યુવાવર્ગને આહ્વાન

હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે નહિ. દુ:ખી માણસો પ્રત્યે લાગણી રાખો અને મદદ માટે પ્રાર્થના કરો – એ અચૂક આવશે…નવયુવાનો, હું તમને વારસામાં સોંપું છું – આ લાગણી, અને ગરીબ, અજ્ઞાન તથા દલિતો માટેનો જંગ..જો તમે ખરેખર મારાં બાળકો હો તો કશાથી ડરશો નહિ. ક્યાંય અટકશો નહિ. સિંહ જેવા બનશો. આપણે ભારત વર્ષ અને સમસ્ત જગતને જગાડવાનાં છે.

ગામડે, ગામડે જાઓ. માનવ જાતનું અને દુનિયા આખીનું ભલું કરો. બીજાને માટે મુક્તિ મેળવવા માટે નરકમાં જવું પડે તો પણ જાઓ. અરે બેટા! જો મૃત્યુ અનિવાર્ય છે, તો સડેલા વૃક્ષ અને પથ્થરની માફક જીવવા કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી?…પડ્યા પડ્યા કટાઈ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું ઘણું પણ ભલું થઈ શકે તે કરતાં કરતાં ઘસાઈ મરવું વધારે સારું.

એક વાર કાર્યમાં લાગી જાઓ એટલે એવી જબરજસ્ત શક્તિ તમારામાં આવશે કે તમારે ઝીલવી કઠણ થઈ પડશે. બીજાઓ માટે કરેલું નાનું શું કાર્ય પણ માણસમાં શક્તિ જાગ્રત કરે છે. માત્ર અન્યનું ભલું કરવાનો જરા સરખો વિચાર સુધ્ધાં હૃદયમાં સિંહ જેવા બળનો સંચાર કરે છે. હું તમને સૌને ખૂબ ચાહું છું. પણ ઈચ્છું છું કે તમે બીજાને માટે કામ કરતાં કરતાં મૃત્યુ પામો. તમે એમ કરશો તો મને આનંદ થશે.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (પૃ.૩૯થી ૪૦)માંથી સાભાર)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.