[વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 1960માં) પ્રકાશિત થયું હતું. તેનું ગુજરાતી ભાષાંતર વાચકોનાં લાભાર્થે રજૂ કરીએ છીએ.]

મને અહીં બોલવાનું અને પ્રમુખપદ સંભાળવાનું કહેવામાં આવ્યું છે. એથી મને આપનાં માયામમતા અને માન મળ્યાં છે. એક ભારતીય ધર્મસંઘે, શ્રીરામકૃષ્ણદેવનું પાવન સ્મરણ કરાવતી તેમની જયંતીને અવસરે મને એક અંગ્રેજને બોલવાનું કહ્યું છે, એ ભારતીય ચિત્તની એક આગવી ખાસિયત છે, એમ હું માનું છું.

મને બોલતાં ક્ષોભ થાય છે. કારણ કે, હું એક પરદેશી છું. મારા પછી થોડીક જ ક્ષણોમાં સ્વામી ધનાનન્દ બોલશે. તેઓ તો ભીતરથી બોલશે. બહારના માણસ તો કંઈ બહુ મૂલ્યવાળું બોલી ન શકે. આમ છતાં મારા મનમાં એવી ઘણી ઘણી વાતો છે, જેને આપ સમક્ષ મૂકવાનું મને મન થાય છે. પહેલી વાત તો એ કે, કોઈ માણસ અંદરનો હોય કે બહારનો હોય, પણ આ પ્રસ્તુત વાત સાથે એને ગાઢ સંબંધ છે. કારણ કે, આ વિશ્વમાં પસાર થતાં દરેકેદરેક માનવપ્રાણી માટે ધર્મનો સંબંધ તો અતિ મહત્ત્વનો છે. બીજી વાત એ છે કે, ધર્મને રાષ્ટ્રિયતાના કોઈ ભેદભાવ નથી. એ કોઈ હિન્દુ સાધુ દ્વારા પણ અભિવ્યક્તિ પામે અથવા તો કોઈ ખ્રિસ્તી દ્વારા કે કોઈ મુસ્લિમ દ્વારા; પરંતુ જો એ સંદેશ ખરેખર જ સત્યના મૂળ સ્રોતમાંથી આવતો હોય તો તે આપણામાંના દરેકને સીધો જ સંબોધી શકે છે. ત્રીજી વાત એ છે કે, આ બીજો મુદ્દો એ હિન્દુ ધર્મની વિશિષ્ટ અંતર્દષ્ટિ છે, હિન્દુ ધર્મની એ વિશિષ્ટ દેણગી છે, હિન્દુ ધર્મે વિશ્વને વિશિષ્ટ ભેટ આપવાની છે.

ભારતની પશ્ચિમ દિશાના દેશોમાં જે કેટલાક ધર્મો ઉત્પન્ન થયા, તે એમ કહેવા લલચાયા કે, “અમને સત્ય લાધ્યું છે.” હિન્દુ ધર્મ આનો વિરોધ નહિ કરે. પણ વારંવાર એ તો એમ જ કહેતો રહેશે કે, “હા તમને સત્ય સાંપડ્યું છે, અને અમને પણ એ સાંપડ્યું છે, પણ આપણામાંથી કોઈને સંપૂર્ણ સત્ય પ્રાપ્ત થયું નથી, અથવા તો એ સત્યનો એક નાનો સરખો અંશ પણ મળ્યો નથી. માનવ પ્રાણી ક્યારેય પણ અખિલ સત્ય પામી શકે નહિ. કારણ કે, સત્યને પોતાની અનંત અને અગણિત બાજુઓ હોય છે. એક માનવ ચૈતન્ય સત્યની એક પ્રકારની ઝાંખી કરશે, તો વળી બીજો માનવ જુદા પ્રકારની ઝાંખી કરશે. આ બંને ઝાંખીઓ જુદી જુદી છે. અને બંને પ્રકાશ પાથરનારી પણ છે. તેમ જ એક જ ઝાંખી બમણી થઈને જે પ્રકાશ પાથરે, તેના કરતાં આ બે જુદી જુદી ઝાંખીઓ વધારે પ્રકાશ પાથરે છે. સત્ય તો એક છે, પણ એના તરફ પહોંચવાના માર્ગો અનેક છે. આ વિવિધ દૃષ્ટિકોણો કંઈ એકબીજાના વિરોધી નથી; તેઓ તો એકબીજાના પૂરક છે.”

ધર્મની આ વિવિધ બાજુઓનો સ્વીકાર કરવાની ધાર્મિક અંતદૃષ્ટિ અને એની અનુભૂતિ, એ શ્રીરામકૃષ્ણના સંદેશનો એક ભાગ હતી. અને તેમના જીવનનો પણ એક ભાગ હતી. કારણ કે, જો હું સાચો હોઉં તો તેમનું જીવન અને તેમનો સંદેશ એકબીજાથી અલગ પાડી શકાય તેમ નથી. તેઓ જેવું જીવ્યા તેવો જ તેમણે સંદેશ-ઉપદેશ આપ્યો હતો.

શ્રીરામકૃષ્ણના જીવનનું ધ્યેય ઈશ્વર સાથે જોડાઈ જવાનું હતું. ભારતમાં હિન્દુ તરીકે જન્મ્યા હોવાથી તેમણે પ્રથમ હિન્દુના પંથે આ ધ્યેય હાંસલ કર્યું. પછી ઈસ્લામના પંથ દ્વારા એ ધ્યેયની પ્રાપ્તિ કરી, અને તે પછી ખ્રિસ્તી પંથ દ્વારા પણ એ ધ્યેય સિદ્ધ કર્યું અને છતાંય આ બધા સમય દરમિયાન તેઓ હિન્દુ પણ રહ્યા.

કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી કદાચ કહેશે: “તમે એવું ન કરી શકો. જ્યાં સુધી તમે બીજા પંથોને છોડી ન દો, ત્યાં સુધી અમારો પંથ લઈ ન શકો. કારણ કે અમારો પંથ જ એકમાત્ર સાચો છે.” તો હિન્દુ એને કહેશે: “હું આ બધા પંથો અને બીજા ઘણા પંથો પણ લઈ શકું છું. કારણ કે, એ બધા કંઈ એકબીજાથી અલગ અલગ કે વિરોધી નથી.”

આ મુદ્દાના વિષયમાં હું પોતે માનું છું કે પશ્ચિમના ધર્મોએ પારખ્યું છે તે કરતાં હિન્દુ ધર્મે વધારે આગળનું સત્ય પારખ્યું છે. હું એમ પણ માનું છું કે, ભારતની સત્યની આ સમજણ આજે સમગ્ર માનવજાત માટે સૌથી વધારે ઊંચું મૂલ્ય અને મહત્ત્વ ધરાવે છે.

આપણા પોતાના સત્યનાં દર્શનની પેઠે જ બીજા લોકોએ કરેલાં સત્યનાં દર્શનને આપણે આદરમાન આપ્યું છે, એ ખરેખર જ હંમેશાં સાચી અને સારી વાત થઈ છે, અને એવી વાત બનતી રહેશે; પરંતુ આજે જ્યારે વિશ્વના લોકો એકબીજાની સામે ભયંકર શસ્ત્રાસ્ત્રોથી સજ્જ બનીને ઊભા છે, ત્યારે તો એ વ્યાવહારિક સ્તર પર અત્યંત મહત્ત્વ ધરાવે છે. આ પરિસ્થિતિમાં અલગતાવાદી મનોભાવવાળી અસહિષ્ણુતા, પહેલાં હતી એના કરતાં કંઈ વધુ-ઓછી ખોટી ખરાબ થઈ નથી. હરહંમેશ એ એટલી જ ખોટી-ખરાબ હતી, કે જેટલી એ એવી હોઈ શકે; પરંતુ આજે તો એ પહેલાં હતી એના કરતાંય વધારે ભયંકર બની ગઈ છે. હિન્દુ વલણ એવી અલગતાવાદી મનોવૃત્તિનું વિરોધી છે; અને વિશ્વની સંવાદિતા માટે ભારતનું આ પ્રદાન છે.

આ જગતમાં શ્રીરામકૃષ્ણ અરધી સદી સુધી, સને 1836 થી 1886 સુધી રહ્યા. આ સમયગાળાને વર્ણવતાં પરંપરાગત ઇતિહાસગ્રંથોનાં પાનાં ઉથલાવી જુઓ. એમાંની વિગતોમાં તમને કદાચ શ્રીરામકૃષ્ણનું નામ નહિ મળે. એમાં તમને યુદ્ધ અને રાજકીય ખટપટો, ભારત ઉપર બ્રિટિશ શાસનની સ્થાપના, ભારતનો બળવો, વગેરે વિશે ઘણું ઘણું મળશે. તમે એમાં આર્થિક બાબતો, સિંચાઈ માટે નહેરોનું ખોદકામ કે રસ્તા અને રેલવેનું નિર્માણ વગેરે વિશે પણ થોડુંક મેળવશો.

હવે શ્રીરામકૃષ્ણના જીવનનાં પૃષ્ઠો ઉઘાડો. સદ્ભાગ્યે ડૉ. જોન્સન માટે એના શિષ્ય બોસ્વેલે જેવું કામ કર્યું હતું તેવું કામ તેમના એક શિષ્યે કર્યું છે. આ ગ્રંથ, તેમના વાર્તાલાપનો અને વિશેષતઃ તેમની આધ્યાત્મિક અનુભૂતિઓનો સર્વસંપૂર્ણ દસ્તાવેજી પુરાવો છે. પોતાની સગી આંખે જોનારે એ યથાતથ આલેખ્યો છે. આ ગ્રંથમાં, એનું નામ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ છે, તમને પરંપરાગત ઇતિહાસગ્રંથોમાં ભરેલી તે પચાસ વરસના સમયગાળાના ભારતની એકપણ વાત શોધી જડશે નહિ.

શ્રીરામકૃષ્ણ બંગાળના એક ગામડામાં જન્મ્યા અને ઊછર્યાં હતા. તેમણે પોતાના જીવનનો ઘણોખરો ભાગ કલકત્તાથી થોડાક જ માઈલને અંતરે આવેલા ગંગાકિનારા પરના મંદિરમાં વિતાવ્યો હતો. બહારની દૃષ્ટિએ તેમનું જીવન કશી ઘટના વગરનું દેખાય. આમ છતાં એના પોતાના ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં તેમનું જીવન ઘણું જ સક્રિય હતું. તેમ જ શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમિયાન આધુનિક ભારતની રૂપરેખા દોરી રહેલા જે ભારતીયો અને અંગ્રોજો તે કાળે હતા, તે બધાના કરતાં એમનું જીવન વધુ અસરકારક હતું. એ લોકોનું કાર્ય ભાવિમાં જે કાર્ય બજાવવાનું હતું, એના કરતાં પણ વધુ મહાન ભવિષ્ય સર્જવાની દૃષ્ટિએ જોઈએ તો તો શ્રીરામકૃષ્ણનું જીવન એ બધા લોકોના કરતાંય વધારે ‘આધુનિક’ હતું.

શ્રીરામકૃષ્ણનું કાર્ય ઈશ્વર સાથેના જોડાણનું હતું. એણે બધી ઉંમરના લોકોને પોતાના તરફ ખેંચ્યા. અને સ્વામી વિવેકાનંદના નેતૃત્વતળે તેમના યુવાન શિષ્યોનું આખું મંડળ ધર્મસંઘનું સભ્ય બન્યું. આજે આ રીતે એ સંઘ જ આ સભા યોજી રહેલ છે. જો હું ભૂલતો ન હોઉં તો શ્રીરામકૃષ્ણે પોતે પોતાનો આવો કોઈ ધર્મસંઘ ઔપચારિક રીતે તો સ્થાપ્યો નથી. તમે કહી શકો છો કે તેમનાં પાછલાં વર્ષોમાં તેમની સાથે રહેલા તેમના શિષ્યો ઉપર અવિરત પથરાઈ રહે, તેઓશ્રીના જીવનપ્રભાવને પરિણામે તેમના અવસાન પછી, સ્વયંસ્ફુરિત રીતે આ સંઘ ઊભો થયો છે.

શ્રીરામકૃષ્ણને વ્યક્તિગત રીતે પિછાળનારા અતિ વૃદ્ધ લોકો અત્યારે તો ઘણા ઓછા જ હશે. આજે આપણામાંથી ઘણાખા તો એમને કેવળ પરંપરા પ્રમાણે, જેમ સોક્રેટિસ, બુદ્ધ કે મહંમદને જાણીએ છીએ. તેવી જ રીતે જાણીએ છીએ. પણ તેમણે ધાર્મિક આંદોલનને જે ગતિ આપી છે તેના વેગને અને પ્રોત્સાહનને જોઈને, પેલા ગણાવેલા મહાપુરુષોની આધ્યાત્મિક શક્તિની પેઠે જ પરોક્ષ રીતે તો તેઓશ્રીની આધ્યાત્મિક શક્તિની કલ્પના કરી જ શકીએ છીએ.

આજથી પચાસ કે સો વર્ષ પહેલાં લખાયેલા ઇતિહાસના ગ્રંથોમાં શ્રીરામકૃષ્ણનું નામ લખવાનું ભુલાઈ ગયું હોય, એમ હું માનતો નથી. (જો કે શાનો ઉલ્લેખ થયો છે કે શાનો ઉલ્લેખ થયો નથી, એ કંઈ બહુ મહત્ત્વની વાત નથી.) મને ખાતરી છે કે, ભારત અને વિશ્વના ઇતિહાસોએ અર્વાચીન ભારતની વ્યાવહારિક સિદ્ધિઓ સંબંધે ઘણું ઘણું કહેવું પડશે. હું ખાસ કરીને જનસાધારણનાં વિકાસકાર્યોનો વિચાર કરું છું. ભારતના સેંકડો હજારો ગામડાંનાં ખેડૂતોને, તેઓ પોતાના જ પ્રયત્નોથી તેમનું જીવન વધારે સારું બનાવવા કંઈક કરી શકે છે, એવું બરાબર રીતે સમજાવવામાં આ કાર્યો મદદ કરી શકે છે. તેમને વધુ સારા બનાવવાનો અર્થ, આધ્યાત્મિક રીતે વધુ સારા બનાવવાના સાધન રૂપે તેમને ભૌતિક સુખસગવડનાં સાધનોથી વધારે સંપન્ન બનાવવા એવો થાય છે. આ બાબત જ આપણને ધર્મ તરફ અને શ્રીરામકૃષ્ણ તરફ પાછા વાળી શકશે.

અને છેલ્લે એક વાત : ભારતીય આદર્શો અને પશ્ચિમના આદર્શો કંઈ એકબીજાથી અલગ અલગ નથી. એ બંને માટે માનવજીવનમાં પોતપોતાનું સ્થાન છે, અને તે બંનેની આવશ્યકતા છે. એ બંનેને સાથોસાથો રાખો, તો તે બંને પરસ્પર માનવજાત માટે મહાન કાર્યો સર્જવા માટે શક્તિમાન બની રહેશે.

ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.