(ગતાંકથી આગળ)

અભ્યાસક્રમ અને પદ્ધતિ

ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ કરી.

વ્યાખ્યા એ સમગ્ર ફિલસૂફીનું લઘુતમ સ્વરૂપ છે. ચબરાક શિક્ષક કે વિદ્યાર્થી આ લઘુતમ સ્વરૂપને આધારે સમગ્ર ફિલસૂફીનું હાર્દ સમજી જાય છે.

કેળવણીની ફિલસૂફીના વ્યાપમાં ઉદ્દેશો એ મસ્તકને સ્થાને છે. એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે અભ્યાસક્રમ અને પદ્ધતિ એ ઉત્તમ સાધનો છે. સ્વામીજીની કેળવણીની ફિલસૂફી અને તેના વ્યાપમાં ઉદ્દેશો પછી હવે અભ્યાસક્રમ અને પદ્ધતિ વિશે વિચારીએ.

અભ્યાસક્રમ અને પદ્ધતિ

પ્રથમ પ્રકરણમાં આપણે જોયું કે, માત્ર માહિતી એ કેળવણી નથી. માહિતીનાં પોટલાં વહન કરનારને તો પ્રાણી સાથે સરખાવવામાં આવે છે.

સ્વામીજીના ગુરુ પરમહંસ શ્રીરામકૃષ્ણ દેવ તો તત્કાલીન શાળામાં આપવામાં આવતા શિક્ષણને ‘દાળભાત’ની કેળવણી જ કહેતા. સ્વામીજી આવી માહિતી પર આધારિત પરીક્ષાલક્ષી કેળવણી વિશે શું કહે છે તે જોઈએ.

‘વિદેશી ભાષામાં બીજાના વિચારોને ગોખી મારીને તમારા મગજમાં એ બધું ભરીને તેમ જ વિશ્વવિદ્યાલયોની ઉપાધિઓ મેળવીને તમે તમારી જાતને શિક્ષિત ગણાવો છો? છેવટે તમારી કેળવણીનો ઉદ્દેશ શો છે? કાં તો કારકુન બનવું, કાં તો વકીલ બનવું અથવા બહુ બહુ તો ન્યાયાધીશ બનવું, જે કારકુનગીરીનું બીજું સ્વરૂપ જ છે! બસ, એટલું જ ને! આથી તમને કે તમારા દેશને શો લાભ?’

ઉપરના ફકરા પરથી આપણે એટલું તો જરૂર કહી શકીએ કે, સ્વામીજીને ‘બાબુશાહી’ કેળવણી તરફ નફરત હતી. માત્ર કારકુનો જ પેદા કરતી કેળવણી એ તો કારખાનું અને કાળખાનું બન્ને છે. એમની કેળવણીની ફિલસૂફીના અભ્યાસક્રમમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના અભ્યાસ વિષયો હોઈ શકે.

  • માનવતાવાદી વિષયો (હૃદયની કેળવણી)
  • સ્વાવલંબી કેળવણીના વિષયો.
  • ભારતીય જ્ઞાનરાશિની જુદી જુદી શાખાને લગતા વિષયો.
  • પશ્ચિમી વિજ્ઞાન અને અંગ્રેજી.
  • યાંત્રિક શિક્ષણ.
  • ગૃહોદ્યોગોને લગતા અભ્યાસક્રમો.
  • ધાર્મિક કેળવણી.
  • સ્ત્રીકેળવણી
  • જનસમાજ માટેનું શિક્ષણ.
  • માતૃભાષા.
  • સંસ્કૃતનું શિક્ષણ.

રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ઉપર્યુક્ત વિષયો વધતે ઓછે અંશે પ્રતિબિંબિત થતા હોય છે.

માનવતાવાદી

માનવતાવાદી વિષયોમાં ભાષાઓ, કલા, લોકકલા, સંગીત પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

જગતના મહાન શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ બતાવે છે. માતૃભાષા દ્વારા શિક્ષણનો આગ્રહ મનોવૈજ્ઞાનિકો પણ રાખે છે. આમ કરવાથી વિદ્યાર્થી ઉપર ઓછો બોજો આવે છે. વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિનો વિકાસ થાય છે. સ્વામીજી લખે છે કે, આપણો સાંસ્કૃતિક વારસો સંસ્કૃત ભાષામાં દટાયેલો પડ્યો છે. એ જ્ઞાનરાશિને લોકો સમજી શકે એ ભાષામાં રજૂ કરવો જોઈએ. જનસમૂહને પ્રાદેશિક ભાષામાં સમજાવવાની વાત સ્વામીજી મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી કરે છે.

સાથે સાથે સંસ્કૃત ભાષાને મૂળમાંથી ઉખેડી નાખવાની વાત સ્વામીજી નથી કરતા. તેઓ કહે છે, “સંસ્કૃત શબ્દોનો ધ્વનિ માત્ર પ્રજાને પ્રતિષ્ઠા, ગૌરવ અને શક્તિ આપે છે.” માતૃભાષા દ્વારા અધ્યયન-અધ્યાપન સરળ બન્યું. જ્ઞાન આવ્યું પણ ગૌરવ ગયું. આમ, બન્ને ભાષાઓનું મહત્ત્વ સ્વામીજી સ્વીકારે છે.

સ્વામીજી દેશવિદેશમાં ખૂબ જ ફર્યા. એમની જીવનદૃષ્ટિ પણ ખૂબ જ વિશાળ હતી. તેઓ પશ્ચિમી વિજ્ઞાન અને તંત્ર (ટેકનોલોજી)ને જ્યારે સ્વીકારવાની વાત કરે છે ત્યારે પશ્ચિમનાં વિવિધ ક્ષેત્રોના પ્રવાહોને સમજવા માટે અંગ્રેજી ભાષાના અભ્યાસ ઉપર પણ ખૂબ જ ભાર મૂકે છે. સ્વામીજીથી શરૂ કરીને આજના લગભગ બધા જ સંન્યાસીઓનું અંગ્રેજી ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. મને લાગે છે કે, સ્વામીજીનો અંગ્રેજી ભાષા વિશેનો આગ્રહ આને માટે જવાબદાર છે.

સ્વાવલંબી કેળવણી

જે કેળવણી વિદ્યાર્થીને સ્વાવલંબી નથી બનાવતી એ કેળવણી ખરી કેળવણી નથી. સ્વામીજીએ હસ્તઉદ્યોગ, ગ્રામોદ્યોગ પર મૂળ ભાર મૂક્યો. મહાત્માજીએ ‘સમવાયી’ કેળવણી દ્વારા સ્વાવલંબન પર ભાર મૂક્યો. એમાં સ્વામીજીનો સ્વાવલંબી કેળવણીનો આગ્રહ પણ જવાબદાર હોઈ શકે. શાળા-કોલેજમાં શિક્ષણ લીધા પછી વિદ્યાર્થી નોકરી માટે શેરીએ શેરીએ રખડતો રહે તો એ શિક્ષણને મૂળમાંથી ઉખેડી ફેંકી દેવું જોઈએ. સ્વાવલંબી શિક્ષણ વિદ્યાર્થીઓમાં આત્મસન્માનની ભાવના જગાડી શકે.

ભારતીય જ્ઞાનરાશિની જુદી જુદી શાખાને લગતા વિષયોને પણ અભ્યાસક્રમમાં સમાવવાની વાત પણ સ્વામીજીએ કહી છે.

વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન

દુનિયાના અન્ય દેશો, ખાસ કરીને વૈજ્ઞાનિક અને યાંત્રિક વિકાસ સાધેલા દેશો સાથે કદમ મિલાવવા માટે અને દેશને પ્રગતિને પંથે દોરી જવા માટે સ્વામીજીએ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનના અભ્યાસની પણ વાત કરી છે.

સ્ત્રી કેળવણી

સ્વામીજી કહે છે, “બધી પ્રજાઓએ નારીનું યોગ્ય સન્માન કરીને જ મહત્તા પ્રાપ્ત કરી છે. જે દેશ અને જે નારીસમાજને સન્માનતાં નથી, તેમણે કદી પણ મહત્તા મેળવી નથી. સ્ત્રીસમાજ જ્યાં નિરાશામાં જીવન વ્યતીત કરે છે, તે દેશ કે કુટુંબ માટે ઉન્નતિની આશા નથી.” ધર્મને કેન્દ્રમાં રાખીને સ્ત્રીશિક્ષણની વાત સ્વામીજીએ કરી છે. જેથી સ્ત્રીઓમાં નિર્ભયતા, ત્યાગ, બલિદાન અને સેવાની ભાવના જાગે અને ભવિષ્યની પ્રજામાં પણ એ ગુણો ખીલે.

જનસમાજ માટેનું શિક્ષણ

સ્વદેશનું પગપાળા પરિભ્રમણ સ્વામીજીએ કર્યું અને તેઓ હચમચી ગયા. દેશની ગરીબી, અજ્ઞાન અને પછાતપણું જોઈ તેઓ ગર્જના કરી ઊઠ્યા, જ્યાં સુધી આપણાં કરોડો દેશબાંધવો અજ્ઞાન ને ભૂખ્યાં રહે, ત્યાં સુધી તેમને ભોગે કેળવાયેલા, છતાં તેમના પ્રત્યે દુર્લક્ષ કરનાર દરેક માણસને હું દેશદ્રોહી સમજું છું, જેટલા પ્રમાણમાં સામાન્ય જનવર્ગમાં કેળવણી તથા જ્ઞાનનો ફેલાવો થશે તેટલા પ્રમાણમાં રાષ્ટ્રની ઉન્નતિ થશે.” આપણા શરીરમાં કોઈ પણ એક અંગ નબળું હોય તો આખું શરીર અસ્વસ્થ બને છે, એમ સમગ્ર રાષ્ટ્રનું કોઈ એક અંગ ગરીબ, અજ્ઞાન કે ઉપેક્ષિત હોય તો રાષ્ટ્ર પણ વિકલાંગની પરિસ્થિતિમાં આવી જાય છે.

ધાર્મિક કેળવણી

સ્વામીજીએ ધર્મને ‘કેળવણીનું અંત:તત્ત્વ’ કહ્યું છે. ધાર્મિક કેળવણી દ્વારા સનાતન સત્યનો સાક્ષાત્કાર કરનાર મહાત્માઓને અનુકરણીય આદર્શ તરીકે પ્રજા સમક્ષ રજૂ કરવા સ્વામીજીએ આગ્રહ રાખ્યો છે. તેમણે પોતાની વેધક વાણીમાં કહ્યું, “થોડા સમય માટે વૃંદાવનના મુરલીધર મનમોહન કૃષ્ણને ભૂલી જાઓ અને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન પર ગીતાનો સિંહનાદ ગજાવતા શ્રીકૃષ્ણને યાદ કરો અને સર્વશક્તિસ્વરૂપિણી જગન્માતાની નિત્યપૂજા કરો. રાસલીલાથી આ દેશનો ઉદ્ધાર નથી થવાનો, શું ભારતમાં નગારાં અને રણશિંગાં ખૂટી ગયાં છે? આ બધાંનો દીર્ઘગંભીર નાદ યુવોનોને સંભળાવો. જયભેરીના નાદથી દિશાઓને ભરી દો. નૂતન ધર્મની વ્યાખ્યા પણ સ્વામીજીની તદ્દન વિશિષ્ટ અને મૌલિક છે. પ્રાચીન ધર્મો એમ કહેતા કે જે ઈશ્વરમાં નથી માનતો એ નાસ્તિક છે. નૂતન ધર્મ એમ કહે છે કે, જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે.” કેળવણીનું કામ વ્યક્તિમાં આત્મશ્રદ્ધા જગાડવાનું છે. વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલ વિસ્ફોટને પરિણામે સમગ્ર સમાજ આત્મશ્રદ્ધા અને આત્મબળથી વિમુખ બની ગયો છે. ત્યારે સ્વામીજીની આત્મશ્રદ્ધાની વાત વારંવાર વાગોળવા જેવી છે. જીવનમાં ઉતારવા જેવી છે.

પદ્ધતિ

કેળવણીની ફિલસૂફીના વ્યાપમાં ઉદ્દેશો અને અભ્યાસક્રમ પછી અધ્યાપન – અધ્યયન પદ્ધતિની વાત આવે છે. ઉદ્દેશો નક્કી થયા, અભ્યાસક્રમ નક્કી થયો પણ પદ્ધતિ કઈ અપનાવવી? પદ્ધતિઓ તો ઘણી છે પણ શિક્ષક, વિદ્યાર્થીઓ, અભ્યાસક્રમ અને વાતાવરણ પર પદ્ધતિનો આધાર રહે છે.

એક જમાનામાં પ્રવચન પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ ગણાતી. આજે ચર્ચા પદ્ધતિ, પ્રશ્નોત્તર પદ્ધતિનું મૂલ્ય વિશેષ છે. એક જમાનામાં શિક્ષકકેન્દ્રી પદ્ધતિનું વર્ચસ્વ હતું, આજે વિદ્યાર્થીકેન્દ્રી પદ્ધતિનું મહત્વ વિશેષ છે. પરંતુ સ્વામીજીએ તો પદ્ધતિની બાબતમાં કંઈક નિરાળી વાત જ કહી છે.

એકાગ્રતા

સ્વામીજીની માન્યતા મુજબ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ છે. મનની એકાગ્રતા એ કેળવણીનું સારભૂત તત્ત્વ છે. નિમ્નતમ કક્ષાના માણસથી માંડીને મોટામાં મોટા યોગી જ્ઞાન મેળવવા માટે આ જ પદ્ધતિ ગ્રહણ કરે છે. એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલી જ વધુ જ્ઞાનની પ્રાપ્તિ.

વર્તમાન પરિસ્થિતિમાં આખો દેશ અશિસ્ત અને અજંપામાં ધકેલાયો છે. વિદ્યાર્થી આલમ જાણે કે દિશાશૂન્ય બની ગઈ છે. સ્થિરતાને બદલે અસ્થિરતાએ વિદ્યાર્થીઓનો કબજો લઈ લીધો છે. આવી કટોકટીને સમયે ‘એકાગ્રતા’નું અવલંબન એકમાત્ર ધ્રુવતારક સમાન બની રહેશે. સ્વામીજી કહે છે, “સામાન્ય માનવી નેવું ટકા વિચાર શક્તિ મનની ચંચળતાને લઈને ગુમાવે છે અને પરિણામે ભૂલોની પરંપરા સર્જે છે. કેળવાયેલ મનુષ્ય કે મન આવી ભૂલો કરતાં નથી. જ્યારે મનને એકાગ્ર કરીને પોતાના ઉપર જ કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે ભીતરની હરકોઈ ચીજ આપણી માલિક નહીં બનતાં આપણી નોકર બની જાય છે. જ્ઞાનના ભંડારની એકમાત્ર ચાવી એકાગ્રતા છે અને હું તો મનની એકાગ્રતાને જ કેળવણીનો સાર સમજું છું, માહિતીના ખડકલાને નહીં. જો મારે ફરીથી શિક્ષણ લેવાનું હોય તો હું માહિતીનો ઢગ તો કદી ભેગો ન કરું. હું તો એકાગ્રતાની શક્તિનો વિકાસ કરું”

શિક્ષણની અન્ય પદ્ધતિઓથી પણ વિશેષ – ‘એકાગ્રતા’ની પદ્ધતિની વાત મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યારની તાતી જરૂરત છે એ નિ:શંક છે.

સ્વામીજી – અભ્યાસક્રમ – આજની નવી શિક્ષણનીતિ – સુસંગતતા

મેકોલેની કેળવણીના ઢાંચામાં ‘વ્હાઈટ કોલર જોબ’ સિવાય કશું હતું નહીં. આઝાદીનાં ચાલીસ વર્ષ બાદ આ ખ્યાલમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. અત્યારે આપણી કેળવણીનું ધ્યેય નોકરી માટેનું બની ગયું છે. તે નહીં બદલાય ત્યાં સુધી બેકારીનો પ્રશ્ન હલ થઈ શકશે નહીં.

નવી શિક્ષણનીતિમાં વ્યાવસાયિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ કેળવણી વિશ્વ વિદ્યાલયોમાં નહીં પણ ગામડાંનાં ખેતરોમાં, કુટિર ઉદ્યોગોમાં, કુંભારના ચાકડામાં અને સુતારના રંધા સાથે જોડાયેલી હોવી જોઈએ. ભણવું એટલે જાતે કામ ન કરવું, અન્યની પાસે કામ કરાવી હુકમ કરતાં શીખવું એ લોકશાહીમાં ચાલી શકે નહીં. એ તો વિનાશનો માર્ગ છે.

સ્વામીજીએ આજથી લગભગ સો વર્ષ પહેલા ‘બાબુશાહી’ કેળવણીનો વિરોધ કર્યો. એમણે હસ્તઉદ્યોગ, ગ્રામોદ્યોગ, ખેતી તેમ જ વ્યાવસાયિક કેળવણીની વાત પણ કરી. આ ઉપરથી આપણે કહી શકીએ કે, સ્વામીજીના તત્કાલીન વિચારો આજે પણ સમયોચિત છે, સુસંગત છે.

વિજ્ઞાન – ટેકનોલોજી

નવી શિક્ષણ નીતિમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં નીચે પ્રમાણે ભલામણો થઈ છે.

  • સામાજિક ઉપયોગી ઉત્પાદનલક્ષી કામને શિક્ષણનું માધ્યમ બનાવવું.
  • માધ્યમિક કક્ષાએ વ્યાવસાયિક શિક્ષણને સ્થાન આપવું.
  • સમાજની જરૂરિયાત પ્રમાણે તાંત્રિક શિક્ષણ દાખલ કરવું, સ્વદેશી ટેકનોલોજીના વિકાસ પર ભાર.

સ્વામીજીએ પરદેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ નજરે નિહાળ્યો અને ભારતમાં આવી કેળવણી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ પર ભાર મૂક્યો.

ધર્મની આંખ અને વિજ્ઞાનની પાંખ આ બન્ને વચ્ચે સુમેળ સધાય તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરે.

(ક્રમશ:)

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.