જો કદીય કોઈ આદર્શ-ધર્મ થવાનો હોય તો તે આ બધા પ્રકારમાં માણસોની ભૂખ મટાડવા માટે પૂરતા પ્રમાણમાં મહાન અને વિશાળ હોવો જોઈએ. તેણે ફિલસૂફને તત્ત્વજ્ઞાન, ઉપાસકને પ્રેમ અને કર્મકાંડીને સર્વ પ્રકારનાં સુંદર પ્રતીકો આપવાં જોઈએ. કવિને તેણે જોઈએ તેટલી હૃદયની ઊર્મિઓ અને બીજી બધી વસ્તુઓ આપવી જોઈએ. આવો ઉદાર ધર્મ ઘડવા માટે આપણે ધર્મના પ્રારંભકાળ સુધી જવું પડશે અને તેમાં બધા ધર્મોને સમાવી લેવા પડશે.

ત્યારે આપણો મૂળ મંત્ર હશે સ્વીકાર, સ્વાગત અને નહીં કે બહિષ્કાર. કેવળ પરમત સહિષ્ણુતા નહીં. કારણ કે કહેવાતી સહિષ્ણુતા તો ઘણી વાર નિંદારૂપ હોય છે. હું તેમાં માનતો નથી. હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું. શા માટે બીજા ધર્મને ચલાવી લેવા જોઈએ? હું માનું છું કે, તમે ખોટા છો, પણ હું તમને માત્ર ચલાવી લઉં છું એનું નામ સહિષ્ણુતા, તમે કે હું બીજાને રહેવા દઈએ છીએ, ચલાવી લઈએ છીએ, તેવો ખ્યાલ રાખવો એ જ શું પાપ નથી? ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે દરેકની સાથે હું ઈશ્વરની પૂજા કરું છું. હું મુસલમાનની મસ્જિદમાં જઈશ, ખ્રિસ્તીના દેવળમાં જઈને ક્રોસ પાસે ઘૂંટણભર થઈને પ્રાર્થના કરીશ, હું બૌદ્ધોના મંદિરમાં જઈને બુદ્ધ અને તેના ધર્મનું શરણ લઈશ અને દરેકના હૃદયને પ્રકાશિત કરનારી જ્યોતિમાં પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરતા હિન્દુની સાથે જંગલમાં જઈને ધ્યાનમાં પણ બેસીશ.

આ બધું હું કરીશ. એટલું જ નહીં પરંતુ, ભવિષ્યમાં પણ જે બધા આવશે તેમને માટે પણ હું મારું હૃદય ખુલ્લું રાખીશ. શું ઈશ્વરનો ગ્રંથ પૂરો થયો છે? કે તેની અભિવ્યક્તિઓ હજી સતત ચાલુ છે? દુનિયાની આ બધી આધ્યાત્મિક અભિવ્યક્તિઓ એક અપૂર્વ ગ્રંથ છે. બાઈબલ, વેદ, કુરાન અને બીજા બધા ધર્મગ્રંથો માત્ર તેનાં થોડાં પાનાં છે; બીજાં અસંખ્ય પાનાં હજી ઉઘાડવાનાં બાકી છે. હું મારું હૃદય તે બધાને માટે ઉઘાડું રાખીશ. આપણે વર્તમાનમાં છીએ અને અનંત ભવિષ્ય માટે હૃદય ખુલ્લું રાખીએ. ભૂતકાળનું બધું આપણે ગ્રહણ કરીએ. વર્તમાનના પ્રકાશનો આનંદ લઈએ અને ભવિષ્યમાં જે કંઈ આવે તે બધા માટે આપણા હૃદયની બારીઓ ખુલ્લી રાખીએ. ભૂતકાળના બધા મહાત્માઓને પ્રણામ, વર્તમાનના બધા મહાત્માઓને પ્રણામ અને ભવિષ્યમાં આવનારા બધા મહાત્માઓને પ્રણામ!

[સ્વામી વિવેકાનંદ : ધર્મની આવશ્યક્તા (૧૯૮૯) પૃ.સં. ૬૫-૬૬]
Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.