યુવા વર્ગને આહ્વાન

નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી અને જેનો ઉપયોગ હું અત્યારે કરી રહ્યો છું, તેવી બળવાન શ્રદ્ધા તમારી જાતમાં રાખો. તમારામાંનો દરેકેદરેક જો એવી આત્મશ્રદ્ધા રાખે કે પ્રત્યેક આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે, તો અવશ્ય તમે સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શકશો. અરે, ત્યાર પછી આપણે પૃથ્વીના પટ પર એકેએક દેશમાં પહોંચી જઈશું અને અલ્પ સમયમાં જ દુનિયાની દરેક પ્રજાનું ઘડતર કરનારાં જે અનેક પરિબળો છે તેમાંનું એક મુખ્ય અને પ્રબળ પરિબળ આપણા આ વિચારો બની જશે. આપણે ભારતમાં અને ભારતની બહાર દરેક પ્રજાના જીવનમાં પ્રવેશ કરવો જ જોઈએ. આ હેતુની સિદ્ધિ અર્થે આપણે કાર્ય કરવું પડશે. એ માટે મારે યુવાનોની જરૂર છે. વેદો કહે છે : “મજબૂત દેહવાળો તંદુરસ્ત અને બુદ્ધિશાળી યુવક જ પરમાત્માને પામી શકે.” તમારું ભાવિ ઘડવાનો આ જ કાળ છે. જ્યારે તમે ઘસાઈને મુડદાલ જેવા થઈ ગયા હશો ત્યારે નહીં. પણ જ્યારે તમારામાં જુવાનીનું જોશ છે, યુવાવસ્થાની તાજગી અને તાકાત છે ત્યારે ખરો સમય છે.

યુવકો! કામ કરવા લાગી જાઓ; ખરો સમય આ છે. તાજાંમાં તાજાં, વણસ્પર્શ્યાં અને વણસૂંઘ્યાં પુષ્પો જ ફક્ત પ્રભુને ચરણે અર્પણ કરી શકાય; અને પ્રભુ એવાં જ સ્વીકારે! માટે આળસ ખંખેરીને ઊભા થાઓ, જીવન ટૂંકું છે! વકીલ થવાની ખાએશ રાખવા કરતાં, ઝઘડા અને એવું બધું કરવા કરતાં વધુ મહાન કાર્યો આપણે કરવાનાં છે. તમારા લોકોને વાસ્તે, માનવજાતના કલ્યાણ વાસ્તે તમારી જાતનું આ બલિદાન એ મહાન કાર્ય છે. આ એક જિંદગીમાં છે શું? તમે હિંદુઓ છો; તમે માનો તો છો જ કે જીવન અનંત છે. કોઈ કોઈ વાર જુવાનિયાઓ આવીને મારી પાસે નાસ્તિકવાદની વાતો કરે છે; હું માનતો નથી કે કોઈ હિંદુ નાસ્તિક થઈ શકે. ભલે એ પશ્ચિમનાં પુસ્તકો વાંચે અને પોતે જડવાદી છે એમ મનને મનાવે; પરંતુ એ તેટલા પૂરતું જ છે. એ તમારા લોહીમાં નથી. તમારા બંધારણમાં જે ન હોય તે તમે માની જ ન શકો. એ તમારે માટે નિરર્થક બનવાનું છે. એવી બાબતનો પ્રયત્ન કરતા જ નહીં. હું જ્યારે જુવાન હતો ત્યારે એક વાર મેં પણ એવો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમ બન્યું નહીં. જિંદગી ટૂંકી છે. પણ આત્મા અમર અને અનંત છે; અને જો મૃત્યુ ચોક્કસ જ છે તો આપણે એક મહાન આદર્શને સ્વીકારી લઈએ અને આપણું આખું જીવતર એને અર્પણ કરી દઈએ. આ આપણો દૃઢ નિશ્ચય બને અને શાસ્ત્રનાં વચન પ્રમાણે જે ભગવાન “પોતાના ભક્તજનોના ઉદ્ધારને માટે વારંવાર અવતાર લે છે” તે મહાન કૃષ્ણ ભગવાનના આપણા પર આશીર્વાદ ઊતરો અને આપણા આદર્શોની પરિપૂર્તિ પ્રત્યે આપણને સહુને માર્ગદર્શન આપો.

– સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા ભાગ-૪ (૧૯૭૯) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૃ. ૧૭૫)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.