(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.)

સ્વામીજીની ભાવમૂર્તિ

પાશ્ચાત્ય દેશોમાં ભારતીય સંસ્કૃતિની ધવલ પતાકા ફરકાવીને અને સનાતન વૈદિક ધર્મનો ઓજસ્વી સંદેશ આપ્યા પછી સ્વામી વિવેકાનંદ સ્વદેશ પાછા ફર્યા. કેટલાંય વર્ષોના અંતરાલ પછી ૧૫ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ એમણે ભારત ભૂમિ પર પુન: પદાર્પણ કર્યું. સાથે ને સાથે સંપૂર્ણ ભારતમાં પરિભ્રમણ કરીને રાષ્ટ્રનું પુનર્ગઠન કરવા માટે સામાન્યજનોને વિશેષ કરીને નવ યુવકોને આહ્‌વાન કર્યું. ચેન્નઈમાં પોતાના ‘ભારતનું ભવિષ્ય’ એ વિશેના વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું: ‘હવે પછીનાં ૫૦ વર્ષો સુધી આ જનની જન્મભૂમિ જ જાણે કે તમારી આરાધ્ય દેવી બની જાય; અને તે ત્યાં સુધી કે આપણાં મનમસ્તિષ્કમાંથી વ્યર્થ દેવીદેવતાઓ હટી જાય એમાં પણ કોઈ હાનિ નથી. તમારું પોતાનું બધું ધ્યાન આ જ એક ઈશ્વર પર લગાવી દો, આપણો દેશ જ આપણો જાગ્રત દેવ છે. સર્વત્ર એમના હાથ છે, એમના પગ બધે જ છે અને સર્વ સ્થળે એમના કાન છે. આટલું સમજી લો કે બીજાં દેવી દેવતાઓ સૂઈ રહ્યાં છે.’

અત્યંત વિસ્મયની વાત એ છે કે જે દિવસોમાં સ્વામીજીના મનમાં આવા વિચારો ઉદ્‌ભવતા હતા એ દિવસોમાં ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના દિવસે એક એવા બાળકનો જન્મ થયો કે જેમના જીવનમાં સ્વામીજીના ઉપર્યુક્ત શબ્દો અક્ષરશ: ચરિતાર્થ થયા હતા. ભવિષ્યમાં આ જ વાણી તરુણ સુભાષના જીવનનો જાણે કે મૂળ મંત્ર બની ગયો અને એમણે ઈશ્વર પ્રાપ્તિ માટે સંન્યાસ ગ્રહણ કરવાની પોતાની પ્રબળ આકાંક્ષાને ત્યજીને પ્રાય: ૫૦ વર્ષની ઉંમર સુધી આપણા દેશની સ્વાધીનતા માટે સંઘર્ષ કર્યો. ભારત માતા તથા એમનાં સંતાનોની સેવામાં લાગી રહ્યા અને પોતાના આજીવન શ્રમનાં ફળ આવવાનાં ચિહ્‌નો દૃષ્ટિગોચર થતાં જ તેઓ અંતર્ધાન થઈ ગયા. કેટલાક લોકોનું કહેવું છે કે એક વિમાન દુર્ઘટનામાં એમનું નિધન થયું. વળી કેટલાક બીજાનું અનુમાન એવું પણ છે કે એમણે સંન્યાસ લઈને પોતાના ચિર-આકાંક્ષિત મોક્ષની સાધનામાં મનોનિયોગ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદ સાહિત્યનો પરિચય

સ્વામી વિવેકાનંદની અગ્નિમય વાણીના પ્રબળ પ્રભાવ વિશે નોબલ પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાં કહે છે : ‘એમની વાણી અટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતાં એમના વાણીલયમાં હેન્ડેલના સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે… ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને હું વાંચું છું ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરે સ્વમુખેથી જ્વલંત શબ્દો ઉચ્ચાર્યા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યા હશે!’

સ્વામી વિવેકાનંદની આ વાણી સાથે પોતાના પ્રથમ પરિચયની વાત સુભાષબાબુએ પોતાની આત્મકથામાં સવિસ્તાર વર્ણવી છે. ૧૯૧૨માં જ્યારે તેઓ તરુણ અવસ્થાના ઝંઝાવાતોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમના જીવનમાં આ મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી અને એને પરિણામે એમના ચિંતનને એક નવી દિશા મળી. તેઓ લખે છે : ‘એક દિવસ અકસ્માત જ મેં મારી જાતને એવી સ્થિતિમાં આવેલી જોઈ કે જેનાથી સંકટની એ ઘડીઓમાં મને સર્વાધિક સહાયતા મળી. મારા એક સંબંધી (સુહૃદચંદ્ર મિત્ર) જે અમારા શહેરમાં નવા નવા આવ્યા હતા અને અમારી બાજુના જ મકાનમાં રહેતા હતા. એક દિવસ મારે (કોઈ કાર્યવશ) એમના ઘરે જવું પડ્યું. એમનાં પુસ્તકોમાંથી મારી નજર સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો પર પડી. મેં તો હજી એના થોડાંક જ પૃષ્ઠ ઉથલાવ્યાં હશે કે મને અનુભવ થવા લાગ્યો કે આજ તો વસ્તુ છે જેની શોધ વ્યાકુળતા સાથે હું કરી રહ્યો હતો. મેં એમાંથી અમુક પુસ્તકો માગ્યાં. એમને ઘરે લઈ આવ્યો અને એનું વાચન કરવામાં લાગી ગયો. એમનો સંદેશ મારા અંતરાત્માના ગહનમાં પ્રવેશ કરતો ગયો. મારા પ્રાધ્યાપકે પહેલેથી જ મારામાં સૌંદર્યાનુભૂતિ તથા નૈતિક ભાવનાને જાગ્રત કરી હતી… પરંતુ એ મને કોઈ એવો આદર્શ આપી શક્યા ન હતા કે જેને હું મારું પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ સમર્પિત કરી દઉં; આ આદર્શ મને સ્વામી વિવેકાનંદે પ્રદાન કર્યો.

હું એ પુસ્તકોનું વાચનમનન દિવસોના દિવસો, સપ્તાહના સપ્તાહ અને મહિનાઓ સુધી કરતો રહ્યો. મને સર્વાધિક પ્રેરણા એમના પત્રો તથા કોલંબોથી આલમોડા સુધી આપેલાં એમનાં ‘ભારતમાં આપેલાં ભાષણો’ માંથી મળી. એમાં દેશવાસીઓ માટે વ્યવહારુ બની રહે તેવાં પ્રવચનો છે. આ અધ્યયનથી મને અનેક વિચારોનો સારગ્રહણ કરવામાં સફળતા મળી. ત્યારથી જ હું સમજી ગયો કે જીવનનું પરમલક્ષ્ય ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ – ‘પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ કે માનવની સેવા’ છે. પૂર્ણ આદર્શ ન તો મધ્યયુગના આત્મનિષ્ઠ સંન્યાસીઓ થઈ શકે કે ન બૈન્થમ તથા મિલનો આધુનિક ઉપયોગીતાવાદ. હું એ પણ સમજ્યો કે માનવતાની સેવામાં જ દેશની સેવા પણ નિ:સંદેહ આવી જાય છે. એમની પ્રમુખ શિષ્યા અને જીવનકથાની લેખિકા ભગિની નિવેદિતાએ પણ લખ્યું છે: ‘એમની ઉપાસનાની અધિષ્ઠાત્રી દેવી ભારતમાતા હતી. આ દેશમાં ક્યાંય, કોઈની પણ આંખોમાં ક્યારેય આંસું ઊમટતાં તો એની પ્રતિક્રિયા એમના મનમાં નિશ્ચિતપણે થતી.’ સ્વામી વિવેકાનંદે પોતે પોતાના એક માર્મિક ભાષણમાં કહ્યું છે : ‘વહાલા ભાઈઓ, ચારે તરફ આ નાદ સંદેશ ગુંજવા દો કે આ નગ્ન ભારતવાસી, આ ભૂખ્યો ભારતવાસી, નિરક્ષર ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી અને શૂદ્ર ભારતવાસી મારો પોતાનો જ ભાઈ છે.’ ભવિષ્ય વિશે સ્વામીજીએ લખ્યું હતું : ‘બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના દિવસો પાકી ચૂક્યા છે અને હવે શૂદ્રોનો વારો છે. ભવિષ્ય પદદલિતોનું જ છે.’ એમણે પ્રાચીન ગ્રંથોની આધુનિક વ્યાખ્યા કરી. તેઓ વારંવાર કહ્યા કરતા કે ઉપનિષદોનો મૂળ મંત્ર છે શક્તિ. નચિકેતાની જેમ આપણે પોતાનામાં શ્રદ્ધા રાખવી પડશે.

જ્યારે વિવેકાનંદે મારા જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે હું એ સમયે માંડ માંડ ૧૫ વર્ષનો હતો. એના પરિણામે મારી ભીતર એક જબરી ઉથલપાથલ મચી ગઈ, એક ક્રાંતિ સર્જાઈ. સ્વામીજીને સમજવામાં તો મારે ઠીક ઠીક સમય લાગ્યો, પરંતુ કેટલીક વાતોની છાપ મારા મનમાં શરૂઆતથી જ એવી પડી કે ક્યારેય એને ભૂંસી ભૂંસાઈ શકે તેમ નથી. વિવેકાનંદ પોતાના ચિત્રોમાં અને ઉપદેશો દ્વારા મને એક પૂર્ણ વિકસિત વ્યક્તિત્વરૂપ લાગ્યા. મેં એમની કૃતિઓમાં એવા અનેક પ્રશ્નોનો સંતોષજનક ઉત્તર મેળવ્યો કે જે મારા મનમાં એ સમયે ઉમટતા રહ્યા હતા, કે અસ્પષ્ટ હતા અથવા પછીથી સ્પષ્ટ થઈને સામે આવ્યા. જે માર્ગ મને સ્વામી વિવેકાનંદે બતાવ્યો હતો એના પર વિચાર કરવાનો મેં આરંભ કરી દીધો. વિવેકાનંદ દ્વારા હું ક્રમશ: એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તરફ પણ વળ્યો. વિવેકાનંદનાં ભાષણો અને પત્રો વગેરેના સંગ્રહો છપાઈ ચૂક્યા હતા અને બધાને માટે સામાન્ય રીતે પ્રાપ્ય બન્યા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણ ઘણું ઓછું ભણેલા હતા અને એમની વાણી સ્વામીજીની જેમ પ્રાપ્ય ન હતી. એમણે જે જીવન જીવી બતાવ્યું, એના સ્પષ્ટીકરણનો ભાર એમણે બીજા પર છોડી દીધો. આમ છતાં પણ એમના શિષ્યોએ કેટલાંક પુસ્તકો અને નોંધપોથીઓ પ્રકાશિત કરી. આ બધાં એમની સાથે થયેલી વાતચીત પર આધારિત હતાં અને એમાં એમના ઉપદેશોનો સાર આપવામાં આવ્યો હતો. એ પુસ્તકોમાં ચારિત્ર્યનિર્માણ વિશે સામાન્યત: તથા આધ્યાત્મિક ઉત્થાન વિશેષત: વ્યવહારુ દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. રામકૃષ્ણ પરમહંસ વારંવાર આ વાતને દોહરાવતા કે આત્માનુભૂતિ માટે ત્યાગ અનિવાર્ય છે અને સંપૂર્ણ અહંકારશૂન્યતા વિના આધ્યાત્મિક વિકાસ અસંભવ છે. એમના ઉપદેશોમાં કોઈ નવી વાત નથી. તે બધા આપણી પ્રાચીન સભ્યતા જેટલા જ જૂના છે… પરંતુ રામકૃષ્ણના ઉપદેશોની વિશેષતા એ હતી કે એમણે જે કંઈ કહ્યું તેને જ અનુરૂપ એમણે પોતાનું જીવન જીવી બતાવ્યું અને શિષ્યોના મત પ્રમાણે તેઓ આધ્યાત્મિક પ્રગતિની ચરમસીમા સુધી પહોંચી ગયા હતા.

તરત જ મેં જેમની રુચિ રામકૃષ્ણ-વિવેકાનંદમાં હતી એવા મારા મિત્રોની એક મંડળી બનાવી દીધી. શાળા અને શાળાની બહાર જ્યારે ક્યારેય મોકો મળતો ત્યારે અમે એ વિષય પર ચર્ચા કરતા. ક્રમશ: અમે દૂર દૂર સુધી ભ્રમણ કરવા માંડ્યા જેથી અમને સાથે મળીને સાથે બેસીને થોડી વધારે વાતચીત કે ચર્ચાનો અવસર મળી રહે.’

(‘નેતાજી – સંપૂર્ણ વાઙ્‌મય’, ખંડ-૧, પ્રથમ સંસ્કરણ, પૃ.૩૧-૩૩)

જીવનદર્શન પર ગહન પ્રભાવ

એ દિવસોમાં કટકથી સુભાષબાબુએ પોતાની માતા શ્રીમતી પ્રભાદેવીને આઠ-નવ પત્ર લખ્યા હતા. એ પત્રોમાં એમના જીવનદર્શન કે ચિંતનમાં એ દિવસોમાં આવેલા આ પરિવર્તનની સ્પષ્ટ છાપ જોવા મળે છે. ઈશ્વર તથા રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરી દેવાની અદમ્ય ઇચ્છાની ઝલક પણ એમાં છે. એક સ્થળે તેઓ આમ લખે છે : ‘ઈશ્વરનો અનુગ્રહ ઓછો નથી. આમ જોઈએ તો જીવનમાં હર ક્ષણે એમના અનુગ્રહનો પરિચય મળે છે… વિપત્તિમાં લોકો ઈશ્વરનું સ્મરણ કરે છે. હું તો હૃદયમાં પૂર્ણ નિષ્ઠાથી સ્મરણ કરું છું. પણ જેવી વિપત્તિ સમાપ્ત થાય છે અને સુખના દિવસો આવે છે આપણે સૌ ઈશ્વરનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ. એ જ કારણે કુંતીએ કહ્યું હતું: ‘હે ભગવાન, તમે મને સદૈવ વિપત્તિમાં રાખજો. ત્યારે જ હું સાચા હૃદયથી તમારું સ્મરણ કરીશ. સુખ વૈભવમાં તો તમને ભૂલી જઈશ, એટલે મને સુખ ન દેજો.’

એક બીજા પત્રમાં તેઓ લખે છે : ‘સંસારના તુચ્છ પદાર્થો માટે આપણે કેટલું રડીએ છીએ, પરંતુ ઈશ્વર માટે અશ્રુપાત કરતા નથી. મા, આપણે પશુઓથી પણ વધારે કૃતઘ્ન અને પાષાણહૃદયી છીએ. એ શિક્ષણને ધિક્કાર છે, જેમાં ઈશ્વરનું નામ જ નથી. જે પ્રભુના નામનું સ્મરણ નથી કરતો તે માનવનો જન્મ પણ વ્યર્થ છે.’

આ ઉપરાંત એમણે આમ પણ લખ્યું હતું : ‘ઈશ્વરે આપણને સાંસારિક પ્રલોભનોના રમકડામાં મશગુલ રાખ્યા છે, માયામાં ફસાયેલા રાખ્યા છે. મા પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે, બાળક રમકડાથી રમે છે. જ્યારે બાળક એ રમકડાંને ફેંકીને ‘મા, મા’ કહીને પોકારતાં વ્યાકુળ ન થઈ જાય ત્યાં સુધી મા એની પાસે જતી નથી. મા એમ વિચારે છે કે બાળક રમકડાંથી રમે છે, હું શા માટે જાઉં? પરંતુ જ્યારે બાળકનું રુદન માના મર્મને વીંધી નાખે છે ત્યારે મા એનાથી દૂર રહી શકતી નથી. તે દોડીને બાળકની પાસે આવી જાય છે. વિશ્વજનની મા દુર્ગા પણ મા જેવી જ છે. એ પણ મા જ છે. પૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનનું સ્મરણ કર્યા વિના તેઓ આપણને મળતા નથી.’ 

(‘પત્રાવલી’, મીનાક્ષી પ્રકાશન, મેરઠ, પૃ.૬,૮ તથા ૧૮-૧૯)

(ક્રમશ:)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.