કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર, ભારતની જનતાની કાળજાની કોર એટલે કાશ્મીર, સત્યમ્, શિવમ્, સુન્દરમ્નું નિકેતન એટલે કાશ્મીર અને કવિ શ્રી ઈકબાલની દૃષ્ટિએ,

“ कश्मीर का दिखा दो दुनियामें कोई सानी,
कहते हैं लोग ईसको रंगरूप की कहानी,
है स्वर्ग का नजारा हिन्दोस्ताँ हमारा.”

કાશ્મીરની સાથે દુનિયાનો કોઈ પણ દેશ હરીફાઈ કરી શકે એમ નથી; કાશ્મીર તો ધરતી પરનું સ્વર્ગ છે. અને એટલે જ કહેવાયું: “Be there a paradise on this earth it is here, it is here, it is here.” કોઈ ફારસી કવિ તો પાગલ બની નાચી ઊઠ્યો. કાશ્મીરની ઠંડી તાજગીભરી હવા માણતાં બોલી ઊઠ્યો, “કોઈ પણ મનુષ્યના મૃતદેહને કાશ્મીરમાં લઈ આવો તો તે સજીવન થઈ નાચવા લાગશે, મૃતપક્ષીને નવી પાંખ ફૂટશે અને આકાશમાં ઊડવા લાગશે.” ધરતી પરના સ્વર્ગનો આ તો જાદુ છે. કલ્હાણે ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ‘કાશ્મીર’ નામનું મૂળ શોધવા પ્રયાસ કર્યો છે. એમના મત મુજબ લોકવાયકા એવી છે કે વરસો પૂર્વે એક સુંદર મજાનું સરોવર હતું. આ સરોવરનો કબજો રાક્ષસોએ લઈ લીધો. બ્રહ્માજીએ ભગવાન કશ્યપ, ઉપેન્દ્ર અને રુદ્રને રાક્ષસોને મારવા મોકલ્યા. રાક્ષસો મરાયા. ત્યાં જે વસવાટ થયો એનું નામ કાશ્મીર. પરંપરા મુજબ ‘કશ્યપમીર’ ઉપરથી કાશ્મીર નામ પડ્યું છે. નાગરાજ નીલ એ કાશ્મીરનો પ્રથમ રાજા ગણાય છે. ‘સાંખ્યયાન બ્રાહ્મણ’માં વિનાયક ભટ્ટ જણાવે છે, “કાશ્મીર તો સરસ્વતીમાતાની ભૂમિ છે. શારદાપીઠ એ એનું બીજું નામ છે.” ‘મહાભારત’ના સમયમાં કાશ્મીર એ યાત્રાનું મોટું ધામ ગણાતું. વનપર્વમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં તક્ષકનાગનો મહેલ પણ આવેલો છે. જે લોકો ‘વિતાસ્તા’ નદીમાં સ્નાન કરે છે તેમનાં બધાં પાપો ધોવાઈ જાય છે અને તેઓને ‘વાજપેય’ યજ્ઞનું ફળ મળે છે. વળી જે લોકો ત્યાં યાત્રાએ જાય છે તેઓને ‘અશ્વમેધ’ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી જે કોઈ જમ્મુમાં આવેલા ‘તંડુલિકાશ્રમ’ની યાત્રા કરે છે તેઓ બધી જ આપત્તિઓમાંથી મુક્ત થઈ ‘બ્રહ્મલોક’ની પ્રાપ્તિ કરે છે.

આપણા ખૂબજ જૂના પુરાણ ‘હરિવંશ’માં કાશ્મીરના ગોનંદ નામના રાજાની વાત આવે છે. એમ કહેવાય છે કે, તે યુધિષ્ઠિરનો સમકાલીન હતો અને જરાસંધનો મિત્ર હતો. જરાસંધે જ્યારે શ્રીકૃષ્ણનો પીછો કર્યો ત્યારે ગોનંદ જરાસંધની મદદમાં હતો પરંતુ શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામે યુદ્ધમાં ગોનંદને મારી નાખ્યો. ત્યાર પછી ગોનંદનો પુત્ર દામોદર ગાદી પર બેઠો. તે બલરામ અને શ્રીકૃષ્ણ ઉપર પોતાના પિતાના મૃત્યુનું વેર વાળવા માગતો હતો. પરંતુ તે પણ શ્રીકૃષ્ણના હાથે મરાયો. શ્રીકૃષ્ણે દામોદરની સગર્ભા રાણીને રાજગાદીએ બેસાડી. અમુક પ્રધાનો અને દરબારીઓએ સ્ત્રી ગાદી પર ન બેસી શકે કહી વાંધો ઊઠાવ્યો ત્યારે શ્રીકૃષ્ણે જવાબ આપ્યો, “કાશ્મીરની સ્ત્રીઓમાં અને રાજાઓમાં ‘પાર્વતી અને શિવ’ની સૌમ્યતા છે. કદાચ કોઈ રાજવીમાં થોડી મર્યાદા – નબળાઈ જોવા મળે તો પણ સંસ્કારી પંડિતોએ તો ઔદાર્ય જ બતાવવું જોઈએ.” ‘રાજતરંગિણી’માં ઉપરોક્ત ઉલ્લેખ જોવા મળે છે. વળી પાંડવોએ જ્યારે ‘રાજસૂય યજ્ઞ’ કર્યો ત્યારે અર્જુને કાશ્મીર જીતી લીધેલું એ પ્રકારનો આધાર પણ પ્રાપ્ય છે.

પ્રાચીન ભારતના ઈતિહાસમાં કાશ્મીરનું સ્થાન હંમેશા અદ્વિતીય રહ્યું છે. ‘સંસ્કૃત, બૌદ્ધ અને બ્રાહ્મણ’ના અભ્યાસનું એ બહુ મોટું કેન્દ્ર ગણાતું. ચીનના યાત્રિક હ્યુએનસાને પણ કાશ્મીરના સુંદર, ભોળા લોકોનાં વખાણ કર્યાં છે અને કાશ્મીર બહુ મોટું વિદ્યાધામ હતું એમ જણાવ્યું છે. કલ્હાણ નામના મહાન પંડિતે (એ. ડી. ૧૧૪૮) ‘રાજતરંગિણી’માં કાશ્મીરનો ઈતિહાસ, કાશ્મીરની સંસ્કૃતિ અને સભ્યતા, કાશ્મીરના મંદિરો અને તેની કોતરણી, હસ્તકલા, ભૌગોલિક સ્થિતિ અને કાશ્મીરના સૌન્દર્યનાં રોચક વર્ણનો આપ્યાં છે.

પંડિત જવાહરલાલ નહેરુએ, “Discovery of India’માં કાશ્મીરી લોકો વિષે લખતાં જણાવ્યું છે કે લાંબા સમય સુધી હિન્દુ લોકોને વટલાવી મુસ્લિમ બનાવવાની વટાળ પ્રવૃત્તિ કાશ્મીરમાં ચાલુ રહી, પરિણામે ૯૫ ટકા લોકો મુસલમાન બની ગયા પરંતુ તેમ છતાં હિંદુ રીતરિવાજોને ઘણા લોકોએ જાળવી રાખ્યા.

કાશ્મીરની આવી સુંદર અને પવિત્ર ભૂમિમાં સ્વામીજીએ પોતાના વિદેશી શિષ્યો સાથે પગ મૂક્યો કે તરતજ સૌને અદ્દભુત અનુભવો થવા લાગ્યા. સ્વામીજી સાક્ષાત્ શિવનો અવતાર જ છે એવી અનુભૂતિ દરેક પ્રવાસીએ અનુભવી. સ્વામીજીને લાગ્યું કે માત્ર કુદરતી સૌંદર્યને લીધે જ કાશ્મીર મશહુર નથી પરંતુ તેના કણકણમાં ચૈતન્ય ભર્યું પડ્યું છે. ત્યાંની હવામાં આધ્યાત્મિક આંદોલનો અનુભવવા મળે છે. ઝાડપાન, પશુપંખી, નદી ઝરણાં કે સરોવરોમાં દિવ્યતા છલકાઈ ઊઠે છે. નમ:શિવાય, નમ:શિવાયના મંત્રોથી વાતાવરણ ભર્યું ભર્યું બને છે. વિવેકાનંદજીના ચરણસ્પર્શથી કાશ્મીરની ધરતી જાણે કે તૃપ્ત બી. મને એક પ્રાર્થનાની બે, ચાર પંક્તિ યાદ આવી ગઈ, “ભગવન્, તારા મધુર નામના ઘોષથી સતત ચલિત પ્રકૃતિમાં પાવિત્ર્યનાં આંદોલનો ઊભાં થઈ જાય છે. અને ક્યારેક તા એ પ્રકૃતિ પણ સમાધિસ્થ થઈ જાય છે. સ્વામીજીની સમાધિસ્થ અવસ્થાથી પ્રકૃતિ પાગલ બને છે, તો કોઈ વાર પ્રકૃતિની સમાધિસ્થ અવસ્થાથી સ્વામીજી દિવ્યાનંદમાં નાચી ઊઠે છે. જાણે કે, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ સિસ્ટર નિવેદિતા, સારા બુલ અને જોસેફાઈન મેકલાઉડ સ્વામીજીની આ શિવ અવસ્થા જોઈને ધન્ય બની ગયાં. ૧૮૯૮ની ઑક્ટોબરની ૧૩મી તારીખે સિસ્ટર નિવેદિતાએ એમના એક મિત્ર ઉપર પત્ર લખતાં જણાવ્યું, ” We have been living and breathing in the Sunshine of the great religious ideals all these months, and God has been more real to us than common man. He (Swamiji) is all love now.”

પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન સ્વામીજીએ અનેક જગ્યાએ પ્રાકૃતિક સૌંદર્યનાં દર્શન કરેલાં પણ કાશ્મીરમાં સૌંદર્ય સાથે શિવનાં પણ દર્શન કર્યાં. સ્વામીજીની નાદુરસ્ત તબિયતને ખરેખર આરામની જરૂર હતી અને કાશ્મીરના પવિત્ર અને સુંદર વાતાવરણમાં સ્વામીજીએ પુન: પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. ૧૮૯૭માં પ્રથમ વાર અને ૧૮૯૮માં બીજીવાર એમણે કાશ્મીરની યાત્રા કરી.

૧૮૯૭ની સપ્ટેમ્બરની ૧૩મી તારીખે સ્વામીજી પોતાના ગુરુભાઈ બ્રહ્માનંદજી ઉપર પત્ર લખી જણાવે છે કે કાશ્મીર વિશે આપણે જે કંઈ સાંભળેલું એ ખરેખર સત્ય છે. કાશ્મીર જેવી સુંદર જગ્યા બીજે ક્યાંય જોવા નહીં મળે. અહીંના લોકો પણ ખૂબજ સુંદર અને દેખાવડા છે. અલબત્ત, તેઓની આંખો એટલી બધી સુંદર નથી, સાથે સાથે અહીંનાં ગામડાં અને નાનાં શહેરોમાં જે ગંદકી જોવા મળે છે એવી ગંદકી પણ બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે.

‘કાશ્મીરનો પ્રવાસ અને કલાપીના સંવાદો’ નામના પુસ્તકમાં કવિ શ્રી કલાપીને પણ સ્વામીજી જેવો જ અનુભવ થાય છે. તેઓ લખે છે, “જો કે શ્રીનગરને કુદરતી બક્ષિસ ઘણી સારી મળી છે; તો પણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શહેર ઘણું જ ગંદુ છે. સ્વચ્છતા એટલે શું, એ થોડા જ સમજે છે.”

સ્વામીજીના મત મુજબ હાડ ગાળી નાખે એવી કાતીલ ઠંડીને લીધે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમો ત્યાનાં લોકો પૂરા પ્રમાણમાં પાળી શકતા નથી. પરિણામે ગંદકી અને રોગચાળો ઘર કરી ગયાં છે. તેમ છતાં કાશ્મીર એ કાશ્મીર છે. સંતો, મહંતો, યોગીઓ, ભક્તો, કવિઓ કે સંસ્કૃત વિદ્વાનો માટે કાશ્મીર તીર્થયાત્રાધામ બની ગયું છે.

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં કાશ્મીરનાં સાહિત્ય, ફિલસૂફી, સંગીત, સ્થાપત્ય અને ઈતિહાસે અણમોલ ફાળો આપ્યો છે. મુસલમાનોના આગમન પહેલાં ત્રણ ખૂબજ અગત્યનાં મોજાંઓ કાશ્મીર પરથી પસાર થયાં છે, શક્તિ-દેવીપૂજા, બૌદ્ધધર્મ અને અદ્વૈત વેદાંત.

બૌદ્ધધર્મ પહેલાં શક્તિપૂજાનું વર્ચસ્વ વરસો સુધી કાશ્મીરમાં રહ્યું. શક્તિ-સાધનાનાં અનેક કેન્દ્રો વિશેની માહિતી આજે પણ પ્રાપ્ય છે. એમ કહેવાય છે કે શંકરાચાર્યે પણ અહીંજ શક્તિસાધના કરેલી અને ‘સૌંદર્ય લહરી’ નામનું માતૃસ્તુતિનું અદ્ભુત પુસ્તક જગતને ચરણે ધર્યું.

અશોકના સમયથી જ કાશ્મીર બૌદ્ધધર્મનું ખૂબ જ મજબૂત મથક બની રહ્યું. બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ ખૂબ જ હોવા છતાં અદ્વૈત વેદાંતનો પ્રચાર અને પ્રસાર પણ કાશ્મીરમાં મોટા પાયે થયો. આગળ ઉપર શક્તિપૂજા, વેદાંત અને યોગ ફિલસૂફીના કેટલાક સિદ્ધાંતોનો સુમેળ કરી ખાસ કાશ્મીરનો જ ‘કાશ્મીરી શૈવધર્મ’ ઊભો થયો.

સાક્ષાત્કાર પામેલ યોગીઓ અને ખૂબ જ ઊંચી કક્ષાએ પહોંચેલ રહસ્યવાદીઓમાં ‘લાલ્લા’ અથવા ‘લલ્લા દેદ’નું સ્થાન ખૂબ જ ઊંચું છે. શિવત્વને પામવા યોગના સિદ્ધાંતોનો ઉપદેશ આપતી ‘લલ્લા’ પગે ચાલી પરિભ્રમણ કરતી. હિંદુ મુસલમાન વચ્ચે તે સેતુ સમાન બની રહી. મુસલમાનોના રાજ્ય સમય દરમિયાન અનેક સૂફી સંતો પણ કાશ્મીરમાં થઈ ગયા. શાહ હુમદાની, શેખ નુરુદ્દીન જેવા સંતોએ આધ્યાત્મિકતાની જ્યોતને જલતી રાખી.

પરદેશી આક્રમણો, જુલ્મો અને આતંક પછી પણ કાશ્મીરની પ્રજા હિંમતભેર ખડી રહી. ફક્ત ૧૭૪૮ થી ૧૮૧૯ના સમય ગાળામાં અફઘાન લોકોએ કાશ્મીરનો કબજો મેળવ્યો એ સમય અંધકાર યુગ તરીકે ઓળખાય છે. ઈ.સ. ૧૮૧૯માં લાહોરના રણજીતસિંહે કાશ્મીર જીતી લીધું અને અફઘાનોને ભગાડયા. ઈ.સ. ૧૮૪૮માં ડોગ્રા રાજપૂત રાજ્યના નેજા હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું જોડાણ થયું અને એક સંયુક્ત રાજ્ય બન્યું.

કાશ્મીરની પ્રથમ મુલાકાત દરમિયાન સ્વામીજી કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહને મળેલા. મહારાજા સ્વામીજીની મહત્તા જાણી ગયા અને વધુ સમય કાશ્મીરમાં રોકાવા આગ્રહ કર્યો.

સ્વામીજીની કાશ્મીરની પ્રથમ મુલાકાત

ઈ.સ. ૧૮૯૭માં, મેથી જૂન એમ ત્રણ માસ સ્વામીજી આલ્મોડામાં રહ્યા. ત્યાં એમનું સ્વાસ્થ્ય ઠીક-ઠીક સુધર્યું. બરેલી અને અંબાલામાં પણ થોડો સમય વીતાવ્યો. ત્યાં આધ્યાત્મિક વાર્તાલાપો અને વિવિધ ધર્મો પર એમણે પ્રવચનો આપ્યાં. ફરતાં-ફરતાં સ્વામીજી પોતાના ગુરુભાઈઓ સાથે કાશ્મીર પહોંચ્યા. ૫,૨૫૦ ફૂટની ઊંચાઈ પર આવેલ શ્રીનગર મન હરી લે એવું સુંદર શહેર છે. શ્રીનગરના ન્યાયાધીશ ઋષિવર મુકરજીને ત્યાં તેઓ મહેમાન બન્યા. સ્વામી વિવેકાનંદજી આરામ કરવા શ્રીનગર ગયેલા પણ લોકો સ્વામીજી પાછળ પાગલ બન્યા. લોકોનો અવિરત પ્રવાહ સ્વામીજીનાં દર્શન માટે પડાપડી કરવા લાગ્યો. સ્વામીજીના ચુંબકીય વ્યક્તિત્વનો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે.

સ્વામીજી આ બધાં રોકાણો પછી પણ કોઈ કોઈ વાર ‘હાઉસબોટ’માં ફરવા નીકળી જતા. પ્રકૃતિ સાથે જેવું તાદાત્મ્ય સધાતું કે તરતજ સ્વામીજી શિવત્વની ઊંચી ભૂમિકાએ પહોંચી જતા. કોઈ વાર સ્થાનિક પ્રજાની વચ્ચે ઘૂમતા, તેઓનું લોકસંગીત સાંભળતા, લોકવાદ્યો માણતા. સ્વામીજી જ્યારે ઘોડા ઉપર સવાર થઈ નીકળતા ત્યારે તેમની ભવ્ય, દેદીપ્યમાન પ્રતિભા જોઈ લોકો આનંદાશ્ચર્યમાં ડૂબી જતા. ઐતિહાસિક મંદિરો ‘વિજબેરા’, સૂર્યમંદિર, માર્તંડ મંદિર વગેરેની મુલાકાત સ્વામીજીએ પગે ચાલીને લીધેલી. ‘ધર્મશાલા’ નામની જગ્યામાં ત્યાંના વિદ્વાન પંડિતો સાથે ચર્ચાસભા પણ ગોઠવી. વાર્તાલાપો પણ આપ્યા. ૨૪મી સપ્ટેમ્બરે ‘અક્ષયબલ’ની મુલાકાત લીધી. ત્યાં રસ્તામાં એક પુરાણા મંદિરને જોઈ સ્વાર્મીજી બોલી ઊઠ્યા, “સ્થાપત્ય પરથી કહી શકાય કે મંદિર બે હજાર વરસ જૂનું છે.”

કાશ્મીરના મહારાજાના નાનાભાઈ સ્વામીજીથી અત્યંત પ્રભાવિત થયા. યોગીઓ, તપસ્વીઓ, સાધુ-સંતો અને જ્ઞાનીજનોની એ પવિત્ર ભૂમિમાં સ્વામીજી જો આશ્રમ સ્થાપવા માગતા હોય તો રાજ્ય બધી જ રીતે મદદ કરવા તૈયાર જ છે, એમ મહારાજાના નાનાભાઈએ સ્વામીજીને જણાવ્યું.

કાશ્મીરની પ્રથમ મુલાકાત લઈ પંજાબ તરફ પાછા ફરતા સ્વામીજી સિસ્ટર નિવેદિતાને જે પત્ર લખે છે તેમાં કાશ્મીર પ્રત્યેનો એમનો પ્રેમ -લગાવ વ્યક્ત થાય છે. “આ પત્રમાં હું કાશ્મીરનું વર્ણન કરવા નહીં બેસું. માત્ર એટલું જ કહીશ કે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રમાંથી વિદાય લેતી વખતે મને જરાપણ દુ:ખ થયું નથી. પરંતુ પૃથ્વી પરના આ સ્વર્ગને છોડતાં હૃદયમાં કંઈનું કંઈ થઈ જાય છે.”

પંજાબમાં બાર-પંદર દિવસ પ્રવચનો આપી સ્વામીજી ફરી જમ્મુ આવવા રવાના થયા. કાશ્મીરના મહારાજાના નિમંત્રણને માન આપી સ્વામીજી ૨૧મી ઑક્ટોબરે, જમ્મુ પહોંચ્યા. કાશ્મીરના મહારાજા સાથે કલાકો સુધી ચર્ચા થઈ. જાહેર વ્યાખ્યાનો પણ ગોઠવાયાં. સ્વામીજીનાં હિંદીમાં અપાયેલાં પ્રવચનોએ સૌને ખુશ કરી દીધાં. કાશ્મીરની આસપાસની જગ્યામાં મઠ ઊભો કરવામાં રાજય ક્યારેય પાછું વાળીને નહીં જુએ એવી હૈયાધારણ પણ મહારાજાએ આપી. આ રીતે સ્વાર્મીજીની કાશ્મીરની પ્રથમ યાત્રા અંશત: નહીં પણ પૂરી સફળ બની.

(ક્રમશ:)

સંદર્ભ માહિતી:

– Editorials I, II Prabuddha Bharata
January, February, 1992.
કાશ્મીરનો પ્રવાસ અને કલાપીના સંવાદો – કલાપી

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.