પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું? એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની પાસે હશે કે નહિ એની એને ખબર નથી અને છતાં તે એની એ જૂની ઘરેડમાં જીવે જાય છે, અને ઢસરડા જેવી જિંદગી પૂરી કરે છે, એ જોઈ મહદ્ આશ્ચર્ય અનુભવાય છે. જે ક્ષણમાં સાચું જીવન જીવે છે, તે જ અનંતમાં સાચું જીવન જીવે છે. ‘ગૃહીત ઈવ કેશેષુ મૃત્યુના’મૃત્યુએ આપણા વાળ પકડેલા છે એ જાણવા છતાં ઉપરની પંક્તિઓનો ઉત્તરાર્ધ ‘ધર્મમાચરેત’ધર્મનું આચરણ કરવું જોઈએ – આપણે લક્ષમાં લેતા નથી એથી વધારે નવાઈની વાત કઈ હોઈ શકે? અને પ્રભુમાં જીવવું, પ્રભુ અર્થે જીવવું, કર્મ દ્વારા પ્રાર્થનાઅર્ધ્ય અર્પવો એ માટે તો આ ક્ષણને જ પકડવી રહી, અન્યથા આશ્ચર્યોની પરંપરા!”

આજે સાહિત્યજગતનું આશ્ચર્ય શું એનો વિચાર કરું છું. ત્યારે પોતાની રચના નબળી હોવા છતાં એને પ્રસિદ્ધ કરવા માટે જે ધમપછાડા થાય છે, અતિ સામાન્ય કૃતિને ઉછીના પ્રાણવાયુથી ધબકતી રાખવાના જે પ્રયત્નો થાય છે, કૃતિમાં કશા રામ ન હોવા છતાં આમુખો અને પ્રવેશકોથી એને શણગારવાનો જે ઉધામો કરાય છે તે જોઈ કોને આશ્ચર્ય ન થાય? બે-ચાર અંક સુધી માંડ પહોંચી શકે એવા સામયિકનું રજિસ્ટ્રેશન કરાવવા દોડધામ કરનારાઓ શક્તિનો કેવો વ્યય કરે છે! ચાર-પાંચ મિત્રો એકઠા થઈ વગર વિચાર્યે સંસ્થા સ્થાપી દે છે, સાત આઠ મિત્રો એકઠા થઈ ટ્રસ્ટોની રચના કરે છે અને એને માટે અડધો ડઝન એવા જ મિત્રોની મદદથી થોડીઘણી રકમ ઊભી કરે છે. થઈ ગઈ જાહેર સંસ્થા! અને પછી ગ્રાન્ટ મેળવવા આંટાફેરા શરૂ થઈ જાય છે. આ બધું શાને માટે? આ રીતે ઊભી થયેલી જાહેર સંસ્થાઓનો ઉપયોગ અંગત હેતુઓ માટે આપણે કરીએ છીએ. એમાંથી એક એસ્ટાબ્લિશમેન્ટ ઊભું થાય છે. એ રીતે આજે ફાઉન્ડેશનો સ્થપાય છે, મોટી રકમના પુરસ્કારો અપાય છે, ધૂળ જેવાં પુસ્તકોના વિમોચન સમારંભો યોજાય છે અને ‘અહો રૂપમ્ અહો ધ્વનિ’ની જેમ વાહ વાહ ઉઘરાવાય છે! આ બધું આપણને ક્યાં લઈ જશે? તમે બે ચાર માણસોને આભારવશ બનાવો છો અને આભારથી લચી પડેલા કીર્તિ અને ધનલોલુપો તમો જે ગરબો ગવડાવો તે ઝીલ્યા કરે છે. આ પ્રક્રિયાથી ઊભી થાય છે વાડાબંધી. સાહિત્યમાં આ વાડાબંધીની ઘણી ચર્ચાઓ થાય છે. જ્યાં અને જ્યારે પણ આપણું ધાર્યું ન થયું ત્યાં “જુઓને, સાહિત્યમાં પણ હવે તો વાડાબંધી છે.” એમ આપણે બોલી ઊઠીએ છીએ અને પછી ઉમાશંકર જેવાને લખવું પડે છે: “સાહિત્યક્ષેત્રમાં ઘણીવાર વાડાની વાત થતી હોય છે. પણ સાહિત્યસર્જકો જેમનું કામ જ વૈયક્તિક અનુભૂતિઓને વિશિષ્ટરૂપે રજૂ કરવાનું છે તેઓ એકમેકથી નોખા તરી આવ્યા વગર કેમ રહે? એ અલબત્ત સૌથી હળેમળે પણ આંતરસ્વરૂપ તપાસવા જતાં એકલરંગી એકલવિહારી જ માલૂમ પડવાના. આવાઓના વાડા શી રીતે બંધાઈ શકે? સિંહના વાડા શી રીતે હોય? વાત સાવ સાચી. પણ સિંહો કેટલા? પ્રશ્ન છે.

અત્યારનો મોટામાં મોટો રોગ તે રાજકારણીય રીતરસમથી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવું અને એને અંગત લાભ માટે વટાવવું. આવા વાતાવરણમાં શ્રી સુરેશ જોષી જેવાની ચર્ચા વિરલ ગણી શકાય. દિલ્હીની સાહિત્ય અકાદમીએ એમને ગુજરાતની સલાહકાર સમિતિમાં લીધા. તેમણે એનો અસ્વીકાર કર્યો. સાહિત્ય અકાદમીએ અનંતરાય રાવળને સંપાદક નીમી સાહિત્યની તાત્ત્વિક વિચારણાના લેખોનો એક સંચય તૈયાર કરાવ્યો, સુરેશભાઈએ એમાં પોતાનો લેખ છાપવાની સંમતિ ન આપી! સાહિત્યનો ઉત્કર્ષ સંસ્થાગત પદ્ધતિએ ન થઈ શકે એમ તે માનતા હશે. ગમે તેમ, પોતે જે માનતા હોય એને વળગી રહેવાનું તેમણે સ્વસ્થતાપૂર્વક કર્યું. આજે જ્યારે સામે ચાલીને વળગવાનું લોકો કરે છે ત્યારે સાહિત્યિક સમાજમાં આવા ‘ના’ પાડનારા માણસો પણ હોવા તો જોઈએ જ. અલબત, અત્યારના સમયમાં સંસ્થા નિરપેક્ષ રીતે સાહિત્ય-સેવા કે સાહિત્ય-ઉત્કર્ષ કેટલો થઈ શકે એ એક પ્રશ્ન છે. સંસ્થાની રીતે કામ કરવું જો અનિવાર્ય હોય તો એની મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો આવે જ. બીજું એક વલણ તે જો હું કોઈ સામયિકનો સંપાદક હોઉં તો ભલે હું વિવેચન ન કરી શકું પણ કોને પાસ કરવા, નાપાસ કરવા, એ. ટી. કે. ટી.માં મૂકવા કે ઉપલા વર્ગમાં ચઢાવી દેવા એની ગોઠવણી તો કરી જ શકું. હું ૫રીક્ષકોની પેનલ જ એવી ગોઠવું કે જેથી ધાર્યું પરિણામ આવી શકે. આપણે ત્યાં સંપાદક અને તંત્રીઓનાં કર્તવ્યો વિશે સ્પષ્ટતા થવી જરૂરી છે. હમણાં જાણવા મળ્યું કે અમુક સામયિકમાં લેખકોના લેખોનાં ટાઈટલો બદલાઈ જાય છે. લેખકોનાં લખાણોમાંથી અમુક વખાણ કરતી કે વખોડતી લીટીઓ કાઢી નાખવામાં આવે છે.

અને આવું તો ઘણું બધું થાય છે. લેખકોએ આનો સખત વિરોધ કરવો જોઈએ. પણ એવી હિંમત કયા બજારમાં મળે? પછી બીજી વાર લેખ લખવાનું નિમંત્રણ ન મળે, પુ૨સ્કા૨ ન મળે અને ક્યાંક તંત્રી-નોંધમાં ઝડપાઈ જઈએ તો પછી શું થાય? આ જ થાય. આપણે સિંહ સિંહ રટ્યા કરીએ એટલું જ!

આપણા કવિ સુન્દરમ્ નો દાખલો લો, તે કઈ સંસ્થામાં હતા? કઈ કમિટીઓ પર હતા? તે કોને ઓબ્લાઈજ કરી શકે? બહુ બહુ તો તે શ્રીમાતાજીના આશીર્વાદ મોકલે! અને છતાં સુન્દરમ્ પ્રત્યેક ગુજરાતીભાષીના હૃદયમાં વસે છે એ એક હકીકત છે. શાનો છે કીમિયો આ? એમની કવિતાનો. સર્જકનું કામ એ ગુફાવાસીનું કામ છે. જે હૃદયમાંથી નીકળે છે એ જ હૃદયને સ્પર્શે છે. અને હૃદયને સ્પર્શે છે તે જ ટકે છે. સાહિત્યકારનું કાર્ય અંદરથી બહારના પ્રગટીકરણનું છે. જો લખનારા અંદર પ્રવેશે જ નહિ અને બહાર આટાંફેરા માર્યા કરે તો એથી શું થવાનું?

સાહિત્યજગતનાં ઘણાં આશ્ચર્યો છે. સાહિત્યનો પણ વ્યવહાર છે અને એ વ્યવહારનાં આશ્ચર્યોનો તો કંઈ પાર નથી. ‘શાકુન્તલ’ના છેલ્લા સાતમાં અંકમાં દુષ્યન્ત અસુરોને જીતે છે. ઈન્દ્ર એને બહુ માનપાન આપે છે અને પૃથ્વીલોક તરફ પાછો ફરે છે ત્યારે માતલિને કહે છે: ‘આશ્ચર્યદર્શનઃ સંલક્ષ્યતે મનુષ્યલોકઃ’ મનુષ્યલોક આશ્ચર્ય ઉપજાવે એવો દેખાય છે. મનુષ્યલોકનું આ નિરવધિ વિસ્મય સાહિત્યકારની કૃતિમાં ઝિલાય છે. એની નજર તો એના તરફ જ વળેલી હોય. એનાથી વિમુખ કરનારી વસ્તુઓ એક હજાર ને એક હોવાની. રિલ્કેએ એકાંતનું રક્ષણ કરવાની જે વાત કરી છે તે કાંઈ અમસ્તી નથી કરી.

આ કાલિદાસ-કથિત મનુષ્યલોકના વિસ્મયનો જ પડઘો આપણા કવિ ઉશનસ્ના ‘જાહેરનામા’માં જોઈએ છીએ: “કવિ લેખે મારે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંયે છોડી દીધું છે… હવે હું માત્ર સર્જનના આર્ધ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગુ છું; આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તે તે નકામા ડહાપણનો જલ્પ કરીને એળે નહીં જવા દઉં. મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઉભા રહેવું છે… મારે એક પંચભૂતના પૂતળાલેખે પંચભૂતો સાથે મુક્ત અને પ્રગટ લેવડદેવડ કરવી છે, ને મારા ચિત્તના કૅમેરામાંથી અનંત છબીઓ પૃથ્વી પર પ્રસારિત કરવી છે.”

મનુષ્યલોકના આ નિરવધિ વિસ્મયની વિવિધ છબીઓ ઝડપનાર સર્જકોની કદી ખોટ ન રહો. આ સાચા ‘આશ્ચર્ય’ની સરખામણીમાં સાહિત્યજગતના આશ્ચર્યોની શી વિસાત? ક્ષણને પકડવાનો કીમિયો પણ આમાં જ રહેલો નથી લાગતો?

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.