રાતનો સમય હતો, સુપડા ધારે વરસાદ વરસી રહ્યો હતો, વાવાઝોડાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, રસ્તાઓ સૂનકાર થઈ ગયા હતા. એવે સમયે ૭૦૦ માઈલની શરીરતોડ મુસાફરી કરીને લોથપોથ બનેલી બે બહેનો સ્વામી વિવેકાનંદ જ્યાં આધ્યાત્મિક વાર્તાલાપ આપી રહ્યા હતા ત્યાં પહોંચી. એક બહેનનું નામ હતું ક્રિસ્ટાઈન અને બીજી બહેનનું નામ હતું શ્રીમતી ફનકે. સ્વામીજીની તેજસ્વી આંખો અને પ્રભાવશાળી લલાટ જોઈ બંને બહેનો બોલી ઊઠી, ‘ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર વિહરતા હોય અને એમની પાસે અમે શિષ્ય ભાવે જ્ઞાન ગ્રહણ કરવા જે રીતે ગયાં હોત, બસ એ રીતે જ આપની પાસે અમે આવ્યાં છીએ.’ સ્વામીજી આ બંને બહેનોની શુભ નિષ્ઠાને પામી ગયા અને નમ્રતાપૂર્વક બોલ્યા, “ખરેખર! મારામાં ઈસુ ખ્રિસ્ત જેવી શક્તિ હોત તો જરૂર તમને મુક્તિ આપી દેત.”

આ પ્રસંગને યાદ કરીને સ્વામીજીએ એક વાર કહેલું, “The disciples who travelled hundreds of miles to find me-they came in the night and in the rain.” આ બંને બહેનોમાંથી ક્રિસ્ટાઈનના જીવનમાં આપણે દૃષ્ટિપાત કરીએ. ઈ. સ. ૧૮૯૬માં, ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ક્રિસ્ટાઈને સ્વામીજીને પ્રથમ વાર સાંભળ્યા એ વખતે એમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે વક્તાની સાથે અને એમની ભૂમિ સાથે શ્રોતાને અંતરનો અતૂટ સંબંધ બંધાઈ જશે. સ્વામીજીની વાણીએ ક્રિસ્ટાઈનને ભેદી નાખ્યાં, સ્વામીજીનાં ચરણોમાં એમણે આત્મસમર્પણ કરી દીધું. હવે તેઓ સીસ્ટર ક્રિસ્ટાઈન બન્યાં. પરમને પામવાની એમની ઝંખના એટલી તો તીવ્ર હતી કે ભગવાનને પણ એમની હૃદયભોમ પર આવ્યા વિના ચાલે જ નહીં. અભીપ્સાના અગ્નિમાં એમની જીવનની બધી જ નબળાઈઓ બળીને ખાખ થઈ ગઈ. સ્વામીજીનાં ચરણોમાં પરમ શરણાગત ભાવ રાખી તેઓ જીવવા લાગ્યાં. જીવતા જાગતા ઈસુ પ્રભુ સાથે રહેવાથી તેઓ ધન્યતા અનુભવવા લાગ્યાં. છતાં સીસ્ટર ક્રિસ્ટાઈનના શરણાગત ભાવમાં કોઈ વેવલી માન્યતાઓને કે માંદલી મતિસૂઝને ક્યાંયે સ્થાન નહોતું.

સ્વામીજી સાથેની પ્રથમ મુલાકાત બાદ સીસ્ટર ક્રિસ્ટાઈન સ્વામીજી વિશે લખે છે – “Surely never in our countless incarnations had we taken a step so momentous! We had found touchstone for which we had been searching.” છ અઠવાડિયાં સુધી સ્વામીજીનાં પ્રવચનોનો સતત લાભ લીધા બાદ આ સાધ્વી સ્ત્રીએ ભારતની પુણ્યભૂમિને પોતાની કર્મભૂમિ બનાવવા નિશ્ચય કરી લીધો. સ્વામીજીને અને સ્વામીજીની માતૃભૂમિને વંદન કરતાં ક્રિસ્ટાઈનના મુખમાંથી ભવ્ય ઉદ્‌ગારો સરી પડ્યા, એ ભૂમિ ધન્ય છે કે જ્યાં સ્વામીજી જેવી મહાન વિભૂતિનો જન્મ થયો, સ્વામીજીના જીવનકાળ દરમિયાન જેઓ જન્મ્યાં તેઓ પણ ધન્ય છે પરંતુ જે લોકોને સ્વામીજીનાં શ્રીચરણોમાં રહેવા સ્થાન મળ્યું તેઓની ધન્યતાની તો કોઈ સીમા જ નથી.”

સીસ્ટર ક્રિસ્ટાઈન પોતાનાં માતાપિતા સાથે જર્મનીથી અમેરિકા આવી ડેટ્રોઈટમાં સ્થિર થયાં. એમના પિતા પરમ સજ્જન વેપારી. વેપારી કુનેહને અભાવે વેપારમાં માર ખાઈ બેઠા. ક્રિસ્ટાઈને કુટુંબ પર આવી પડેલા આ આર્થિક બોજાને દૂર કરવા શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. શિક્ષકના વ્યવસાયમાં એમની દૃષ્ટિ અને નિષ્ઠાનો સૌને પૂરો પરિચય થઈ ગયો. આ વરસો દરમિયાન પણ એમનો ઝોક તદૃન આધ્યાત્મિક જ રહ્યો. ક્રાઈસ્ટના નામ ઉપરથી પડેલ ક્રિસ્ટાઈન નામને એમણે પ્રેમ અને કરુણા દ્વારા સાર્થક કર્યું. શરીર તો પહેલીથી જ નબળું પણ ઇચ્છાશક્તિ વજ્ર સમાન. કોઈ પણ કામ હાથમાં લે એટલે પાર પાડ્યે જ છૂટકો.

ઈ.સ. ૧૮૬૬, ૧૭મી ઑગસ્ટે જર્મનીના ન્યુરેમ્બર્ગમાં એમનો જન્મ થયેલો. ક્રિસ્ટાઈન પોતાનાં માતાપિતા સાથે અમેરિકા આવ્યાં ત્યારે એમની ઉંમર ફક્ત ત્રણ વર્ષની હતી. યુવાન વયે શિક્ષિકા બન્યાં અને એમનું હીર ઝળકી ઊઠ્યું. પણ એમનું અંતર એક એવા ગુરુને ઝંખતું હતું જે ભવના ફેરામાંથી મુક્તિ અપાવે, શાશ્વતીને કિનારે એમનું જીવનનાવ લાંગરી દે અને અનંતને ઓવારે ઉતારી દે અને સ્વામીજી સાથે એમની મુલાકાત થઈ. એક આદર્શ ગુરુને આદર્શ શિષ્યા મળી અને ગુરુમુખેથી ભવિષ્યવાણી સરી પડી, તું દિવ્ય શાંતિને પામીશ, પરમ શાંતિમાં તું લીન બનીશ, આધ્યાત્મિક અનુભૂતિઓ તારા જીવનનો શણગાર બનશે. અનેક બળેલ, ઝળેલ, દુ:ખી, પામર જીવાત્માઓ માટે તું વિસામો બનીશ. ક્રિસ્ટાઈનની આંખોમાંથી આનંદનાં આંસુ સરી પડ્યાં. હર્ષોલ્લાસમાં તે પાગલ બની ગઈ અને સ્વામીજીના નારી ઉત્કર્ષના કામમાં સહભાગી બનવા ભારત આવવા રવાના થયાં.

સ્વામીજીનાં વિદેશી શિષ્યાને સીસ્ટર નિવેદિતાના નામથી આપણે સૌ પરિચિત છીએ. એમની સાથે રહીને સીસ્ટર ક્રિસ્ટાઈન શિક્ષણનું અને સ્ત્રીસેવાનું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરવા લાગ્યાં. ભારતનું હવામાન, તત્કાલીન સામાજિક સ્થિતિ, લગભગ બધી જ વસ્તુનો અભાવ, નિરક્ષરતા, ગરીબી અને હાડમારી વચ્ચે સીસ્ટર ક્રિસ્ટાઈન અડીખમ ઊભાં રહી લોકોની સેવા કરવા લાગ્યાં. દુ:ખિયારી બહેનોનાં આંસુ લૂછવા લાગ્યાં, અભણ બહેનોને ભણાવવા લાગ્યાં. બંગાળની ભૂમિમાં, બંગાળી લોકોમાં સ્નેહ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા લાગ્યાં. એમને ટાઢતડકાની પરવા નથી, ભૂખ-તરસની પરવા નથી, પોતાના દેહની પણ પરવા નથી. બસ! એક જ ધૂન! પોતાના ગુરુની પુણ્યભૂમિમાં સેવા કરવાની જે તક મળી છે એને ઊલટના અંતરે વધાવી લેવી!

સીસ્ટર નિવેદિતા અને સીસ્ટર ક્રિસ્ટાઈન બંનેની પ્રતિભામાં આસમાન જમીનનું અંતર. નિવેદિતા એટલે ઘૂઘવતો મહાસાગર તો ક્રિસ્ટાઈન એટલે ગંગાનદીનો શાંત પ્રવાહ, નિવેદિતા એટલે પવનનું તોફાન તો ક્રિસ્ટાઈન એટલે મંદ મંદ વાતી પવનની લહેરખી! સ્વામી તથાગતાનંદજી સીસ્ટર ક્રિસ્ટાઈન વિષે ખૂબ જ ભાવપૂર્વક લખે છે. “She was silent like dewdrop falls on the rose.”

ખરેખર, ભારતીયજનોની સેવામાં એમણે પોતાનો દેહ ઘસી નાખ્યો. કલકત્તાની ગરમીથી અકળાયેલાં ક્રિસ્ટાઈનને સ્વામીજીએ હિમાલય – માયાવતી આશ્રમમાં આરામ કરવા મોકલ્યાં. પ્રકૃતિની ગોદમાં અને માયાવતી આશ્રમમાં ક્રિસ્ટાઈન ઠરીને ઠામ થાય ત્યાં સ્વામીજીના અવસાનના સમાચાર આવ્યા. ક્રિસ્ટાઈન માટે સ્વામીજીનું મૃત્યુ વજ્રાઘાત સમાન હતું. પરંતુ ક્રિસ્ટાઈન હિંમત હાર્યાં નહીં. કલકત્તા દોડી આવ્યાં અને સ્વામી શારદાનંદના પ્રેમભર્યા સહકારથી વધુ જોમ અને જુસ્સાથી પોતાનું કામ આગળ વધાર્યું.

ઈ.સ. ૧૯૧૪માં પોતાની તબિયત ખરાબ થવાથી અમેરિકા આરામ માટે ગયાં, ત્યાં તો પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પરિણામે તેઓ ભારત દસ વર્ષ બાદ પાછાં ફરી શક્યાં. ૧૯૨૮માં ફરી અમેરિકા ગયાં અને ત્યાં ૧૯૩૦ માર્ચની ૨૭મી તારીખે એમણે પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.

મૃત્યુ પહેલાંના એમના શબ્દો એ આત્મસાક્ષાત્કારની વાણી છે, અનુભવનું અમૃત છે. “I dared to say Yam thus far and no further. I overcame insurmountable obstacles. It was this will that brought me India. And now I surrender. Not my will but thine be done. I feel peace, peace, peace. No words to describe it.” હવે તો યમને પણ મોઢામોઢ સંભળાવી દઉં. બસ, અહીં સુધી જ આગળ એક ડગલું પણ નહીં, ભયંકર આફતો પણ મારી સામે ટકી શકી નથી. એ જ ઈચ્છાશક્તિ મને ભારત ખેંચી લાવી હતી. અને હવે, હે પ્રભુ! તને મારી જાત સોંપી દઉં છું. મારી કંઈ પણ ઇચ્છા નહીં, બસ તારી જ ઈચ્છા! હું પરમ શાંતિ અનુભવી રહી છું. જેને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. વરસો પહેલાં સ્વામીજીએ ક્રિસ્ટાઈન વિશે ભાખેલી વાણી સાચી ઠરી. ક્રિસ્ટાઈન પરમ શાંતિની ગોદમાં પોઢી ગયાં.

ઈ. સ. ૧૮૯૬માં સ્વામીએ સ્વરચિત એક કાવ્ય સીસ્ટર ક્રિસ્ટાઈનને અર્પણ કરેલું, જેનું રટણ તેઓ સતત કર્યા કરતાં હતાં. આ રહ્યું એ કાવ્ય –

“What though thy bed be frozen earth,

the cloak the chilling blast.

What though no mate to cheer your path,

thy sky with gloom o’rcast,

what though if love itself doth fail,

thy fragrance strewed in vain,

what though if bad over good prevail

and vice over virtue reign,

Change not thy nature, gentle

bloom, thou violet, sweet and pure.

But ever pour thy sweet perfume unasked unstinted!”

“બરફવર્ષાથી છવાયેલી ધરતી તારી શય્યા બને અથવા તો તારું ઓઢણું જ તને ઠંડીના સપાટામાં લપેટી લે, તારે રસ્તે કોઈ મિત્ર તને હસતી વિદાય ન આપે અને આકાશ પણ શોકની જ વર્ષા કરે. તો પણ શું?

લોકો ઉપર વરસાવેલ પ્રેમ પાંગરે નહીં, અને તારી જીવન સુવાસ કોઈ ઝીલે નહીં, સારપ ઉપર નઠારાનો વિજય દેખાય કે સદ્‌ગુણ ઉપર દુર્ગુણ સફળતા મેળવે, તો પણ શું? તારો મૃદુ પ્રફુલ્લિત સ્વભાવ હંમેશાં જાળવી રાખજે, કોઈ ઇચ્છે કે ન ઇચ્છે, તારી જીવનસુરભિને મુક્તપણે પ્રસરાવતી રહેજે.”

સ્વામીજીએ ઉપરોક્ત કાવ્યમાં વ્યક્ત કરેલ ભાવના પ્રમાણે સીસ્ટર ક્રિસ્ટાઈન પોતાનું જીવન જીવી ગયાં અને ધન્ય બની ગયાં.

સીસ્ટર ક્રિસ્ટાઈનને લાખ લાખ વંદન.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.