(ગતાંકથી આગળ)

આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર કેવો અધિકાર જમાવી દીધો હશે એની કલ્પના આપણે આના પરથી કરી શકીએ છીએ. અને સ્વામીજીએ એમના પર કેટલો પ્રભાવ પાડ્યો? ૮ જાન્યુઆરી ૧૯૧૩ના રોજ પોતાના વચેટ ભાઈને નામે લખેલ પત્રમાં એમણે આમ લખ્યું હતું: ‘ભારતવર્ષની કેવી પરિસ્થિતિ હતી અને આજે કેવી દશા થઈ ગઈ 

છે? કેટલું વિચારણીય પરિવર્તન! ક્યાં છે એ પરમજ્ઞાની મહર્ષિ દાર્શનિકો! જેમણે જ્ઞાનના સીમાડાને સ્પર્શી લીધા હતા એ આપણા પૂર્વજો ક્યાં છે!.. બધું ખલાસ થઈ ગયું! હવે વેદમંત્રોનાં ઉચ્ચારણ થતાં નથી. પાવન ગંગાતટ પર હવે સામવેદનાં ગાન ગુંજતાં નથી. પરંતુ આપણને હજુ પણ આશા છે કે આપણા હૃદયમાંથી અંધકારને ઉલેચીને અનંત જ્યોતિશિખા પ્રજ્વલિત કરવા આશાદૂત અવતરી ગયા છે, તે છે – વિવેકાનંદ. દિવ્ય કાંતિ અને મર્મવેધી દૃષ્ટિ સાથે તેઓ સંન્યાસીના વેશમાં વિશ્વમાં હિંદુધર્મનો પ્રચાર કરવા આવ્યા છે. હવે ભારતનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ છે.’ (પત્રાવલિ, મીનાક્ષી પ્રકાશન, મેરઠ, પૃ.૨૭)

આ રીતે આપણને જોવા મળે છે કે ૧૯૧૨-૧૩માં જ્યારે સુભાષચંદ્ર રાબેનશા સ્કૂલ, કટકમાં વિદ્યાર્થી હતા ત્યારે સ્વામીજીએ એમના જીવનમાં પ્રવેશ કર્યો હતો અને એમના હૃદય પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. એને પરિણામે એમનો જીવનપથ જ બદલાઈ ગયો. એમના જીવનમાં આવેલા પરિવર્તન તરફ એમનાં માતપિતાનું ધ્યાન ગયું. તેઓ ડરી ગયાં અને સુભાષને ઠપકાર્યા પણ ખરા. પણ આ દૃઢનિશ્ચયી તરુણને સ્વનિર્વાચિત પથ પરથી ડગાવવો એ કોના વશની વાત હતી? ત્યારથી જ તેઓ ધ્યાન, યોગ તથા બ્રહ્મચર્ય વગેરે વિષયોનું અધ્યયન કરવા લાગ્યા અને તદનુસાર સાધનાઓ પણ કરવા લાગ્યા. ગુરુ અથવા પથપ્રદર્શનની આવશ્યકતાનું જ્ઞાન હોવાને લીધે તેઓ નગરમાં આવતા જતા સાધુ-સંન્યાસીઓ સાથે હળવા-મળવા લાગ્યા. આમ છતાં પણ તેમની આશાને અનુરૂપ થાય એવું સમાધાન ન મળ્યું.

વળી રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓનો પણ એમના પરિવાર સાથે થોડો ઘણો સંપર્ક-સંબંધ હતો. ડો. હેમેન્દ્રનાથ દાસ ગુપ્તા સુભાષબાબુના એક નિકટના સહયોગી અને જીવનકથાકાર હતા. એમણે લખ્યું છે: ‘રામકૃષ્ણ મિશનના સંન્યાસી એમના પિતા જાનકી બાબુના અંતરંગ મિત્ર હરિવલ્લભ બોઝ અને એમના પુત્ર રામકૃષ્ણ બોઝને મળવા આવતા રહેતા. કટકના પોતાના વિદ્યાર્થી જીવનમાં સુભાષચંદ્ર એ લોકો દ્વારા પ્રદર્શિત સેવાભાવથી પણ પ્રભાવિત થયા હતા.’ (‘સુભાષચંદ્ર’, ડો. હેમેન્દ્રનાથ દાસ ગુપ્તા, પૃ.૧૦)

સાધનામાં પોતાની આશાને અનુરૂપ થવાને કારણે હવે સુભાષને એવું લાગ્યું કે એને માટે પહેલાં ચિત્ત શુદ્ધિ કરી લેવી આવશ્યક છે અને આ કારણે એમનું મનોવલણ સેવા કાર્ય તરફ વળ્યું. તેઓ લખે છે : ‘ધીમે ધીમે મને એ સમજાવા લાગ્યું કે આધ્યાત્મિક વિકાસ માટે સમાજ સેવા આવશ્યક છે. આ ભાવ સંભવત: વિવેકાનંદના અધ્યયનથી જ વિકસ્યો છે. કારણ કે.. એમણે માનવતાની સેવાનો ઉપદેશ આપ્યો હતો. એ સેવામાં દેશની સેવા પણ આવી જાય છે. એમણે બધાને આ પણ કહ્યું હતું કે તેઓ ગરીબોની સેવા કરે કારણ કે ગરીબોની સેવા કરવી એ જ ભગવાનની પૂજા છે.’ (નેતાજી, ખંડ-૧, પૃ.૩૭) ત્યારથી ગરીબ, દીનદુ:ખી તથા સાધુઓ પ્રત્યે એમનો દૃષ્ટિકોણ ઘણો સહાનુભૂતિપૂર્ણ બની ગયો અને તેઓ યથાસંભવ એવા લોકોની સહાયતા કરવામાં ઘણો સંતોષ અને આનંદ અનુભવતા. એ ઉપરાંત પોતાના કેટલાક મિત્રો સાથે ગામડાંમાં જઈને કેટલાંક સેવાકાર્ય કરવાનો પ્રયાસ કર્યો. ક્યાંક ક્યાંક એમને થોડી સફળતા મળી પણ કેટલાંક બીજાં ગામડાંમાં ત્યાંના ગ્રામવાસીઓના અસહયોગને કારણે એમણે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

તદુપરાંત એમના શબ્દોમાં કહીએ તો : ‘શાળાજીવનની સમાપ્તિની સાથે મારી ધાર્મિક રુચિ વધુ જોર પકડતી ગઈ. ભણવું એ મારા માટે પ્રાથમિક મહત્ત્વનું રહ્યું ન હતું… અધ્યાપકો પાસેથી અમને કોઈ પ્રેરણા મળતી ન હતી, કેવળ એકાદ-બે અધ્યાપક જ અપવાદરૂપ હતા. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદના અનુયાયી હતા… મારા મનને અંધવિશ્વાસમાંથી મુક્ત કરવાના આ પ્રયાસમાં વિવેકાનંદ પાસેથી મને ઘણી સહાયતા મળી. એમણે જે ધર્મની શિક્ષા આપી અને યોગ-સંબંધી જે ધારણા-સંકલ્પના પ્રસ્તુત કરી તેનો આધાર વેદાંત હતો અને વેદાંત એક યુક્તિસંગત દર્શન છે. વેદાંત સંબંધી એમની અવધારણા વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ જવાને બદલે એ જ સિદ્ધાંતો પર આધારિત હતી. એમના જીવનનું મુખ્ય કાર્ય ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનું હતું. એમના વિચાર પ્રમાણે આવું કાર્ય વેદાંતની મદદથી જ કરી શકાય તેમ હતું.’ (નેતાજી, ખંડ-૧, પૃ.૩૯-૪૦)

પરંતુ ધર્મ અને સેવામાં પોતાની આ રુચિ હોવા છતાં પણ સુભાષચંદ્રે પોતાના અધ્યયનમાં ઉપેક્ષા ન દાખવી. ૧૯૧૩ની મેટ્રિક્યુલેશનનું પરિણામ બહાર પડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કોલકાતા વિશ્વ વિદ્યાલયમાંથી બેસનારા દસ હજાર વિદ્યાર્થીઓમાં કટકના સુભાષચંદ્ર બોઝે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પહેલું સ્થાન મળ્યું હતું મિત્રા ઇન્સ્ટિટ્યૂશનના પ્રમથ સરકારને. સુભાષચંદ્રના વિદ્યાર્થી જીવનના સાથી દિલિપકુમાર રોયે પોતાનાં સંસ્મરણોમાં કહ્યું છે કે એમનો એક બીજો સહપાઠી નિવારણ કટકથી આવ્યો હતો. એમણે વર્ણવ્યું છે : ‘જો તે પ્રમથ સરકારની જેમ પુસ્તકનો કીડો હોત તો આ (સુભાષ) તેને પાછળ રાખી દેત. પરંતુ સુભાષ તો! તે ક્યારેય પાઠ્ય પુસ્તકોને મસ્તિષ્કમાં ઠાંસીઠૂંસીને ભરી દેવાનો પ્રયત્ન ન કરતો. હું તમને આટલું શ્રદ્ધાપૂર્વક કહું છું કે તે યોગીઓ અને સંતોનો સત્સંગ કરે છે અને સ્વામીજીનાં પુસ્તકો વાંચે છે.’ (‘રાષ્ટ્રધર્મ’ માસિક, લખનૌ, ઓગસ્ટ, ૧૯૬૯, પૃ.૧૩-૧૪)

ઉચ્ચતર શિક્ષણ માટે સુભાષચંદ્રને કટકથી કોલકાતા મોકલવામાં આવ્યા. સાડા સોળ વર્ષના આ તરુણે ત્યાં આવતાં જ પોતાનો ભાવિ કાર્યક્રમ સુનિશ્ચિત કરી લીધો : ‘જીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન મેળવી શકું એટલા માટે હું દર્શન શાસ્ત્રનું ગહન અધ્યયન કરીશ. વ્યાવહારિક જીવનમાં જ્યાં સુધી સંભવ બને ત્યાં સુધી શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનાં પદચિહ્‌નો પર ચાલીશ. સાથે ને સાથે ભલે ગમે તે થાય પણ હું સાંસારિકતા તરફ પાછો નહિ વળું.’ તેઓ આગળ લખે છે : ‘આ દૃષ્ટિકોણ લઈને મેં પોતાના જીવનના નવા અધ્યાયના શ્રીગણેશ માંડ્યા.’ (નેતાજી, ખંડ-૧, પૃ.૪૫)

પ્રેસિડન્સી કોલેજના નામે મશહૂર કોલકાતાના સર્વશ્રેષ્ઠ મહાવિદ્યાલયમાં સુભાષચંદ્રને પ્રવેશ મળ્યો. ત્યાં આવતાં જ તેઓ પોતાના જેવી વિચારસરણી ધરાવનારા સહપાઠીઓને શોધવા લાગ્યા. થોડા જ સમયમાં એમને ખ્યાલ આવ્યો કે કોલેજમાં ચાર પ્રકારનાં વિદ્યાર્થીવૃંદ છે. એક શ્રેણી હતી રાજાઓ, જમીનદારો અને ધનાઢ્ય પરિવારમાંથી આવેલા તથા એમની સાથે સંપર્ક રાખવા ઇચ્છતા વિદ્યાર્થીઓની. બીજી શ્રેણી હતી પુસ્તકના કીડા કહી શકાય એવા વિદ્યાર્થીઓની. ત્રીજી શ્રેણી હતી રામકૃષ્ણ-વિવેકાનંદના આદર્શ પર ચાલવાનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓની. ચોથી શ્રેણી હતી ગુપ્ત ક્રાંતિકારીઓના વૃંદની. અને સ્વાભાવિક હતું કે સુભાષચંદ્ર આ ત્રીજા વૃંદમાં જોડાઈ ગયા. મેડિકલ કોલેજના વિદ્યાર્થી સુરેશચંદ્ર વંદ્યોપાધ્યાય તથા યુગલકિશોર આઢ્ય આ વૃંદના નેતા હતા. આ વૃંદની વિચારધારા વિશે સુભાષચંદ્ર બોઝ આમ લખે છે: ‘આ વૃંદ સામાન્ય રીતે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે બતાવેલા પથે ચાલતું. પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે સેવાને વધારે મહત્ત્વ અપાતું. સમાજસેવા દ્વારા સ્વામી વિવેકાનંદના શિષ્યો કરે છે તે રીતે હોસ્પિટલ કે દવાખાનું સ્થાપિત કરવાનું એમનું તાત્પર્ય ન હતું; પરંતુ મુખ્યત: શિક્ષણના ક્ષેત્રમાં રાષ્ટ્રિય પુનર્નિર્માણ કરવાનું હતું.. એટલે અમને ‘નૂતન વિવેકાનંદ વૃંદ’ કહી શકાય તેમ હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ હતો ધર્મ અને રાષ્ટ્રિયતાનો. અને એ કેવળ સૈદ્ધાંતિક રૂપે નહિ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એમનો સમન્વય થાય તે રીતે. (નેતાજી, ખંડ-૧, પૃ.૪૯)

આ વૃંદના વિદ્યાર્થીઓ ઘણા સક્રિય અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તેઓ નવા વિદ્યાર્થીઓને પોતાના વૃંદમાં દાખલ કરતા. દર્શન, ઇતિહાસ અને રાષ્ટ્રિયતા વગેરે વિશે પુસ્તકો વાંચીને નવા નવા વિચાર શોધી કાઢતા અને એ વિચારોનું અરસપરસ આદાનપ્રદાન પણ કરતા. સાથે ને સાથે પોતાના સમયના મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનો સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરતા. રજામાં આ વિદ્યાર્થીઓ આધ્યાત્મિક પ્રેરણાની શોધમાં હરિદ્વાર વગેરે સ્થળોની તથા જ્ઞાનવર્ધનના હેતુ સાથે ઐતિહાસિક મહત્ત્વનાં સ્થાનોની યાત્રા કરતા. ક્યારેક તેઓ ગુરુકુળ કાંગડી કે શાંતિનિકેતનમાં જઈને ત્યાંની શિક્ષણ પ્રણાલીનું અધ્યયન કરતા, તો વળી ક્યારેક બેલુર મઠમાં જઈને પણ રહેતા. એ વર્ષે શિયાળાના દિવસોમાં આ વૃંદે કોલકાતાથી ૫૦ માઈલ દૂર આવેલ શાંતિપુરમાં એક શિબિર યોજી. આ શિબિરમાં બધા સભ્યોએ ભગવાં વસ્ત્રો ધારણ કરીને ભાગ લીધો હતો.

એ દિવસોમાં કોલકાતા અને લગભગ અખિલ ભારતીય રાજનીતિમાં શ્રીઅરવિંદ તથા સુરેન્દ્રનાથ વંદ્યોપાધ્યાયનું નામ મશહૂર હતું. પરંતુ સુભાષની રુચિ એ દિવસોમાં ધર્મ તથા સમાજસેવા સુધી જ સિમિત રહી. એ સમયમાં એમણે દક્ષિણ કોલકાતાની એક સંસ્થા ‘અનાથ ભંડાર’ને માટે પ્રતિ રવિવારે ઘરે ઘરે જઈને ભિક્ષા માગવાનું કાર્ય પણ આરંભ્યું હતું. રજાના દિવસો દરમિયાન ઘરે આવ્યા પછી તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે કોલેરાના રોગીઓની સેવા માટે એક અઠવાડિયા સુધી ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસે પણ જતા. કોલકાતા પાછા ફર્યા પછી તેઓ વળી પાછા સાધુ-સંન્યાસીની શોધમાં લાગી જતા પરંતુ એમને ક્યાંયથી પૂર્ણ સંતોષ ન મળ્યો.

ગુરુની ખોજ

એ વર્ષે એમનો અભ્યાસ પૂર્ણ થતાં થતાં એમની ગુરુપ્રાપ્તિની અભિલાષા એટલી તીવ્ર બની ગઈ કે ૧૯૧૪માં ઉનાળાની રજામાં તેઓ પોતાના એક મિત્ર હેમંતકુમાર સરકાર સાથે તીર્થાટન કરવા નીકળી પડ્યા. આ તીર્થાટનમાંથી એમની ઘરે પાછા ફરવાની ઇચ્છા જરાય ન હતી અને પ્રસ્થાન કર્યા પછી રસ્તામાં એક પત્ર લખીને એમણે પોતાના પરિવારને એની સૂચના પણ આપી દીધી હતી. હરિદ્વાર પહોંચીને એક બીજા મિત્ર એમની ટોળીમાં સામેલ થયા. એ લોકોએ હૃષીકેશ, મથુરા, વૃંદાવન, દિલ્હી, આગ્રા, વારાણસી અને ગયા વગેરે સ્થળોની યાત્રા કરી. સાથે ને સાથે યથાસંભવ જેટલા પ્રકારના આશ્રમો હતા એ જોયા તથા સાધુ-સંન્યાસીઓની મુલાકાત પણ લીધી. ક્યાંક એમનું સ્વાગત થયું તો વળી ક્યાંક એમને અપમાન સહન કરવાં પડ્યાં અને ક્યાંક ક્યાંક તો તેઓ છદ્મવેશી ક્રાંતિકારી છે એવાં શંકાસંદેહ પણ રાખવામાં આવ્યાં. તેઓ રામકૃષ્ણ મઠ તથા મિશનનાં કેટલાંક કેન્દ્રોમાં ગયા હતા. સુભાષબાબુએ એ વિશે લખ્યું છે : ‘અમે વારાણસી આવ્યા. અહીં અમારું સ્વાગત રામકૃષ્ણ મિશનમાં મઠના સ્વર્ગીય અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીએ કર્યું. તેઓ મારા પિતાજી અને પરિવારથી સારી રીતે પરિચિત હતા.’ (નેતાજી, ખંડ-૧, પૃ.૫૯)

સુભાષબાબુએ પોતાની આત્મકથામાં એ વિશે કેવળ આટલી જ માહિતી આપી છે. એનું કારણ એ છે કે એ એમના હૃદયના અંતરંગનો એક વિષય હતો. પરંતુ દિલીપકુમાર રોય દ્વારા લખેલાં સંસ્મરણોમાં એ સમયે શ્રીરામકૃષ્ણના માનસપુત્ર અને સ્વામી વિવેકાનંદના ઉત્તરાધિકારી બ્રહ્માનંદજીએ એમની સાથે કેવી અને કઈ કઈ વાતો કરી અને કેવો ઉપદેશ આપ્યો, એ મુલાકાતનું થોડુંઘણું વિવરણ જોવા મળે છે. દિલીપ રોય જ્યારે સુભાષને સ્વામી બ્રહ્માનંદનાં પોતાનાં સંસ્મરણ સંભળાવવા લાગ્યા ત્યારે સુભાષના માનસપટલ પર એમની જૂની યાદો તાજી થઈ આવી. એમનાં નેત્ર આંસુંથી છલકાઈ ગયાં અને દિલીપના બંને હાથ પકડીને તેઓ બોલી ઊઠ્યા: ‘જેને કૃપા મળે છે, તેનું જીવન જ બદલાઈ જાય છે… મને પણ એ કૃપાનો આભાસ મળ્યો છે. એટલે જ તો દેશના કાર્ય માટે જીવન સમર્પી દઈને એને સાર્થક કરવા ઇચ્છું છું. તમને એ પણ બતાવી દઉં કે આ જ રાખાલ મહારાજે (સ્વામી બ્રહ્માનંદ) મને કાશીમાં ‘તારે દેશનું કામ કરવાનું છે’ એમ કહીને પાછો વાળી દીધો હતો.’ (‘સ્વામી વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ’, શંકરીપ્રસાદ બસુ, ખંડ-૭, પૃ.૧૨૭-૨૮)

ક્રાંતિકારી નરેન્દ્રનારાયણ ચક્રવર્તીએ પોતાના જીવનનાં ૧૨ વર્ષોથી પણ વધુ કાળ જેલવાસમાં જ વીતાવ્યો હતો. તેઓ નેતાજી વિશેની પોતાની સ્મૃતિકથામાં ઉપર્યુક્ત સંદર્ભમાં આ શબ્દો લખે છે: ‘સ્વામી બ્રહ્માનંદ પાસેથી એમને ભાવિ જીવન વિશે પથપ્રદર્શન મળ્યું હતું. સુભાષ જ્યારે સદ્‌ગુરુની શોધમાં ઉત્તર ભારતનાં વિભિન્ન સ્થાનોનું ભ્રમણ કરતાં કરતાં કાશીધામ આવ્યા ત્યારે એમની મુલાકાત સ્વામી બ્રહ્માનંદ સાથે થઈ. એમના પિતા જાનકીનાથ બ્રહ્માનંદજીના પ્રિય પાત્ર હતા. સુભાષનો પરિચય તથા મનોભાવ જાણ્યા પછી સ્વામી બ્રહ્માનંદે સુભાષને સસ્નેહ નિકટ ખેંચી લીધા અને એમના શરીર એવં શિર પર હાથ ફેરવતાં ઘરે પાછો જવા કહ્યું હતું. ‘એનું અદ્‌ભુત ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે’, એમ પણ એમણે સુભાષ માટે કહ્યું હતું. વિરાગી સુભાષે એ દિવસે એમની વાતો શિરોધાર્ય ગણી હતી અને સંન્યાસ ગ્રહણ કરવાની પ્રબળ આકાંક્ષાને શાંતિથી સમાવી દઈને ઘરે પાછા ફર્યા. ૧૯૩૯માં (સુભાષની સાથે) કારાગૃહમાં રહેતી વખતે રાજનીતિ સિવાય પ્રાય: કોઈ બીજા વિષય ઉપર ભાગ્યે જ ચર્ચા થતી. આમ છતાં પણ વચ્ચે વચ્ચે તેઓ પોતાનાં બાળપણ અને કિશોર અવસ્થાની વાતો કહેતા. એક આવા અવસરે એમણે સ્વામી બ્રહ્માનંદજી સાથેની પોતાની મુલાકાત વિશે કહ્યું હતું. મેં પૂછ્યું: ‘(સ્વામી બ્રહ્માનંદે આપને જે ઘરે પાછા ફરવાનું કહ્યું હતું તેમાં આપના) પિતાની વાત વિચારીને અર્થાત્‌ ઘરે મોકલી દેવાથી આપના પિતાજી આનંદિત થશે એ તો વાતનો એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે સ્વામી બ્રહ્માનંદ આપના આજના ભાવિ જીવનને એ જ દિવસથી જાણી ગયા હતા. એ બંનેમાંથી કયો પક્ષ સાચો છે?’ આ સાંભળીને સુભાષે કહ્યું: ‘બંને સત્ય છે. પિતાજીની વાતનું એમને જરાય ધ્યાન ન હતું, એમ હું નથી કહેતો. પરંતુ એના ઉપરાંત સ્વામી બ્રહ્માનંદજીનો અંતરબોધ હતો. હું યોગની શક્તિમાં શ્રદ્ધા ધરાવું છું. ઠાકુર રામકૃષ્ણ વિના કારણ જ ‘રાખાલ’ને ‘રાખાલ’ કહ્યા ન કરતા. એમની (સ્વામી બ્રહ્માનંદ) વિશેષતાને સમજી-ઓળખીને જ આપણી સમજણમાં એ વાત આવશે કે વિવેકાનંદજીએ શા માટે બાકીના બીજા બધાને છોડીને રાખાલ મહારાજને જ મિશનના અધ્યક્ષ બનાવ્યા હતા. (‘સ્વામી વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ’, શંકરીપ્રસાદ બસુ, ખંડ-૭, પૃ.૨૨૯)

એક સાચા ગુરુની ઓળખાણ બતાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગુરુ એ છે કે જે તમારા ભૂત-ભવિષ્યને જાણી લે. ઉપર્યુક્ત વિવરણ પરથી એ પણ જાણવા મળે છે કે મહાન સદ્‌ગુરુ સ્વામી બ્રહ્માનંદે સુભાષનું ભવિષ્ય જાણી લીધું હતું અને એમણે સ્વામીજીના વિચારોને સારી પેઠે આત્મસાત કરીને તે પ્રમાણે જીવનઘડતર તથા રાષ્ટ્રની સેવામાં આત્મસમર્પણ કરી દેવાનો ઉપદેશ આપ્યો હતો.

વારાણસીથી પાછા ફરતી વખતે સુભાષ ત્યાંના રામકૃષ્ણ મઠના અધ્યક્ષ પાસેથી એક પરિચયપત્ર લઈ આવ્યા હતા. એની મદદથી થોડાક દિવસો માટે તેઓ બોધગયાના એક મઠમાં રોકાયા હતા અને પૂરેપૂરા બે મહિનાનું ભ્રમણ સમાપ્ત કરીને પાછા ઘરે આવ્યા.

એકાએક સુભાષ ઘરે પાછા ફર્યા એને લીધે પરિવારના બધા લોકો ખૂબ આનંદિત થઈ ગયા. એમને ખ્યાલ આવ્યો કે એમના (સુભાષના) આ રીતે ગાયબ થઈ જવાથી એમને માટે વૈદ્યનાથ દેવઘર તથા બેલુર મઠમાં પૂછપરછ કરી હતી. હરિદ્વારના રામકૃષ્ણ મિશનને તાર પણ કર્યો હતો. પરંતુ એનું કંઈ પરિણામ ન આવ્યું. ઘરમાં આવતાં જ એમને ટાઈફોઈડ થયો. શારીરિક દુર્બળતા લાગવા માંડી. એને લીધે એમનું વાંચન-મનન-લેખન થોડું પાછળ રહી ગયું.

આ સમય દરમિયાન ૩ ઓક્ટોબર ૧૯૧૪ના એક પત્રમાં એમણે પોતાના આરાધ્ય દેવ શ્રીરામકૃષ્ણનું એક મનોરમ્ય શબ્દચિત્ર આપ્યું છે : ‘સૌથી મોટું દાન હૃદયદાન. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં એક ચિત્રનું સ્મરણ થઈ આવે છે. કમલાસન પર બિરાજેલાં મા કાલી હાથમાં ખડગ લઈને શિવના આસન પર ઊભાં છે. એમની આગળ એક બાળક છે. એ બાળક સ્વભાવવશ અસ્પષ્ટવાણીમાં રોતો હોય એવું લાગે છે. જાણે કે તે કહી રહ્યો છે : ‘મા, આ લો આપનું ઇષ્ટ અનિષ્ટ, આ લો આપનું પાપ અને લઈ લો આપનું પુણ્ય.’ વિકરાળ મુખવાળાં, ભયંકર દાંતોવાળાં મા કાલી થોડાથી સંતુષ્ટ થતાં નથી એટલે જ એ બધાંનું ભક્ષણ કરવા ઇચ્છે છે, પુણ્ય પણ ઇચ્છે છે અને પાપ પણ ઇચ્છે છે. બાળકે બધું આપી દેવું પડશે… ઘણું કષ્ટ થાય છે, માને સર્વસ્વ અર્પણ કરી દેવું પડશે. માને કોઈ પણ રીતે સંતોષ થતો નથી. એટલે બાળક રડે છે અને રડતાં રડતાં કહે છે : ‘આ લો, આ લો.’ અશ્રુધારા વહેતી બંધ થઈ. કપાળ અને વક્ષ સુકાઈ ગયાં, હૃદયનો અગનતાપ શાંત થઈ ગયો. જ્યાં કેટલાય કાંટા વાગ્યા હોય એવી પીડા થતી હતી, હવે ત્યાં એક એનું ચિહ્‌ન જ બાકી રહ્યું હતું. જાણે કે અમૃતથી હૃદય પરિપૂર્ણ થઈ ગયું હતું. બાળક ઊઠીને ઊભો થઈ ગયો, હવે એની પાસે કંઈ કહેવાનું બચ્યું ન હતું. એણે સર્વસ્વ માને ચરણે ધરી દીધું. એ જ બાળક રામકૃષ્ણ છે.’ (પત્રાવલી, પૃ.૩૩-૩૪)

જીવનના ત્રિભેટે

એક વર્ષ વીતી ગયું પણ એમનું સ્વાસ્થ્ય સુધરી ન શક્યું. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ તેઓ લખે છે: ‘શારીરિક સ્થિતિ જોઈને મને વિશ્વાસ નથી આવતો કે હું જીવનમાં કંઈક કરી શકીશ. વિવેકાનંદની બધી વાતો સત્ય છે: ‘લોખંડી સ્નાયુઓ અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી મસ્તિષ્ક જો તમારી પાસે છે તો સંપૂર્ણ વિશ્વ તમારાં ચરણોમાં ઝૂકી જશે.’ (પત્રાવલી, પૃ.૪૧)

અહીં સુધીના કાળ દરમિયાન આપણને જોવા મળે છે કે તેઓ પોતાના ભાવિ જીવનની દિશા નિર્ધારિત કરી શક્યા ન હતા. સાધનામાં ડૂબી જઉં કે કર્મધારામાં જીવન વહાવી દઉં, એ દ્વન્દ્વ નિરંતર એમના મનમાં ચાલતું રહ્યું. ૩ ઓક્ટોબર, ૧૯૧૫ના રોજ તેઓ લખે છે : ‘એકબાજુએ સ્વામી બ્રહ્માનંદની વાત યાદ આવી જાય છે તો બીજી તરફ કર્મઠતાને જ જીવન માને છે એવો પાશ્ચાત્ય આદર્શ. એક તરફ મૌન અને શાંતિપૂર્ણ જીવન, એક આત્મદર્શી યોગી, જેમણે જગતની અસારતા અનુભવી લીધી છે અને બીજી તરફ પશ્ચિમના લોકોની વિશાળ પ્રયોગશાળાઓ, એમનાં વિજ્ઞાન, દર્શન અને એમણે આવિષ્કૃત અને પ્રગટ કરેલી અદ્‌ભુત જ્ઞાનરાશિ.’ (પત્રાવલી, પૃ.૪૬)

૮ ડિસેમ્બરે એમણે સર જગદિશચંદ્ર બોઝનું એક વ્યાખ્યાન સાંભળ્યું. એ સમયે પણ એમને સ્વામીજીની યાદ આવી ગઈ. તેઓ લખે છે : ‘કોણ જાણે કેમ પણ બાળપણથી જ વિવેકાનંદ અને જગદિશચંદ્ર એ બંને પર મને અતૂટ શ્રદ્ધા છે. એમનાં ચિત્ર જોઈને તથા એમને વિશે બે-ચાર લોકોક્તિઓ સાંભળીને એમના તરફ અત્યંત આકર્ષાયો હતો.’ વળી પાછા એ જ પત્રમાં તેઓ આગળ લખે છે : ‘મારી ધારણા છે કે સુધારણા માટે પવિત્ર સિદ્ધાંતોનું પાલન કરનારા યુવકોના એક સંગઠનની આવશ્યકતા છે. દેશવાસીઓની આંખ ઉઘાડી નાખવી જોઈએ. વાસ્તવમાં શ્રીરામકૃષ્ણના ચરિત્રને રાષ્ટ્રિયજીવનનો મૂળ આધાર માન્યો છે.’ (પત્રાવલી, પૃ.૫૨-૫૩)

એ દિવસોમાં સુભાષના જીવનમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી. એણે એમને એક સાચા યુવા-નેતાના રૂપે પ્રતિષ્ઠિત કરી દીધા. પ્રો. ઓટન પ્રેસિડન્સી કોલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા તેમજ ‘ભારતીય શિક્ષણ સેવા’ના સભ્ય પણ હતા. તેઓ અત્યંત અહંકારી અને કટ્ટર અંગ્રેજ હતા. એમણે કેટલીયે નાની મોટી વાતોમાં કેટલાય વિદ્યાર્થીઓનું અપમાન કર્યું અને એમને અપશબ્દ પણ કહ્યા હતા. આને લીધે વિદ્યાર્થીઓએ સુભાષના નેતૃત્વ હેઠળ માગ કરી કે તેઓ પોતાના આ દુર્વ્યવહાર માટે વિદ્યાર્થીઓની માફી માગે. આમ સીધી આંગળીએ ઘી ન નીકળતું જોઈને એમણે હડતાલની ઘોષણા કરી. એમની હડતાલ અત્યંત સફળ રહી. સમાધાન થયું, કોલેજ ફરીથી ખૂલી, એમ છતાં પણ પ્રો. ઓટનના વ્યવહારમાં કોઈ પરિવર્તન જોવા ન મળ્યું. હવે કોઈ ઉપાય ન રહેતાં એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મળીને પ્રાધ્યાપક મહોદયને ઠીક ઠીક પ્રમાણમાં મેથીપાક ચખાડ્યો. જો કે એમના પર સુભાષે પ્રહાર કર્યો ન હતો, છતાં પણ છાત્રનેતાના રૂપે પ્રસિદ્ધિને કારણે એકમાત્ર એમને જ એ કોલેજમાંથી વિલંબિત કરી દેવામાં આવ્યા. ત્યાર પછી તેઓ કટક પાછા ફર્યા અને સમાજસેવાનાં કાર્યમાં લાગી ગયા. પોતાના કેટલાક મિત્રો સાથે ગ્રામીણ વિસ્તારમાં જઈને કોલેરા અને શીતળાના રોગથી પીડાતા લોકોની ચિકિત્સા અને દેખભાળ કરવા લાગ્યા. આ રીતે બે વર્ષ સુધી અભ્યાસ સ્થગિત રાખ્યા પછી એમને વળી પાછી વિશ્વ વિદ્યાલયમાંથી પોતાનું અધ્યયન ચાલુ રાખવાની અનુમતિ મળી. ૧૯૧૭ની જુલાઈમાં એમણે સ્કોટિશ ચર્ચ-કોલેજમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો. એ દિવસોમાં એમણે વિશ્વ વિદ્યાલયના લશ્કરી યુનિટમાં ભરતી થઈને સૈન્યશિક્ષણ પણ મેળવ્યું. દર્શનશાસ્ત્ર સાથે બી.એ. પાસ કર્યા પછી તેઓ પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં એમ.એ. કરવાનું વિચારતા હતા. ત્યાં જ અચાનક એક દિવસ એમના પિતાએ એમની સમક્ષ ઈંગ્લેન્ડ જઈને આઈસીએસનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૯ના રોજ સ્ટીમર દ્વારા તેઓ ઈંગ્લેન્ડ જવા રવાના થયા.

ત્યાં પહોંચીને ગંભીરતાપૂર્વક પરીક્ષાની તૈયારમાં લાગી ગયા. ૧૦ મહિનાની અંદર જ એમણે આ કઠિનતમ પરીક્ષામાં બેસવાનું હતું. આમ છતાં પણ આ વ્યસ્તતાની વચ્ચે પણ પોતાના જીવનનું લક્ષ્ય એણે ક્યારેય વિસારે ન પાડ્યું. ૨૩ માર્ચ, ૧૯૨૦ના રોજ તેઓ કેમ્બ્રિજમાંથી પોતાના એક મિત્ર તથા સહપાઠી ચારુચંદ્ર ગાંગુલીને લખે છે : ‘અહીં આવીને અને અહીંના લોકો તેમજ એમની કાર્યપ્રણાલી જોઈને હું અનુમાન કરું છું કે આપણા દેશમાં બે વસ્તુની સૌથી વધારે આવશ્યકતા છે. એક, સામાન્ય જનતામાં શિક્ષણનો પ્રચાર-પ્રસાર. બે, મજૂર આંદોલન. સ્વામી વિવેકાનંદ કહેતા કે ભારતની ઉન્નતિ ખેડૂત, ધોબી, મોચી અને ભંગીઓમાંથી જ થશે. જનશક્તિ શું કરી શકે છે એ પાશ્ચાત્ય જગતે જોયું છે… જો ક્યારેય ભારતની પ્રગતિ થઈ હોય તો તે સામાન્ય જનની શક્તિ દ્વારા જ થઈ હશે.. સ્વામી વિવેકાનંદ ‘વર્તમાન ભારત’માં કહી ગયા છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણોના આધિપત્યના દહાડા વીતી ચૂક્યા છે. પાશ્ચાત્ય જગતમાં વૈશ્યવર્ગમાં આવે છે પૂંજીપતિઓ અને ઉદ્યોગપતિઓ. મજદૂરદળ શક્તિશાળી બનતાં જ એમનો સમય પણ સમાપ્ત થવાનો છે. ભારતના શૂદ્ર અને અછૂત જાતિના લોકોએ આટલા દિવસ સુધી કેવળ દુ:ખકષ્ટ જ ભોગવ્યાં છે. એમના ત્યાગ અને શક્તિને લીધે ભારતની ઉન્નતિ થશે. એટલે જ આપણે સામાન્ય જનનાં શિક્ષણ અને શ્રમિક સંગઠનનો પ્રયાસ કરવો જોઈએ. (પત્રાવલી, પૃ.૭૪-૭૫)

૧૯૨૦ની જુલાઈમાં તેઓ પ્રશાસનિક સેવાની પ્રતિયોગિતામાં બેઠા. તેઓ પોતાને આપેલ કોયડાનો સંતોષજનક ઉકેલ લાવી શક્યા ન હતા. આમ છતાં પણ અપેક્ષા કરતાં એમણે ચોથું સ્થાન મેળવ્યું. પણ સરકારી નોકરી કરવી એમને મંજૂર ન હતી. ૨૨ એપ્રિલ, ૧૯૨૧ના રોજ એમણે આ સેવામાંથી રાજીનામું આપી દીધું. એ વખતે ભાવિ જીવનના કાર્યક્રમ વિશે એમના મનમાં જાતજાતના વિચારો આવતા-જતા રહ્યા. એવી જ મન:સ્થિતિની વચ્ચે એમણે એ દિવસે પોતાના મિત્ર ચારુચંદ્ર ગાંગુલીને લખ્યું : ‘શું કરવું જોઈએ એ વિશે હજી સુધી હું નિર્ણય કરી શક્યો નથી. રામકૃષ્ણ મિશનમાં દાખલ થઈ જાઉં, એવી એક ઇચ્છા થઈ આવે છે. વળી મનમાં થાય છે કે બોલપુર ચાલ્યો જાઉં. વળી પાછો વિચાર આવે છે કે એક સંવાદદાતા બનું. જોઉં છું શું થાય છે? (પત્રવલી, પૃ.૯૦)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.