશ.

આ બધું હું કરીશ એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં પણ જે બધા આવશે તેમને માટે પણ હું મારું હૃદય ખુલ્લું રાખીશ. શું ઈશ્વરનો ગ્રંથ પૂરો થયો છે? કે તેની અભિવ્યક્તિ હજી સતત ચાલુ છે? દુનિયાની આ બધી આધ્યાત્મિક અભિવ્યક્તિઓ એક અપૂર્વ ગ્રંથ છે. બાઇબલ, વેદ, કુરાન અને બીજા બધા ધર્મગ્રંથો માત્ર તેનાં થોડાંએક પાનાં છે; બીજાં અસંખ્ય પાનાં હજી ઊઘડવાનાં બાકી છે. હું મારું હૃદય તે બધાને માટે ઉઘાડું રાખીશ. આપણે વર્તમાનમાં છીએ અને અનંત ભવિષ્ય માટે હૃદય ખુલ્લું રાખીએ. ભૂતકાળનું બધું આપણે ગ્રહણ કરીએ, વર્તમાનના પ્રકાશનો આનંદ લઈએ અને ભવિષ્યમાં જે કાંઈ આવે તે બધાં માટે આપણાં હૃદયની બારીઓ ખુલ્લી રાખીએ. ભૂતકાળના બધા મહાત્માઓને પ્રણામ, વર્તમાનના બધા મહાત્માઓને પ્રણામ અને ભવિષ્યમાં આવનારા બધા મહાત્માઓને પ્રણામ!

Total Views: 123
૩. ધર્મની પદ્ધતિઓ અને હેતુઓ
૫. ધર્મની ઉપાસના