વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી રહી છે. આકાશ તરફ નજર માંડું છું ત્યાં તો આકાશને ભાલે મેઘધનુષનું તિલક જોવા મળે છે. મેઘધનુષ, સાત રંગોનો બનેલો એ પટ્ટો સૌ કોઈનાં મન હરી લે છે. વિવિધતામાં એકતાનાં દર્શન થાય છે.

એ જ સાંજે ફરતો ફરતો એક બાગમાં જઈ ચડું છું. ફૂલોના એ વૈભવને નિહાળીને! ધરતી પણ એ જ, પાણી પણ એ જ, માવજત કરનાર માળી પણ એ જ અને છતાં ફૂલોના પ્રકાર અનેક, વિવિધ રંગનાં, નાનાં મોટાં પુષ્પો જોઈને પાગલ બની જવાય છે. ત્યાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે.

બાગમાંથી બહાર નીકળું છું ત્યાં તો અનેક સૂરોથી મઢેલું સુરીલું સંગીત કાને પડે છે. આનંદાશ્ચર્યમાં ડૂબી જાઉં છું. સુરો અનેક, વાદ્યો અનેક પણ સંગીત તો એક જ. અહીં પણ વિવિધતામાં એકતા જ જોવા મળે.

મંદિરોમાં સાંજની આરતીનો ઘંટારવ થઈ રહ્યો છે, મસ્જિદોમાં નમાજ ચાલી રહી છે, દેવળોમાં પ્રાર્થના થઈ રહી છે. પારસી અગિયારીમાં જરથોસ્તી ગાથા વંચાઈ રહી છે. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જાતિ અનેક, ધર્મો અનેક, પણ સર્વ ધર્મનો સાર એક, સર્વ ધર્મોનું તત્ત્વ પણ એક જ.

ઘેર પહોંચુ છું. ‘પ્રાર્થના મંજરી’ નામનું પુસ્તક ખોલું છું અને નજરે પડે છે સર્વધર્મ પ્રાર્થના.

ॐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોતમ ગુરુ તું,
બ્રહ્મ મજ્‌દ તું, યહ્‌વ શક્તિ તું,
ઈસુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું, ॐ તત્સત્

‘આશ્રમ ભજનાવલી’થી તો આપણે સૌ પરિચિત છીએ. એમાં સ્વ. કાકા સાહેબ કાલેલકર લખે છે, “સવારની પ્રાર્થનામાં અનેક દેવ-દેવીઓની ઉપાસના આવે છે.” ગાંધીજી કહેતા કે, ‘આ બધા શ્લોકો એક જ પરમાત્માની ઉપાસના કરવાનું શીખવે છે’. નામ-રૂપની વિવિધતા આપણને માત્ર સહિષ્ણુતા જ નહીં પરંતુ સર્વધર્મ સમભાવ વિશે પણ ઘણું જ શીખવે છે. એક દિવસ ગાંધીજીએ મને પૂછ્યું, “આજે તો આશ્રમમાં અધિકાંશ આશ્રમવાસી હિંદુ છે. એમ ન હોય અને મુસલમાન કે ખ્રિસ્તી કે અન્ય ધર્મના સભ્યોની સંખ્યા વિશેષ હોય તો?” મેં કહ્યું, “જે રીતે આપણે ભિન્ન ભિન્ન ધર્મના શ્લોકો લીધા છે, એ પ્રમાણે એમના શ્લોકોને પણ સ્થાન આપીએ!” ગાંધીજીએ કહ્યું, ‘એટલું જ નહીં, ગીતાની જગ્યાએ કુરાન અથવા તો બાઈબલને જ રાખી દેત. સર્વ ધર્મ સમભાવનો એ જ અર્થ છે.’ આશ્રમ ભજનાવલીના પાનાં ફેરવું છું અને નરસિંહના ભજન પર આંખો સ્થિર થાય છે. નરસિંહ મહેતા અનુભવની વાણી ભજનમાં ઉતારે છે અને ગાઈ ઊઠે છે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખદે
કનક કુંડલ વિષે ભેદ નહોયે,
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.

एकं सत्, विप्रा बहुधा वदन्ति । મંત્રમાં પણ નરસિંહ મહેતાનો ઉપરોક્ત ભાવ જ જોવા મળે છે. બધા જ ધર્મોનાં મૂળ તત્ત્વો એક હોવાથી બધા ધર્મો વચ્ચે સંવાદિતા છે એ તો હવે નિર્વિવાદ છે. ઉપનિષદો કહે છે,

गवाम् अनेक वर्णानाम् क्षीरस्यास्ति एकवर्णता क्षीरवत् पश्यते ज्ञानम् लिंगिनस्तु गवाम यथा ।

ગાયો અનેક રંગની હોય છે પણ તે સર્વનું દૂધ એક જ રંગનું ધોળું હોય છે, તેવી જ રીતે, સત્ય પ્રસિદ્ધ કરનારાઓ જુદા જુદા રૂપે સમજાવે છે. પણ તે સર્વના અંતરમાં સત્ય તો એક જ હોય છે.

પરબ્રહ્મનાં દિવ્ય લક્ષણોની વ્યાખ્યા વેદાંતની સંકલ્પના પ્રમાણે આપણને મળે છે તેમાં અને કુરાને આપેલી વ્યાખ્યામાં ગજબની સમાનતા જોવા મળે છે. વેદાંતની સંકલ્પના પ્રમાણે પરબ્રહ્મ સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ છે. પવિત્ર કુરાનમાં ઈશ્વર વિશેનાં તત્ત્વો આ પ્રમાણે છે.

1. God is HUQ – ઈશ્વર ‘હક્ક’ સત્ય છે.

  1. God is HAI and QAYYM . ઈશ્વર ‘હાઈ’ સજીવ અને ‘ક્વાયામ’ – શાશ્વત છે.
  2. God is JAMEEL ‘જામીલ’ સૌંદર્યનું સાક્ષાત સ્વરૂપ છે.

ઈસ્લામની પ્રાર્થના જે નમાજને નામે ઓળખાય છે, તેમાં હઠયોગનાં આસનો જેવાં જ આસનોનો સમાવેશ થયેલો છે. સંસ્કૃતમાં યોગનો અર્થ જ જોડાવું થાય છે. આત્માનું પરમાત્મા સાથે જોડાવું એ સૂફીવાદ અને અદ્વૈતવાદની પાયાની બાબતો છે.

ધર્મ-ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા નામના લેખમાં કે. હુસૈન જણાવે છે, ‘ઈસ્લામનું ધોરણ પણ વૈચારિક ભૂમિકાએ ઘણું જ ઊંચું છે. તેનું ધ્યેય સમાનતાનું છે’. માનવ જાતની સેવા દ્વારા ઈશ્વરની સેવાના ઈસ્લામના ઉપદેશથી સ્વામી વિવેકાનંદજી ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહેતા, “આજે આપણે ઈસ્લામી દેહની અને હિંદુ મનની ખાસ જરૂર છે.”

‘સાર્વત્રિક ભ્રાતૃભાવ અને ઈશ્વરની અદ્વિતીયતા, અદ્‌ભુતપણું રજૂ કરતી એક પવિત્ર ધીર, ગંભીર કુરાનમાંથી લીધેલી પ્રાર્થના નીચે પ્રમાણે છે.’

હે! અલ્લાહ! પરવર દિગાર, દયાનિધાન, તારો જય હો! કયામતના દિનના બાદશાહ! તને એકને જ અમે ભજીએ છીએ. અમે તારી પાસે જ મદદ માટે હાથ લંબાવીએ છીએ હે ખુદા! અમને સાચો સીધો માર્ગ બતાવ. તેં જેઓની ઉપર કૃપા કરી છે, એમને માર્ગે અમને દોરી જા. તેં જેમના ઉપર અવકૃપા કરી છે એમને માર્ગે ક્યારેય નહીં. (“The path of those whom thou hast favoured, not the path of those who earneth thy arnger.- સિરાતલ લજીન અન્ અમ્ત અલૈહિમ, ગેરિલ મગજુબૈ અલૈહિમ વહ લજ્જુ આલીન’.)

સાર્વત્રિક ભ્રાતૃભાવ અંગે બાઈબલમાં પણ કહ્યું છે, “આપણે સૌ ઘણાં હોવા છતાં એક જ રોટલાના ભાગીદાર હોવાથી શરીરે પણ એક છીએ.” આગળથી જતાં “ઈશ્વર કોઈને પક્ષપાત કરનાર નથી કોઈ યહૂદી કે ગ્રીક નથી, કોઈ સ્વામી કે ગુલામ નથી, કોઈ સ્ત્રી કે પુરુષ નથી. તમે સૌ ક્રાઈસ્ટ જિસસમાં એક જ છો.” એમ પણ કહેવામાં આવ્યું છે. આ રીતે સર્વધર્મ સમભાવ એ ધર્મમાત્રનો મુખ્ય આદર્શ છે.

‘સર્વ ધર્મોની તાત્ત્વિક એકતા’ નામના પુસ્તકમાં વિવિધ ધર્મોના સિદ્ધાંતો અને નીતિ નિયમો પણ કેટલા સમાન છે એનો આપણને ખ્યાલ આવે છે.

મનુસ્મૃતિ – અહિંસા, સત્ય, અસ્તેય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ આ ચાર વર્ણે પાળવાના ‘ધર્મ’ – નીતિ નિયમો મનુ ભગવાને ટૂંકમાં બતાવ્યા છે.

બૌદ્ધ ધર્મ – દયામય બનો, હિંસા ન કરો, જૂઠું ન બોલો, અસત્ય ગવાહી આપો નહીં. સત્ય એ અંતરશુદ્ધિની ભાષા છે. ઉદાર હાથે આપો અને લ્યો, પરંતુ કોઇની વસ્તુ લોભ, બળ કે દગાથી લેશો નહીં,

– બુદ્ધિને હાનિકર્તા દવાદારૂથી દૂર રહો,

– પવિત્ર મન તથા સ્વચ્છ શરીરને કોઈ સોમરસની જરૂર નથી.

– તમારા પાડોશીની પત્નીનો સંસર્ગ ન કરો.

કન્ફયુશીઅસના પાંચ વુ-ચંગ-નીતિ શાસનો આ પ્રમાણે છે.

‘યી’ – સત્યવાદી પણું,

‘લી’ – શુદ્ધ આચરણ.

‘ચિહ’ – જ્ઞાન-વિજ્ઞાન.

‘સિસન’ – વિશ્વાસ પાત્રતા.

‘જેન’ – પારકાની સેવા.

બૌદ્ધ-ધર્મ મુજબના જ જૈન ધર્મના સિદ્ધાંતો છે. હિંસા ન કરવી, અસત્ય વાણી ન બોલવી. સ્વેચ્છાથી અપાએલ ન હોય તે સ્વીકારવું નહીં, શાસ્ત્ર વિરુદ્ધ પ્રેમ કરવો નહીં, બિન જરૂરી વસ્તુ રાખવી નહીં.

મોઝીઝ અને ઈસુની આજ્ઞાઓ પણ લગભગ બધા ધર્મોના નીતિ નિયમો સાથે મળતી આવે છે. પણ મદ્યપાન ન કરવા ઉપર તો ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કુરાનમાં પણ લગભગ સરખા જ નીતિ નિયમો છે. “દારૂ એ સેતાનની જ યુક્તિ છે. જેઓ વ્યભિચારથી દૂર રહેશે તેઓ જ સફળ થશે.”

આહારશુદ્ધિ, માતા-પિતા તથા ગુરુ પ્રત્યે આદરભાવ, વાણી વિવેક, દરેક લોકો સાથેનો વ્યવહાર – આ બધી બાબતો દરેક ધર્મમાં લગભગ એક સરખી જ બતાવવામાં આવી છે.

यं मातापितरौ क्लेशं सहेते संभवे नृणाम् ।
न तस्यापचितिः शक्या कर्त्रुं वर्ष शतैरपि ।

(મહાભારત)

પોતાનાં બાળકોને સુખી કરવા માતાપિતા જે યાતનાઓ સહન કરે છે, તેનો બદલો એકસો વર્ષ સેવા કરવાથી પણ ન મળી રહે.

કન્ફયુશીઅસ કહે છે. “પિતૃપ્રેમ અને મુરબ્બીજન પ્રત્યે માન એ બિનસ્વાર્થી જીવનનો પાયો છે.”

મોઝીસ અને કાઈસ્ટ કહે છે, “તારાં માતા-પિતાને માન આપ.”

કુરાનમાં પણ કહેવામાં આવ્યું છે, “જ્યાં માતાનું હૃદય છે ત્યાં ઈશ્વર છે, જ્યાં ઈશ્વર છે ત્યાં સ્વર્ગ છે તેથી, જ્યાં જ્યાં માતાના પગ પડે ત્યાં સ્વર્ગભૂમિ અવશ્ય છે.”

ઉપનિષદની વાણી પણ એ જ છે : “આચાર્યને દેવ માનો, પિતા-માતાને દેવ માનો, એ રીતે પેઢી દર પેઢી વચ્ચે ઉચ્ચ જીવનવાળી પ્રજા થાઓ.” કોઈ વ્યક્તિ આપણા તરફ દુષ્ટ વર્તન કરે તો પણ આપણે તો એની સાથે સજ્જનતા ભર્યો જ વ્યવહાર કરવો જોઈએ એ બાબત બાઈબલમાં ખૂબ જ સારી રીતે બતાવી છે, ‘દુષ્ટતાનો સામનો કરશો નહીં. જો તમારા જમણા ગાલ ઉપર કોઈ તમાચો મારે તો તમે તમારો ડાબો ગાલ ધરશો. જેઓ તમને ગાળ આપે તેને તમે આશીર્વાદ આપજો.”

કુરાન

– બુરાઈનો બદલો ભલાઈથી આપી તેને તમે જીવી લો. (ઈદ્ફ બ – ઈલ્લતિ-હે-ય અહસન)

મનુસ્મૃતિ

– क्रुध्यतां न प्रतिक्रुध्येत्

आकृष्टः कुशलं वदेत ।

જે તમારા તરફ ક્રોધ કરે તેના તરફ તમે ક્રોધ કરો નહીં. તમારી સાથે કઠોર વાણી વાપરે તેને મધુર શબ્દોથી જવાબ આપો.

બૌદ્ધ-જૈન : મધુરક્ષમાશીલતાથી તમારા ક્રોધ ઉપર જીત મેળવો.

ગીતા : अद्वेष्टा सर्व भूतानां मैत्रः करुणमेवच ।

આ રીતે સર્વ ધર્મોનાં આંતર-બાહ્ય સ્વરૂપો બધાં સરખાં જ છે. જરૂર છે માત્ર યોગ્ય સમજણની જ.

મિત્રોની મહેફીલ જામી છે. સામાન્ય રીતે હસી-મજાકમાં સમય પસાર કરતા સૌ મિત્રો આજે જરા ગંભીર ચર્ચામાં પડી ગયા છે. કાર્લ માર્ક્સની વિચારસરણીથી પ્રભાવિત એક મિત્રે કહ્યું કે, ધર્મ એ અફીણની ગરજ સારે છે અને માનવ માત્રને મૂર્છિત કરી તેની વિચારશક્તિ કુંઠિત કરી દે છે. બીજા મિત્રે આ વિધાન સામે પોતાનો વાંધો રજૂ કરતાં કહ્યું કે ધર્મને સમજવામાં આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. ડો. રાધાકૃષ્ણનના મત પ્રમાણે તો “ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર.” સત્ય અને સમભાવ એ જ ધર્મ છે. ત્રીજા મિત્રે ‘ધર્મ’ વિશે પોતાનો મૌલિક વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું, “ખરેખર તો ધર્મની આંગળી પકડીને મનુષ્ય જો આધ્યાત્મિકતાના શિખરે પહોંચે તો ત્યાં એકતાનાં દર્શન થાય, સંવાદિતાનાં દર્શન થાય, અભેદનાં દર્શન થાય પણ જો ધર્મની આંગળી પકડી મનુષ્ય સંપ્રદાયનું શરણ સ્વીકારે તો અનેકતા સર્જાય, કોઈ વાર વિસંવાદિતા પણ ઊભી થાય અને પરિણામે સાંપ્રદાયિક ઝનૂન પેદા થાય. આ સાંપ્રદાયિક ઝનૂન જ ધર્મને નામે થતાં હુલ્લડો, યુદ્ધો કે અશાંતિનાં મૂળમાં છે.” ગાંધીજીની અત્યંત સરળ, ટૂંકી છતાં હૃદયસ્પર્શી વ્યાખ્યા આપતાં એક મિત્રે કહ્યું કે, ગાંધીજી તો સત્યને જ ધર્મ માનતા. “મારે મન સત્ય એ જ ધર્મ” અને રામાયણમાં આ જ વાત તુલસીદાસે કરી, धरम न दूसरे सत्य समाना છેવટે, બધા મિત્રો એક બાબત ઉપર સંમત થયા. ધર્મ એટલે આચાર, ધર્મ એટલે સંવાદિતા, ધર્મ એટલે ભ્રાતૃભાવ, ધર્મ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ અને ધર્મ એટલે સમન્વય.

સંવાદિતાનું આ સંગીત આપણને શ્રીરામકૃષ્ણદેવની જીવન વીણામાંથી સાંભળવા મળે છે. એ સંગીત અંતરના ઊંડાણમાંથી ઊઠતું, અનુભવોના તરંગોમાંથી નિષ્પન્ન થતું, આગળ વધતું વિશ્વમાં પ્રસરી જાય છે અને વાતાવરણને પણ દિવ્ય સંગીતમય બનાવે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતાં, “જેટલા મત તેટલા પથ.” પરંતુ આ બધા પથ એમની જીવનવીણામાં વિવિધ તાર સ્વરૂપે ગોઠવાઈ ગયા અને એમાંથી પ્રાપ્ત થયું સુરીલું, સુમધુર સંગીત.

‘ધ ઈસેન્સીઅલ યુનીટી ઓફ ઓલ રિલિજિયન્સ’ નામના ડો. ભગવાનદાસના પુસ્તકનો અનુવાદ ‘સર્વ ધર્મોની તાત્ત્વિક એકતા’ શ્રી બૂચ બંધુએ કરેલ છે. એ પુસ્તકમાં તેઓશ્રી લખે છે, “ધર્મ તો મોહક હાસ્ય છે, સુંદર અલંકાર છે. તે ધિક્કાર પ્રદર્શક ભવા ચડાવેલ ગુસ્સો નથી અથવા દહેશત પેદા કરનાર શસ્ત્ર નથી. તે મુખ્યત્વે હૃદયમાં ધારણ કરવાની, પરોપકારી પ્રેમ ને ભક્તિની ભાવના છે. પોતાની ભેદબુદ્ધિના પ્રદર્શન તરીકે જુદા જુદા રંગના તિલક કે બિલ્લા કે વાવટા કે કપડાં ધારણ કરી ધાર્મિકતાનું ઘમંડ દર્શાવવામાં આવી જતો નથી. માનવતા, દિવ્યતા, ઈશ્વરે દરેક મનુષ્યબાળના ચહેરા ઉપર મૂકેલી છે. તે હિંદુ છે કે મુસ્લિમ, પારસી છે કે ખ્રિસ્તી કે યહૂદી એવું તેના ચહેરા ઉપર નિશાન કરી તેને જન્મ આપ્યો નથી. ભેદનાં એવાં વિધાનો તો મનુષ્યોએ પોતાની મેળે કૃત્રિમ રીતે બનાવ્યા છે. કોઈ સમયે, કોઈ જગ્યાએ કોઈ સંજોગોમાં તેની ઉપયોગિતા હશે. આજે તેનો આગ્રહ રાખવો એ તો વિનાશક ટૂંકી દૃષ્ટિ જ ગણાય.”

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.