આશરે, ૧૮૯૨ના વર્ષમાં, શિકાગોમાં જગતના સર્વ ધર્મોનું સંમેલન થયું તે અગાઉ, હું મુંબઈથી પૂના જઈ રહ્યો હતો. વિક્ટોરીયા ટરમિનસ સ્ટેશને હું બેઠો હતો તે ડબ્બામાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. કેટલાક ગુજરાતી સજ્જનો તેમને વળાવવા આવ્યા હતા. તેમણે મારો ઔપચારિક પરિચય કરાવ્યો અને સ્વામીજીને તેઓએ પૂનામાં મારે ત્યાં રહે તેવી વિનંતી કરી. અમે પૂના પહોંચ્યા. તે સંન્યાસી આઠ-દસ દિવસ મારે ત્યાં રહ્યા. તેમનું નામ પૂછીએ તો ઉત્તર મળે કે ‘સંન્યાસી છું.’ તેમણે જાહેર ભાષણો કર્યા નહિ. ઘરે, ઘણી વાર તે અદ્વૈત તત્ત્વજ્ઞાન અને વેદાંત વિશે વાતો કરતા. સ્વામીજી લોકોને મળવાનું ટાળતા. તેમની પાસે રાતી પાઈ પણ નહોતી. તેમની સંપત્તિ હતી એક મૃગચર્મ, એક કમંડલું અને એકાદ કપડું. પ્રવાસ કરવો હોય ત્યારે કોઈ તેમને, તેમને જવું હોય ત્યાંની ટિકિટ લઈ આપતું. સ્વામીજીએ એવી આશા વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રની બહેનોમાં પડદાપ્રથા ન હોવાથી, મહારાષ્ટ્રની ઉચ્ચ કુટુંબની વિધવા બહેનો, બૌદ્ધ યુગની ભિખ્ખુણીઓની જેમ આધ્યાત્મિકતા અને ધર્મના પ્રચારમાં જ સમય વ્યતીત કરી શકે. મારી માફક સ્વામીજી પણ માનતા કે ભગવદ્‌ગીતામાં કર્મત્યાગનો – સંન્યાસનો ઉપદેશ નથી અપાયો પણ પ્રત્યેક વ્યક્તિએ અસંગ રહી, ફળની કામનાથી મુક્ત થઈ કર્મ કરવાનો, કર્મયોગનો ઉપદેશ અપાયો છે.

તે વખતે હું હીરાબાગમાં આવેલ ડેક્કન કલબનો સભ્ય હતો. તેની બેઠક દર અઠવાડિયે મળતી. આવી એક બેઠકમાં સ્વામીજી મારી સાથે પધાર્યા. તે સાંજે સ્વ. કાશીનાથ ગોવિંદનાથે તત્ત્વજ્ઞાનના એક મુદ્દા વિશે સુંદર પ્રવચન આપ્યું. કોઈને કશું કહેવાનું ન રહ્યું. પણ સ્વામીજી ઊભા થયા અને પ્રવાહી અંગ્રેજીમાં એ વિષયના બીજાં પાસાંને ધારાવાહિક રૂપે રજૂ કર્યું. ત્યાં રહેલ પ્રત્યેક વ્યક્તિને તેમની શક્તિની પ્રતીતિ થઈ. તે પછી તરત જ સ્વામીજીએ પૂના છોડ્યું.

સર્વધર્મપરિષદમાં અને અમેરિકા-ઇંગ્લેંડમાં તેમને મળેલ ભવ્ય વિજયને કારણે તેમને જગત -વ્યાપી કીર્તિ મળી. બે-ત્રણ વર્ષ પછી સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા. એ જ્યાં જતા ત્યાં તેમને સન્માનપત્ર અર્પણ થતું અને પ્રત્યેક સ્થળે એ એનો રોમહર્ષણ ઉત્તર વાળતા. કેટલાંક વર્તમાનપત્રોમાં છપાયેલ છબીઓને આધારે, મને તેમના જેવી વ્યક્તિનું સ્મરણ થતું. મુખરેખાના સામ્યના કારણે મને લાગતું કે આ સ્વામીજી મારે ત્યાં રહી ગયા હતા તે જ હોવા જોઈએ. મારું અનુમાન બરાબર હતું કે નહિ, તે જાણવા અને શક્ય હોય તો કલકત્તા જતાં (રસ્તામાં) મારે ત્યાં પૂનામાં રોકાવા વિનંતી કરતો પત્ર મેં તેમને લખ્યો. તેનો મને ઉષ્માપૂર્ણ ઉત્તર મળ્યો. તેમણે પોતે જ તે તે જ સ્વામીજી હતા તે સ્વીકાર્યું અને તે સમયે પૂના નહિ આવી શકાય તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું. આ પત્ર આજે હાથવગો નથી. ૧૮૯૭માં ‘કેસરી’ પરનો મુકદ્દમો પૂરો થયો ત્યારે ઘણા અંગત અને જાહેર પત્રોનો નાશ થયો તેની સાથે એ પત્ર પણ નાશ પામ્યો હશે.

આ પ્રસંગ પછી, એક વખત કલકત્તામાં યોજાયેલા એક કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા ગયો હતો ત્યારે કેટલાક મિત્રો સાથે રામકૃષ્ણ મિશનના બેલૂર મઠને જોવા ગયો હતો. સ્વામી વિવેકાનંદે અતિ સ્નેહપૂર્વક અમારું સ્વાગત કર્યું. અમે ચા પીધી, વાતચીત દરમ્યાન સ્વામીજી મજાકમાં કહેતા હોય તેમ મને સંન્યાસ લેવાનું અને બંગાળનું કામ કરવાનું અને પોતે મહારાષ્ટ્રમાં કામ કરે તેમ સૂચવ્યું અને કહ્યું, ‘દૂરના પ્રદેશમાં માણસની જેટલી કિંમત થાય છે તેટલી કિંમત પોતાના વતનમાં થતી હોતી નથી.’

[વેદાંત કેસરી : (જાન્યુઆરી, ૧૯૩૪)માંથી સાભાર ગૃહિત]

ભાષાંતરકાર : શ્રી તખ્તસિંહ પરમાર, ભાવનગર

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.