(ગતાંકથી આગળ)

ટ્રીપ્લીકેનની સાહિત્ય સંસ્થામાં

આલાસિંગાએ સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો ગોઠવ્યાં અને આમ જનતાને તેમનો પરિચય કરાવ્યો. અહીં જ દીવાન બહાદુર રઘુનાથ રાવના અધ્યક્ષપદે સ્વામીજીને શિકાગો કોંગ્રેસમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્વામીજીએ ઘણી અનિચ્છા સાથે સંમતિ આપી. ત્રણ દિવસમાં જ આલાસિંગા અને તેમના મિત્રોએ સ્વામીજીના પ્રવાસ માટે સારી એવી રકમ ભેગી કરી. આમ છતાં, સ્વામીજીને ઉપરથી ‘હુકમ’ મળ્યો ન હોવાથી તે રકમ ગરીબોને વહેંચી દેવા સ્વામીજીએ કહ્યું. તદનુસાર આલાસિંગાએ તે આજ્ઞાનું પાલન કર્યું.

ત્યાર બાદ શ્રી શ્રીમાનો પત્ર મળ્યો. તેમાં સ્વામીજીને જવા માટે તેમણે સંમતિસૂચક આદેશ આપ્યો હતો. તે પછી સ્વામીજીએ એક દિવ્ય દર્શનમાં સાગરના જળ ઉપર શ્રીરામકૃષ્ણને જતાં અને પાછળ પાછળ તેમને આવવાનો નિર્દેશ કરતાં જોયા ત્યારે સ્વામીજીએ શિકાગો પાર્લમેન્ટમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આખરે સમુદ્રપાર જવા પૂરેપૂરી સંમતિ આપી. આલાસિંગા ફાળો એકઠો કરવા ઘેર ઘેર ફર્યા. કેમ કે સ્વામીજીએ કહ્યું કે, તેઓ આમજનતાના પ્રતિનિધિ તરીકે તેમના હિતાર્થે જતા હતા. એટલે ફાળો તેમની પાસેથી મેળવવો જોઈએ. પરંતુ આ રકમ અપૂરતી હતી. આખરે, આલાસિંગા અને તેમના મિત્રો મૈસૂર, રામનદ અને અન્ય સ્થળોએ ગયા અને રૂપિયા ચાર હજારનો ફાળો ભેગો કર્યો. રાજસ્થાનમાં ખેતડીના મહારાજાને મળવાનું હતું. એટલે સ્વામીજીએ મુંબઈથી સાગરયાત્રા કરવી એમ નક્કી કરવામાં આવ્યું. સ્વામીજીના આશીર્વાદથી રાજગાદીના વારસ પુત્રના એ પિતા બન્યા હતા. આ પ્રસંગ મહાન ઉત્સવરૂપે ઊજવવા સ્વામીજીને ખેતડી તેડી આવવા રાજાએ પોતાના અંગત મંત્રી જગમોહનલાલને મદ્રાસ મોકલ્યા. ઉત્સવ પૂરો થયા બાદ જગમોહનલાલ સ્વામીજીને વળાવવા મુંબઈ સુધી તેમની સાથે ગયા. તેમણે સ્વામીજીની બીજા વર્ગની ટિકિટ પ્રથમ વર્ગમાં ફેરવી નાખી અને તેમને રેશમી વસ્ત્રો અને અન્ય પોષાક અપાવ્યો. મદ્રાસથી આલાસિંગા સ્વામીજીનો સરસામાન લઈ મુંબઈ આવ્યા અને સ્વામીજીનો પ્રવાસ સુખદ બને તે માટે તેમણે બધી વ્યવસ્થા કરી. સ્વામીજીનું હૃદય પોતાના પ્રિય શિષ્યનો પ્રેમ જોઈ દ્રવી ઉઠ્યું. પોતાના ગુરુદેવની સુખસગવડ માટે તેઓ તનતોડ પરિશ્રમ ઉઠાવી રહ્યા હતા. સિસ્ટર દેવમાતા સમક્ષ આ સમયનાં સંસ્મરણો તાજાં કરતાં આલસિંગા કહે છે : ‘જૂનના ચોથા સપ્તાહમાં મુંબઈથી સ્વામીજીએ સાગર-પ્રસ્થાન કર્યું.’ મુંબઈમાં અમે સૌ સાથે હતા ત્યારે અમે તેમને કહ્યું : સ્વામીજી, તમે અમેરિકા જાઓ છો, ત્યાં સમય ખૂબ કીમતી ગણાય છે. એટલે તમારી પાસે એક ઘડિયાળ હોવી જોઈએ. ‘ભલે મારે માટે એક ખરીદી આપો.’ આ તેમનો તત્ક્ષણ જવાબ હતો. ‘તમારી પાસે થોડાં વીઝીટીંગ કાર્ડ્સ પણ હોવાં જોઈએ.’ ‘બહુ સારું. એકસો છપાવી લો.’ એ વખતે સચ્ચિદાનંદના નામે તેઓ ઓળખાતા હતા. પરંતુ જ્યારે મેં પૂછ્યું, ‘કાર્ડ્સમાં ક્યું નામ છપાવવું છે?’ તેમણે જવાબ આપ્યો : ‘સ્વામી વિવેકાનંદ!’ પહેલી જ વાર તેમણે આ નામ વાપર્યું હતું. (પછીની શોધ પ્રમાણે સ્વામીજીએ આ નામ પહેલા પણ વાપર્યું હતું – સહ સંપાદક) તેમણે મુંબઈમાં યુરોપિયન પોષાક સિવડાવ્યો. જ્યારે તે ઘેર આવી ગયો કે તરત જ તેમણે તે પહેર્યો. તેમાં તેઓ ભવ્ય દેખાતા હતા. તે પછી અમે કૂક કંપનીમાં પરિપત્ર નોંધો લેવા ગયા. તે પછી નવી ઘડિયાળ ખરીદવા ગયા. પરિપત્ર નોંધો અને ગ્લેડસ્ટોન બેગનો આ અનુભવ સ્વામીજી માટે પહેલવહેલો હતો.

આખરે ૩૧મે ૧૮૯૩નો વિદાયદિન આવી પહોંચ્યો. આલાસિંગાને પોતાના મહાન ગુરુદેવથી વિખૂટા પડવું પડ્યું. સ્ટીમર પેનીનસ્યુલર ઉપર તેમનાં પવિત્ર ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરતાં તેમની આંખોમાંથી આંસુધારા ગાલ ઉપર વહી રહી અને એક પણ શબ્દ તે ઉચ્ચારી શક્યા નહિ. સ્વામીજી ડેક ઉપર પોતાના પ્રિય શિષ્ય અને માતૃભૂમિ તરફ બધું દેખાતું બંધ ન થયું ત્યાં સુધી ઊભા રહ્યા.

આલાસિંગા ઉપર સ્વામીજીના પત્રો : વખતસર મદદ અને રાષ્ટ્રીય જાગૃતિ

આલાસિંગા પેરુમલ ઉપર સ્વામી વિવેકાનંદે લખેલા અનેક પત્રો દ્વારા તે બંને વચ્ચે જે અદ્ભુત સંબંધો હતા તેનો આપણને ખ્યાલ આવે છે. ગુરુને ખાતર શિષ્ય પોતાના જીવનને હોડમાં મૂકવા તૈયાર હતો અને ગુરુ તેમના શિષ્યમાં હિંમત, વિશ્વાસ અને સંગઠન શક્તિ સીંચવા મથતા હતા. આ પત્રો અને આલમોરાથી કોલંબો સુધીનાં તેમનાં પ્રવચનોએ જ હજારો યુવાનોને અનુપ્રેરિત કર્યા અને તે પ્રેરણા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પરિણમી. આલાસિંગાને સ્વામીજી તરફથી એકતાલીસ પત્રો મળ્યા, જેમાંના ઘણાખરા અમેરિકાથી લખેલા હતા.૧૦ સ્વામીજીએ એક જ વ્યક્તિને લખેલા પત્રોમાં આ સંખ્યા સૌથી વધુ છે. આ પત્રોમાંથી આલાસિંગામાં તેમને કેવો અડગ વિશ્વાસ હતો અને અમેરિકામાં સ્વામીજીની સફળતા માટે આલાસિંગાની વખતસરની કાર્યવાહીએ કેવી રીતે માર્ગ મોકળો કર્યો તેનો આપણને ખ્યાલ આવે છે.

જાપાનની પ્રશંસા કરતાં સ્વામીજીએ લખ્યું:

‘જુઓ, કેવી રીતે રાષ્ટ્રો આગેકૂચ કરી રહ્યાં છે! તમે મનુષ્યને ચાહો છો? તમે તમારા દેશને ચાહો છો? તો આવો, આપણે વધુ ઊંચી અને વધુ સારી બાબતો માટે પુરુષાર્થ કરીએ : પાછળ નજર ન કરો. નહિ, નહિ, તમને સૌથી વધુ પ્રિય અને અતિ નિકટ હોય તેમને રડતાં જુઓ તો પણ નહિ -પાછળ ન જુઓ, પણ આગે બઢો!… ભારત દેશ પોતાના ઓછામાં ઓછા એક હજાર યુવાન માનવીઓનું બલિદાન માગે છે – માનવીઓનું ધ્યાન રાખો, નહિ કે પશુઓનું – મદ્રાસ કેટલા નિ:સ્વાર્થ માનવીઓ જીવન અને મૃત્યુ પર્યંત કમર કસીને પુરુષાર્થ કરવા તત્પર માનવીઓ, નવા સમાજનું નિર્માણ કરવા તત્પર, ગરીબો પ્રત્યે સહાનુભૂતિ ભૂખ્યાં મુખોને રોટી – આમ લોકોને આપે તેવા માણસો પૂરા પાડવા તૈયાર છે?’૧૧

શિયાળો આવી રહ્યો હતો, નાણાં ક્ષીણ થતાં જતાં હતાં, ધર્મોની વિશ્વપરિષદના પ્રારંભને એક માસ આઘો હતો અને સ્વામીજીની મદદ કરે તેવા કોઈ મિત્રો હતા નહિ. આવા કટોકટીભર્યા સંજોગોમાં સ્વામીજી આલાસિંગાને લખે છે :

‘અહીં મારે જે ખર્ચ કરવો પડે છે તે ભયંકર છે. તમને યાદ હશે કે, તમે મને ૧૭૮ પાઉન્ડની નોટો અને ૯ પાઉન્ડ રોકડા આપ્યા હતા. તમને આ પત્ર મળશે ત્યાં સુધીમાં મારી પાસેની આ રકમ આશરે ૬૦ થી ૭૦ પાઉન્ડ સુધી નીચે આવી ગઈ હશે. એટલે મને થોડી રકમ મોકલવા બનતું બધું કરો…. અને ઠંડી કે રોગ કે ભૂખમરાથી હું મરી જાઉં તો પણ તમે આ વિકટ કાર્ય ઉપાડી લો… જો તમે મને અહીં રાખવા માટે જરૂરી રકમ ન મોકલી શકો તો આ દેશમાંથી નીકળી જવા પૂરતાં થોડાં નાણાં મોકલો… તે દરમિયાનમાં મારા સંયોગ સુધરે તેવું કંઈ પણ બનશે તો હું તમને લખીશ કે ટેલિગ્રામ કરીશ.’૧૨

આ પત્ર મળ્યાને હજુ થોડા દિવસો વીત્યા નહિ હોય ત્યાં નાણાં એકઠા કરવા દોડાદોડી કરતા આલાસિંગાને સ્વામીજી તરફથી એક ટેલિગ્રામ મળ્યો:

‘ભૂખે મરું છું, બધાં નાણાં ખર્ચાઈ ગયાં છે, ઓછામાં ઓછા પાછા ફરવા પૂરતાં નાણાં મોકલો.’૧૩

આલાસિંગા રડવા લાગ્યા. તેમને થયું કે, ભૂખ અને તરસથી એક મહાન સંન્યાસીને દુ:ખી કરવામાં પોતે કોઈ અક્ષમ્ય ગુનો તો નથી કર્યોને? પોતાની ટૂંકી દૃષ્ટિ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આખરે તેમના મિત્ર કલ્યાણરામ આયર પાસે તેઓ પહોંચી ગયા અને એક હજાર રૂપિયાની તેમણે લોન લીધી. પોતાના પગારમાંથી એકસો રૂપિયા ઉમેરી તેમણે એક હજાર એકસો રૂપિયાનો એક્સપ્રેસ મનીઓર્ડર કર્યો. પ્રો. વિલિયમ મિલરે પણ યુનાઈટેડ સ્ટેટ્સમાં પોતાના મિત્રોને પત્ર પાઠવીને સ્વામીજીને મદદ કરવા લખ્યું. આલાસિંગાએ પોતાનો કે પોતાના કુટુંબનો કદીય વિચાર ન કર્યો. પરંતુ બહુ થોડા સમયમાં સ્વામીજીનો બીજો પત્ર આવ્યો. તેમણે લખ્યું:

‘મારી એક ક્ષણની નિર્બળતાને કારણે તમારે અત્યંત કષ્ટ ઉઠાવવું પડ્યું હશે તે બદલ હું દિલગીર છું. તે સમયે મારાં ખિસ્સાં ખાલી થઈ ગયાં હતાં. તે પછી પ્રભુએ મને મિત્રો મોકલી આપ્યા છે.’૧૪

એ જ પત્રમાં સ્વામીજીએ વિશ્વધર્મ પરિષદ વિષે વિસ્તારથી વર્ણન કર્યું હતું :

“….બીજે જ દિવસે બધાં અખબારોએ જાહેર કર્યું કે મારું પ્રવચન તે દિવસમાં સર્વશ્રેષ્ઠ હતું. અને સમગ્ર અમેરિકામાં હું જાણીતો થઈ ગયો…. તે દિવસથી હું નામાંકિત વ્યક્તિ બની ગયો. હવે અભાવમાંથી હું નીકળી ગયો છું. શહેરનાં સુંદરમાં સુંદર ભવનો મારા નિવાસ માટે ખૂલી ગયાં છે.”

સ્વામીજીની આ લોકપ્રિયતાએ ખ્રિસ્તી પાદરીઓમાં અનેક દુશ્મનો ઊભા કર્યા. એટલે તેમણે આલાસિંગાને વિનંતિ કરી કે, મદ્રાસમાં એક જાહેર સભા ભરી તેમાં એક ઠરાવ પસાર કરાવવો કે, તેઓ અમેરિકા હિંદુ ધર્મના એક અધિકૃત પ્રતિનિધિ તરીકે આવ્યા છે અને ભારતીય જનસમાજનો તેમને ટેકો છે.

સ્વામીજીનો તા. ૯ એપ્રિલ, ૧૮૯૪નો પત્ર તેમને મળ્યો તે પહેલાં જ આલાસિંગાએ પચ્ચીઆપ્પા કૉલેજમાં ૨૮ એપ્રિલ, શનિવારના રોજ એક જાહેર સભા ભરવાનું આયોજન ક્યારનુંય કર્યું હતું. દીવાન બહાદુર એસ. સુબ્રહ્મણ્ય ઐયર અધ્યક્ષપદે હતા અને હાજર રહેલા અનેક જનોમાં રાજા સર એસ. રામસ્વામી મુડાલિયર Kt. C.I.E. શ્રી સુંદરામાં ઐયર બી.એ., બી.એલ. અને શ્રી મન્મથ ભટ્ટાચાર્ય જેવા અગ્રણી નાગરિકોય હતા. રામનદના રાજાએ તારથી પોતાનો ટેકો જણાવ્યો. ત્રણ ઠરાવો મદ્રાસની અને મદ્રાસ બહારની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ટેકા સાથે રજૂ કરવામાં આવ્યા. પ્રથમ ઠરાવ દ્વારા પાર્લમેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને હિંદુ ધર્મનું વિશદ વિવરણ કરવા બદલ સ્વામી વિવેકાનંદનો આભાર માનવામાં આવ્યો, બીજા ઠરાવ દ્વારા સ્વામીજીનું ઉષ્માભર્યું અને સદ્ભાવપૂર્ણ સ્વાગત કરવા બદલ અમેરિકાના લોકોનો આભાર માનવામાં આવ્યો. ત્રીજો ઠરાવ ઉપરોક્ત ઠરાવો વિશ્વધર્મ પરિષદના પ્રમુખ ડૉ. જે.એચ. બેરોઝન સભાના અધ્યક્ષને અને સ્વામીજીને ઠરાવની નકલો મોકલવા વિનંતિ રૂપે હતો.૧પ

મદ્રાસમાં મળેલી આ જાહેર સભાને લગતા સમાચાર હિંદુ મદ્રાસ, ઇન્ડિયન મિરર-કલકત્તામાં પ્રકાશિત થયા. પરંતુ અમેરિકન અખબારોમાં આ અહેવાલોની નોંધ લગભગ ત્રણ મહિને પ્રકાશિત થઈ હતી.

આલાસિંગા પત્રકાર રૂપે

અમેરિકામાં થયેલાં સ્વામીજીનાં પ્રવચનો પ્રકાશિત કરવા આલાસિંગા એક એવું સામયિક શરૂ કરવા ગંભીર રીતે વિચારતા હતા કે, જે હિંદુ ધર્મ વિરુદ્ધ થઈ રહેલા ખ્રિસ્તી પ્રચારનો રદિયો આપે અને શિક્ષિત નવયુવકોમાં ભારતીય ધર્મશાસ્ત્રોના અને શ્રીરામકૃષ્ણના પ્રેરક ઉપદેશોનો પ્રસાર કરે. આ સંદર્ભમાં સ્વામીજીએ ઉત્સાહ આપતાં લખ્યું:

‘કેટલીક બાબતો જરૂરી છે. પ્રથમ, ચુસ્ત પ્રમાણિકતા…. વ્યવસ્થિતતા અને હિસાબોમાં ચુસ્તતા…. (પાઈએ પાઈની નોંધ) બીજું, ધ્યેય પ્રતિ પૂર્ણ નિષ્ઠા. ‘બ્રહ્મવાદિન્‌’ને સફળ બનાવવા ઉપર જ તમારા મોક્ષનો આધાર છે એવી સમજ. આ સામયિકને જ તમારા ઈષ્ટદેવ બનાવો. પછી જોશો, કે સફળતા કેવી રીતે આવે છે.’૧૬

આલાસિંગાએ દિલ રેડીને અક્ષરશ: સ્વામીજીની આ આજ્ઞાનું પાલન કર્યું જીવન પર્યંત બ્રહ્મવાદિનના સંપાદન અને સંચાલનના કાર્યમાં તેમણે પોતાના હૃદય અને આત્માને રેડી દીધાં. તે દિવસોમાં અંગ્રેજી ભાષામાં “બ્રહ્મવાદિન્‌’ પ્રથમ અને અગ્રગણ્ય ભારતીય માસિક પત્રિકા બની. દાર્શનિક ઝોકવાળું તે ધાર્મિક મેગેઝીન હતું. તેને માટે વાચકો અને ગ્રાહકે મેળવવા અને તેને લોકપ્રિય બનાવવા અડગ સંકલ્પ અને અદમ્ય ઉત્સાહ જરૂરી હતા. પરંતુ આ વિકટ કાર્ય આલાસિંગાએ સફળતાપૂર્વક કર્યું દિવસ-રાત તેઓ લખવાનું, સંપાદનકાર્ય કરવાનું, સરનામાં ચોટાડવાનું, ટિકિટ ચોટાડવાનું અને રવાનગી કરવાનું કાર્ય અવિરતપણે કર્યા કરતા. અમેરિકા અને ઇંગ્લેન્ડથી પણ ઘણાં લવાજમો આવ્યાં. હેતુ પ્રત્યેની આલાસિંગાની અનન્ય નિષ્ઠાને લઈને ૧૮૯૭-૯૮માં ગ્રાહકોની સંખ્યા ત્રણ હજાર પાંચસો સુધી પહોંચી ગઈ. ટૂંક સમયમાં જ મેગેઝીને સારી પ્રતિષ્ઠા જમાવી. વિવિધ ભારતીય ધર્મશાસ્ત્રોમાંથી અંગ્રેજી ભાષાંતર એમાં હપ્તાવાર પ્રકાશિત કરવામાં આવતાં. તેમાં શંકરનાં સ્તોત્રો, બ્રહ્મસૂત્રના અંશો, શ્રીયમુનાચાર્ય વિરચિત-સ્તોત્ર-રત્ન, શ્રીરામાનુજનું ગીતાભાષ્ય, સદાશિવ બ્રહ્મેન્દ્રનાં આત્મવિદ્યા વિલાસ અને ક્યાન્ટાનું “લા-ફિલોસોફિક”નો સમાવેશ કરાયો હતો. ભારતીય લેખકો ઉપરાંત પરદેશોમાંથી અનેક નામાંકિત વિદ્વાનો લેખો મોકલતા. સ્વામી અભેદાનંદ, સ્વામી નિર્ભયાનંદ, સ્વામી રામતીર્થ, કર્નલ સ્મટ્સ, મેક્સમૂલર, પૉલ ડાયસન કાકુસા ઓકાકુરા, બ્રજેન્દ્રનાથ શીલ અને અન્યનાં નામ એમાં નોંધપાત્ર છે. ‘બ્રહ્મવાદિન્‌’થી અત્યંત પ્રભાવિત થઈને મેક્સમૂલરે આલાસિંગા પેરુમલને વેદાંત ઉપરના નિબંધો પુસ્તક આકારે પ્રકાશિત કરવા સૂચન કર્યું. ‘બ્રહ્મવાદિનમાંથી કેટલાક મનપસંદ નિબંધોં’ નામના પ્રસ્તાવિત પુસ્તકની મેક્સમૂલરે પ્રસ્તાવના લખી. ૧૯ ઓક્ટોબર, ૧૮૯૮ના રોજ તે લખાઈ હતી. ઓક્સફર્ડથી રવાના કરેલી તે છેક જાન્યુઆરી ૧૯૦૯માં પ્રો. મેક્સમૂલરના અવસાન બાદ જ દુર્ભાગ્યે પ્રસિદ્ધ થઈ શકી. તદુપરાંત આલાસિંગા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય અનેક મેગેઝીનોનું પ્રકાશન કરવામાં કે તેમાં સહાય કરવામાં સક્રિય હતા. આલાસિંગાના સૂચનથી અને ડૉ. નાન્જુન્દા રાવના ટેકાથી ‘પ્રબુદ્ધ ભારત’ શરૂ કરવામાં આવ્યું. બ્રહાવાદિન પ્રેસમાં, ‘ઈન્ડિયા’ નામનું એક સ્વદેશાભિમાની જર્નલ પણ છપાતું. જ્યારે બ્રિટિશ સરકાર ઈન્ડિયાને જપ્ત કરવાની તૈયારીમાં હતી ત્યારે તેને જીવંત રાખવા માટે આલાસિંગા પેરુમલે બીજું પ્રેસ ઊભું કર્યું હતું. ઈન્ડિયા અને ‘બાલ ભારતી’ ત્યાં છપાતાં. બ્રિટિશ સરકારની હેરાનગતિને કારણે આ મેગેઝીનોનો વધુ ફેલાવો થયો નહિ. ત્યાર બાદ તે બંનેનું મુદ્રણકાર્ય પોંડીચેરીમાં થાય તેવી ગોઠવણ આલાસિંગાએ કરી હતી.

શરૂઆતના વર્ષમાં, આલાસિંગાના મેધાવી બનેવી પ્રો. એમ. રંગાચાર્યે ‘બ્રહ્મવાદિન્‌’માં નિયમિત લેખો આપ્યા હતા. જી. જી. નરસિંહાચાર્ય, આર. એ. કૃષ્ણમાચાર અને અન્ય મિત્રોએ આલાસિંગાને વ્યવસ્થાકાર્ય અને પ્રસારકાર્યમાં મદદ કરી હતી. પરંતુ ૧૯૦૯માં પોતાના અવસાન પહેલાંનાં ચાર વર્ષો દરમ્યાન આલાસિંગાએ એકલે હાથે ‘બ્રહ્મવાદિન્‌’ની જવાબદારી ઉપાડી હતી. તેમના અવસાન પછી ૧૯૧૪માં તે બંધ થયું ત્યાં સુધી બીજાં પાંચ વર્ષો તેમના પુત્રોએ પ્રકાશનનો કાર્યભાર સંભાળ્યો.

આલાસિંગા એક શક્તિશાળી લેખક, વિચારક અને વિદ્વાન પંડિત હતા. એ ઘણા વહેવારપટુ અને કર્મઠ હતા. પોતાના ગુરુમાં તેમની શ્રદ્ધા પૂર્ણ હતી અને સ્વામી વિવેકાનંદના આદર્શોને મૂર્તિમંત કરવા તેઓ સખ્ત મહેનત લેતા હતા. ભારત અને અમેરિકાનાં અખબારોમાં પોતાના અમૂલ્ય જોશીલા લેખો દ્વારા ભારતના ખ્રિસ્તી મિશનરીઓના હુમલાઓથી પોતાના ગુરુનો બચાવ જો કોઈએ કર્યો હોય તો મોટા ભાગે આલાસિંગા હતા.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી યશસ્વીભાઈ ય. મહેતા

સંદર્ભ અને નોંધ

૭          શ્રી મહાપુરુષજીર પત્રાવલી (બંગાળી) (કલકત્તા, ઉદ્‌બોધન ઓફિસ, પાનું ૩૮)

૮          સ્વામી વિવેકાનંદે ખરેખર મુંબઈથી ૩૧ મે ૧૮૯૩ના રોજ સાગરયાત્રાનો પ્રારંભ કર્યો.

૯          સિસ્ટર દેવમાતા કૃત ‘શ્રીરામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાઈપલ્સ’ (લા ક્રેસન્ટા કેલીફ આનંદ આશ્રમ, પાનું ૧૬૭)

૧૦        ઉદ્‌બોધન (બંગાળી) કલકત્તા, જુલાઈ-ઓગષ્ટ ૧૯૬૩, પાનું ૩૮૦

૧૧         સ્વામી વિવેકાનંદના પત્રો (કલકત્તા : અદ્વૈત આશ્રમ ૧૯૮૧, પાનું ૩૭)

૧૨        – તે – જ – પાનું ૩૮, ૩૮, ૪૫.

૧૩        સ્વામી વિવેકાનંદ, આલાસિંગા પેરુમલ (કન્નડ) પાનું ૫૪

૧૪        સ્વામી વિવેકાનંદના પત્રો (કલકત્તા : અદ્વૈત આશ્રમ ૧૯૮૧, પાનું ૫૩-૫૪)

૧૫        શૈલેન્દ્રનાથ ધર કૃત સ્વામી વિવેકાનંદની સર્વગ્રાહી જીવન-કથા (વિવેકાનંદ કેન્દ્ર પ્રકાશન ૧૯૭૪, પાનું ૬૩૨)

૧૬         કમ્પલીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા અદ્વૈત આશ્રમ, ૧૯૮૯) ગ્રંથ -૫, પાનું ૧૧૧

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.