શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે.

સ્વામી વિવેકાનંદનાં લખાણોને વારંવાર વાંચવાથી દરેક વખતે હું એમાં કંઈક નવું જ જોઉં છું, કે જે ભારતને, તેના તત્ત્વજ્ઞાનને, તેની જીવન પધ્ધતિને, અર્વાચીન તથા પ્રાચીન કાળના લોકોના રીત-રિવાજોને, તેમનાં ભાવિ સ્વપ્નોને ઊંડાણથી સમજવામાં મદદરૂપ થાય છે. મને લાગે છે કે, ભારતની સંસ્કૃતિને ખૂબીપૂર્વક વણી લઈને, માનવતાના ઉચ્ચતમ આદર્શોનો પોતાના ઉપદેશમાં કરેલો સમાવેશ એ જ વિવેકાનંદની મહત્તમ સેવા છે.

વિવેકાનંદના માનવહિતવાદના સિદ્ધાંતોએ તેમના સમકાલીન સાહિત્યકારોનાં લખાણોમાં કેટલી બધી પ્રબળ અને જબરી અસર કરી છે એ મેં મારા સમકાલીન ભારતીય સાહિત્યના અધ્યયનમાં એક કરતાં વધુ વખત જોયું છે. મારા મતે, ખ્રિસ્તી વિચારસરણી, કે જે જેમાં મનુષ્યને નિષ્ક્રિય અને ઈશ્વરની દયાયાચના કરતાં ચીતર્યો છે તેમાં, અને વિવેકાનંદના માનવહિતવાદમાં ક્યાંય સમાનતા નથી. તેમણે ધાર્મિક વિચારસરણીને દેશના રાષ્ટ્રીય હિતની સેવામાં અને પોતાના ગુલામ દેશબંધુઓની મુક્તિ કાજે આગળ ધરી. વિવેકાનંદે લખ્યું કે, જ્યારે પૌર્વાત્ય દેશોને ધર્મની નહીં, પણ રોટીની જરૂર છે ત્યારે (બ્રિટિશ) સંસ્થાનવાદીઓ ભારતમાં એક પછી એક દેવળો બાંધે જાય છે. બુધ્ધુ, ગતાગમ વગરના અને અંધશ્રધ્ધાળુ બનવા કરતાં બધા મનુષ્યો બિલકુલ નાસ્તિક બને એ તેઓ ઈચ્છતા હતા. મનુષ્યને ઉન્નત બનાવવા તેમણે તેને ઈશ્વરની સમક્ષ મૂક્યો.

ભલે આપણે વિવેકાનંદના માનવહિતવાદના આદર્શવાદી પાયાની સાથે સંમત ન થઈએ. તો પણ એટલું તો આપણને સ્વીકાર્ય હોવું જ જોઈએ કે, મનુષ્યને ઊર્ધ્વગામી બનાવવાની તીવ્ર ઈચ્છાનું હોવું, તેનામાં પોતાના ગૌરવની ભાવના તેમ જ પોતાના અને સર્વ મનુષ્યોના ભાવિ માટે જવાબદારીના ભાવનું આરોપણ કરવું; શુભત્વ, સત્ય અને ન્યાય માટે તેને ઝંખતો કરવો, કોઈ પણ પ્રકારની પીડા સહન કરવા પ્રત્યે તેનામાં ઘૃણાની લાગણી પેદા કરવી-આવાં અનેક સક્રિય માનવહિતવાદનાં લક્ષણો તેમના માનવહિતવાદમાં અભિવ્યક્ત થાય છે. વિવેકાનંદના માનવતાવાદી વિચારો કંઈક અંશે ગોર્કીના માણસ અંગેના વિચારો સાથે સામ્ય ધરાવે છે.

મનુષ્યત્વનું આવું માનવતાવાદી અર્થઘટન વિવેકાનંદ વૈશ્વિક દૃષ્ટિકોણમાં રહેલા લોકશાહીના લક્ષણને સમર્થન આપે છે.

ઘણાં વર્ષો વહી જશે, અનેક પેઢીઓ આવશે અને જશે, વિવેકાનંદ અને તેમનો સમય ભૂતકાળ બની જશે. પરંતુ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાના દેશબાંધવો માટે ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જોનાર, ભારતને આગળ ધપાવવા અને દેશબંધુઓને જાગૃત કરવા બધું જ કરી છૂટનાર, અન્યાય અને હેવાનિયત સહન કરનાર, પોતાના લોકોની રક્ષા કરનાર આ મનુષ્યની સ્મૃતિ ક્યારેય ઝાંખી નહીં બને. જે રીતે ખડકાળ ભેખડ સમુદ્રકાંઠે આવેલ ખીણની રક્ષા કરે છે એ જ રીતે, સ્વામી વિવેકાનંદ પોતાની માતૃભૂમિના દુશ્મનો સામે હિંમતપૂર્વક અને નિ:સ્વાર્થપણે ઝઝૂમ્યા હતા.

સોવિયેત રશિયામાં પ્રકાશિત થયેલ સ્વામી વિવેકાનંદનાં લખાણોથી પરિચિત થયેલા સોવિયેત લોકો પણ માનવહિત અને લોકશાહીના સમર્થક, પોતાના દેશબાંધવો અને સમસ્ત માનવજાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે આવેગથી લડનાર આ મહાન દેશભક્તની સ્મૃતિનો ભારતીય લોકોની જેમ જ ઉચ્ચ આદર કરે છે.

ભાષાંતરકાર : ડૉ. ચેતના માંડવિયા.

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.