અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે,

કોમળા અક્ષરોમાં લખેલી;

વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે,

વાદળીપિચ્છમાં આળખેલી.

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

પંખીની હારમાં, સરિતની ચાલમાં,

સિન્ધુના ઊછળતા જળતરંગે,

એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણિમાં,

તારકાં કિત નિશાને ઉછંગે.

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

તરણ જનની કૂખે, બાલક મુખે,

સ્મિત પીંછીથી રચી પ્રણયરૂપી;

મૃત્યુની લેખાણે વૃદ્ધ રોગી તણે

મુખ લખી કારુણી એ અછૂપી.

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

ઊલટતા નાશમાં, પલટતી આશમાં

અગનઝાળે ગૂંથી ચીપીચીપી;

ભૂત ને ભાવિના ભવ્ય ભાવાર્થમાં

ભભકતી અજબઘેરાં અમી પી.

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

– ઉમાશંકર જોષી

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.