શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪

પ્રિય દીવાન સાહેબ,

આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે જાણીને મને ઘણો જ આનંદ થયો છે. પરંતુ આપે મારા હૃદયના એકમાત્ર મર્મસ્થાનને હાથ લગાડયો છે. દીવાન સાહેબ, આપે જાણવું જોઈએ કે, હું કાંઈ કઠિન હૃદયનો પશુ નથી. દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ કર્યા સિવાય, મારા ગુરુ શ્રીરામકૃષ્ણ જે મહાન જીવનધર્મનો ઉપદેશ કરવા આવ્યા તે પ્રકાશમાં આવત નહીં અને જે યુવકો આજના જડવાદ અને ભોગવિલાસનાં ધસમસતાં મોજાં સામે અડગ ખડક જેવા ઊભા રહ્યા છે તેમનું શું થાત? તેમણે ભારતનું અને ખાસ કરીને બંગાળનું ઘણું ભલું કર્યું છે, અને આ તો હજુ શરૂઆત છે. પ્રભુની દયાથી તેઓ એવું કાર્ય કરી બતાવશે કે આખું જગત તેમને યુગો સુધી આશીર્વાદ આપતું રહેશે. આમ, એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે. યુગોથી નીચે ને નીચે અધ:પતન પામ્યે જતાં જેમને કોઈ મદદ કરનાર – અરે, જેમને વિષે કોઈ વિચાર કરનાર પણ નથી, તેવાં લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે; અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીક છે તેમને દુ:ખી અને અસહાય બનાવવાનું છે. આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે. ‘‘બાકીનું પ્રભુ સંભાળશે.’’ તે મારી મદદે છે; જો કોઈ વસ્તુની મને ખાતરી હોય તો આ બાબતની છે. જ્યાં સુધી હું સાચો છું ત્યાં સુધી મારો વિરોધ કોઈ જ નહીં કરી શકે. કારણ, ઈશ્વર મને મદદ કરશે. ભારતમાં ઘણા લોકો મને સમજી શક્યા નહીં; અને તેઓ બિચારા મને સમજી પણ કેમ શકે? તેમના વિચારો રોજબરોજના ખાવાપીવાના દૈનિક વ્યવહારની બહાર કદી ગયા નથી. હું જાણું છું કે આપ જેવા માત્ર થોડાક ઉદારાત્માઓ મને સમજી શકે છે. પ્રભુ! આપ જ મહાનુભાવનું કલ્યાણ કરો! પણ લોકો સમજે કે ન સમજે, આ યુવકોને સંગઠિત કરવા માટે હું જન્મ્યો છું. એટલું જ નહીં, પ્રત્યેક શહેરમાં સેંકડો યુવકો મારી સાથે જોડાવા તૈયાર છે. મારે આ સહુને ન રોકી શકાય તેવા જુવાળની માફક ભારતમાં ગરીબમાં ગરીબ અને ચગદાયેલા લોકોનાં દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને કેળવણી પહોંચાડવા અર્થે મોકલવા છે. આ હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ…

પોતામાં અદ્‌ભુત બુદ્ધિ અને બીજી શક્તિઓ હોવા છતાં હિંદુ જાતિ કેમ છિન્નભિન્ન થઈ ગઈ? તેનો હું આપને ઉત્તર આપું: ‘ઈર્ષ્યાથી’. એકબીજા વિશે ઈર્ષા સેવતી એકબીજાની નામના કે કીર્તિની અદેખાઈ કરતી અધમ હિંદુ પ્રજા જેવી પૂર્વે બીજી કોઈ પ્રજા ન હતી. અને જો કદી આ૫ પશ્ચિમના દેશોમાં નીકળી આવો, તો પાશ્ચાત્ય પ્રજામાં આ વાતનો અભાવ આપ સૌથી પ્રથમ જોશો.

ભારતમાં ત્રણ માણસો ફક્ત પાંચ મિનિટ માટે પણ સાથે મળીને કામ નહીં કરી શકે. દરેક વ્યક્તિ સત્તા માટે ધમપછાડા કરે છે, અને લાંબે ગાળે આખી સંસ્થાને પસ્તાવાનો વખત આવે છે. ઓ પ્રભુ! ઈર્ષ્યા ન કરવાનું અમે ક્યારે શીખીશું! આવી પ્રજામાં અને ખાસ કરીને બંગાળમાં, મતભેદ હોવા છતાં, એકબીજા સાથે અતૂટ સ્નેહપૂર્વક એક્તાના સૂત્રથી બંધાયેલા માનવીઓનું એક મંડળ કરવું, તે એક અદ્‌ભુત કાર્ય નથી? આ મંડળ જરૂર મોટું થશે. અદ્‌ભુત ઉદારવૃત્તિ સાથે શાશ્વત શક્તિ અને પ્રગતિનો આ વિચાર સમગ્ર ભારતમાં ફેલાઈ જવો જોઈએ. પ્રજામાં એણે વિદ્યુત સમી ચેતના આણવી જોઈએ, અને આ ગુલામ પ્રજાના વારસારૂપી ભયંકર અજ્ઞાન, ખુન્નસ, જ્ઞાતિપ્રથા, જરીપુરાણી રૂઢિચુસ્તતા અને ઈર્ષ્યા ભરેલાં હોવા છતાં આખી પ્રજાના હાડેહાડમાં તેણે પહોંચી જવું જોઈએ.

વિશ્વવ્યાપી જડતાના સાગરમાં ખડક પેઠે ઊંચે બહાર નીકળી આવતા ઉદાર પ્રવૃત્તિવાળા વિરલાઓ પૈકી આપ છો. પ્રભુ આપનું સદા સર્વદા કલ્યાણ કરો!

સદાનો આપનો વિશ્વાસુ,

વિવેકાનંદ

Total Views: 467

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.