ખેતડીથી સ્વામીજીનો પત્ર

ત્રણ સપ્તાહ સુધીના પોતાના ખેતડી પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ત્યાંથી વિશેષ કરીને પોતાના મદ્રાસના શિષ્યો તથા અનુરાગીઓને કેટલાક પત્ર લખ્યા હતા અને તાર કર્યા હતા. આ બધા સાથે એમનો તત્કાલીન ભાવ તથા વસ્તુસ્થિતિ વ્યક્ત થાય છે. ત્રણ પ્રાપ્ય પત્રો અહીં પ્રસ્તુત છે.

૨૭ એપ્રિલ, ૧૮૯૩, નંજુંદારાવ

ખેતડી,
૨૭, એપ્રિલ, ૧૮૯૩

પ્રિય ડોકટર,

તમારો પત્ર હમણાં જ મળ્યો. મારા જેવી સાધારણ વ્યક્તિ તરફ આપના પ્રેમ માટે ઘણો આભારી છું, એ જાણીને ઘણું ઘણું દુ:ખ થયું કે બિચારા બાલાજીએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે! ઈશ્વરે જ તેને આપ્યો હતો; અને ઈશ્વરે જ લઈ લીધો. ઈશ્વરના નામનો મહિમા અપાર છે. માત્ર એટલું જ જાણીએ છીએ કે કશું જ નષ્ટ થતું નથી અને કશું જ ઉત્પન્ન થતું નથી. આપણે શાંતિપૂર્વક એમના (ઈશ્વરના) તરફથી જે કંઈ મળે તેને નતમસ્તક બની સ્વીકાર કરવો જોઈએ. સેનાપતિ જો તેના અધીન સિપાહીને તોપની નાળ આગળ ચાલ્યા જવા કહે તો તેનાથી કોઈ પણ પ્રકારનો ખેદ કે તેના આદેશનો અવરોધ કરવાનો તેને કોઈ અધિકાર નથી. પ્રભુ બાલાજીને એના દુ:ખમાં સાંત્વના આપે અને આ શોક તેમને કરુણામયી માતાના ખોળાની નજીકમાં નજીક લઈ જાય.

મેં મુંબઈથી બધી વ્યવસ્થા કરી હોવાના કારણે મદ્રાસથી જહાજ પકડવાનું મને અનુકૂળ લાગતું નથી. ભટ્ટાચાર્યને કહેજો કે રાજા સાહેબ અથવા ગુરુભાઈઓ તરફથી મારા સંકલ્પમાં કોઈ પણ પ્રકારની આડખીલી નાખવાની કોઈ સંભાવના નથી. જ્યાં સુધી રાજાજીની વાત છે, તેમને તો મારા પ્રત્યે અસીમ પ્રેમ છે.

બીજી એક વાત – ..ચેટ્ટીનો ઉત્તર ખોટો સિદ્ધ થયો છે. હું ક્ષેમકુશળ છું. બે-એક સપ્તાહની અંદર જ હું મુંબઈ જવા માટે નીકળવાનો છું.

સર્વકલ્યાણ દાતાના તમારા બધા પર આ લોકમાં તેમજ પરલોકમાં પણ આશિષ વરસે – આ જ સચ્ચિદાનંદની નિરંતર પ્રાર્થના છે.

વળી – જગમોહન દ્વારા મેં આપને નમસ્કાર કહ્યા છે. તેઓ પણ મને આપના નમન લખવા કહી રહ્યા છે.

ભવદીય,
સચ્ચિદાનંદ

(બાઈબલ, ઓલ્ડટેસ્ટામેન્ટ, ધ બૂક ઓફ જોબ)

મુંબઈથી ખેતડી આવતી વખતે સ્વામીજી રસ્તામાં આવતા જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના વતન નડિયાદમાં ઊતરી શક્યા ન હતા. એ બાબત પર એમણે ખેદ વ્યક્ત કરતાં સ્વામીજી પોતાની વ્યંગપૂર્ણ ભાષામાં એનું કારણ બતાવતાં પાછા ફરતી વખતે એમને મળવાનું વચન આપે છે.

૨૮ એપ્રિલ, ૧૮૯૩, હરિદાસ

ખેતડી,
૨૮મી એપ્રિલ, ૧૮૯૩

પ્રિય દીવાન સાહેબ

અહીં આવતાં પહેલાં મારે નડિયાદ આપને ત્યાં જવાની અને મારું વચન પૂરું કરવાની ઇચ્છા હતી. પણ કેટલાક સંજોગોમાં તે બની શક્યું નહીં, અને ખાસ કારણ તો એ હતું કે આપ પોતે ત્યાં હતા નહીં. અને હેમ્લેટના પાત્ર વિના હેમ્લેટનું નાટક ભજવવું તે હાસ્યાસ્પદ છે. વળી હું જાણું છું તે પ્રમાણે આપ થોડા દહાડામાં નડિયાદ આવવાના છો, અને હું પણ થોડા દહાડામાં – લગભગ વીસેક દિવસમાં મુંબઈ પાછો જવાનો હોઈ, તે સમયે ત્યાં આવવાનું મુલતવી રાખવાનું મને ઠીક લાગ્યું.

અહીં ખેતડીના રાજા મને મળવા ઘણા જ આતુર હતા; તેમણે પોતાના અંગત મંત્રીને મદ્રાસ મોકલ્યા હતા, તેથી મારે ખેતડી ગયા વિના છૂટકો ન હતો. પણ ગરમી અસહ્ય છે, એટલે હું જલદી અહીંથી નીકળી જઈશ.

આ પણ સાથોસાથ જણાવી દઉં કે લગભગ બધા દક્ષિણી રાજાઓની મેં ઓળખાણ કરી લીધી છે; ઘણે સ્થળે કેટલાંક વિચિત્ર દૃશ્યો મેં જોયાં છે જેનું ‘વિસ્તારપૂર્વક’ વર્ણન આપણે ફરી મળીશું ત્યારે કરીશ. આપનો મારા પ્રત્યે કેટલો પ્રેમ છે તે હું જાણું છું, અને મને ખાતરી છે આપને ત્યાં નહીં આવવા માટે આપ મને જરૂર ક્ષમા આપશો. ગમે તેમ પણ હું થોડા દિવસ ત્યાં આવીશ.

એક વાત વિશેષ. જૂનાગઢમાં આપની પાસે સિંહનાં બચ્ચાં અત્યારે છે? અહીંના રાજા માટે આપ મને એક ઉછીનું આપી શકશો? જો આપની ઇચ્છા હોય તો બદલામાં તેઓ આપને રાજપૂતાનાનાં કેટલાંક પ્રાણીઓ આપશે.

ટ્રેનમાં મને શ્રી રતિલાલભાઈ મળી ગયા. તેઓ ઘણા જ માયાળુ અને સજ્જન ગૃહસ્થ છે; અને પ્રિય દીવાન સાહેબ! આપનું સદા પવિત્ર, શુભ અને ઈશ્વરપરાયણ જીવન એ દયામય પિતાનાં અનેક સંતાનોની સેવામાં વીત્યું છે; એટલે આપના આ સુયોગ્ય, લોકપ્રિય અને સર્વ કોઈના માનને પાત્ર બનેલા જીવનના અંત ભાગમાં એ પરમાત્મા આપનું સર્વસ્વ બનો એથી વધારે શુભેચ્છા મારી કઈ હોઈ શકે? તથાસ્તુ!

સસ્નેહ ભવદીય,
વિવેકાનંદ

————————————————————–

* આ દિવસોમાં સ્વામીજી પોતાને સચ્ચિદાનંદ નામે ઓળખાવતા.

મે, પ્રથમ સપ્તાહ, ૧૮૯૩, હરિદાસ

ખેતડી,
મે, ૧૮૯૩

પ્રિય દીવાન સાહેબ,1શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ. ખેતડીમાં રહેતી વખતે સ્વામીજી માઉન્ટ આબુમાં તપશ્ચર્યા કરી રહેલા પોતાના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદજી તથા સ્વામી તુરીયાનંદજીને પણ એકાદ બે પત્ર ચોક્કસ લખ્યા હશે. પણ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આપણે આગળ જોઈશું કે પછીથી મુંબઈ જવા રવાના થતી વખતે એમણે તાર કરીને એ બંને ગુરુભાઈઓને આબુરોડ સ્ટેશન પર આવીને મળવાનો નિર્દેશ દીધો હતો.

આપે મને લખ્યું તે પહેલાં મારો પત્ર આપને ચોક્કસ મળ્યો નહીં હોય એમ લાગે છે. આપનો પત્ર વાંચવાથી મને એકી સાથે સુખ અને દુ:ખ બંને થયાં. સુખ એટલા માટે કે આપના જેવા સહૃદયી, સત્તાધારી અને પ્રતિષ્ઠિત સજ્જનનો મારા ઉપર પ્રેમ છે; અને દુ:ખ એટલા માટે કે મારો હેતુ તદ્દન ઊલટો જ સમજવામાં આવ્યો છે. આપ એટલું જરૂર માનજો કે હું આપને પિતા તરીકે ચાહું છું તથા માન આપું છું, અને આપ અને આપના કુટુંબ પ્રત્યેની મારી કૃતજ્ઞતા અપરિમિત છે. હકીકત તો એ છે કે શિકાગો જવાની મારી ઇચ્છા પહેલેથી જ હતી, એ આપને યાદ હશે. મદ્રાસમાં હતો તે વખતે ત્યાંના લોકોએ સ્વેચ્છાથી જ મૈસૂર તથા રામનદના રાજાની સાથે મળીને મને મોકલવાની સઘળી યોજના કરી હતી. વળી આપને યાદ હશે કે ખેતડીના રાજાસાહેબ અને મારી વચ્ચે તો સ્નેહનું ગાઢ બંધન છે. વારુ, હકીકતમાં તો મેં જ તેમને લખેલું કે હું અમેરિકા જઉં છું. અને ખેતડીના રાજાના મારા પ્રત્યેના પ્રેમને લીધે તેમને એમ થયું કે હું જાઉં તે પહેલાં તેમને મારે મળવું જોઈએ. ખાસ તો એટલા માટે કે ઈશ્વરે તેમને ગાદીવારસ આપ્યો છે, અને ત્યાં મોટો આનંદોત્સવ ચાલતો હતો. વળી હું ત્યાં જાઉં તે ચોક્કસ કરવા માટે તેમણે પોતાના પ્રાઈવેટ સેક્રેટરીને મદ્રાસ સુધી મને તેડવા મોકલેલા, એટલે અલબત્ત મારે જવું જ પડે તેમ હતું. દરમિયાન આપ ત્યાં છો કે નહીં તે જાણવા મેં આપના ભાઈને નડિયાદ તાર કરેલો પણ કમનસીબે મને ઉત્તર જ ન મળ્યો. હવે પેલા પ્રાઈવેટ સેક્રેટરી કે જેણે પોતાના રાજાની ખાતર મદ્રાસ સુધી દોડી આવવાનું કષ્ટ ઉઠાવેલું, તેનું એકમાત્ર લક્ષ્ય એ હતું કે અમે પેલો જલસો ચાલે છે ત્યાં સુધીમાં ખેતડીમાં પહોંચીએ; નહીં તો તેમના રાજાને દુ:ખ થાય. એટલે તેમણે તરત જ અમારી જયપુર માટેની ટિકિટો ખરીદી લીધી. મુસાફરી દરમ્યાન અમને શ્રી રતિલાલ મળ્યા. એમણે મને કહ્યું કે મારો તાર એ લોકોને બરાબર મળેલો અને જવાબ પણ આપી દેવાયેલો, અને તે મુજબ શ્રી બિહારીદાસ મારી રાહ જોતા હતા. હવે આપ આટલાં વરસોથી ન્યાય આપવાનું કર્તવ્ય બજાવો છો, તો આ બાબત આપે જ યોગ્ય ન્યાય કરવાનો છે. આ સંબંધમાં હું શું કરું અગર કરી શકું? જો હું નડિયાદ ઊતરી ગયો હોત તો હું ખેતડીના ઉત્સવમાં સમયસર પહોંચ્યો ન હોત; ઊલટું, મારા મનોભાવ વિશે ગેરસમજ ઊભી થાત. પણ આપનો તથા આપના ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ કેવો છે તે હું જાણું છું, અને હું એ પણ જાણતો હતો કે થોડા દહાડા બાદ મારે શિકાગો જતાં મુંબઈ થઈને જવું જ પડશે. આમ હું પાછો ન આવું ત્યાં સુધી મારું આવવાનું મુલતવી રાખવું એ જ મને સારામાં સારો ઉકેલ દેખાયો. આપના ભાઈઓએ મારી સંભાળ ન રાખી તેથી મારી લાગણીઓ દૂભાઈ છે, એ વાત તો મેં સ્વપ્નેય નહીં કલ્પેલી; આપની એ એક નવી શોધ છે. અથવા ઈશ્વર જાણે, આપ માણસના વિચારો વાંચનારા પણ બની ગયા હો! વારુ, હસવાની વાત જવા દઈએ; પણ પ્રિય દીવાન સાહેબ, આપે મને જૂનાગઢમાં જેવા નિર્દોષ બાળક તરીકે જોયો હતો તેવો જ રમતિયાળ અને તોફાની હું છું તેની ખાતરી આપું છું; અને દક્ષિણના બધા દીવાનો સાથે મનમાં સરખામણી કરતાં મારો આપના પ્રત્યેનો પ્રેમ તેવો જ છે અગર સોગણો વધી ગયો છે; (જોકે આપના ઉદાર ગુણોનું મૂલ્યાંકન કરવામાં મારી શક્તિ તદ્દન અપૂર્ણ છે તેનો મને ખ્યાલ છે છતાં) અને એક ભગવાન જાણે છે કે દક્ષિણનાં સઘળાં રાજ્યોમાં આપની પ્રશંસા કરવામાં મારો વાણીપ્રવાહ કેવો ધોધબંધ વહેતો હતો! જો આટલો ખુલાસો પૂરતો ન હોય તો પિતા પુત્રને ક્ષમા આપે એ રીતે મને ક્ષમા આપવા આપને હું વિનંતી કરું છું. જે વ્યક્તિ મારા પ્રત્યે ખૂબ કૃપા રાખતી હશે, તેનો દ્રોહ કર્યાના વિચારો મને કદી ન સતાવે તેવું થાય, તેમ હું ઇચ્છું છું.

ભવદીય,
વિવેકાનંદ

તા.ક. મારા ત્યાં નહીં ઊતરવા વિશે આપના ભાઈના મનમાં કંઈ ગેરસમજ હોય તો તે દૂર કરવાનું આપના પર છોડું છું; અને હું શેતાન હોઉં તો પણ તેમની માયા અને સેવા હું કદીયે ભૂલી શકું તેમ નથી.

બીજા બે સ્વામીઓ મારા ગુરુ ભાઈઓ હતા. તેઓ આપને ગયે વખતે જૂનાગઢ મળવા આવ્યા હતા. તેમાંના એક અમારા આગેવાન છે. ત્રણ વર્ષ બાદ હું તેમને મળ્યો અને આબુ સુધી અમે સાથે રહ્યા, અને પછી હું તેમનાથી જુદો પડ્યો. જો આપની ઇચ્છા હશે તો તેમને મુંબઈ જતાં નડિયાદ પાછા લાવીશ. આપ અને આપના સહુ ઉપર ઈશ્વરના આશીર્વાદ ઊતરો.

ભવદીય,
વિ.

  • 1
    શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ. ખેતડીમાં રહેતી વખતે સ્વામીજી માઉન્ટ આબુમાં તપશ્ચર્યા કરી રહેલા પોતાના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદજી તથા સ્વામી તુરીયાનંદજીને પણ એકાદ બે પત્ર ચોક્કસ લખ્યા હશે. પણ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આપણે આગળ જોઈશું કે પછીથી મુંબઈ જવા રવાના થતી વખતે એમણે તાર કરીને એ બંને ગુરુભાઈઓને આબુરોડ સ્ટેશન પર આવીને મળવાનો નિર્દેશ દીધો હતો.
Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ. ખેતડીમાં રહેતી વખતે સ્વામીજી માઉન્ટ આબુમાં તપશ્ચર્યા કરી રહેલા પોતાના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદજી તથા સ્વામી તુરીયાનંદજીને પણ એકાદ બે પત્ર ચોક્કસ લખ્યા હશે. પણ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આપણે આગળ જોઈશું કે પછીથી મુંબઈ જવા રવાના થતી વખતે એમણે તાર કરીને એ બંને ગુરુભાઈઓને આબુરોડ સ્ટેશન પર આવીને મળવાનો નિર્દેશ દીધો હતો.