આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા સંપ્રદાયો ઉપરાંત, બીજા કેટલાક સંપ્રદાયો પણ છે. જૈનોમાં દેરાવાસી અને સ્થાનકવાસી સંપ્રદાયો ઉપરાંત તેરાપંથી જેવા બીજા સંપ્રદાયો પણ છે. ખ્ર્રિસ્તીઓના બે મુખ્ય ફાંટા રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ ઉપરાંત કેટલાક બીજા ફાંટાઓ પણ છે.

આવા સંપ્રદાયોથી અને સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠવાનો નાદ, પ્રાચીન કાળથી સાંભળવા મળે છે: एकोहं विप्रा बहुधा वदन्ति ‘હું એક જ છું, પંડિતો જુદે જુદે નામે ઓળખે છે.’ પરંતુ, આપણે સૌ એ એકતાને વીસરી જઈ, એ અનેકદેશીય એકતાના એક ખંડને વળગી બેઠાં છીએ અને, હાથીને અડનાર આંધળાઓની માફક, ‘પગ’ને, ‘સૂંઢ’ને, ‘કાન’ને કે ‘પૂંછડા’ને હાથી માની બેઠાં છીએ. વળી એટલેથી જ નહીં અટકી જઈ, ઝનૂનમાં આવી જઈ, મારામારી, કાપાકાપી અને યુદ્ધો પણ કરીએ છીએ. એ યુદ્ધને ‘ધર્મયુદ્ધ’ કહીએ છીએ.

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં બંગાળના એક નાના ગામડામાં જન્મેલા શ્રીરામકૃષ્ણ પરમહંસ સાંપ્રદાયિકતાની સાંકડી વાડમાં કદી જ બંધાયા ન હતા. એમણે કોઈ પંડિત પાસે અભ્યાસ કર્યો ન હતો કે કોઈ શાસ્ત્રનું અધ્યયન પણ એમણે કર્યું ન હતું. પોતાના મોટા ભાઈની આંગળી પકડીને સત્તરમે વર્ષે એ કોલકાતા ગયા. મોટાભાઈની ઇચ્છા હતી કે પોતાનો નાનો ભાઈ ક્રિયાકાંડના મંત્રો ભણે અને એમની સહાયે એ પેટિયું રળે. ત્યારે, નાનાભાઈ ગદાધર (એમને જન્મથી અપાયેલું નામ એ હતું) માટે વિદ્યાપ્રાપ્તિનું ધ્યેય જુદું હતું. ધાર્મિક ક્રિયાકાંડની – કે આજે મોટાં મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટોમાં કે, ટેક્નોલોજીનાં ઈન્સ્ટિટયૂટોમાં અપાતી – વિદ્યા એ સોળ વર્ષના છોકરાને માટે ‘ચોખાકેળાં’ની વિદ્યા હતી, પેટ ભરવા માટેની વિદ્યા હતી. ગદાધરના અંતરના ઊંડાણમાં એવી નહીં પણ જુદી જ વિદ્યાની ઝંખના હતી: ‘ઈશ્વર પાસે લઈ જાય તે જ સાચી વિદ્યા’, એમ એ માનતા હતા. માણસને જીવવા માટે રોટલાની આવશ્યકતા છે જ પરંતુ, માત્ર રોટલો ખાઈને માણસ જીવન વ્યતીત કરતો નથી. એને મોજશોખનું મન થાય છે, આનંદપ્રમોદ ઇચ્છે છે, ચિત્તની શાંતિ પણ ઝંખે છે અને તે રમતોગમતો, કલાઓ, ધર્મવિચાર એવાંથી ઉદ્ભવે છે. ગદાધરમાં આવી ઝંખના જન્મજાત હતી.

કિશોર વયે એ છોકરો પોતાના વતન કામારપુકુરને પાદરે આવેલી ધર્મશાળાઓમાં જતો અને, જગન્નાથ પુરી જવાને માર્ગે આવેલી એ ધર્મશાળાઓમાં ઊતરતા વિવિધ સંપ્રદાયોના સાધુઓને એ મળતો, તેમની સાથે વાતો કરતો અને તેમની રહેણીકરણીનું એ અવલોકન કરતો. સાધુઓ ગમે તે સંપ્રદાયના હોય પણ, એ સૌ સાદગીને વરેલા હતા, અપરિગ્રહી હતા અને, પોતપોતાની રીતે ઈશ્વરની આરાધના કરતા. એમની વાતોમાં ધર્મચર્ચા મુખ્ય રહેતી. ગદાધરના ગ્રહણપટુ ચિત્ત પર આ સંસ્કારો પડતા હતા. સામાજિક વ્યવહાર, નોકરીધંધો કે ગોરપદાના કરતાં, એને આ ત્યાગ તપોમય જીવનનું આકર્ષણ વળગ્યું હતું.

ગદાધરના આ વળગણને દૂર કરવાના હેતુથી, એને કોલકાતા લઈ ગયેલા એના વડીલબંધુ એને ક્રિયાકાંડ શીખવવામાં સફળ ન થયા. મોટાભાઈએ એ માટે દબાણ પણ ન કર્યું અને ભાગ્ય પર બધું છોડી દીધું. જે ભાગ્યે ગદાધરને પોતાનું ગામ છોડાવી કોલકાતા આણ્યા હતા તે જ ભાગ્ય એમને કોલકાતાથી સાત – આઠ કિલોમિટર ઉત્તરે, ગંગાકાંઠે આવેલા કાલીમંદિરે લઈ ગયું.

અસ્પૃશ્યતાની જડતાના એ જમાનામાં, પૈસેટકે સમૃદ્ધ પણ એકદમ પછાત ગણાતી કેવટ જાતિની રાણી રાસમણિને નામે ઓળખાતી અતિ સમૃદ્ધ મહિલાએ બંધાવેલા એ મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો વિધિ કરાવવા કોઈ જ બ્રાહ્મણ તૈયાર ન હતો તો, પૂજાની તો વાત જ શી કરવી? અનેક વિદ્વાનો પાસે ખોળા પાથર્યા પછી રાસમણિએ રામકુમારની સલાહ લીધી. ‘શૂદ્રથી આવું કાર્ય કરી શકાય જ નહીં’ – એ મતમાં પોતાનો સૂર પૂરાવ્યા પછી રામકુમારે રાણીને માર્ગ ચીંધ્યો: ‘કોઈ ઉચ્ચ વર્ણના બ્રાહ્મણને રાણી આ મંદિર પરિસરનું દાન કરી દે પછી, એ વિધિ કરાવી શકાય’, આ ઉત્તરથી માત્ર રાણી રાસમણિનાં – ભાગ્ય ફરી ગયાં એટલું જ નહીં પણ, રામકુમારના પોતાના નાનાભાઈ ગદાધરનાં ભાગ્યમાં પણ પરિવર્તન આવી ગયું.

રાણીના નિમંત્રણથી રામકુમારે દેવીમૂર્તિની પ્રતિષ્ઠાનો વિધિ કરાવ્યો અને, રાણીના જ નિમંત્રણથી રામકુમારે કાલીમંદિરનું પૂજારીપદ ગ્રહણ કર્યું. મૂર્તિપ્રતિષ્ઠાપનને મંગલ અવસરે, રાણીએ અનેક બ્રાહ્મણોને, પોતાનાં કુટુંબીઓના અને પરિચિતોના વિશાળ સમુદાયને તથા અનેક અભ્યાગતોને ભરપેટ જમાડયાં. માત્ર ગદાધર શૂદ્રના અન્નથી આઘા રહ્યા અને દાળિયા ફાકી પોતાનું પેટ ભર્યું.

માતાજીના પૂજારી બનનાર મોટા ભાઈની સાથે યુવાન ગદાધરને પણ દક્ષિણેશ્વર રહેવાનું થયું પણ, કેટલાય દહાડા સુધી એણે ત્યાં ઉચ્ચ બ્રાહ્મણને હાથે રંધાતા માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો નહીં, કારણ, ‘એ શૂદ્રનું અન્ન હતું.’ પરંતુ, મંદિરની માતાજીની મૂર્તિની બહાર નીકળતી જીભની અગ્નિશિખા એમને કયારે સ્પર્શી ગઈ તે એ જાણી શકયા નહીં અને, કોઈ અકળ કારણસર એ એકવીસ વર્ષના યુવાનની શક્તિને પામી જનાર, રાણી રાસમણિના જમાઈ મથુરાનાથ વિશ્વાસે એમને મંદિરમાંની માતાજીની મૂર્તિની પૂજાની જવાબદારીએ વળગાડી દીધા. અને, એ બંધન એમને આજીવન વળગેલું હતું.

અતિ આકરી તપશ્ચર્યા પછી, માતાજીનું ખડગ પોતાને ગળે મૂકવા ગદાધર તત્પર થયા પછી જ એમને માએ દર્શન આપ્યાં. પરંતુ એમને એટલેથી સંતોષ ન થયો. ‘नात्ये सुखमस्ति’ એ એમનો મુદ્રાલેખ હતો. એમની તપસ્યાની ઉગ્રતાથી પ્રસન્ન થઈ, માતાજીનું દર્શન એમને સહજ બની ગયું, પણ એમને મોટી ફાળ ભરવી હતી. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક પહેલી જ વાર શ્રીરામકૃષ્ણને નિરાંતે મળ્યા હતા ત્યારે, ઠાકુરના પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યું હતું કે, ‘હું નિરાકારમાં માનું છું.’ ઠાકુરે એ બાબતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, ‘ઈશ્વર નિરાકાર છે, પણ એ સાકાર છે તેમ જ એ બંનેથી પર પણ છે.’ શ્રી મ.ને ત્યારે આ ઘૂંટડો ઉતારવો ભારે પડયો હતો. પછી લાંબે ગાળે આ બાબત એ સમજી શકયા હતા. લેખના આરંભમાં જણાવ્યા પ્રમાણે આપણો સાંપ્રદાયિક ઉછેર આપણને જડ બનાવી દે છે અને આપણી આંખો પર ઝનૂનનાં પડળ લગાવી દે છે તે એવાં કે, એ સાંપ્રદાયિક કંસી કેદખાનાની બહાર આપણે નીકળી શકતા નથી. શ્રીરામકૃષ્ણે એ ભીંતો ભાંગી નાખી હતી.

હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો અનુસાર ઠાકુરે સાધના કરી હતી. એમના જીવન ચરિત્રથી પરિચિત બધાં લોકો જાણે કે, ઠાકુર ત્યાં જ અટકી ગયા ન હતા. એમણે ઈસ્લામ અને ખ્ર્રિસ્તી ધર્મો અનુસાર પણ સાધના કરી હતી. અને એ સમગ્ર સાધનાને અંતે,

કબીર, કૂઆ એક હૈ, પનિહારી અનેક,
બરતન ન્યારે ન્યારે ભર્યે, પાની સબ મેં એક –

આ કબીર કથન અનુસાર વિવિધ સંપ્રદાયોનાં, વિવિધ ધર્મોનાં ‘બરતન’ – વાસણ – ભલે જુદા જુદા ઘાટનાં અને જુદી જુદી ધાતુનાં હોય પણ, એ સૌમાંનું ‘પાણી’ – ઈશ્વર – એક જ છે એ સત્યનો સાક્ષાત્કાર ઠાકુરે કર્યો હતો. સાંપ્રદાયિક સંકુચિતતાની વાડ એમને સ્વીકાર્ય ન હતી. ગમે તેવો ‘હલકો’ લાગતો કોઈ ધર્મસંપ્રદાય હોય, એ એમને માટે ત્યાજ્ય ન હતો કારણ, ‘મોટા બંગલાની પાછળના ભાગમાં આવેલાં સંડાસો સાફ કરવા માટેની અલગ સીડી’ પણ લઈ જાય છે તો એ ‘બંગલા’માં જ. ઈશ્વરનો બંગલો વિશાળ છે. ‘My Father`s house has many mansions’ (‘મારા પિતાના ઘરને અનેક ખંડો છે.’) એમ ઈસુએ સાચું જ કહ્યું છે.

સંત કબીરના કૂવાના પાણીના જેવું જ ઠાકુરનું તળાવના પાણીનું દૃષ્ટાંત પણ જાણીતું છે. અનેક ઘાટોવાળા તળાવને એક ઘાટેથી પાણી ભરી લાવેલો એક માણસ કહે છે કે, ‘મારા ઘડામાં પાણી છે’, બીજે ઘાટેથી પાણી લાવતો બીજો માણસ તેને ‘જલ’ કહે છે અને ત્રીજા ઘાટનાં પગથિયાં પરનો આદમી તેને ‘વોટર’ કહે છે. પણ, ત્રણેય પાત્રોમાં પદાર્થ એક જ છે, માત્ર ‘નામરૂપ જુજવાં’ છે. ઠાકુરને ભેદ માન્ય ન હતો. એ અભેદના ઉપાસક હતા અને, પોતાના શિષ્યોને એમણે એકાંગીપણાનો બોધ આપ્યો ન હતો. ઠાકુરના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સ્વિત્ઝલેન્ડમાં માતા મેરીની મૂર્તિવાળી દેવીનું નાનકડું દેવળ પડે છે તો તરત જ, પોતાની શિષ્યા સાથે, એ માતૃમૂર્તિને ચરણે સ્વામીજી પુષ્પ સમર્પણ કરે છે. ઠાકુરના બીજા શિષ્ય શરત (સ્વામી શારદાનંદ) ખ્ર્રિસ્તી શિક્ષણ સંસ્થાઓમાં ભણ્યા છે અને બાઈબલથી ખૂબ પ્રભાવિત થયા છે. રોમમાંના જગવિખ્યાત સિસ્ટાઈન ચેપલમાં જવાની તક એ સ્વામી શારદાનંદ ઝડપી લે છે અને ત્યાં જઈ, પ્રાર્થના કરી શાંતિનો અનુભવ કરે છે. સ્વામી વિવેકાનંદનાં શિષ્યા, વિખ્યાત ગાયિકા માદામ કાલ્વે બેલુરના ઠાકુર મંદિરમાં પોતાને આવડતી ખ્ર્રિસ્તી પ્રાર્થના જ ગાઈ શકે છે. અને ભાવનગર યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. મહેબુબ દેસાઈ, એ જ મંદિરમાં જઈ નમાજ પઢી શકે છે અને પોતાના અનન્ય અનુભવ વિશે લખે છે કે, ‘જે નમાજ પઢતાં સામાન્ય રીતે સાત આઠ મિનિટ લાગે તે પઢતાં મને પિસ્તાલીસ મિનિટ લાગી હતી.’ એમની એ ‘નમાજ’ માત્ર શાબ્દિક નમાજ નહીં રહેતાં, એમના સમગ્ર વ્યક્તિત્વના અણુએ અણુની નમાજ બની ગઈ હશે.

ઠાકુરના આ સર્વધર્મસમભાવનો અને સર્વધર્માદરનો પોકાર શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ઠાકુરના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે કર્યો હતો. દુર્ભાગ્યે ધાર્મિક અને સાંપ્રદાયિક કહેવાતી વાડની બહાર આપણે નીકળી શકયાં નથી. આપણે ઠાકુર તરફ પાછાં વળીએ, એમના બોધનું શ્રવણ-વાચન-મનન કરીએ અને, હૃદયમાંથી સંકુચિતતાની વાડને, ઝનૂનના ખૂન્નસને અને ‘હું જ  ચડિયાતો છું’ એ ભાવને હટાવીએ એવી પ્રાર્થના ઠાકુરને, શ્રીમાને અને સ્વામીજીને કરીએ.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.