કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને દિવસે જ એક બાળકનો જન્મ થયો, નામે શંકરન. ગામ સાવ નાનું એટલે પૂરી ભણવાની પણ સગવડ નહિ. હાઈસ્કૂલે જવાની વય થઈ એટલે ત્રિકુરમાં આવી શાળા નહિ હોઈ એ છોકરો,  પોતાના ગામથી દસેક કિ.મિ. દૂર આવેલ ત્રિસુર ગામે ગયો. લુંગીની જેમ વીંટવાનું એક સફેદ ધોતિયું, એક પહેરણ, એક ટુવાલ અને રૂપિયા ત્રણની માતબર મૂડી સાથે શંકરનનું એ ઉત્તરાયન હતું.

જગત જનની સારદાદેવીના જન્મદિવસે જ એ શંકરનનો જન્મ થયો, તેથી હશે કે બીજા કોઈ આકર્ષણને કારણે હશે, ચૌદ-પંદર વરસનો એ કેરળીય નિશાળિયો, પોતાના વતનથી દૂર, પૂર્વ ભારતના એક નાના ગામડામાં જન્મેલા અને કોલકાતાની બહાર ભાગ્યે જ ગયેલા, શ્રીરામકૃષ્ણ પરમહંસના વાર્તાલાપોની ચિત્તાકર્ષક નોંધ કરતું પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી આંતરિક નિર્ણય કરે છે – શ્રીરામકૃષ્ણ મઠમાં જોડાવાનો. અને અઢાર વર્ષનો થતાં, ૧૯૨૬માં પોતાના વડીલોની રજા લઈ મઠમાં જોડાવા નીકળી પડે છે.

રામકૃષ્ણ મઠ, બેલુરના કોઈ મોટા સ્વામી – મઠના અધિપતિ સ્વામી શિવાનંદજી ઊટીમાં છે પણ, ત્યાં સુધી પહોંચવા માટે રેલભાડાના પૂરા પૈસા નથી. તેઓ આંખોમાં આંસુ સાથે ઠાકુરને પ્રાર્થના કરે છે. ત્યાં વતનમાં આવેલા મઠના સ્વામી સિદ્ધેશ્વરાનંદ આ કિશોર શંકરન પર કૃપા કરે છે અને તેઓ આ શંકરનને સ્વામી શિવાનંદજી પાસે ઊટી લઈ જાય છે.

‘તને કંઈ રામકૃષ્ણ સાહિત્યનો પરિચય છે?’ શિવાનંદજી (મહાપુરુષ મહારાજ)ના સવાલના ઉત્તરમાં શંકરન પૂજ્ય શ્રીમાનું સ્તોત્ર – પ્રકૃતિં પરમાં અભયાં વરદામ્… બોલી જાય છે. ‘પાસ’ મહાપુરુષ મહારાજ ઉચ્ચારે છે અને આ શંકરન, અઢાર વર્ષની વયે ઈ.સ. ૧૯૨૬માં મૈસૂરમાં ખોલાયેલ શ્રીરામકૃષ્ણ મઠના નવા કેન્દ્રમાં પહોંચી જાય છે.

‘તું રસોડામાં કામે લાગ’, શંકરનને કહેવામાં આવે છે અને અઢાર વર્ષનો એ શંકરન – સ્વામી શિવાનંદજીનો શંકરન – મૈસૂર મઠમાં રસોઈ કરવાના કામે લાગે છે. આમ, ઈ.સ. ૧૯૨૬માં રસોઈનું કામ કરનાર આ શંકરન સને ૧૯૯૮માં સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષપદે વરણી પામે છે. આ પરિવર્તનની ઉત્થાનની કથા રમ્ય છે.

સ્વામી રંગનાથાનંદજી (૧૯૦૮ થી ૨૦૦૫)નું જીવન સમગ્ર વીસમી સદીને આવરી લે છે. પરંતુ તેમની ચેતનાએ તો પૂર્વ અને પશ્ચિમનાં સંસ્કૃતિઓને, સાહિત્યોને, ધર્મોને, ફિલસૂફીઓને પોતાની ગાંઠે કરી લીધાં હતાં. બૌદ્ધિક વિકાસ જેટલો જ હૃદયનો વિકાસ એમણે સાધ્યો હતો. એમની મેધા અસાધારણ ગ્રહણપટુ હતી. એમની સ્મૃતિ અસાધારણ ધારદાર હતી, એમના કાર્યમાં ખૂબ વેગ હતો અને એમના વિશાળ હૃદયમાં અસંખ્ય લોકોને સ્થાન હતું. એમના અંતરમાં આધ્યાત્મિક સૂર્ય ઝળાંહળાં હતો.

સ્વામી રંગનાથાનંદજીએ પોતાના ત્યાગી જીવનનો આરંભ મૈસૂર આશ્રમમાં રસોઈયા તરીકે કર્યો હતો. એમની વય હતી માત્ર અઢાર વર્ષની જ, પણ એમના શરીરમાં સ્ફૂર્તિ હતી, શીખવામાં મન હતું, કામ કરવાનો અદમ્ય ઉત્સાહ હતો અને જ્ઞાનગ્રહણ કરવાની પ્રબળ વૃત્તિ અને શક્તિ હતી. મૈસૂરના મઠમાં માત્ર રસમ અને ઈડલી બનાવીને તેઓ બેઠા ન રહ્યા. રસોઈ ઉપરાંત સફાઈ, બાગકામ વગેરેમાં પણ તેઓ સહાય કરતા.

નિયમિત વ્યાયામ કરતા અને મઠના સ્વામીજી જે કંઈ શિખવાડે તે શીખતા પણ. ત્યાં શંકરને પોતાના અંગ્રેજીને ધારદાર કર્યું, સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. કન્નડ ભાષા શીખ્યા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય આત્મસાત કર્યું. ગીતા અને ઉપનિષદો ઉપર તથા બીજાં પુરાણો અને વેદાંત સાહિત્ય પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. તેને અસાધારણ જ કહેવું પડે. તેઓ જે કંઈ વાંચે તે સ્વામીજીની માફક એમને કંઠે થઈ જતું. સ્વામી રંગનાથાનંદજી પ્રવચન આપતા હોય ત્યારે પાસે ચબરખી કે કાગળનો ટૂકડો રાખ્યા વિના ગીતા, ઉપનિષદો, મહાભારત-રામાયણ-ભાગવત, શ્રીરામકૃષ્ણ કથામૃત, સ્વામી વિવેકાનંદનું વિપુલ સાહિત્ય, જીન્સ, એડિંગ્ટન, સ્રોડિંજર, હક્સ્લી જેવા વૈજ્ઞાનિકો, યુંગ, મેકડુગલ જેવા માનસશાસ્ત્રીઓ, કાલિદાસ, શેક્સપિયર, મિલ્ટન, નઝરુલ ઈસ્લામ જેવા કવિઓ, યુનેસ્કોના અહેવાલો… અને એવા ઈતર વિશાળ સાહિત્ય ભંડારમાંથી પ્રસંગને અનુરૂપ અવતરણ સ્વામી રંગનાથાનંદજીની જીભેથી સરળતાથી સરી પડતાં. એમના આ ચૈતસિક ઘડતરનો આરંભ મૈસૂર આશ્રમના રસોડામાં રાંધણું રાંધવાની સાથે સાથે સહજ રીતે થયો હતો. એટલી તો ગ્રહણપટુ એમની મેધા હતી અને ધારદાર એમની સ્મૃતિ હતી.

મહાપુરુષ મહારાજે – સ્વામી શિવાનંદજીએ – બ્રહ્મચારી શંકરનને ૧૯૩૩માં સંન્યાસ દીક્ષા આપી હતી. ઠાકુરના અન્ય નિજી શિષ્ય સ્વામી અખંડાનંદને પણ તેઓ મળ્યા હતા અને બેલુર મઠે યુવાન વયે જ, એમની પ્રતિભા પારખી, એમને મૈસૂર આશ્રમથી મુક્ત કરી, બ્રહ્મદેશના પાટનગર રંગુનમાં આવેલા રામકૃષ્ણ આશ્રમની જવાબદારી ૧૯૩૭-૩૮ આસપાસ સોંપવામાં આવી. ત્યારે બ્રહ્મદેશ ભારતનો જ એક પ્રાંત હતો. રંગુનમાં બંગાળીઓ, દક્ષિણ ભારતીયો તથા ગુજરાતીઓની મોટી વસાહત હતી. અને સ્વામી રંગનાથાનંદજીની મોરલી જેવી વાણીથી આકર્ષાઈ લોકો રંગુનને આશ્રમે આવવા લાગ્યા. ત્યાં પહેલીવાર જનાર વ્યક્તિ બીજીવાર જાય ત્યારે પોતાની સાથે બીજા એકાદ શ્રોતાને લઈને જ જાય. બર્માના કેટલાક લોકો પણ સ્વામીજીની કથાનું પાન કરવા જતા.

પરંતુ, ૧૯૩૯માં હિટલરે પોલેંડ પર ચડાઈ કરી અને બીજા વિશ્વયુદ્ધનાં મંડાણ થયાં. પત્તાના ગઢની માફક બેલ્જિયમ, હોલંડ, ફ્રાંસ પડ્યાં. હિટલરનો સાથી મુસોલિની હતો. એણે આફ્રિકામાં આવેલા એબિસિનિયા પર પ્રભુત્વ જમાવ્યું અને જનરલ રોમેલ હેઠળ જર્મન સેનાએ પશ્ચિમથી પૂર્વ સુધીના આફ્રિકાના ઉત્તર કિનારાના દેશોને ઝપટમાં લીધા. આ યુદ્ધમાં સને ૧૯૪૨માં જાપાન પણ જર્મની અને ઈટલીને પક્ષે જોડાયું. અમેરિકાના પર્લ હાર્બ પર જાપાને આક્રમણ કરતાં અમેરિકા મિત્ર રાજ્યોને પક્ષે જોડાયું. પણ અમેરિકા જોરદાર પગલાં ભરે તે પહેલાં અગ્નિ એશિયામાંના ડચ, ફ્રેંચ અને બ્રિટિશ સામ્રાજ્યોના પ્રદેશોમાંથી એ યુરોપીય સત્તાઓને જાપાને હાંકી કાઢી, ત્યાંની પ્રજાઓના હાથમાં સત્તા સોંપવાનું નાટક કર્યું અને ૧૯૪૨માં જાપાને બ્રહ્મદેશ પર આક્રમણ કર્યું. બ્રિટિશરો હાર્યા અને ત્યાં વસતા ભારતીયોએ-બ્રિટિશ હકુમત હેઠળના પ્રજાજનોએ -બ્રહ્મદેશમાંથી હિજરત કરવામાં સલામતી જોઈ.

રંગુનમાંની સિંધિયા સ્ટીમ કંપનીની સહાયથી દરિયા માર્ગે જેટલા લોકોને ભારત ભેગા કરી શકાય તેમ કરવામાં સ્વામી રંગનાથાનંદજીએ સહાય કરી અને એ રીતે ભારત ન આવી શકે તેને માટે મહાવદી નદીની ખીણનો આરાકા યોમાન્ડા પહાડનો, ગીચ જંગલનો એક જ માર્ગ બાકી હતો. એ માર્ગે તેમના માટે વિશેષ બીજી વ્યવસ્થા હોવા છતાં સ્વામી રંગનાથાનંદજી રંગુન અને બ્રહ્મદેશ છોડતી વણજારમાં પણ જોડાયા. બીજો માર્ગ ન હતો. ગીચ જંગલો, પહાડી પ્રદેશ, નદીનાળાં, સરખા અને પોષણદાયક ખાવાનો અભાવ, પીવાના ચોખ્ખા પાણીનો અભાવ, શયન ભૂમિતલ પર, રાની પશુઓનો પણ ભય… અને આ સર્વની સાથે સંઘમાંના જરૂરતમંદોની સેવા. આ સર્વને કારણે, સ્વામી રંગનાથાનંદજીએ ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે એમનું વજન દસ-બાર કિલો ઘટી ગયું હતું. ચામડીનો રંગ બદલાઈ ગયો હતો અને ઓળખાય નહિ તેવા દેખાતા હતા. અને ઓળખાયા તેવા જ પાર્સલની પેઠે એમને કનખલના રામકૃષ્ણ સેવાશ્રમ ભેગા કરવામાં આવ્યા. ત્યાં ત્રણચાર મહિના આરામ કર્યા પછી અને સારવાર લીધા પછી રંગનાથાનંદજીને કરાંચીના રામકૃષ્ણ આશ્રમની જવાબદારી સોંપવામાં આવી. સને ૧૯૪૨ના ઓગસ્ટના અંત આસપાસ તેઓ કરાંચી આવ્યા હશે.

સને ૧૯૪૨નું આખું વર્ષ અને ખાસ કરીને એ વર્ષનો ઓગસ્ટ માસ ‘ભારત છોડો’ આંદોલનને કારણે ભારતના ઇતિહાસમાં નિર્ણાયક બનેલ છે. સમગ્ર દેશનું વાતાવરણ, ઓગસ્ટમાં સંક્ષુબ્ધ બની ગયું હતું. કરાંચીની જે શાળામાં હું શિક્ષક તરીકે કામ કરતો હતો તે રાષ્ટ્રિયતાને રંગે રંગાઈ હતી. અમારા એ શારદામંદિરની પ્રયોગશાળા, એનાં પુસ્તકાલય અને કાર્યાલય પર સરકારે સીલ લગાડી દીધાં. અમે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ‘કરેંગે યા મરેંગે’ની લડત સાથે સંકળાયેલા હતા. તે સૌ ઉપર સરકારનો ડોળો રહેતો. અમારામાંથી કેટલાકે જેલવાસ પણ ભોગવ્યો હતો. સિંધ હૈદરાબાદનો સત્તર-અઢાર વરસનો ઊગતો યુવાન હેમુ કાલાણી ફાંસીની સજા પામ્યો હતો.

બરાબર આવે સમયે, ૧૯૪૨ના ઓગસ્ટ આસપાસ સ્વામી રંગનાથાનંદજી કરાંચી આવ્યા અને થોડાક જ સમયમાં તેમણે ત્યાંની પચરંગી વસતિનાં દિલ જીતી લીધાં. ગીતા પર પ્રવચનો આપવાનો એમણે આરંભ કર્યો ત્યારે ૫૦-૬૦ શ્રોતાઓ હશે. થોડા જ સમયમાં એ સંખ્યામાં એવો જુવાળ આવ્યો કે શ્રોતાઓની સંખ્યા ૮૦૦-૧૦૦૦ જેટલી થઈ ગઈ. પચરંગી કરાંચીના શ્રોતાજનો પણ પચરંગી હતા – એન.ઈ.ડી. એન્જિનિયરિંગ કોલેજના મહારાષ્ટ્રિયન આચાર્ય ધન્નરકર, ડી. જે. સિંધ કોલજના સંસ્કૃત વિભાગના વડા પ્રખ્યાત વિદ્વાન ડોલરરાય માંકડ, આચાર્ય જયંત, ફિરોજશાહ મહેતા, સિંધી યુવાનો અને યુવતીઓ, દક્ષિણ ભારતીયો વગેરે તો હોય જ. પણ કરાંચી મોટું લશ્કરી મથક હોઈને, વિશ્વ યુદ્ધ અંગે ત્યાં આવેલા અંગ્રેજ સજ્જનો (રાલ્ફ, બિલ અને સ્ટેન) અને એક ચીની લડવૈયા (ડોન જુઆન) વગેરે પણ શનિવારે આશ્રમમાં આવી, રાત રોકાઈ, રવિવારે સાંજે સ્વામીજીનું પ્રવચન સાંભળ્યા પછી જ જતા. શ્રી કેશવજી અંજારિયા, નવીન ખાંડવાલા, ભાઈ પ્રતાપ, દ્રોપદી સહાણી, ત્રિવેણી, નિર્મળા ઠાકર.. આ યાદી ખૂબ લંબાવી શકાય તેમ છે.

અંગત વાત કરું તો સ્વામી રંગનાથાનંદજી સાથેના સંબંધથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. ત્યાં સુધી હું નાસ્તિક હતો. કશું જ ધાર્મિક સાહિત્ય મેં વાંચ્યું ન હતું અને સાધુસંતો પ્રત્યે મને કશો આદર ન હતો. માત્ર રવિવારી ગીતા પ્રવચનો સાંભળવા હું જતો અને આડે દિવસે પણ આશ્રમમાં જતો. સ્વામીજી ઉપરાંત લક્ષ્મણ મહારાજ, અર્જુન મહારાજ, પરમેશ્વર મહારાજ.. વ. જે બ્રહ્મચારીઓ હતા તેમના પરિચયમાં પણ હું આવ્યો છું. ભીલ બાળકો માટેની આશ્રમની સેવાપ્રવૃત્તિ પણ નિહાળી છે. સને ૧૯૪૩માં બંગાળમાં ભીષણ દુકાળ પડ્યો ત્યારે કરાંચીના વેપારીઓની સહાયથી ચોખા ભરેલી આગબોટ એમણે કોલકાતા મોકલાવી. ‘શિવજ્ઞાને જીવસેવા’ મંત્ર આમ એમના જીવન સાથે પૂરો વણાઈ ગયો છે. સને ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી (મેં કરાંચી ૧૯૪૬માં છોડ્યું હતું) એમનો કૃપાપ્રસાદ પામવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે.

પણ બ્રહ્મદેશથી ૧૯૪૨માં ઉચાળા ભરવા પડ્યા હતા તેમ દેશની આઝાદી અને દેશના વિભાજન પછીથી સ્વામીજીને કરાંચીથી પણ ઉચાળા ભરવા પડ્યા. કરાંચી છોડતા અનેક લોકોને કરાંચીને બંદરે પહોંચાડવામાં એમણે અને એમના બ્રહ્મચારીઓએ સહાય કર્યા પછી ૧૯૪૮માં આશ્રમની જગ્યા સમૂળગી વેચી સ્વામી રંગનાથાનંદજી ભારતમાં આવ્યા. થોડા સમય પછી ૧૯૪૯માં એમને દિલ્હીના આશ્રમની જવાબદારી સોંપવામાં આવી.

એકદમ થોડા – માંડ પચાસેક – લોકો જેની મુલાકાત લેતા તે દિલ્હીનો આશ્રમ વિખ્યાત બની ગયો અને શ્રોતાજનોની સંખ્યા દોઢ-બે હજાર પર પહોંચી. શ્રોતાઓમાં કેટલાક વિદેશી રાજદૂતો પણ હતા અને દિલ્હીના બૌદ્ધિકો હોય એમાં નવાઈ નથી અને તે સાથે એ પણ જણાવવું જોઈએ કે વક્તાઓમાં જયપ્રકાશ નારાયણ સમા પુરુષો હોય. સ્વામી રંગનાથાનંદજી ૧૯૬૨ સુધી દિલ્હી રહ્યા હતા. અને એ ગાળામાં જ એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો.

એ નવો અધ્યાય હતો, એમના વિદેશ પ્રવાસનો. ત્યારથી તે ૧૯૮૮-૮૯ સુધીમાં રૂઢિચુસ્ત મુસ્લિમ દેશોને બાદ કરતાં સ્વામીજી યુરોપ, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા.. એમ ખંડેખંડમાં ઘૂમી વળ્યા. પોતાના વિદેશ પ્રવાસોના અનુભવો સ્વામીજીએ ગ્રંથસ્થ કર્યા છે. એક જર્મન યુનિવર્સિટીમાં તેઓ પ્રવચન આપવા ગયા તો ત્યાંના જર્મન પ્રોફેસરે સ્વામીજીનું સ્વાગત સંસ્કૃતમાં કર્યું હતું. એનો ઉત્તર પણ સંસ્કૃતમાં આપી સ્વામીજીએ પોતાનું પ્રવચન અંગ્રેજીમાં આપ્યું હતું.

રંગનાથાનંદજીએ પ્રવચનો માટેના જુદા જુદા વીસેક વિષયોની યાદી બનાવી હતી. એમનું પ્રવચન જે સંસ્થામાં ગોઠવાયું હોય ત્યાં પહેલેથી એ યાદી મોકલાવી આપી તેમાંથી જે વિષય એ શ્રોતાજનો સૂચવે તેની ઉપર પોતે પ્રવચન આપે. પચાસ મિનિટથી એક કલાકનું પ્રવચન હોય અને એ પૂરું થયા પછી પ્રશ્નોત્તરી ચાલે. આ યાદીમાંનો એક વિષય હતો – ઈઝ ગોડ ડેડ-(શું ઈશ્વર અવસાન પામ્યો છે?)

મધ્ય અમેરિકાના ઉત્તર ભાગની એક યુનિવર્સિટીમાં આ યાદી મોકલી આપ્યા પછી, રંગનાથાનંદજી નિયત તારીખે પ્રવચન આપવા ગયા. યુનિવર્સિટીના વડાએ સ્વામીજીને કહ્યું, ‘શ્રોતાઓની સંખ્યા નાની હોય તો નિરાશ ન થતા.’પણ સભાખંડમાં તેઓ રંગનાથાનંદજી સાથે પહોંચ્યા તો વિશાળ ખંડ વિભાગ, આવવાજવાના માર્ગો પર પણ વિદ્યાર્થી ભાઈબહેનો બેઠેલાં!

પચાસેક મિનિટે પ્રવચન પૂરું કર્યું અને પ્રશ્નોત્તરની વાત કરી તો એ વિશાળ શ્રોતાસમુદાય એકી અવાજે પોકારી ઊઠ્યો: ‘પ્લીઝ ગો ઓન’. સ્વામી રંગનાથાનંદજીનું પ્રવચન બીજી ત્રીસચાલીસ મિનિટ ચાલ્યું અને પછી પૂરા એક કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલી. અનેેકોના સંશયો છેદાઈ ગયા હશે.

અને આવા વિદેશ પ્રવાસો દરમિયાન પોતાનાં ભારતીય સ્નેહીજનોને મળવાનું તેઓ કદી ન ચૂકતા. જાપાનમાં ટોકિયોમાં કરાંચીના એક સ્નેહીને ત્યાં જ તેઓ ઊતરતા. બોસ્ટન-પ્રોવિડન્સ હોય ત્યારે પોતાની કરાંચીની એક ભક્તની પુત્રીને ત્યાં ગયા વગર એમને ચેન પડતું નહિ. ઈંગ્લેન્ડ હોય ત્યારે કરાંચીમાં યુદ્ધકાળ દરમિયાન  આવેલા ને રંગનાથાનંદજીના ભક્ત બનેલા અંગ્રેજ શિક્ષક રાલ્ફ વ્હિટલિંગને ત્યાં તેઓ જાય જ. અને વાત્સલ્ય મૂર્તિ એવા કે સત્તર વર્ષની વયે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલી અમારી પુત્રી વરદા પોતાને બોસ્ટન કે ન્યૂયોર્કમાં અવશ્ય મળી જાય તેવી વ્યવસ્થા કરવાની મને ફરજ પાડવાની ચોક્કસાઈ એમની હતી. સને ૧૯૮૫માં બોસ્ટનના વિવેકાનંદ સેંટરમાં વરદા ગઈ ત્યારે દોઢેક કલાક પોતાની પાસે બેસાડી એને મસ્તકે પોતાનો વત્સલ હાથ ફેરવતાં એની અથથી ઇતિ કથા સાંભળી. સ્વામીજીને આમ મળ્યા પછી લખેલા પત્રમાં વરદાએ લખ્યું હતું, ‘સ્વામીજીએ મને સાવ નચિંત બનાવી દીધી છે.’ અને બોસ્ટનના એ કેન્દ્રના સ્વામી તથાગતાનંદ (કરાંચીના બ્રહ્મચારી પરમેશ્વર મહારાજ)ને મળવાનું થતાં વરદાને વિશેષ આનંદ થયો હતો.

‘સ્વામી વિવેકાનંદ પછી વિશ્વમાં વેદાંતપ્રચારમાં બીજા ક્રમે સ્વામી રંગનાથાનંદજીનું સ્થાન છે’, એમ એક અમેરિકન વિદ્વાને યોગ્ય જ કહ્યું છે.

હું ભૂલતો ન હોઉં તો સને ૧૯૬૨થી સ્વામી રંગનાથાનંદજીને મઠ-મિશનમાં વિશિષ્ટ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી. તેઓ રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી બન્યા. ઠાકુરના અને સ્વામીજીના વિદેશી ભક્તોની અને સાધકોની સંખ્યા વધવા લાગી. એમને માર્ગદર્શન આપવા માટે કોલકાતામાં ગોલપાર્ક વિસ્તારમાં રામકૃષ્ણ ઇન્સ્ટ્યિૂટ ઓફ કલ્ચરની સ્થાપના કરવામાં આવી અને તેની બધી જવાબદારી સ્વામી રંગનાથાનંદજીને સોંપાઈ. ઠાકુરના જ એક સંન્યાસી શિષ્ય પાસે સંન્યાસ દીક્ષા લેનારા અને વિશ્વપ્રવાસી, વિશાળ વાચનવાળા રંગનાથાનંદજીએ એ જવાબદારી સંભાળી અને એ વિદેશીઓ માટેની સંસ્થાના દિશાદોર બરાબર આંકી આપ્યા.

ત્યાં એમણે વિશાળ પુસ્તકાલય ઊભું કર્યું. વિદેશીઓ માત્ર રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યથી અને સંઘ પ્રવૃત્તિથી જ પરિચિત થાય એટલું નહિ પણ જગતના બધા ધર્મોનો, બધી સંસ્કૃતિઓનો, બધી ફિલસૂફીઓનો પરિચય કેળવે અને પોતાની માનસિક ક્ષિતિજોને સદા વિસ્તરતા રહે તેવી પરંપરા તેમણે ઊભી કરી. આ જવાબદારી તેઓ સંભાળતા હતા ત્યારે પણ જગતના જુદાજુદા દેશોનો વિહાર એમને કરવો પડતો. પોતાના વિદેશ પ્રવાસોના અનુભવોને લગતાં એક કરતાં વધારે પુસ્તકો રંગનાથાનંદજીએ લખ્યાં છે.

સ્મૃતિ દગો દેતી ન હોય તો ૧૯૮૨થી રંગનાથાનંદજીએ હૈદરાબાદના રામકૃષ્ણ આશ્રમની જવાબદારી સંભાળી હતી. એમની રાહબરી હેઠળ એ કેન્દ્ર પણ ખૂબ વિકાસ પામ્યું હતું. ત્યાં વિશાળ શ્રોતાસમુદાય બેસી શકે એવો મોટો સભાખંડ છે. ઠાકુરનું સુંદર મંદિર છે, મોટું પુસ્તકાલય છે. બીજી પણ કેટલીય પ્રવૃત્તિઓ માટેની સગવડો ત્યાં ઊભી કરવામાં આવી છે. આ હૈદરાબાદ કેન્દ્રના અધ્યક્ષપદની જવાબદારી ઉપરાંત રંગનાથાનંદજી મહારાજની વરણી સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ તરીકે પણ કરવામાં આવી હતી. મઠ-મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની વયને તથા નાદુરસ્ત તબિયતને કારણે, સ્વામી રંગનાથાનંદજી બેલુડ મઠવાસી બની ગયા હતા. આમ છતાં એમના પ્રવાસો ચાલુ રહેતા. મારી સ્મૃતિમાં છે ત્યાં સુધી ૧૯૯૬માં તેમણે કરેલ સૌરાષ્ટ્રનો પ્રવાસ તેમનો અંતિમ પ્રવાસ હતો. ત્યારે એમણે રાજકોટના આશ્રમમાં અનેક ભાગ્યશાળી લોકોને દીક્ષા આપી હતી તથા ૧૯૬૩-૬૪થી કાર્યરત, જામનગરના રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. જામનગરની એમની એ અંતિમ મુલાકાત હતી. અમારા ઘરની પણ એમની એ અંતિમ મુલાકાત હતી.

માંદગીને કારણે, સ્વામી રંગનાથાનંદજી હોસ્પિટલમાં હતા ત્યારે ૧૯૯૮માં તેમને વધામણી આપવામાં આવી હતી કે ‘મહારાજ, આપની વરણી સમસ્ત રામકૃષ્ણ સંઘના અધિપતિ માટે થઈ છે.’ ત્યારે પોતાની નિત્યની પ્રસન્નતા સાથે તેઓ બોલી ઊઠ્યા: ‘મૈસૂરનો રસોઈ કરનારો અધ્યક્ષ બને છે – ‘Yes, the cook of the Mysore Ashrama has now been appointed President’

રંગનાથાનંદજી મહારાજના આ કથન પાછળ એમના તેજસ્વી, તપોમય અને સાધનાસભર જીવનની ઉન્નતિનો નિર્દેશ છે જ. પણ એથીયે ઘેરો નિર્દેશ છે રામકૃષ્ણ મઠની પરંપરાનો. બિહારના કોઈ અજાણ ગ્રામ વિસ્તારમાંથી આવતો, પૂરો નિરક્ષર ભરવાડનો બાળક રખ્તુરામ – લાટુ મહારાજ – (સ્વામી અદ્ભુતાનંદ) બની શકે છે તેમ કેરળના એક ગામડાનો શંકરન ઠાકુરની, શ્રીમાની અને સ્વામી વિવેકાનંદની કૃપાથી અનેક ભાષાઓ બોલતો-લખતો, અનેક શાસ્ત્રોનો પાઠ કરતો, વિશ્વભરની ફિલસૂફીઓમાં વિહાર કરતો, જાણ્યાં-અજાણ્યાં અનેકને સહાયરૂપ થતો, પોતાનો અદ્ભુત વિકાસ સાધે છે. શંકરાચાર્યની અને વિવેકાનંદની માફક વેદાંતનો ડંકો ચોમેર બજાવે છે. જગતના ખંડેખંડમાં મિત્રો મેળવે છે, પોતાના સુદીર્ઘ (૧૯૦૮-૨૦૦૫) જીવનની પળેપળ એક પછી એક ઉચ્ચતાનાં સોપાનો સર કરતા રહે છે અને વિશ્વભરના અનેક લોકોને લાગે છે કે ‘સ્વામી રંગનાથાનંદજી જતાં મારા નિકટના મુરબ્બી સ્વજન મેં ગુમાવ્યા છે.’

આ લખું છું ત્યારે કરાંચી, મુંબઈ, દિલ્હી, રાજકોટ, હૈદરાબાદ, જામનગર.. એમ વિવિધ સ્થળોએ સ્વામીજીને બોલતા, ગમ્મત કરતા, પ્રવચનો આપતા સાંભળી રહ્યો છું એવા ભણકારા થયા કરે છે.

સ્વામી રંગનાથાનંદજી મહારાજને પ્રણામ.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.