(સ્વામી વિદેહાત્માનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્ર દ્વારા પ્રકાશિત હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.)

પોતાનું અપૂર્ણ રહેલું ધર્મ-સંસ્થાપનનું કાર્ય યુવક નરેન્દ્રનાથને સોંપીને ભગવાન શ્રીરામકૃષ્ણે ૧૬ મી ઑગસ્ટ ૧૮૮૬ના રોજ મહાસમાધિ લીધી હતી. નરેન્દ્રનાથે ગૃહત્યાગ કર્યો. ગુરુભાઈઓનો સાથ છોડ્યો અને એક ગરીબ નિર્ધન સંન્યાસીના રૂપે સંપૂર્ણ ભારતવર્ષના ભ્રમણ માટે નીકળી પડ્યા. કોઈ વખત પગે ચાલીને ભ્રમણ કરતા તો ક્યારેક રેલગાડીમાં મુસાફરી કરતા. કોઈ વાર રાજમહેલમાં આશ્રય મળતો તો કોઈ વખત ગરીબની ઝૂંપડીમાં રહેતા. ક્યાંક પંડિતોની વચ્ચે શાસ્ત્રાર્થ કરતા તો ક્યાંક વળી ચાંડાલની સાથે ધર્મપ્રસંગની વાત કરતા. આ પ્રમાણે નાત-જાત, ધર્મ-સંપ્રદાય, ગરીબ-શાહુકાર વગેરેના ભેદભાવો ભૂલીને લગભગ છ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી તેઓ ભારતીય સમુદાયની વચ્ચે ફરતા રહ્યા. આ સમય દરમિયાન તેઓ બધા ભારતવાસીઓના સુખ દુઃખના ભાગીદાર બન્યા, તેમની વિવિધ જીવન પદ્ધતિઓને તથા સમસ્યાઓને નજીકથી નિહાળી અને ઊંડાણથી અભ્યાસ કર્યો. આમ જાણે કે ભારત-ભૂમિ સાથે એકાકાર થઈ ગયા. ઈ.સ. ૧૮૯૨ના છેલ્લા અઠવાડિયામાં તેઓ ભારતના છેક દક્ષિણને છેડે ત્રણ સમુદ્રના સંગમે આવેલ કન્યાકુમારી પહોંચ્યા. ત્યાં સમુદ્રોના ખારાપાણીથી ઘેરાયેલા એક શિલાખંડ પર બેસીને ઘ્યાનમગ્ન થઈ ગયા. તેમના ધ્યાનનો વિષય ૩૩ કરોડ દેવી દેવતાઓમાંથી કોઈનો નહોતો. તેમનું મન ભારતના જીવંત ૩૩ કરોડ માનવ દેવતાઓ પર એકાગ્ર થયું હતું. ભારતની આમજનતાનું દુઃખ દારિદ્રય જોઈને તેમનું હૃદય પીગળી ગયું હતું. પ્રાણ ચિત્કાર કરતો હતો અને મનોમંથન ચાલ્યા કરતું હતું કે શું આના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી? શું ભારતવાસી પતનના ખાડામાં પડતા જ રહેશે? પાશ્ચાત્ય વિજ્ઞાન અને ભૌતિકવાદની થોડી મદદ લીધા સિવાય ભારત બચી નહીં શકે. અચાનક તેમના મનમાં ભારતના પુનરુત્થાન અંગે એક સમાધાન આવી ગયું. તેઓ લખે છે- “મેં વિચાર્યું કે અમે જે આટલા સંન્યાસીઓ ભ્રમણ કરીએ છીએ અને લોકોને તત્ત્વજ્ઞાનની સમજણ આપીએ છીએ એ બધું નર્યું ગાંડપણ છે. અમારા ગુરુદેવ તો કહ્યા કરતા હતા કે ખાલી પેટ હોય ત્યારે ધર્મ આચરી શકાતો નથી. પેલા ગરીબો જે જાનવર જેવી જિંદગી જીવી રહ્યા છે તેનું કારણ અજ્ઞાન છે…વિચારો, ગામે ગામ કેટલા સંન્યાસીઓ ફરે છે? તેઓ શું કામ કરે છે? જો કોઈ પરોપકારી નિઃસ્વાર્થી સંન્યાસી ગામે ગામ જઈને વિદ્યાદાન કરે…તો આજના સંદર્ભમાં તે યોગ્ય ગણાય કે નહીં? આમ કરવા માટે પહેલાં તો લોકો જોઈએ અને પછી જોઈએ ધન. ગુરુકૃપાથી દરેક શહેરમાં મને દસ-પંદર લોકો તો મળી જશે. હું પૈસા માટે તો રખડીશ પરંતુ ભારતના લોકો મને ધન દેશે ખરા?

સ્વામીજીએ નિશ્ચય કર્યો કે તેઓ પોતે જ અમેરિકા જશે અને સ્વબળે જ પૈસો કમાશે તથા ભારતની ગરીબ જનતાના શિક્ષણ તથા ઉદ્યોગધંધાના વિકાસ માટે તે ધન ઉપયોગમાં લેશે.

૩૧ મે, ૧૮૯૩ના રોજ તેઓએ મુંબઈથી દરિયાઈ રસ્તે ભૌતિક સમૃદ્ધિની ભૂમિ અમેરિકા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં ચીન અને જાપાન ઊતર્યા અને કેટલીક જગ્યાએ ફર્યા. ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જમશેદજી તાતા એ સમયે જાપાનમાં જ હતા. ત્યાં સ્વામીજી સાથે તેમની મુલાકાત ઘણું કરીને કોઈ કારખાના કે હૉટલમાં થઈ હતી. પાછળથી શ્રી તાતાએ ભગિની નિવેદિતાને કહ્યું હતું કે સ્વામીજી જ્યારે જાપાનમાં હતા ત્યારે ભગવાન બુદ્ધ સાથેનું તેમનું મળતાપણું જોઈને ત્યાંના લોકો હતપ્રભ થઈ ગયા હતા. સંભવિત છે કે જાપાનમાં જ પરિચય થઈ જવાને કારણે સ્વામીજી અને શ્રી તાતાએ જાપાનથી કૅનેડા સુધીની સમુદ્રયાત્રા સાથે જ કરી હતી. ‘ઍમ્પ્રેસ ઑફ ઈન્ડિયા’ નામનું તેમનું જહાજ ૧૪મી જુલાઈએ યોકોહોમાથી ઉપડીને ૨૫મી જુલાઈએ વાનકુંવર પહોંચ્યું. આ ૧૧-૧૨ દિવસની સહયાત્રાએ તેમની વચ્ચે ખૂબ ઘનિષ્ઠતા ઊભી કરી દીધી હતી. તેમની વચ્ચે શિક્ષણ અને ઉદ્યોગના વિસ્તાર અંગે જે ચર્ચાઓ થઈ હતી તેની વિગતવાર માહિતી તો પ્રાપ્ત થતી નથી પરંતુ ક્યાંક ક્યાંકથી થોડોક આભાસ જરૂર મળી રહે છે.

સ્વામીજીને જમશેદજી સાથે જે વાતો થઈ હશે તેનું અનુમાન આપણે આ યાત્રા પહેલાંનાં અને પછીનાં સ્વામીજીનાં વિધાનો અને લેખનકાર્ય પરથી કરી શકીએ છીએ. જાપાનથી ઉપડ્યાના ચાર દિવસ પહેલાં એટલે કે તા. ૧૦મી જુલાઈએ, આલાસિંગા પેરુમલ પરના પત્રમાં તેઓ લખે છે-

“એમ લાગે છે કે જાપાનના લોકો પોતાની વર્તમાન જરૂરિયાતો તરફ પૂર્ણ સચેત થઈ ગયા છે. તેમની એક પૂર્ણ સુવ્યવસ્થિત સેના છે, જેમાં અહીંના જ અફસરોએ આવિષ્કૃત કરેલ તોપો ઉપયોગમાં લેવાય છે. બીજા દેશોની તુલનામાં તે જરાય ઊતરતી નથી. આ લોકો પોતાની નૌસેના પણ વધારી રહ્યા છે. મેં એક જાપાની ઍન્જિનિયરે બનાવેલી લગભગ એક માઈલ લાંબી સુરંગ જોઈ છે. દિવાસળીનાં કારખાનાં તો જોતજોતામાં ઊભાં થઈ જાય છે. આ લોકો પોતાની જરૂરિયાતોની બધી ચીજો પોતાના દેશમાં બનાવી લેવા પાછળ જ પડ્યા છે. જાપાનીઓ માટે મારા મનમાં જે છે તે બધું આ નાનકડા પત્રમાં લખવા અસમર્થ છું. મારી ઈચ્છા તો એવી છે કે દરેક વર્ષે પૂરતી સંખ્યામાં આપણા નવયુવાનોએ ચીન અને જાપાન આવવું જોઈએ.

“અને તમે લોકો…હાથમાં પુસ્તકો લઈને દરિયા કિનારે આમતેમ આંટા મારો છો અને અંગ્રેજોના મગજમાંથી નીકળેલી અહીંની – ત્યાંની વાતોનું સમજ્યા વગર પુનરાવર્તન કરી રહ્યા છો. ત્રીસ રૂપિયાની મુન્શીગીરી અથવા તો બહુ થાય તો એક વકીલ બનવા માટે જીવ સટોસટથી તડપી રહ્યા છો…શું સમુદ્રમાં એટલું પાણી પણ નથી રહ્યું કે તમે વિશ્વવિદ્યાલયના ડીપ્લોમા, ગાઉન તથા પુસ્તકો સાથે તેમાં ડૂબી મરો?

પછી અમેરિકા પહોંચ્યા બાદ ઑગસ્ટની આખરમાં તેમણે જે કેટલાંક વ્યાખ્યાનો આપ્યાં હતાં તેનું વિવરણ દેતાં એક સમાચારપત્રે લખ્યું હતું. “વક્તાએ જણાવ્યું છે કે તેમનો ઉદ્દેશ પોતાના દેશમાં ઔદ્યોગિક કાર્ય માટે સંન્યાસીઓનું સંગઠન કરી તેઓ દ્વારા આમ જનતાને ઔદ્યોગિક શિક્ષણનો લાભ અપાવવાનો છે, જેથી તેઓ ઉન્નતિ કરી પોતાની દશામાં સુધારો કરી શકે.”

ઉપર્યુક્ત ઉદાહરણોથી એમ લાગે છે કે એ દિવસોમાં સ્વામીજીના મનમાં નીચેના વિચારો ઘોળાઈ રહ્યા હતા.

૧. સંન્યાસીઓનો એક એવો સંઘ બનાવવો જોઈએ કે જેના સભ્યો આમજનતાની વચ્ચે જઈને આધ્યાત્મિક જ્ઞાનની સાથોસાથ ભૌતિક વિજ્ઞાનનો પણ ફેલાવો કરે. પોતાની આ યોજનાનો ઉલ્લેખ ત્યાર પછીના તેમના કેટલાય પત્રોમાં તેમણે કર્યો છે.

૨. ભારતની શિક્ષણપ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવું. અહીંના નવયુવાનોને જાપાન તથા યુરોપ અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં મોકલીને વૈજ્ઞાનિક તથા યાંત્રિક શિક્ષણ અપાવવું. ભારતના ફક્ત કારકુનો તૈયાર કરતા શિક્ષણની જગ્યાએ ચારિત્ર્ય – નિર્માણ કરી શકે તથા ઉદ્યોગધંધા શીખવાડી શકે તેવા શિક્ષણને પ્રચલિત કરવું. એક વા૨ તેમણે પોતાના વાર્તાલાપમાં કહ્યું હતું “જો મને કેટલાક અપરિણીત યુવાનો મળી જાય તો હું તેમને જાપાન મોકલીને ત્યાં યાંત્રિક શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી દઉં જેથી તેઓ સ્વદેશ પાછા આવે ત્યારે પોતાના જ્ઞાનથી ભારતનું કંઈક હિત કરી શકે.”

૩. ભારતના ધનિકવર્ગે ભારતની ખેતી તથા ઔદ્યોગિક ઉન્નતિ અર્થે પોતાનું ધન વાપરવું જોઈએ. બીજી એક વખત તેમણે એમ કહ્યું હતું કે ભારતનો વેપારીવર્ગ ફક્ત વિદેશી માલના વેપારને બદલે જો પોતાનો પૈસો અહીં કારખાના શરૂ કરવામાં વાપરે તો દેશનું પણ ભલું થશે અને તેમને પણ વધુ નફો મળશે.

સ્વામીજીએ જમશેદજી સાથે મુખ્યત્વે આ વિષયો ઉપર જ ચર્ચા કરી હતી. એમ કહેવાય છે કે સ્વામીજીએ એક દિવસ તેમને કહ્યું, “આપ જાપાનથી દિવાસળી લાવીને, આપણા દેશમાં તેનું વેચાણ કરીને બધો પૈસો જાપાનને શા માટે આપી રહ્યા છો? આપને તો આમાં મામુલી કમિશન જ મળે છે. વધુ સારું તો એ છે કે આપ દેશમાં જ શા માટે દિવાસળીનું કારખાનું શરૂ નથી કરતા? એમ કરવાથી દેશના ઘણા લોકોને રોજી પણ મળશે અને દેશનું નાણું દેશમાં જ રહેશે.” યાદ રાખવું જોઈએ કે ત્યાં સુધી તાતાની ફક્ત બે જ કાપડની મીલો હતી. પછીથી તેમણે ધીરે ધીરે ઉદ્યોગો શરૂ કર્યા અને લોખંડના ઉદ્યોગની યોજના તૈયાર કરી.

જમશેદજીએ આગલે વર્ષે જ (ઈ.સ. ૧૮૯૨માં) એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી, જેની મારફત કુશાગ્ર બુદ્ધિવાળા ભારતીઓને તેઓ ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય કરીને પરદેશ મોકલતા હતા. સ્વામીજીના મનની જ આ વાત હતી એટલે જરૂર તેમણે એ અંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હશે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં પણ આવા શિક્ષણની વ્યવસ્થાનો વિકાસ કરવો જોઈશે. એવી સંસ્થાઓ પણ ઊભી કરવી પડશે કે જ્યાં “સાદું જીવન ઉચ્ચ વિચાર”ના આદર્શમાં નિષ્ઠા રાખનારા માનનીય વિદ્વાનો સામાજિક અને ભૌતિક વૈજ્ઞાનની ઉન્નતિ અને તેનો ફેલાવો કરવાનું કાર્ય કરતા હોય. એ દિવસોમાં સ્વામીજીએ ખેતડીના રાજાને જે પત્રો લખ્યા હતા તેમાં આ અંગેની ચર્ચાઓનું વિવરણ છે પરંતુ દુર્ભાગ્યે તે અપ્રાપ્ય છે.

કૅનેડામાં ઊતરીને શ્રી તાતા શિકાગો ગયા અને ત્યાંની સભ્યતા, કલા, વિજ્ઞાન તથા ઉદ્યોગ અંગે આયોજિત પ્રદર્શન નિહાળ્યું. ત્યાંથી ઈંગ્લેંડ થઈને ભારત પાછા ફર્યા. તે મેળાનો જ એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ હતો – વિશ્વ ધર્મ મહાસભા પરંતુ તેને હજુ ઘણો સમય બાકી હતો.

૧૧મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદજીએ ધર્મ મહાસભાના પહેલા દિવસે જ પોતાનું ઐતિહાસિક અભિભાષણ આપ્યું. તેની સફળતાના સમાચાર વિજળી વેગે આખી દુનિયામાં પહોંચી ગયા. ત્યારથી ઘણા દિવસો સુધી સ્વામીજીએ અમેરિકા અને યુરોપમાં ફરીને તેના જુદા જુદા શહેરોમાં જઈને વેદાંત જેવા ઉદાર ધર્મનો પ્રચાર કર્યો અને ભારતના પોતાના કાર્ય માટે ભંડોળ એકઠું કરવાનો પ્રયત્ન પણ કરતા રહ્યા. તેમના આ કામકાજની વિગતો સમાચારપત્રોમાં સતત આવતી હતી. ઈ.સ. ૧૮૯૭ના જાન્યુઆરીમાં એટલે કે લગભગ ત્રણ વર્ષ સુધી પશ્ચિમમાં કાર્યરત રહ્યા બાદ સ્વામીજી ભારત પાછા ફર્યા. પોતાના આ વીર નાયકના સ્વાગત અર્થે આખું ભારત થનગની ઊઠ્યું હતું.

સ્વામીજી સંબંધી આ સમાચારો શ્રી તાતાએ જરૂર અત્યંત ઉત્સુક્તા સાથે વાંચ્યા હશે. જહાજ પર સ્વામીજી સાથે થયેલી વાતોએ તેમના મનમાં ઘર કરી લીધું હતું. કેટલાંક વર્ષો સુધી ગંભીરતાપૂર્વક સમજી વિચારીને પછી તેમણે ભારતમાં ઉપયોગી શિક્ષણના વિસ્તાર નિમિત્તે એક રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપવાનું નક્કી કર્યું. ઈ.સ. ૧૮૯૮માં જ્યારે તેમણે પોતાની આ યોજનાની જાહેરાત કરી ત્યારે સંપૂર્ણ ભારતમાં એક હલચલ પેદા થઈ ગઈ. લગભગ બધા સમાચાર પત્રોમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ એ પોતાના ૨૮મી સપ્ટેમ્બરના અંકમાં આ વિષય ઉપર એક લેખ પ્રકાશિત કરેલ હતો જેનો સાર નીચે પ્રમાણે હતો. – “મુંબઈના પ્રસિદ્ધ ધંધાર્થી શ્રી જે. એન. તાતા વિધિપૂર્વક એક કમિટી બનાવવા માગે છે, જેની વાર્ષિક આવક સવા લાખ રૂપિયા છે, એવી પોતાની ૩૦ લાખ રૂપિયાની સંપત્તિ કેટલીક શરતોને અધીન આ કમિટીને સુપરત કરવા માગે છે. આ દાનનો મુખ્ય ઉદ્દેશ છે – સ્નાતકોત્તર શિક્ષણ માટે એક સંસ્થાની સ્થાપના કરવાનો. ઉદ્યોગ અને વાણિજ્યની ઉન્નતિ માટે ઉચ્ચ શિક્ષણનું ઘણું મહત્ત્વ છે એવી શ્રી તાતાની ધારણા છે એ સૌને વિદિત છે. આ દેશના વિશ્વવિદ્યાલયના શિક્ષણની ઉન્નતિ અર્થે પણ તેઓ આ સાથે વિચારી રહ્યા છે. તેમના મતાનુસાર પ્રતિભાવાન યુવકો જ આપણા રાષ્ટ્રની પ્રાકૃતિક તથા બીજી સંપત્તિનો ઉદ્ધાર અને સદુપયોગ કરી શકે તથા ઉદ્યોગ અને વાણિજ્યની વિવિધ સમસ્યાઓ અંગે પોતાનું યોગદાન આપી શકે. આ દેશના નવયુવકોને સંશોધન કાર્યમાં સવેતન કામે લગાડવા જોઈએ. તે માટે પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયો શરૂ કરવાની જરૂરત છે, જેથી શિક્ષકોના માર્ગદર્શન તળે ત્યાં વિદ્યાર્થીઓ ઉપર્યુક્ત બાબતની કામગીરી કરી શકે.”

એ સમયે એટલે કે આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં ૩૦ લાખ રૂપિયા એટલે ઘણી મોટી રકમ હતી, અને એ તો પાછી જમશેદજીની યોજનાનો ફક્ત ત્રીજો ભાગ જ હતી. બાકીની રકમ માટે તેમણે સરકારને અને જનતાને અપીલ કરી હતી. આ અપીલના અનુસંધાને મૈસુરના મહારાજાએ સાડા પાંચ લાખ રૂપિયા, વાર્ષિક એક લાખનું અનુદાન તથા ૩૦૦ એકર જમીન દાન આપવાનું વચન આપ્યું હતું. સર દોરાબજી તાતાનું કહેવું છે કે સરકારનું નીરસ વલણ જોઈને તેમના પિતા શ્રી જમશેદજી તાતા નિરાશ થઈ ગયા હતા. શ્રી જમશેદજી તાતાએ સ્વામી વિવેકાનંદને આ બાબતે જનજાગરણ નિમિત્તે એક પુસ્તિકા લખવાનો આગ્રહ કર્યો હતો. ૨૩ નવેમ્બર ૧૮૯૮ના રોજ ઍસ્પ્લૅનૅડ રોડ, મુંબઈથી શ્રી તાતાએ લખેલ પત્ર આ મુજબ છે –

“પ્રિય સ્વામી વિવેકાનંદ

આશા રાખું છું કે જાપાનથી શિકાગો સુધીના આ સહયાત્રીનું આપને સ્મરણ હશે. આપના જે વિચારો હતા કે ભારતવર્ષમાં ત્યાગ – તપસ્યાનો જે આદર્શ પુનઃજાગ્રત થઈ રહ્યો છે તેને નષ્ટ કરવાનું આપણું ધ્યેય નથી. પરંતુ તેને રચનાત્મક કાર્યો તરફ વાળવાની વિશેષ જરૂરત છે. આ બાબતનું મને હવે વિશેષ સ્મરણ થઈ રહ્યું છે.

વિજ્ઞાન સંશોધન સંસ્થાના સંદર્ભમાં જ હું આપના વિચારોને યાદ કરી રહ્યો છું, જેના વિશે આપે જરૂર વાંચ્યું કે સાંભળ્યું હશે. મારા મંતવ્ય પ્રમાણે એવા આશ્રયો કે નિવાસગૃહોની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં ત્યાગવ્રત ધારણ કરનારા લોકો સાદું જીવન વ્યતીત કરવાની સાથે ભૌતિક અને માનવીય વિજ્ઞાનોની ચર્ચામાં પોતાનું જીવન સમર્પિત કરી દે. તો ત્યાગ ભાવનાની આથી વધારે સારી ઉપયોગિતા બીજી હોઈ ન શકે.

મને લાગે છે કે આ પ્રકારની જેહાદની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે તો તેનાથી ધર્મ અને વિજ્ઞાન, બંનેની પ્રગતિ થશે તથા આપણા દેશની કીર્તિ પણ ફેલાશે. આ અભિયાનને વિવેકાનંદથી વધારે સારું નેતૃત્વ કોણ આપી શકશે? આપણી રાષ્ટ્રીય પરંપરાઓને આ રસ્તે પુનર્જિવિત કરવા માટે શું આપ સમર્પિત થઈ શકશો? આ દિશામાં જનજાગૃતિ લાવવા માટે સૌ પ્રથમ ઘણું કરીને આપ આપની આગ ઝરતી વાણીમાં એક પુસ્તક લખશો જેનો પ્રકાશન ખર્ચ સહર્ષ હું સ્વીકારીશ.”

સન્માન સાથે,

આપનો વિશ્વાસુ.

જમશેદજી એન. તાતા

આ પત્રના જવાબમાં સ્વામીજીએ શું લખ્યું તેનો કોઈ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. પરંતુ લગભગ બે મહિના પછી ઈ.સ. ૧૮૯૯ના જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં શ્રી જમશેદજીના નિકટના સહયોગી અને સલાહકાર શ્રી બરજોરજી પાદશાહ, સ્વામીજીને મળવા બેલુર મઠ આવ્યા હતા. આ શૈક્ષણિક પરિયોજનાને અનુસંધાને તેઓ યુરોપ અને અમેરિકાના અનેક વિશ્વવિદ્યાલયોની મુલાકાત લઈ ચૂક્યા હતા. એટલે એમ લાગે છે કે સ્વામીજી પાસેથી પત્રનો ઉત્તર મળવાને કારણે શ્રી તાતાએ જ તેમને આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે બેલુર મઠ મોકલ્યા હતા. તેમની વચ્ચે જે ચર્ચા થઈ તેનું વિવરણ આપણને પ્રાપ્ત નથી પરંતુ આ મુલાકાત થયા બાદ થોડા સમયે, સ્વામીજીએ સ્થાપેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ઈ.સ. ૧૮૯૯ના એપ્રિલના અંકમાં આ વિષય પર એક સંપાદકીય વર્ણનાત્મક લેખ લખાયો હતો. આ લેખ ઘણું કરીને સ્વામીજીના નિર્દેશથી જ ભગિની નિવેદિતાએ લખ્યો હતો. “શ્રી તાતાની પરિયોજના” શીર્ષકવાળા એ લેખનો સંક્ષેપમાં સાર આ પ્રમાણે છેઃ

“શ્રી તાતાની આ પરિયોજના ભારતવાસીઓના હાથમાં પ્રાકૃતિક શક્તિઓનું જ્ઞાન પ્રદાન કરવાનો માર્ગ મોકળો કરે છે. પ્રકૃતિ નિર્માણકારી છે તેમ જ ધ્વંસકારી પણ છે. તે ઉત્તમ સેવિકાની સાથે કઠોર શાસિકા પણ છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને લોકો તેના પર નિયંત્રણ કરશે તો જીવન સંગ્રામમાં સફળ થશે. કોઈક કોઈકના મતે આ યોજના હવાઈ કિલ્લા જેવી કાલ્પનિક છે કારણ કે તેનું અમલીકરણ કરવા માટે લગભગ ૭૪ લાખ જેવી માતબર રકમની જરૂરત છે. આ શંકાનો જવાબ એવો છે કે જે વ્યક્તિ પોતાના દેશમાં સૌથી વધુ ધનવાન ન હોવા છતાંય એકલે હાથે રૂપિયા ૩૦ લાખ જેવી રકમ આપી શકે તો અન્ય દેશવાસીઓ સાથે મળીને શું બાકીની રકમ ન એકઠી કરી શકે? એવો વિચાર પણ અનુચિત ગણાય કારણ કે આપણે જાણીએ છીએ કે આ યોજના કેટલી મહત્ત્વની છે.”

“અમે ફરીથી કહીએ છીએ – આધુનિક ભારતમાં સમસ્ત દેશ માટે આટલી કલ્યાણકારી યોજના હજુ સુધી જોવામાં આવી નથી. એટલે બધા દેશવાસીઓનું એ કર્તવ્ય બની જાય છે કે પોતાના જાતિગત અને સંપ્રદાયગત સ્વાર્થોથી ૫૨ થઈને પણ આ યોજનાને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપે.”

આ પ્રમાણે આપણે જોઈએ છીએ સ્વામીજીએ પોતાનાં મુખ્ય શિષ્યા ભગિની નિવેદિતાને આ કામ માટે ઉત્સાહિત કર્યાં અને પાછળથી આગળ વધીને આ યોજનામાં તેમને ઠીક-ઠીક મદદ કરી હતી. બ્રિટીશ સરકાર અને ખાસ કરીને લૉર્ડ કર્ઝન આ યોજનાના વિરોધી હતા એટલે સ૨કા૨નું અનુમોદન મેળવવા માટે શ્રી તાતા ઇંગ્લેંડ ગયા અને ભગિની નિવેદિતાને મળ્યા. ભગિનીએ શ્રીમતી ઓલી બુલ સાથે એક ભોજન સમારંભનું આયોજન કર્યું અને આ યોજના અંગે ચર્ચા કરવા માટે બ્રિટિશ શિક્ષણ વિભાગના સર જ્યૉર્જ વુડને તેમાં નિમંત્રણ આપ્યું. આ વાર્તાલાપમાં શ્રી જમશેદજીએ ભાગ લીધો પરંતુ તેમાં પણ કંઈ સફળતા પ્રાપ્ત ન થઈ. બ્રિટિશ સરકારનું અવગણનાપાત્ર વલણ જોઈને ભગિની નિવેદિતાએ દુનિયાના વિશિષ્ટ બુદ્ધિજીવીઓને નામે એક અપીલ બહાર પાડી, અને આ વિષય અંગે જનમત જાગ્રત કરવાનો પણ પ્રયત્ન કર્યો. પ્રસિદ્ધ તત્ત્વચિંતક વિલિયમ જેમ્સ તથા શિક્ષણવિદ્ પેટ્રિક ગેડેસે આ બાબતમાં પોતાના અભિપ્રાયો મોકલી આપ્યા હતા. ઈ.સ. ૧૮૯૮માં પ્રથમ પરિચય થયો. ત્યારથી ૧૮મી મે ૧૯૦૪માં શ્રી તાતાનું અવસાન થયું ત્યાં સુધી અને ત્યાર પછી પણ, આ પરિયોજનાને ભગિની નિવેદિતા તરફથી સહાનુભૂતિ અને સક્રિય સહયોગ પ્રાપ્ત થતાં રહ્યાં.

શ્રી જમશેદજી તાતાના અવસાન પછી સરકારી સમાચારપત્ર ‘પાયોનિયર’માં જ્યારે તેમના વિશે એવા સમાચાર છપાયા કે શ્રી તાતાનો મૂળ ઉદ્દેશ તો સરકારી સહાયતા લઈને પોતાનું પારિવારિક ટ્રસ્ટ બનાવવાનો હતો ત્યારે ભગિની નિવેદિતાએ તેનો ગંભીર પ્રત્યાઘાત આપતાં ‘સ્ટેટ્સમેન’માં લખ્યું હતું – “બે વર્ષ પહેલાં શ્રી તાતાની યોજનાને અનુસંધાને ઈન્ડિયા ઑફિસના સભ્યો તથા બીજા લોકો વચ્ચે જે મુલાકાતો ગોઠવાઈ હતી તેમાંથી અનેકમાં ઉપસ્થિત રહેવાની તક મને સાંપડી હતી…સરકાર તરફથી એક વખત જ્યારે એવી શંકા ઉપસ્થિત કરવામાં આવી કે શ્રી તાતાએ જે ધન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે તે કદાચ ઓછું પડે. પરંતુ શ્રી તાતાના મતાનુસાર તેનાથી વિરુદ્ધ થવાની સંભાવના જ વધારે હતી. છતાંય સરકારના સંતોષ ખાતર શ્રી તાતાએ પોતાના પુત્રોની પૂરી સહમતિ લઈને નક્કી કર્યું કે વિશ્વવિદ્યાલય માટે દાન અંગેનો જે પહેલો પ્રસ્તાવ હતો તેની સાથે બીજા ૩૦ લાખ રૂપિયા જે તેમના પરિવાર માટે હતા તે પણ સુરક્ષિત રાખશે. આ પરથી એટલું સાબિત થાય છે કે તેઓશ્રી સરકારને એક એવી યોજનામાં ખેંચવા માગતા હતા જે દેશની ભલાઈ માટે હતી. આને માટે તેઓ પોતાના બાળ બચ્ચાંઓની સંપત્તિ પણ આપી દેવા રાજી હતા.”

સ્વામી વિવેકાનંદજીનાં એક બીજા શિષ્યા જૉસૅફીન મૅક્લાઉડ મુંબઈમાં શ્રી જમશેદજીને મળ્યાં ત્યાર પછી સ્વામીજીને એક પત્ર લખ્યો હતો તેના પ્રત્યુત્તરમાં તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૦૧માં બેલુર મઠથી તેમણે લખ્યું હતું “હમણાં જ તમારો લાંબો એવો પત્ર મળ્યો,…મને આનંદ થયો કે તમે શ્રી તાતાને મળ્યા અને તમને તેઓ દૃઢનિશ્ચયી તથા ભલા માણસ લાગ્યા. જો મારી શારીરિક અનુકૂળતા હશે તો મુંબઈ આવવાનું નિયંત્રણ હું જરૂર સ્વીકારીશ.” પરંતુ સ્વામીજીની તબિયત મુંબઈ જઈ શકે તેવી ન રહી.

સરકારી વિરોધને કારણે રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયની આ યોજના ઘણા સમય સુધી અટવાયેલી પડી રહી. લૉર્ડ કર્ઝનના ઇંગ્લેંડ પાછા ફર્યા બાદ ઈ.સ. ૧૯૦૫માં લૉર્ડ મિન્ટો ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યા અને આ સંસ્થા માટે ઈ.સ. ૧૯૦૯માં તેમણે પોતાની સંમતિ આપી દીધી. ઈ.સ. ૧૯૧૧ની શરૂઆતમાં આ ઈંડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સનું શિલારોપણ મૈસુરના ત્યારના મહારાજાને હસ્તે કરાવવામાં આવ્યું તથા શ્રી જમશેદજી તાતાના પુત્રોએ પોતાના પિતાની ઈચ્છાનુસાર આ કામ પૂર્ણ કર્યું. ભવન નિર્માણ થઈ જતાં તે જ વર્ષની ૨૪મી જુલાઈથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું. બેંગ્લોરથી પાંચ કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલી આ સંસ્થા આજે પણ સંપૂર્ણ દક્ષિણ – પૂર્વ એશિયામાં એન્જિનિયરીંગ અને ઔદ્યોગિક શિક્ષણ તથા સંશોધન અંગેનું મુખ્ય કેન્દ્ર છે. આ એક સર્વસામાન્ય હકીકત છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગી શિક્ષણ અને તેના ફેલાવાના કામમાં આ સંસ્થાએ ઐતિહાસિક કામ કર્યું છે. આ યજ્ઞના ઋષિ સ્વામી વિવેકાનંદ તથા ઋત્વિક શ્રી જમશેદજી તાતા પોતાના જીવનકાળ દરમિયાન આ સંસ્થાને કાર્ય કરતી જોઈ શક્યા ન હતા. પરંતુ એ નક્કી છે કે ભગિની નિવેદિતાએ પોતાના જીવનના સંધ્યાકાળે ભારતીય વિજ્ઞાનની ઉન્નતિના આ યંત્રને કાર્યરત જોઈને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

ભાષાંતર: શ્રીમતી પુષ્પા પંડ્યા

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.