નૂતન ભારતને ઊભું થવા દો

ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર દશ હજાર વર્ષના Mummies (સચવાયેલા-શબ) માત્ર જ છો! ભારતમાં જે કાંઈ ખમીર દેખાય છે, તે તો માત્ર જેમને પૂર્વજો ‘‘હાલતાં-ચાલતાં કંકાલ” કહીને ધિક્કારતા હતા, તે લોકોમાં જ છે; ખરી રીતે એ કંકાલ તો તમે પોતે જ છો…હા, માત્ર તમારાં હાડકાની આંગળીઓમાં તમારા પૂર્વજોએ સાચવેલી અને પહેરાવેલી કેટલીક અમૂલ્ય રત્નમય મુદ્રિકાઓ તથા દુર્ગંધ મારતા તમારા શબનાં આલિંગનમાં ઘણી પુરાણી રત્નપેટીઓ છે…તમારા વારસોને જેમ બને તેમ જલ્દીથી તે બધું આપી દો અને પછી તમે પોતે શૂન્યમાં મળી જાઓ અને અદૃશ્ય થઈ જાઓ, તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો.

જ્યારે જનતા જાગશે, ત્યારે તેઓ તમારા જુલમો સમજશે, અને ત્યારે તેમની એક ફૂંકથી તમે ક્યાંય ઊડી જશો! તમારી સંસ્કૃતિ તેઓ જ લાવ્યા છે અને તેઓ જ તેને તોડી પાડશે… માટે હું કહું છું કે આ નીચલા વર્ગના લોકોને વિદ્યા અને સંસ્કાર આપી ઊંઘમાંથી જગાડો. જ્યારે તેઓ જાગશે, અને એક દિવસ તેઓ જાગવાના જ છે-ત્યારે તમારી સેવા તેઓ ભૂલશે નહિ અને તમારા ઋણી રહેશે.

હવે પોતાની કબર ખોદવાની પ્રત્યેક કુલાભિમાન આપખુદશાહીની ફરજ છે: આ તે જેટલું વહેલું કરે, તેટલું વધું સારું છે. જેમ વધુ મોડું કરશે તેમ એ વધુ રીબાશે, અને વધુ ખરાબ મોતે મરશે. એટલા માટે ભારતમાં બ્રાહ્મણ કુળની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના લોકોની મુક્તિ માટે કાર્ય કરવું.

– સ્વામી વિવેકાનંદ

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું,’ પૃ. ૩૫-૩૬)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.