સંસ્કૃત અને મલયાલમ બંને ભાષાઓમાં સમાન પ્રભુત્વ ધરાવનાર સુખ્યાત કવિ શ્રી ઓત્તુર ઉન્ની સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ (બાલભટ્ટ) દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’ સૌ પ્રથમ 1963માં દેવનાગરીમાં અને 1972માં મલયાલમ લિપિમાં પ્રકાશિત થયું. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે, જે શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા 1975માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સુંદર કવિત્વપૂર્ણ અને ભક્તિપ્રધાન રચનાઓ ગુજરાતી સમશ્લોકીભાવાનુવાદ શ્રી કેશવલાલ શાસ્ત્રીએ કર્યો છે. શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે તેના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

હે રામકૃષ્ણ! તવ શીલ સુચારુ શોભે,

ને પુણ્યનામ તવ ચારુ શરીર ચારુ;

વાણીય ચારુ તવ ગીત કથાય ચારુ

આ ચારુતા તવ બધેય: ન કાંઈ ખાલી.

પૂર્વે ન ભૂમિ પર દેવ ડગો ભરંતા

આ મર્ત્ય અતિ તુચ્છ: કરી વિચાર;

આજેય એ ન ડગ દે પણ ભક્તિભાવે,

હે રામકૃષ્ણ મહિમાનિધિ ભૂમિ, માની,

શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર

જે એકવાર પણ પાન કરે સ્પૃહાથી;

તે મૂર્ખ હોય પણ ના મનથી ય સેવે,

કો’ અન્યને અજબ આ તવ વશ્યશક્તિ

આરંભમાં અમૃત ને વિષ અન્ત ભોગો,

ને ધર્મ આદિવિષ અન્ત સુધા સરીખે;

આરંભ-અન્ત ઊભયે જ સુધા સમાન,

પાદારવિંદ ભજનો તવ રામકૃષ્ણ!

લીલા વિલાસ તવ જોઈ ભરાય સૌનાં

આનંદથી હૃદય હે પ્રભુ રામકૃષ્ણ!

હર્ષાતિરેક મદ મસ્ત બની કરેથી

ક્યારે મનુષ્ય મૃગ વૃક્ષ શિલાય ભેટું?

પામ્યો સુબુદ્ધ જનદુર્લભ ભાગ્ય છું હું,

પીને ગદાધર કથામૃત એક વાર;

જેથી ન ચાર પુરુષાર્થ કરું છતાંયે,

અત્યંત શોભન થયો મમ જન્મ આજે.

મુક્તો ય પ્રાપ્ત કરવા રજમાં જ લોટે,

શિષ્યો રસે વિકલ ભૂમિ પરે પડે છે,

તે પાંચમા પુરુષકાર સમી અનન્ય,

દેજો મને વિરલ ભક્તિ જ રામકૃષ્ણ.

શ્રીરામકૃષ્ણ ચરણાંબુજમાં અમારી,

તલ્લીન હો મન તણી મધુમક્ષિકા આ;

કે રામકૃષ્ણમય તે કુલરાજહંસ,

પોતે જ ચિત્તકમલે વસજો અમારા.

જેનાં સુ-દર્શન થકી સઘળું સુ-દૃઢ,

જેને મળી સકલ લાભ જ હાથવેંત;

જેના સુભોગ રચતાં સઘળું સુભુક્ત,

તેમાં રમો મન હવે મમ રામકૃષ્ણ.

આ નિત્યમુક્ત વિમલત્વ વળી પ્રભુત્વ,

છો ને ગદાધર તણું ન ગણે મનીષી;

યોગી અને યતિવરો ય ભલે ન માને,

પ્રાણેશ્વર પ્રભુ ગદાધર તો ય મારા.

આપે ભલે સુખ અખંડિત મુક્તિ કેરું,

બીજા બધા જ અવતાર અને ભલે આ

આપે ન કાંઈ સુખ, દુઃખ તણા જ દાતા,

તોયે હજો પરમ દૈવત રામકૃષ્ણ.

Total Views: 435

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.