બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વક લાગણી. બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંત:પ્રેરણા પ્રેમથી અશક્યમાં અશક્ય દરવાજા ખૂલી જાય છે. વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. માટે મારા ભાવિ સુધારકો! મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો, તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં રહેલા આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયા ભૂખમરો સહન કરતાં આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે? તમને એ હલાવી નાખે છે? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુ:ખના એકમાત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા? આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં, વીસરી બેઠા છો ખરાં? તમે એવું કંઈ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે. તમારામાંના ઘણાખરાને ખબર છે કે હું અમેરિકા ગયો તે પેલી વિશ્વ ધર્મપરિષદ માટે નહીં પણ લોકો પ્રત્યેની આ કરુણાનું ભૂત મારા અંતરમાં ભરાઈ બેઠું હતું તેથી. હું ભારતભરમાં બાર બાર વરસ સુધી ભટક્યો હતો પણ મારા દેશબાંધવોને માટે કાર્ય કરવાનો કોઈ રસ્તો મને મળતો નહોતો; એ કારણસર હું અમેરિકા ગયેલો. એ વખતે મને પિછાનનારા તમારામાંના ઘણાખરા એ બાબત જાણો છો. એ વિશ્વ ધર્મપરિષદની કોને પરવા હતી? અહીં તો મારું પોતાનું લોહી ને માંસ, મારાં ભાંડુઓ રોજ ને રોજ ખલાસ થયે જતાં હતાં, પણ એની કોને પડી હતી? મારું એ પહેલું કાર્ય હતું.

-સ્વામી વિવેકાનંદ

[મારી સમર યોજના ‘ભારતમાં આપેલાં ભાષણો’ (૧૯૮૭) પૃ. સં. ૧૦૫-૧૦૬]
Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.