સંવાદિતા અને શાંતિ

ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો નથી. પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા ધર્મોનો પરાભવ કરીને કોઈ એક ધર્મના વિજયમાંથી આ એકતા આવશે, તો તેને હું કહેવા માગું છું કે, “ભાઈ! તમારી આશા ફળે એ અશક્ય છે.” ખ્રિસ્તીધર્મી હિંદુ થાય એવી આશા હું સેવું? ના, ભાઈ! ના. હિંદુધર્મી કે બૌદ્ધધર્મી ખ્રિસ્તી થાય એવી આશા હું સેવું? નહીં જ.

બીજને ખેતરમાં વાવવામાં આવ્યું છે અને તેની આસપાસ માટી, હવા અને પાણી સીંચવામાં આવ્યાં છે. બીજ શું માટી થશે, હવા થશે, પાણી બનશે? ના, ભાઈ! ના. એ છોડ થશે; એના વિકાસના નિયમ અનુસાર એ વિકાસ પામશે. એ હવાને પચાવશે, માટીને પચાવશે, પાણીને પચાવશે અને બીજ આખરે એક છોડ રૂપે જ વિકસશે.

આવું જ કંઈક ધર્મ વિશે છે. ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે.

વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે : પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : “સહાય; પરસ્પર વેર નહીં.” “સમન્વય; વિનાશ નહીં.” સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.”

– સ્વામી વિવેકાનંદ

(શિકાગો વ્યાખ્યાનો – સ્વામી વિવેકાનંદ પાંચમું સંસ્કરણ (૧૯૯૧) – શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ. ૪૨-૪૩)

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.