કો ઘોડો કો પરખડો,

કો શીલવંતી નાર;

સરજનહારે સરજિયાં,

તીનું રતન સંસાર.

જખ્મી પ્રણય, પિયુની બેવફાઈ, પ્રેમની ખુમારી કે વૈરાગ્યની મસ્તી! આમ, જ્યાં જુઓ ત્યાં નારીત્વ ઊભું છે. નારીઓ સાજણના સ્નેહ ખાતર હિજરાઈ છે તો વળી સતીત્વના સંગ્રામ ખેલતી જીવન-માંગલ્યના માણેક સ્તંભોય રોપતી ગઈ છે.

સોરઠી જીવનમાં તો સ્ત્રીજાતિએ પ્રબળ ભાગ ભજવ્યો છે. લોડણ વગરનો ખીમરો, રાણક વગરનો ખેંગાર, તોરલ વગરનો જેસલ, શેણી વિનાનો વિજાણંદ, રૂપાંદે વગરનો માલદે કે સોન વગરના હલામણની કલ્પના થઈ શકતી નથી. નારીએ પ્રેમનો, શૌર્યનો, ભક્તિનો અને સાધનાનો પ્રેરક ધોધ વહાવ્યો છે.

ભાવનગરથી રાજકોટ જતાં મારગ માથે આઈ જાનબાઈની દેરડી ગામે ખોજો સવા ભગત બકાલુ વેચીને સાધુ-સંતોને ખવરાવે. પોતાનાં ઘરાળાં માનબાઈને નામથી બોલાવે. સાધુ-સંતોને ખવરાવતાં વધે તો થોડી રકમ ગામના શેઠને ત્યાં જમા કરાવે. અષાઢી બીજે ઉપાડ કરે ત્યારે વાંહે પાંચ-પંદરનું દેણું ઊભું જ હોય.

એક દીનો સમો ને સવા ભગતની વાડીએ સાધુ આવ્યા. ભિક્ષા માગીને ઊભા રહ્યા. સવો ભગત સાધુને ઘરે આવવા સમજાવે છે, પણ સાધુ કહે છે, ‘જે હોય તે અહીં દે.’ ભગતે દાળ-લોટ લાવી આપ્યાં. સાધુએ રોટી પકવી, પછી કહે, ‘ભગત! બેંક રીંગણાં આપ!’

સવો ભગત કહે, ‘બાપુ, હજી રીંગણાં નથી આવ્યાં. થોડા વખતથી જ રીંગણી રોપી છે.’

સાધુ કહે, ‘ચલ બતા!’

સવો ભગત સાધુને રીંગણીના ક્યારામાં લઈ ગયા. ક્યાંક-ક્યાંક રીંગણાં વળગેલાં જોયાં. સવા ભગતે થોડાં રીંગણાં સાધુને આપ્યાં. શાક પકવીને સાધુએ ભોજન કરીને આશિષ પાઠવ્યા કે, ‘મારાં ઠર્યાં તેવાં તારાં ઠરજો.’

માનબાઈને ખોળે રમતો દીકરો શામજી જુવાન થયો. ગઢડા પાસેના નીંગાળા ગામે સગપણ કર્યું. કન્યાને ફાટફાટ જોબન અને પાછી હતીયે રૂપરૂપનો અંબાર! નામ એનું જૂઠીબાઈ.

પિત્તળ સરખીં પીંડીયું,

હીંગળ સરખા હાથ;

નવરો દીનોનાથ,

પંડ બનાવી પૂતળી.

શામજી-જૂઠીબાઈનાં ઘડિયાં લગન લેવાણાં છે. બરાબર લગનના માંડવે જ શામજીને એરુ આભડ્યો. એ તો ટાઢો બોળ પડી ગયો. ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. ભગત મૂંગા થઈ ગયા, પણ ડગ્યા નહીં. શબને દેરડી લઈ જવા ગાડામાં નાખ્યું ત્યાં તો નવવધૂના પોશાકમાં સજ્જ થયેલી જૂઠીબાઈ દોડીને ગાડામાં ચડી ગઈ.

સવો ભગત કહે, “હા! હાં! હાં! હજી તો હથેવાળો નથી કર્યો.”

જૂઠીબાઈ કહે, ‘ભગતબાપુ, તમે તો મને દીકરાના સાટાની લીધી છે. હવે હું જ તમારો દીકરો.’

દેરડી આવીને શામજીને અગ્નિદાહ દીધો. થોડા દી પછી જૂઠીબાઈએ શોક ઉતાર્યો અને વાડીથી માંડીને ઘરનો બધો વહીવટ ઉપાડી લીધો. એ જ દાનધરમ અને એ જ સદાવ્રત. બધાં એને ભગતની દીકરી જ માને છે.

સવા ભગતને દિલમાં કોચવાટ થયા કરે છે. દીકરી માટે મૂરતિયો ગોતે છે. ખાંભેથી જૂઠીબાઈને જોવા લોક આવ્યા. બધું નક્કી થયું ત્યાં ઉઘાડે માથે જૂઠીબાઈ ખોરડામાંથી બહાર આવ્યાં. સડક થઈ ગયેલા મહેમાનોને બે હાથ જોડીને કહે, “બાપુ, ભાયું, તમે મને જોવા આવ્યા છો ને? પણ હું ભગતની દીકરી નથી, દીકરાવહુ છું.”

જુઠીબાઈને આ પછી તો કોઈ જોવા ન આવ્યું. દીકરાવહુને બદલે દીકરાની જેમ રહીને જૂઠીબાઈએ સવા ભગત અને માનબાઈની જિંદગીભર સેવા કરી. એકધારાં 65 વર્ષ સુધી સદાવ્રત ચાલુ રાખ્યું.

જીવનના અંત સુધી જૂઠીબાઈ પ્રજાને શીલના સંસ્કાર પાતાં રહ્યાં. લોકોએ પણ તેમનામાં જોગમાયાનાં દર્શન કર્યાં. સવો ભગત જીવ્યા ત્યાં લગણ સાધુના આશીર્વાદ સંભારતા રહ્યા: ‘મારાં ઠર્યાં તેવાં તારાં ઠરજો.’

સોજાં જેનાં શીલ,

એનાં વરણ કાંઉ વખાણીએ;

પ્રહ્‌લાદેય માવતર,

નકર દાનવ હુતો દાદવા.

Total Views: 409

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.