કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી!
ઓ, અગ્નિપથ અનુરાગી!
હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન!
હે ભવ્ય બલિને મસ્તક પદ સ્થાપી વસનારા વામન!
તું બાળ સમો હસનારો!
ને કાલાગ્નિ ગ્રસનારો!
આ યજ્ઞકુંડના હોમ શિખર પર માંડી અનભે આસન!
કોને આવાહન આપે?
ક્યા તલપે પ્રેમ-મિલાપે?
તું અગ્નિપુરુષ થઈ અર્પણ, તર્પણ આજ રહ્યો શું માગી?
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ હે બાગી!

બંધ કરો આ ગાન, અંજિલ દાન, આંસુઓ ઊનાં,
એ માગી રહ્યો છે પ્રાણ, પ્રાણ જ્યાં પથ પડેલા સૂના.
સૌ નમી રહો કાં પૂજી?
કાં પામર હૈયે ધ્રૂજી?

બંધ કરો ઉપહાસ – આરતી, ક્ષુદ્ર વંદના વન્ધ્યા,
નવા જન્મનું પ્રભાત છે આ, નથી છવાતી સંધ્યા,
આ નથી આરતી શેષ, દર્શનો છેલ્લાં,
આ નથી દેવની સ્તુતિ વિસર્જન વેળા;
પણ પુરુષપ્રવર પડે અમૃતનો પંથ રહે છે ચીંધી,
આ મૃત્યુંજયને મારગ વરવા દીક્ષા અગ્નિવીંધી,
એ આજે વાટ નિહાળે –
આદેશ અહીં કો’ પાળે?
આ સૈન્ય બધું શું દીનહીન ભડકી જાશે બસ ભાગી?
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથે હે બાગી?

એક દિવસ જે હૂંફભરી જાણી’તી કોમળ કાયા,
એક દિવસ જેના ઉરમાં માણી’તી પ્રેમળ છાયા.
ને ધસ્યાં ઊલટભર ચ્હાવા
એ હતો ધધકતો લાવા!
વિરાટ વિપ્લવના વહ્‌નિનો હોમ, હવિ ને હોતા!
‘આવો, અભય!’ કહે એ રહેશું શરમહીણ શું જોતાં?
આજ હવે અંધારે
એ જ્યોતિપુંજ પુકારે :
કાળરાત્રિને ગગને એની અગનભેરી જો વાગી!
કોણ આવશે? કોણ આવશે! તુજ પંથે હે બાગી!

– મકરંદ દવે.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.