(ગતાંકથી ચાલુ)

મદ્રાસમાં સ્વામી વિવેકાનંદનું વિજયાગમન

સ્વામીજીએ ડેટ્રોઈટમાં એક વાર તેમના મિત્રોને કહેલું : ‘ભારત મને સાંભળશે! ભારતને તેના પાયામાંથી હું હચમચાવી નાખીશ! ભારત મારું વિજય-સ્વાગત કરશે.’ ૧૭ અને સાચે જ, એક વિજયી નેતાની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કોલંબોથી આલમોરા, દક્ષિણના અંતિમ છેડાથી ઉત્તરના અંતિમ છેડા સુધી સર્વત્ર તેઓનો એક વિજેતાના જેવો જ ભવ્ય સત્કાર કરવામાં આવ્યો. ભારતના ઇતિહાસમાં એક સંન્યાસીનું આવું સ્વાગત અપૂર્વ હતું. મદ્રાસમાં તેમનું સ્વાગત પ્રચંડ હતું, સહેજ પણ કમ નહિ અને આ ઉત્સાહ અને આયોજન માટેનો બધો યશ આલાસિંગા પેરુમલ અને તેમના મિત્રોને ફાળે જાય છે.

૨૧ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ આલાસિંગાએ કેસલ કેનનમાં એક પ્રાથમિક બેઠક બોલાવી હતી.૧૮ સ્વામીજી મદ્રાસ આવે ત્યારે તેમનું સમુચિત સ્વાગત થાય તે માટેનાં જરૂરી સાધનો અને વ્યવસ્થાતંત્રની વિચારણા કરવામાં આવી. ૧૪ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ વિવેકાનંદના કોલંબોમાં આગમનના સમાચાર મળતાં એક બીજી બેઠક બોલાવવામાં આવી અને સ્વાગત સમિતિની રચના કરવામાં આવી. મદ્રાસના હિંદુસમાજમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતા મહાનુભાવોની બનેલી સ્વાગત સમિતિ રચવામાં આવી-માનનીય જસ્ટિસ સુબ્રમણ્ય ઐયર આ સમિતિના અધ્યક્ષ હતા. પરદેશોમાં સનાતન ધર્મની પ્રતિષ્ઠા, વિશદ આલોચના અને છણાવટ કરવામાં સ્વામીજીની સિદ્ધિઓનાં વિવિધ પાસાં રજૂ કરતી લઘુ પત્રિકાઓ છપાવવામાં આવી અને બધી જગ્યાએ તે વ્યાપક રીતે વહેંચવામાં આવી. શહેરના વિવિધ ભાગોમાં સત્તર જેટલી વિજય કમાનો ઊભી કરવામાં આવી. ‘પ્રબુદ્ધ ભારતના સ્વામી વિવેકાનંદને હાર્દિક અભિનંદન!’ ‘શાંતિના પયગંબર ભલે પધાર્યા!’ ‘રામકૃષ્ણના પનોતા પુત્ર ભલે પધાર્યા!’ ‘માનવજાતના પાટવીપુત્ર સુસ્વાગતમ્!’ અને ‘એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ’ જેવાં સૂત્રોવાળા આલેખો એગ્મોર રેલવે સ્ટેશનથી કેસલ કેનન સુધીના રસ્તાઓને સુશોભિત કરતા હતા. વિવિધ સ્થળોએ સ્વામી વિવેકાનંદનાં ચિત્રાંકનો તેમની સૂચિત આગમનતિથિની જાણ કરતાં પ્રદર્શિત કરવામાં આવ્યાં.

મદ્રાસમાં સ્વામીજી સાત દિવસ રહ્યા. ત્યાં સુધી સમગ્ર શહેરમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહ-ઉમંગની લાગણી દૃષ્ટિગોચર થતી હતી. ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માં હવે પ્રકાશિત થયેલાં વિવિધ પ્રવચનો અને વ્યાખ્યાનો સ્વામીજીએ મદ્રાસના સાગરકાંઠે આવેલા કેસલ કેનનમાંના તેમના મુકામ દરમિયાન જ આપ્યાં હતાં. સ્વામીજી આ સમયે તેમના સામર્થ્યના શિખરે હતા. આલાસિંગા પેરુમલ અને અન્ય સહયોગીઓ દ્વારા આયોજિત કાર્યક્રમ સંપૂર્ણપણે પાર પાડવામાં આવ્યો. જેમાં ટ્રીપ્લીકેન લિટરરી સોસાયટીમાં તેમની મુલાકાત અને પ્રવચનનો સમાવેશ થઈ જાય છે.

તેમના વિદાયદિને સવારના આઠ વાગ્યા પહેલાં જો કે સ્વામીજીના સ્ટીમરના ડક્કા ઉપર આવવાની ધારણા ન હતી. તેમ છતાં વહેલી સવારથી હજારોની સંખ્યામાં લોકો સૂર્યોદય પહેલાં જ ત્યાં ઉભરાવા લાગ્યા. ભાવુક આલાસિંગા પણ સ્વામીજીની સાથે સ્ટીમરના ફુરજા ઉપર આવ્યા. કલકત્તામાં રહેતા ગુરુ મહારાજના અન્ય શિષ્યોને મળવા અને શ્રીરામકૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લેવા તેઓ પણ સ્વામીજી સાથે કલકત્તા જતા હતા. સપ્તાહો સુધી અવિરત પ્રવચનોને લઈને પડેલા પરિશ્રમની અસર સ્વામીજીના સ્વાસ્થ્ય ઉપર વર્તાતી હતી. તે અંગે આલાસિંગા ચિંતિત હતા. ડોક્ટરોએ સ્વામીજીને પાણીને બદલે પુષ્કળ પ્રમાણમાં લીલા નાળિયેરનું દૂધ પીવાની સલાહ આપી હતી. તેથી સ્ટીમર માલવાહક જહાજ જેવી દેખાતી હતી. તુતક ઉપર હજારો નાળિયેરના ઢગ ખડકાયા હતા અને કદાચ સ્વામીજીની કેબીનમાં પણ નાળિયેરોના ઢગ હતા. તેઓ કલકત્તા જવા સ્ટીમર ઉપર ચડ્યા ત્યારે મદ્રાસના લોકોએ ભારે હૃદયે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના સાથે અલવિદા ફરમાવી.૧૯

આલાસિંગાનું શક્તિશાળી વ્યક્તિત્વ

‘નેતા જન્મે છે, બનાવાતા નથી.’ એમ એક વાર સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. આલાસિંગા નેતૃત્વના ગુણો સાથે જન્મ્યા હતા. સ્વામીજીને મળ્યા પહેલાં જ તેઓ યુવાનોના નેતા હતા. પરંતુ સ્વામીજીએ તેમને ઘડીને મદ્રાસ પ્રદેશના બીજા બધા નેતાઓમાં ચમકતા કરી દીધા. સમગ્ર પ્રદેશમાં જો કે આલાસિંગાની લોકપ્રિયતા વિસ્મયજનક જ હતી. પરંતુ મદ્રાસ શહેરમાં તો એમનો સમોવડીઓ બીજો કોઈ ન હતો. રામનદ, મૈસૂર અને ખેતડીના રાજવીઓ તેમના પ્રશંસકો હતા. મહાન બૌદ્ધિક તેમ જ ટોચના સરકારી અમલદારો તેમના મિત્રો હતા. સમાજનેતાઓથી માંડીને નિમ્ન વર્ગોના લોકો સુધી સૌ કોઈ જુદી જુદી બાબતોની સલાહ સંમતિ માટે તેમની પાસે આવતા. તેમની આવી જબરી લોકપ્રિયતા છતાંય તેઓ વિનમ્ર અને જરૂરતમંદો ખાતર પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર હતા.

મદ્રાસમાં પોસ્ટલ સેવાઓના ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલનું એક નવું ખાતું શરૂ કરવામાં આવ્યું હતું. એમાં ઘણી જગ્યાઓ પૂરવાની હતી. આલાસિંગા જેમની ભલામણ કરતા તેઓ અચૂક નિમાતા. તોય કેટલીક જગ્યાઓ ભરવાની બાકી હતી. આ વિષે ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ શ્રી દત્તાએ આલાસિંગાને લખ્યું, ‘હજુ કેટલીક જગ્યાઓ પુરાઈ નથી. તમારા તરફથી આવનાર અરજદારો માટે તે જગ્યાઓ અનામત રાખી છે.’૨૦

આલાસિંગાને નીચલા વર્ગોમાંથી આવતા લોકો માટે કૂણી લાગણી હતી. તેમની અતિ દુ:ખી દશા જોઈ પોતાના ગુરુને રડતા તેમણે જોયા હતા. એટલે કેટલીક વાર પોતાની લક્ષ્મણરેખા ઉપરવટ જઈને પણ તેઓ તેમના ઝઘડાઓનું સમાધાન કરાવતા અને તેમની મદદ કરતા. એક વખત એક હલકી જાતિના માણસે (તે વખતે હરિજન શબ્દ બહાર પડ્યો ન હતો) પાર્થસારથિ મંદિરને એક ગાય આપવાની માનતા રાખેલી. તે મુજબ તે એક સુંદર ગાય મંદિરના પૂજારી પાસે લાવ્યો. પરંતુ મંદિરના મહંતે તે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. ભગ્નહૃદયી હરિજને આલાસિંગાને વચ્ચે પડવા વિનંતી કરી. આલાસિંગા તો કરુણાના મુકુટમણિ હતા. હરિજન સાથે તેઓ મંદિરે ગયા. પૂજારીએ પોતે ઉચ્ચ વર્ગના સ્થાને બેઠેલા હોવાથી આલાસિંગાને પોતાની સ્થિતિ સમજાવી. આખરે, આલાસિંગાએ પૂછ્યું : ‘જો હું જ આ ગાયને આપું તો તમે તેને સ્વીકારશો?’ આ પ્રસ્તાવ તેમણે તત્કાળ સ્વીકારી લીધો. હરિજનની હાજરીમાં તેમણે ગાય પૂજારીને આપી. આલાસિંગાએ હરિજનને ગાયની કિંમત ચૂકવી દીધી અને હરિજનને આપી અને હરિજને આ બધી રકમ મંદિરની દાનપેટીમાં અર્પણ કરી અને પૂરેપૂરો સંતુષ્ટ થઈને ઘેર ગયો. આ પ્રસંગ આલાસિંગા પેરુમલની વ્યવહારદક્ષતા બતાવે છે. મંદિરની પરંપરાને તોડવી નહિ, સાથોસાથ જેઓ પોતાની મદદ માગવા આવે તેમને કદી નિરાશ ન કરવા.

આખરી દિવસો

આલાસિંગા પેરુમલના આખરી દિવસો કસોટીકાળના હતા. તેઓ નાના બાળક હતા ત્યારે જ એક બાળ-કન્યા શ્રીમતી રેંગમ્મા સાથે તેમનાં લગ્ન થયાં હતાં. આલાસિંગાની બધી મુશ્કેલીઓમાં તે સ્ત્રી પોતાના અંતિમ શ્વાસ સુધી તેમની પડખે ખડી રહી હતી. રેંગમ્મા તેના પરમેશ્વર અને પતિ પ્રતિ સંનિષ્ઠ હતી. તેઓ બ્રહ્મવાદિનનું પ્રકાશન, જાહેર સેવા અને પરિઅપ્પામાં શિક્ષણકાર્ય, કોઈ અંતરાય વિના, અવિરત ચાલુ રાખી શક્યા, તે બધું આ બાઈને આભારી હતું. વધુમાં, રામકૃષ્ણ મઠની બધી પ્રવૃત્તિઓને તે મદદનો હાથ આપી શક્યા. શ્રીમતી રેંગમ્મા ૧૯૦પમાં અવસાન પામ્યાં. પાછળ પાંચ બાળકો, પોતાનાં મા અને અન્યને છોડી ગયા. આલાસિંગાના શિરે કૌટુંબિક જવાબદારીઓ આવી પડી. સ્વામીજી પણ જુલાઈ ૧૯૦૨માં ચાલ્યા ગયા. આલાસિંગાને માટે તે જબરદસ્ત ફટકો હતો. આ જાણે ઓછું હોય તેમ રેંગમ્માના મૃત્યુ ઉપરાંત તેમના ડાબા જડબા ઉપરનું ગૂમડું કેન્સર છે એવું નિદાન થયું. ડો. નાન્જુન્દા રાવે તેમને અસહ્ય પીડામાં રાહત આપવા બનતું બધું કર્યું. અમેરિકાના મિત્રોએ પરદેશથી દવાઓ મોકલી. પરંતુ દુર્ભાગ્યે જ્યારે પાર્સલ ખોલવામાં આવ્યું ત્યારે બધી શીશીઓ ફૂટેલી જણાઈ. તેમનું દુ:ખ દૂર કરી શકાયું નહિ. છતાં આલાસિંગા દરેક કાર્યને ઈશ્વરસેવા ગણતા અને ઝૂંપડામાં વસતા ગરીબોની સેવા કરવાના અને જરૂરતમંદોને અન્ન અને ધન આપવાના કામમાંથી કદી ચલિત થયા ન હતા. કેન્સરનો જખમ વધુ મોટો થયો અને વધતાં વધતાં તેમના ગાલમાં મોટું બાકોરું પડી ગયું. તેઓ અનાજ સુદ્ધાં લઈ શક્તા નહિ. ડૉ. નાન્જુન્દા રાવ તેમના ઘાને સાફ કરવા અને દવા લગાડી પાટો બાંધવા એક નિયતક્રમના ભાગરૂપે દરરોજ આવતા અને આખરે જ્યારે પીડા અસહ્ય બની ગઈ ત્યારે તેમને ઓરડામાં જ રહેવા તેમણે ચેતવણી આપી. પરંતુ આવી દશામાં પણ તેમની પાસે મદદ માંગવા આવતા ઝૂંપડાવાસીઓ વચ્ચેના ઝઘડા શમાવવાનો ઇન્કાર આલાસિંગા કરી શક્તા નહિ. પોતાના જખમ ઉપર હાથ રાખીને તેઓ તેમની પાસે જતા અને તેમને સ્વીકાર્ય ઉકેલ શોધી આપતા અને પછી પોતાના ઓરડામાં પાછા ફરતા.

‘એકેએક પ્રાણીમાં ઈશ્વરને જુઓ અને દરેક પ્રાણીમાં રહેલા ઈશ્વરની સેવા કરો.’ સ્વામી વિવેકાનંદના આ ઉપદેશનું આલાસિંગા અક્ષરશ: અને પૂરા હૃદયથી પાલન કરતા રહ્યા હતા. સ્વામીજીએ ઉપદેશેલ કર્મયોગની તેઓ જીવંત મૂર્તિ હતા. તેમના જીવનમાં આવી અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરીને ૧૧ મે ૧૯૦૯ના રોજ આ મર્ત્યદેહનો ત્યાગ કરી તેઓ અમરતાને વર્યા. તેમની વય આ વખતે ચુંમાલીસ વર્ષની હતી. આલાસિંગાની વૃદ્ધ માતાજી તેમની પાછળ જીવતાં રહ્યાં હતાં. ચાર દીકરા હજુય નાના હતા અને તેમની એકની એક દીકરી સદ્ભાગ્યે પરણી ગઈ હતી. આલાસિંગા નિર્ધન અને દેવાદાર મર્યા. કારણ કે તેઓ ઉચ્ચ સિદ્ધાંતોનું પાલન કરનાર હતા. ઘણા સમય પહેલાં સ્વામીજીના એક ધનિક શિષ્યે તેમને રૂપિયા એક લાખ આપવાની દરખાસ્ત કરી હતી. ભગિની નિવેદિતાએ આલાસિંગાને તાર દ્વારા જાણ કરી. અર્ધા કલાક સુધી આ ભેટ વિષે આલાસિંગાએ વિચાર કર્યો અને તાર દ્વારા જવાબ પાઠવ્યો કે, આવી શુભેચ્છા દર્શાવવા બદલ તેઓ આભારી છે. પરંતુ તેઓ આ રકમ સ્વીકારશે નહિ.૨૧ સ્વતંત્રતા માટેનો તેમનો પ્રેમ આવો હતો.

આલાસિંગાના વફાદાર મિત્રો અને રામકૃષ્ણ મઠે બ્રહ્મવાદિન્ પ્રેસનાં દેવાં ભરપાઈ કરવામાં તેમના કુટુંબને સહાય કરી, તેમનાં બાળકોને સમુચિત કેળવણી મળે તેવો પ્રબંધ કર્યો. અનેક દૈનિકો અને સામયિકોએ આલાસિંગાને અનેક ક્ષેત્રોમાં તેમના અપૂર્વ યોગદાન બદલ તેમની પ્રશસ્તિ કરી શ્રદ્ધાંજલિ આપી. જૂન ૧૯૦૯ના અંકમાં બ્રહ્મવાદિને ટૂંકમાં તેમના જીવનની રૂપરેખા આપી અને લખ્યું : ‘તેમના મરણથી સ્વાભાવિક રીતે જ મદ્રાસ અને ભારતના અન્ય ભાગોમાં વસતા તેમના મિત્રો ઊંડા દુ:ખ અને શોકમાં ડૂબી ગયા છે અને તેમના અવસાનથી સહેલાઈથી ભરી ન શકાય તેવો શૂન્યાવકાશ સર્જ્યો છે.’ ‘એંગ્લો-ઇન્ડિયન ડેઈલી’ અને ‘મદ્રાસ મેઈલે’, આલાસિંગાને પોતાના ભોગે રામકૃષ્ણ મિશનનું સેવાકાર્ય કરવા બદલ અને તેના દ્વારા લોકોનું ધાર્મિક અને નૈતિક શિક્ષણ કાર્ય માટે શ્રદ્ધાંજિલ આપી.૨૨

‘હિંદુ’એ સ્વામી વિવેકાનંદને અમેરિકા મોકલવા ફાળો ભેગો કરવામાં આલાસિંગા પેરુમલની મહાન સિદ્ધિને બિરદાવી અને એક અગ્રીમ ધાર્મિક મેગેઝીન તરીકે બ્રહ્મવાદિનની સફળતા માટે, તેમ જ વિવેકાનંદ મિશનના કાર્યને આગળ વધારવા માટે તેમના મક્કમ ટેકા બદલ પ્રશસ્તિ કરી અને લખ્યું : ‘સેવા તેમનો મુદ્રાલેખ હતો અને સંકટ તથા મુશ્કેલીઓ સમયે જે કોઈએ તેમની પાસે મદદ માગી તે તેમણે કોઈ આનાકાની વિના આપી હતી.’ ૨૩

‘ધી ઇન્ડિયન રિવ્યુ’ અને ‘પ્રબુદ્ધ ભારતે’ પણ તેવી જ રીતે શ્રદ્ધાંજલિ આપી. દેશપ્રેમી તામિલ કવિ સુબ્રમન્ય ભારતીએ પોતાના જર્નલ ‘ઈન્ડિયા’માં લખ્યું: ‘૧૧ મે, ૧૯૦૯ના રોજ ટ્રીપ્લીકેન મુકામે આલાસિંગાના થયેલા અવસાનના દુ:ખદ સમાચાર અમને બીજે જ દિવસે મળ્યા હતા. દેશપ્રેમીઓ બે પ્રકારના હોય છે. એક પ્રકારના તો એ છે કે, જેઓ ખુલ્લા મેદાનમાં આવીને કાર્ય કરે છે અને બીજા પ્રકારના એ કે જેઓ નામયશની દરકાર વિના નેપથ્યમાં રહીને બીજી જાતનો પુરુષાર્થ કરે છે. આ બીજા પ્રકારનો દેશપ્રેમ પ્રથમના કરતાં વધુ આદરપાત્ર ગણાવો જોઈએ. સ્વર્ગસ્થ આલાસિંગા આવા બીજા પ્રકારના દેશભક્ત હતા.’૨૪

ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ કે. મહેતા

સંદર્ભ અને નોંધ

૧૭. શૈલેન્દ્રનાથ ધર opcit, પાનું ૮૫૬
૧૮. -તે-જ- પાનું ૮૭૬
૧૯. સ્વામી વિવેકાનંદ ઈન ઈન્ડિયન ન્યૂસપેપર્સ, પાનું ૭૧૨
૨૦. એલ.એન. શાસ્ત્રી કૃત ‘આલાસિંગા પેરુમલ’ ૧૩૦-૧૩૫
૨૧. વેદાંત કેસરી ડિસેમ્બર ૧૯૪૧, પાનું ૩૦૨
૨૨. બ્રહ્મવાદિન્ જૂન ૧૯૦૯, પાનું ર૬૯-૨૭૦, ૨૭૨
૨૩. એજન
૨૪. વેદાંત કેસરી ડિસેમ્બર ૧૯૪૧, પાનું ૩૦૩-૩૦૪

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.