બુદ્ધ

ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું

હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું,

લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને

વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’

અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા,

તપશ્ચર્યા કીધી, ગુરુચરણ સેવ્યા; વ્યરથ સૌ

નિહાળી, આત્મામાં કરણ સહુ સંકેલી ઉતર્યા,

મહા યુદ્ધે જીતી વિષય, લઈ બુટ્ટી નિકળિયા.

પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને

નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા

પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી,

જગત્ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.

પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,

અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.

– સુન્દરમ્

Total Views: 349
By Published On: May 1, 1993Categories: Sundram0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram