ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦

મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો છે. કેટલેય સ્થાને તે સૈકાઓ જૂની છે, જેમકે ઔરંગાબાદમાં. ઔરંગઝેબે ત્યાં ગુજરાતીઓને વસવા માટે નીમંત્ર્યા ને એમણે બાદશાહ પાસે પોતાનાં બાળકો માટે ગુજરાતી શાળાની માગણી કરી. ઔરંગઝેબે એ માન્ય રાખી અને જે શાહી ફરમાન કાઢ્યું તે ફરમાન આજે પણ મોજુદ છે. બસો છ્યાસી વર્ષ જૂની એ શાળા કદાચ જૂનામાં જૂની ગુજરાતી શાળા છે અને તે સાથે એ શાળા ત્યાંથી ગુજરાતી વસાહતની પ્રાચીનતા પુરવાર કરે છે. પુણેની ગુજરાતી વસાહત અંગ્રેજોએ પુણેનો કબજો લીધો તે પછીથી થઈ હોવાનો સંભવ છે. તો પણ એ પોણા બસો વર્ષ પુરાણી તો ખરી જ.

ત્યાં શરૂઆતમાં જે ગુજરાતીઓ ગયા હશે તે વેપારધંધા અર્થે કે મુંબઈ ઈલાકાના સરકારી નોકર તરીકે ત્યાં વસ્યા હશે. ત્યાંની કૃષિવિષયક કૉલેજમાં પ્રોફેસર જયકૃષ્ણ પીતાંબર ત્રિવેદી જોડાયા ત્યારથી પુણેમાં ગુજરાતીઓની સાંસ્કારિક ચેતના જાગૃત થઈ. પછી ત્યાં ગુજરાતી બાળકો માટે ૧૯૩૬માં ૨. ચુ. મહેતા હાઈસ્કૂલ સ્થપાતાં શિક્ષિત ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો. ફગ્યુર્સન કૉલેજમાં શ્રી શશિન ઓઝા ગુજરાતીના પ્રાધ્યાપક નિયુક્ત થયા. ત્યાંના બાલમંદિરના આચાર્ય શ્રી વ્રજ ઓઝા, શ્રી અંબુ વશી ઈત્યાદિ સજ્જનોએ પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજવ્વલિત રાખવાનું જે સુંદર કાર્ય કર્યું તે મંડળીમાંના એક તે આ પુસ્તકના લેખક શ્રી લાલજીભાઈ ગોહિલ.

શ્રી લાલજીભાઈ મૂળે તો ફર્ગ્યુસન કૉલેજના વિદ્યાર્થી. તત્ત્વજ્ઞાનના વિષય સાથે ૧૯૩૬માં તેઓ બી. એ. પાસ થયા અને પુણેમાં નવી જ ખૂલેલી ૨. ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પુણેમાં પોતાના અભ્યાસકાળના આરંભથી જ તેઓ શ્રી ત્રિવેદીસાહેબના સંપર્કમાં આવ્યા હશે. જે સંપર્ક સમય જતાં સુદૃઢ થયો. પુણેમાં ગુજરાતી ભાષા, સંસ્કારિતા અને ઉત્થાનના એ ઉષ:કાળે લેખકની સિસૃક્ષા જાગી ઊઠી અને શાળાના વર્ગોની દિવાલોની વચ્ચે તેઓ એક પ્રકારના વર્ગો ચલાવતા અને એ દિવાલોની બહારથી ‘સંગમ’, ‘કુસુમ’ આદિ સામયિકોનાં લખાણો દ્વારા તેઓ મુક્ત શિક્ષણના વર્ગો ચલાવતા. એ સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા ચિંતનાત્મક નિબંધો લેખકે આ ‘ચિંતન-પુષ્પો અને પરિમલ’માં સંગૃહિત કર્યાં છે. પુસ્તકના બીજા વિભાગમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે લખેલા નમૂનારૂપ સાત નિબંધો છે અને ત્રીજા વિભાગમાં છવ્વીસ કાવ્યો છે.

લેખન સ્વાન્ત: સુખાય તો હોય જ છે. પરંતુ, અહીં લેખકની સાથે એક ખાસ પ્રકારનો વાચકવર્ગ છે. એ વાચકવર્ગ ‘બ્રહ્મસૂત્રો’ કે ‘અષ્ટાવક્રગીતા’ પચાવી શકે તેમ નથી. એ વાચકવર્ગને ખ્યાલમાં રાખીને લેખકે ચિંતન પુષ્પોની છાબ ધરી છે. છાબમાં એકસો ને વીસ પુષ્પો છે. પ્રથમ લેખ ‘પ્રેમ પારસમણિ’ પ્રેમની મહત્તા ગાતો ત્રીજા પુરુષમાં લખાયેલો લેખ છે, બીજો ‘કલ્પના વિરાટ’ “હું સૌન્દર્યને પૂજું છું” એ પહેલા પુરુષની ઉક્તિથી આરંભાય છે અને ત્રીજા લેખ ‘ત્યાં સુધી’ સંપત્તિવાનને સંબોધાયેલો હોઈ બીજા પુરુષમાં લખાયેલો છે. આ વૈવિધ્યસભર દૃષ્ટિકોણોથી લખાયેલા હોઈ લેખો એકવિધ અને કંટાળાજનક નથી બની જતા. બાકી શીર્ષક તો કેટલીક વાર એક ખીંટી માત્ર છે જેને આધારે લેખક પોતાના ચિંતનનું શીંકુ ટીંગાડે છે. બધી ચિંતનિકાનો ઝોક આપણાં મુખ્ય દર્શનોને અનુસરી ઐહિક નહીં પણ આધ્યાત્મિક ૫ર છે. એ ચિંતનિકાઓમાં લેખક જ્ઞાનની, કર્મની નિષ્કામ કર્મની – ભક્તિની વાતો કરે છે. એ બધાંની સાથે જગતના, વ્યવહારનાં કાર્યો, સાચા સૌન્દર્યની પિછાણને, વિજ્ઞાનને પણ લેખક ભૂલ્યા નથી. આરંભમાં જ કહ્યું છે તેમ ચોક્કસ વાચકવર્ગને નજર સામે રાખી લખાયેલી આ ચિંતનકણિકાઓમાં આપણને ભલે ઉપનિષદોનું ઊંડાણ જોવા ન મળે પરંતુ, સમાજમાં રહેતો એક અદનો નાગરિક જીવનને ઉદાત્ત કરવાને પ્રેરાય, નિષ્ઠાવાન વિદ્યાર્થીને તેમાંથી આદર્શ સાંપડે અને સામાન્યજનોને સન્માર્ગે જવાને પ્રેરે તેવું ભાથું આ ચિંતનિકાઓ પૂરું પાડે છે.

બીજા વિભાગના જ્ઞાન નિબંધો ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા છે.

ત્રીજા વિભાગનાં કાવ્યોમાં બુલબુલે હિંદ સરોજિની નાયડુના એક કાવ્યનો, રવીન્દ્રનાથ ઠાકુરના ‘ગીતાંજલિ’નાં બે કાવ્યોના અને ઉમ્મર ખય્યામની રુબાઈયાતોમાંથી કેટલીકના અનુવાદો ઉપરાંત બાવીસ સ્વતંત્ર કાવ્યકૃતિઓ લેખકે મૂકી છે. લેખકનું વલણ છંદોબદ્ધ કાવ્યો કરતાં ગીતો ભણીનું જણાય છે. રૂબાઈયાતોને બાદ કરતાં અનુવાદો પણ ગીતમાં છે. ‘ગાંધીજીના શતાબ્દી વર્ષે’ કાવ્ય અનુષ્ટુપમાં છે. તેની ત્રીજી કડીની ત્રીજી પંક્તિ ‘હિમાલયે હરદ્વારે ગંગા શી કામિની’ -માં કોઈ શબ્દ રહી ગયો ન હોય તો, ઉત્તર ચરણમાં બે અક્ષરો તૂટે છે અને બીજી કડીની પ્રથમ પંક્તિના ઉત્તર ચરણ ‘જ્ઞાનશૃંગો પરહરી’ – અને ત્રીજી કડીની પ્રથમ પંક્તિના ઉત્તર ચરણ ‘કર્મંગંગા અવતરી’માં છઠ્ઠે ને સાતમે લઘુ છે તે ખટકે છે. પાંચમી કડીના ત્રીજા ચરણના પૂર્વભાગ – સંસારના તાણેવાણે – માં આઠ વર્ણોમાંથી સાત ગુરુ છે એ પણ એક વિશિષ્ટતા જ કહેવી પડે.

એકંદરે જે કક્ષાને માટે આ પુસ્તક લખાયેલું છે તેને આ પુસ્તક ઉપયોગી થશે તે વિષે શંકા નથી.

અવલોકનકાર: દુષ્યંત પંડ્યા

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.