(ગતાંકથી આગળ)

વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં આપણી પ્રાચીન પદ્ધતિ વિરુદ્ધ એક પ્રબળ વિદ્રોહની ઘોષણા થઈ. દેશમાં પ્રચલિત ધર્મ અને સમાજ-વ્યવસ્થામાં એક પરિવર્તન આવ્યું. તદુપરાંત પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે ધર્મની નવી વ્યાખ્યાનો આરંભ કર્યો. એને પરિણામે સમન્વય કે સંવાદિતા સાધિત બન્યાં. (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૧, પૃ.૨૨૪)

૨૨ જુલાઈના રોજ પૂર્ણ થિયેટર હોલમાં એમણે ‘યૌવન વ્રત’ વિશે વ્યાખ્યાનમાં કહ્યું હતું: ‘યૌવનનું વ્રત શું છે? સ્વાધીનતાની સ્પૃહાને જગાડવી – એ જ ચોક્કસપણે વ્રત છે. આ નવીન આદર્શની ઉપાસના જ યુવા આંદોલનનો ઉદ્દેશ્ય છે અને આપણે આ આદર્શને અપનાવવો પડશે. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે : ‘માનવનું ઘડતર કરવું એ મારું વ્રત છે.’ જ્યારે સાચા માનવીઓનું દળ તૈયાર થઈ જશે ત્યારે સ્વામીજીનું મિશન અને એમનું લક્ષ્ય સાકાર થશે.’ (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૧, પૃ.૨૨૪)

પછીના વર્ષ ૧૯૨૯ની ૯ ફેબ્રુઆરીના રોજ પાબના જિલ્લાના યુવ-સંમેલનના અધ્યક્ષ રૂપે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘ઘણાની ધારણા એવી છે કે સામાન્ય જન-સમાજ કે યુવ-સમાજને જગાડવા માટે રાષ્ટ્ર કે સમાજ સંબંધી મતવાદોનો પ્રચાર અનિવાર્ય છે… પ્રત્યેક મતવાદના કટ્ટર પંથીઓનો મત એવો છે કે એમના મતવાદની સ્થાપના થતાં જ જગતનાં બધાં દુ:ખ દૂર થઈ જશે… જ્યાં સુધી આપણે પોતે જ માનવને યોગ્ય ચારિત્ર્ય બળ પ્રાપ્ત ન કરી લઈએ ત્યાં સુધી કોઈ પણ મતવાદ આપણો ઉદ્ધાર કરી ન શકે, એમ મને લાગે છે. એટલે જ સ્વામીજી કહેતા હતા : ‘માનવ ઘડતર કરવું એ જ મારું જીવનધ્યેય છે.’ રાષ્ટ્ર ઘડતર અને કોઈ પણ મતની સ્થાપનાની પાયાની ઈંટ છે : સાચો માનવ. સાચા માનવ તૈયાર કરવા એ જ આ યુવ-આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.’ આ વ્યાખ્યાનનો ઉપસંહાર કરતાં એમણે સાધનાના સ્વરૂપ વિશે સ્વામીજીનો મત દર્શાવતાં એમની એક કવિતાની ચાર પંક્તિઓ ટાંકી હતી. એ પંક્તિઓનો ભાવાર્થ આવો છે: ‘વીર! કદી ના ડર છે તારે, ભલે પરાજય સો સો વાર; ચૂર કરી દે સ્વાર્થ, માન તું, હૃદય બનો સ્મશાન; નાચે શ્યામા એની ઉપર, ઘનરણમાં લઈ નિજ ભીમકૃપાણ.’

૧૬મી માર્ચે આપેલ ‘પ્રાચ્ય અને પાશ્ચાત્યનો સમન્વય’ એ વિશેના વ્યાખ્યાનમાં સ્વામીજીના જ ભાવ પ્રગટ થાય છે. એમણે એ વ્યાખ્યાનમાં કહ્યું હતું : ‘આપણામાંથી જે લોકો બચી ગયા છે, મર્યા નથી, એમનું કારણ એ છે કે આપણું એક મિશન છે. અતીતના ચિંતનમાં લીન રહેવું એ જ આ મિશનનું તાત્પર્ય નથી. પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવાની ક્ષમતા આપણામાં છે; સ્વામીજી આ જ ઉપદેશ આપી ગયા છે. વિવિધ પ્રકારે ગુલામ બન્યા હોવા છતાં આજે પણ આપણે જગતને અનેક નવી નવી બાબતોનું પ્રદાન કરી રહ્યા છીએ… આપણા ભૂતકાળ કરતાં ભવિષ્ય ઉજ્જ્વળતર હશે. આ પ્રદાનને યોગ્ય બનવું એ જ યુવાનીની સાચી સાધના છે.’ (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૨, પૃ.૫૯)

તદુપરાંત ૨૩ માર્ચ, ૧૯૨૯ના રોજ રંગપુરમાં આયોજિત બંગીય પ્રાદેશિક સંમેલનના સભાપતિ સ્થાને રહીને એમણે આધુનિક ભારતના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના પ્રદાનનું ઘણું સુંદર આકલન કર્યું હતું. પોતાના એ ભાષણ દરમિયાન એમણે કહ્યું હતું: ‘રામમોહન રાયે વેદાંત પ્રચારમાં જે સમન્વયનો સૂત્રપાત કર્યો હતો એ સમન્વય ૧૯મી શતાબ્દીના અંતમાં રામકૃષ્ણ-વિવેકાનંદમાં પૂર્ણરૂપે પ્રસ્ફૂટિત થઈ ઊઠ્યો હતો, એવું આપણને જોવા મળે છે. રામકૃષ્ણ પરમહંસ પોતાના જીવનની અપૂર્વ અને અલૌકિક સાધનાના બળથી ભિન્ન ભિન્ન સાધના પદ્ધતિઓની (કર્મ-ભક્તિ-જ્ઞાન); ભિન્ન ભિન્ન સંપ્રદાયોના (શાક્ત, વૈષ્ણવ, યોગ, શૈવ વગેરે); તેમજ વિભિન્ન ધર્મો (ખ્રિસ્તી, ઈસ્લામ, હિંદુ વગેરે)ની વચ્ચે અદ્‌ભુત સમન્વય સ્થાપિત કરી ગયા છે. પરમહંસદેવની અનુભૂતિ અને સાધનાના ઉત્તરાધિકારી સર્વ પ્રથમ સ્વામી વિવેકાનંદ બન્યા અને ત્યાર પછી સમગ્ર બંગવાસીઓ બન્યા. આ સમન્વયની સ્થાપનાની સાથે જીવનનાં વિભિન્ન પાસાં – કાવ્ય, સાહિત્ય, દર્શન, વિજ્ઞાન, વાણિજ્ય, ક્રીડા અને વ્યાયામનાં ક્ષેત્રોમાં સર્જનાત્મક નવીન પ્રયાસ થઈ રહ્યા છે. આ ઉપરાંત સમાજમાં પૂર્ણ સામ્યતાની સ્થાપનાનો પણ પ્રયત્ન ચાલુ છે.

પરમહંસદેવ દ્વારા આરંભાયેલ અને અપૂર્ણ કાર્યને સ્વામી વિવેકાનંદે પોતાના હાથમાં લીધું. યુગ-યુગોથી સંચિત ભારતની જ્ઞાનસંપત્તિને દેશ-વિદેશમાં પ્રસારિત કરવા માટે તેઓ પ્રાચીન બૌદ્ધ સંન્યાસીઓની જેમ હાથમાં જ્ઞાનનો પ્રદીપ લઈને સાગર પાર ચાલી નીકળ્યા. આટલા દિવસો પછી ભારતવાસીની ઘર છોડીને બહાર જવાની ધૂન સવાર થઈ. વિશ્વને આપવા યોગ્ય સામગ્રી એમણે પોતાના આ ઘરમાંથી જ શોધી કાઢી હતી. ત્યાર પછી રવીન્દ્રનાથ, જગદીશચંદ્ર, પ્રફુલચંદ્ર, રામાનુજન, રામન, વગેરે ભારતના શ્રેષ્ઠ કવિ-સાહિત્યકાર, વૈજ્ઞાનિક અને મનીષીઓએ વિશ્વ સભ્યતાને કેટકેટલી રીતે પરિપુષ્ટ કરી છે. આ બધા મહાપુરુષોની આજીવન સાધનાના ફળ સ્વરૂપે ભારતવાસીઓ આજે એ વાત સમજી શક્યા છે કે એમનો પણ એક આદર્શ છે, પોતાના જીવંત રહેવાનો પણ એક ઉદ્દેશ્ય છે, પૃથ્વી પર રાષ્ટ્રના રૂપે એક મિશન છે.

પોતાના દેશમાં નવીન રાષ્ટ્રના નિર્માણનું કાર્ય પણ વિવેકાનંદ આદરી ગયા હતા. વ્યક્તિઓની સમષ્ટિને રાષ્ટ્ર કહે છે. સાચા માનવનું નિર્માણ થયા વિના સ્વાધીન અને બળવાન રાષ્ટ્રનો જન્મ થઈ ન શકે. એટલે જ એમણે કહ્યું હતું: ‘માનવ ઘડતર એ જ મારું જીવનકાર્ય છે.’ ત્યાર પછી સાચા માનવનું નિર્માણ કરવા એમણે કોઈ વિશેષ વર્ગ કે સમૂહ તરફ ધ્યાન કેન્દ્રિત ન કરતાં સમગ્ર સમાજ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમની વાણી અમર બનીને આજે પણ ઘરેઘરે ગૂંજી રહી છે : ‘તમે ઊંચા કુળવાળા કે જાતવાળા શું જીવંત છો?.. તમે લોકો શૂન્યમાં અદૃશ્ય થઈ જાઓ અને એકવાર ફરીથી એક નવીન ભારતને બહાર આવવા દો. હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીમાંથી નવભારતનું ઉત્થાન થવા દો; મોદીની દુકાનમાંથી, ધાણી દાળિયા વેચનારાઓની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો… આ લોકોએ હજારો હજારો વર્ષો સુધી મૂક બનીને અત્યાચાર સહન કર્યા છે, એનાથી એમને અપૂર્વ સહિષ્ણુતા સાંપડી છે.. અરે ઓ અતીતના કંકાલસમૂહ! – આ જ છે તમારી સામે રહેલું તમારું ઉત્તરાધિકારી ભાવિ ભારત!’ આ જ છે સમાજવાદ. આ સમાજવાદનો જન્મ કાર્લમાર્ક્સનાં પુસ્તકોમાંથી નહિ, પરંતુ એનો જન્મ ભારતની શિક્ષાદીક્ષા અને અનુભૂતિથી થયો છે.’ (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૨, પૃ.૮૮-૮૯)

તદુપરાંત ૨૧ જુલાઈ, ૧૯૨૯ના રોજ સુભાષબાબુએ ‘હુગલી જિલ્લા છાત્ર સંમેલન’ના અધ્યક્ષ સ્થાનેથી વ્યાખ્યાન આપતાં જાણે કે સંસ્મરણાત્મક મનોભાવની વાત જ કરી : ‘૧૫ વર્ષ પહેલાં જે આદર્શ બંગાળના (વસ્તુત: સમગ્ર ભારતના) છાત્રને અનુપ્રાણિત કરતો હતો એ હતો સ્વામી વિવેકાનંદનો આદર્શ. એ આદર્શના પ્રભાવને લીધે ષડ્‌રિપુઓ પર વિજય પ્રાપ્ત કરવા સ્વાર્થપરાયણતા અને બીજી એવી ક્ષુદ્ર ભાવનાઓમાંથી મુક્ત થવા માટે આધ્યાત્મિક શક્તિના બળ પર શુદ્ધ પ્રબુદ્ધ જીવનપ્રાપ્તિ માટે બંગાળીઓ કટિબદ્ધ હતા. સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો મૂળમંત્ર છે – વ્યક્તિત્વનો વિકાસ. એટલે જ સ્વામી વિવેકાનંદ કહેતા હતા : ‘માનવ ઘડતર એ જ મારું જીવનકાર્ય.’ વ્યક્તિત્વ વિકાસને એટલું મહત્ત્વ આપતાં હોવા છતાં પણ સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રને જરાય ભૂલ્યા ન હતા. કર્મરહિત સંન્યાસ અથવા પુરુષાર્થહીન ભાગ્યવાદ પર એમને વિશ્વાસ ન હતો. રામકૃષ્ણ પરમહંસે પોતાની સાધના દ્વારા જે સર્વધર્મસમન્વય કરી બતાવ્યો તે જ સ્વામી વિવેકાનંદના જીવનનો મૂળ મંત્ર બન્યો. એ જ ભવિષ્યના ભારતના મૂળમંત્રનો આધાર બન્યો. આ સર્વધર્મસમન્વય અને બધા મતોની વચ્ચે સહિષ્ણુતા વિના આપણા વિવિધતાપૂર્ણ આ દેશમાં રાષ્ટ્રિય એકતા સ્થાપી ન શકાય… રામમોહન રાયના યુગથી ભિન્ન ભિન્ન આંદોલનો દ્વારા ભારતની મુક્તિની કામના ધીમે ધીમે પ્રગટ થવા લાગી. ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના પ્રારંભમાં સ્વાધીનતાના અખંડ રૂપનો આભાસ રામકૃષ્ણ-વિવેકાનંદની ભીતરથી ઝળકી ઊઠે છે. ‘સ્વાધીનતા, સ્વાધીનતા જ આત્માનું સંગીત છે.’ આ સંદેશ જ્યારે સ્વામીજીના હૃદયમાંથી નીકળ્યો ત્યારે એમણે સમગ્ર દેશવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા અને ઉન્મત્ત પણ કરી દીધા. એમની સાધના, આચરણ, ઉપદેશ-વચનો અને સંભાષણો દ્વારા આ સત્ય પ્રગટ થયું.

સ્વામી વિવેકાનંદે મનુષ્યને ભિન્ન ભિન્ન પ્રકારનાં બંધનોમાંથી મુક્ત બનીને મનુષ્ય બનવા કહ્યું. બીજી બાજુ સર્વધર્મસમન્વયના પ્રચાર-પ્રસાર દ્વારા ભારતીય રાષ્ટ્રિયતાની આધારશીલા પણ એમણે સ્થાપી. રામમોહન રાયે વિચાર્યું હતું કે સાકારવાદના ખંડન અને વેદાંતના નિરાકારવાદની સ્થાપના દ્વારા તેઓ રાષ્ટ્રને એક સાર્વભૌમિક આધારભૂમિકા પર ઊભું કરી શકશે. બ્રહ્મોસમાજ પણ આજ પથે આગળ વધ્યો, પરંતુ એના પરિણામે હિંદુસમાજ જાણે કે જરા વધુ દૂર અને દૂર ચાલ્યો ગયો. ત્યાર પછી વિશિષ્ટાદ્વૈત તથા દ્વૈતાદ્વૈતમૂલક સત્યોનો પ્રચાર-પ્રસાર કરીને તેમજ સર્વધર્મ સહિષ્ણુતાનો ઉપદેશ આપીને શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદે રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધવાનો પ્રયાસ કર્યો. (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૨, પૃ.૧૬૭-૬૮ તથા તરુણાઈ કે સ્વપ્ન, પૃ.૧૧૪-૧૫)

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.