મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન ઈતિહાસ જેટલો ભૌતિક પરિસીમામાં ભાતીગળ છે તેટલો જ એની ફિલસૂફીનો ઈતિહાસ તરાહપૂર્ણ અને ભવ્ય છે. ચિંતન એ જ જાણે એની માટીમાં પડ્યું છે. એના નાલંદા અને તક્ષશિલાઓમાં, આશ્રમો અને તપોવનોમાં, ચિંતનના મહાસ્રોતો પ્રકટ્યા છે અને તેણે ભારતનાં ચિત્ત અને ચિદાકાશને સમૃદ્ધ કર્યાં છે. એક બાજુ વેદ અને ઉપનિષદ્ ના સૃષ્ટા બ્રાહ્મણો છે: બીજી બાજુ બ્રહ્મસૂત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ષડ્દર્શનના સર્જકો છે અને તેના વિવિધ ભાષ્યકારો પણ છે. એણે ભારતની આંત૨ – બાહિર ચેતનાનું નવવિધાન કરેલું છે. એનો ચૌદ વર્ષનો નચિકેતા યમને જે પ્રશ્ન પૂછે છે, તે પૂછવાની આજના ચૂમોતેર વર્ષના બુઝર્ગની પણ મજાલ નથી. છતાં એ નચિકેતાના જ્ઞાનઅગ્નિના – જ્ઞાનના પુરસ્કર્તાઓ – અર્વાચીન યુગમાં જેટલા પાક્યા છે, એટલા કદાચ બીજા દેશમાં ભાગ્યે જ પાક્યા હશે. યોગેશ્વર શ્રી અરવિંદ ત્યાં જન્મીને આ યુગનો મોટામાં મોટો ગ્રંથમણિ લાઈફ – ડિવાઈન (દિવ્ય જીવન) લખે છે. કલકત્તા નજદિક વસતો કાલીમાતાનો ભક્ત અને નિરક્ષર પૂજારી ‘‘ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ”ની અમૃતવાણી ઉચ્ચારી, સર્વધર્મોના અંતરમાં રહેલા ઐક્યની અનુભૂતિ કરે છે. અને તેનો ‘હળાહળ નાસ્તિક’ એવો નરેન્દ્ર જગતના ધર્મોની મહાસભામાં જઈને વિવેકાનંદ બનીને વેદાન્તનો જ્ઞાનટંકાર કરીને વિશ્વને મુગ્ધ કરી દે છે. શંકર, ગૌતમ, કણાદ, કપિલ, પતંજલિ, દ્વૈપાયન વ્યાસ, વલ્લભાચાર્ય, રામાનુજ અને મધ્વાચાર્ય – કેટકેટલાનાં નામો યાદ કરીશું? ભારતની માટીના કણો જાણે પળે પળે પુકારે છે- THINK-THINK-THINK- ચિન્તવો, ત્રણ વાર ચિન્તવો અને અનુભવો: આપણું બાહ્ય જગત જેટલું રળિયામણું છે- ઊર્જસ્વી છે, તેટલું જ આંતર જગત ગહન, ભવ્ય અને ઉદાત્ત છે. એ બે જગત વચ્ચે જે સેતુ બાંધે છે, તે તરી જાય છે.

આવા દેશમાં ૨સર્ષિ રવીન્દ્રનાથ ઠાકુર, કર્મયોગી મોહનદાસ ગાંધી, પૂર્ણયોગી શ્રી અરવિંદ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવી આધુનિક પ્રતિભાઓ પાકે અને વિરલ કવિવરો, યોગવિદો અને ચિન્તકો પાકી શકે અને એના માટીના કણોને પણ ધન્યતા આપી શકે; ત્યાં જ શ્રી અરવિંદ જ લખી શકે કે –

“And the Matter shall see the face of God.” (Savitri) ‘આ માટીની પાછળ જે બૃહદ ચૈતન્ય ધબકે છે, તેનું દર્શન તે પોતે જ ક૨શે’. તા.૫-૯-૯૫નો દિન એટલે ડૉ. રાધાકૃષ્ણન્ નો જન્મદિન. જગતના આ મહાન ફિલસૂફ, ધર્મમનીષી અને વિશ્વધર્મોના વિશ્લેષક તત્ત્વપુરુષનું થોડુંક સ્મરણ આજે કરીએ: કા૨ણ કે એ જેટલા તત્ત્વપુરુષ છે એટલા મહાન અધ્યાપક અને શિક્ષણકાર પણ છે. ઈ.સ. ૧૮૮૮માં દક્ષિણ ભારતના એક નાના ગામડામાં એમનો જન્મ. તેઓ ત્યાંની એક કૉલેજમાંથી સ્નાતક થયા અને ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપક બન્યા. ત્યારથી એમની કારકિર્દીનો આરંભ થયો. અધ્યાપકો તો ઘણા હોય છે. પણ સમય જતાં આ અધ્યાપક કોઈ જુદી માટીનો નીકળ્યો. એમનો હિન્દુ ધર્મ અને જગતના ધર્મોનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો જ ગયો અને માનવ હૃદય એનાં ઊંડાણમાં સર્વત્ર એક જ હોઈને આ બધી ભિન્ન ભિન્ન વૈવિધ્યપૂર્ણ અનુભૂતિઓ પાછળ કોઈ તાત્ત્વિક ઐક્ય અને એકસમતા છે કે નહીં, એને શોધવાની એમને તાલાવેલી લાગી. જાણે શ્રીરામકૃષ્ણ પરમહંસનો એ તાર્કિક અવતાર બન્યા.

કલકત્તા મહાવિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ સર આશુતોષ મુખરજીએ આ યુવાન પ્રાધ્યાપકનું હીર પારખ્યુ અને તેમને કલકત્તા યુનિવર્સિટીની તત્ત્વજ્ઞાનની ‘ચૅર’ ઉપર ઈ.સ. ૧૯૨૧માં નિયુક્ત કર્યા. ત્યારથી એમણે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિશ્વના મહાગ્રંથોનું સાંગોપાંગ અધ્યયન કર્યું અને ભારતીય તત્ત્વજ્ઞાન અને તેમાંથી જન્મેલી ભાતીગળ સંસ્કૃતિના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે અનેક મૂલ્યવાન ગ્રંથો લખીને તેને આધુનિક ભાષ્યની પરિભાષામાં મૂકીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી.

તે સમય દરમિયાન વારાણસીમાં પંડિત મદનમોહન માલવીયાજીએ કાશી હિન્દુ વિદ્યાપીઠનું ભવ્ય સર્જન કર્યું અને તેના ઉપકુલપતિપદે ડૉ. રાધાકૃષ્ણન્ ની વરણી કરી. ત્યાં તેઓ દર સપ્તાહને અન્તે વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપ૨ વ્યાખ્યાનો આપતા, તેથી તેમની તત્ત્વાભ્યાસી તરીકેની ખ્યાતિ ખૂબ વધી. એ બધાં વ્યાખ્યાનો ‘ધ હાર્ટ ઑફ ધ ભગવદ્ગીતા’ નામના ગ્રંથમાં પ્રક્ટ કર્યાં અને ભારતીય તત્ત્વજ્ઞાન તથા ધર્મ તરફ જોવાનો એમણે એક નવો દૃષ્ટિકોણ આપ્યો.

ભારતની પુનિત માટીમાંથી જાણે આ મનીષીએ સુવર્ણનું પુનઃ સંશોધન કર્યું. તત્ત્વ સંશોધક તથા વિશ્લેષક તરીકે એમની પ્રસિદ્ધિ એટલી બધી વધી કે ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘સ્પૉલડિંગ ચૅર ઑફ કંપેરેટિવ સ્ટડીઝ ઑફ વર્લ્ડ રિલિજિયન્સ ઍન્ડ ફિલોસૉફીઝ’ની ‘ચૅર’ ઉ૫૨ તેમની નિયુક્તિ થઈ અને ત્યાં રહીને કાર્ય કરવાનું નિમંત્રણ મળ્યું. પરંતુ ડૉ. રાધાકૃષ્ણન્ એમનું કાશી વિદ્યાપીઠનું કાર્ય છોડવાને તૈયાર ન હતા. અન્તે બન્ને વિદ્યાપીઠો વચ્ચે સમાધાન થયું અને એવું નક્કી કર્યું કે વર્ષમાં છ મહિના તેમણે ઑક્સફર્ડ વિશ્વવિદ્યાપીઠને સેવા આપવી અને છ મહિના ભારતમાં રહીને કાશી વિદ્યાપીઠનું કાર્ય સંભાળવું અને તત્ત્વજ્ઞાન તથા સંશોધનનો પૂર્વ પશ્ચિમ ઉભયને લાભ આપવો. આ નિયુક્તિથી ડૉ. રાધાકૃષ્ણન્ માત્ર ભારતના જ નહીં પણ વિશ્વના અવલ દરજ્જાના ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત તરીકે વિશ્વવિખ્યાત બન્યા.

બન્ને વિશ્વવિદ્યાલયો વચ્ચે એ રીતે સમજૂતી તો થઈ અને ડૉ. રાધાકૃષ્ણને બન્ને દેશોમાં કામ શરૂ કર્યું પણ તેમની ગેરહાજરીમાં કાશીવિદ્યાપીઠનું કાર્ય કોણ સંભાળે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે મહામના પંડિત માલવીયાજીએ વાત પૂ. ગાંધીજી સમક્ષ મૂકી અને એમણે તોડ કાઢ્યો. એમણે તરત જ એ કામને લાયક ગુજરાતમાંથી આચાર્ય આનંદશંકર ધ્રુવનું નામ આપ્યું અને તેમની કાર્યકારી ઉપકુલપતિ તરીકે વરણી ક૨વાની ભલામણ કરી અને ગુજરાતને પ્રિય એવા આચાર્ય આનંદશંકર ધ્રુવ, જેઓ તત્ત્વજ્ઞાન અને હિન્દુધર્મના અઠંગ અભ્યાસી હતા, તેમને ગુજરાત કૉલેજમાંથી છૂટા થઈને કાશીવિદ્યાપીઠમાં કાર્ય ક૨વાનો આદેશ આપ્યો અને ગુજરાતના આ વ૨દ પુત્રે અમદાવાદ છોડીને વારાણસીની વાટ પકડી અને ત્યાં યશોજ્જવલ કાર્ય કરીને ડૉ. રાધાકૃષ્ણન્ ની અનુપસ્થિતિની ખોટ જણાવા ન દીધી. ડૉ. રાધાકૃષ્ણન્ ને આ સુવિધા મળતાં ટ્રસ્ટના નિયમને અતિક્રમીને ત્રણ વર્ષને બદલે છ વર્ષ કાર્ય કરવાનું ઑક્સફર્ડમાં અનુકૂળ બન્યું અને ડૉ. રાધાકૃષ્ણન્ નો ઑક્સફર્ડ નિવાસ એ રીતે વિશેષ ફલપ્રદ બની ગયો.

ઑક્સફર્ડમાં તેમણે તત્ત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસના આસનને એટલું બધું શોભાવ્યું કે યુરોપ અને અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓએ જુદા જુદા ધર્મો અને તત્ત્વજ્ઞાન ઉ૫૨ તેમની વ્યાખ્યાન શ્રેણીઓ ગોઠવી અને તેમની કીર્તિ દિગન્તમાં વ્યાપી ગઈ. તેમણે યુરોપમાં જે વ્યાખ્યાનો આપ્યાં, તેમાંનું એક વ્યાખ્યાન ‘ધ કલ્કી ઍન્ડ યૂચર ઑફ સિવિલાઈઝેશન’ હતું. આ શ્રેણીના તેમનાં વ્યાખ્યાનો સૂત્રાત્મક, મજેદાર શૈલીથી એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં કે તેમણે તે દ્વારા આધુનિક યુરોપની સંસ્કૃતિઓની ખૂબીઓ અને ખામીઓનું વિશ્લેષણ કરીને સૌનાં મન જીતી લીધાં અને એક સૌમ્ય અને સમ્યક ભાવી વિદ્વાન તરીકે તેમની નામના વિશેષ ફેલાઈ ગઈ અને એક ભારતીય દ્રષ્ટા અને મનીષી એ કાર્ય કરી શકે તેની વિશ્વને પ્રતીતિ કરી બતાવી.

હિન્દુ જીવન દર્શન અને તત્ત્વશૈલીઓના પણ તેઓ મૂર્ધન્ય ભાષ્યકાર અને પંડિત હતા. તેથી તેમણે ઑક્સફર્ડમાં તેમના કાર્યને અનુલક્ષીને ‘ઍન આઈડિયાલિસ્ટ વ્યૂ ઑફ લાઈફ’ નામનાં વ્યાખ્યાનો આપ્યાં. એક સપ્તાહ સુધી એ ચાલ્યાં. ત્યારે વ્યાખ્યાન હૉલ અને પ્રેક્ષકોની ગૅલેરીઓ ચિક્કાર ભરાઈ જતી અને તેની પરશાળમાં, કૉરિડૉર્સમાં અને બહાર પણ ખુલ્લા મેદાનમાં તેમને સાંભળવાને માઈક્રોફોનની વ્યવસ્થા કરવી પડતી એટલી ઑક્સફર્ડે કદી ન જોઈ હોય એવી શ્રોતાઓની ભીડ સાંભળવા માટે થતી. ખુદ ઈંગ્લેન્ડના વડાપ્રધાન, જેમનું નિવાસ સ્થાન દશ ડાઉનિંગ સ્ટ્રીટમાં હતું, તેઓ સમય કાઢીને પોતાની ઑફિસમાંથી બહાર નીકળી જતા અને આ ભીડમાં ભળી જઈને અજ્ઞાત રહીને તેમનું વ્યાખ્યાન સાંભળવાની લાલચ રોકી શકતા નહીં. ત્યાં તેમણે આ વ્યાખ્યાનો દ્વારા ‘હિન્દુ જીવન દર્શન’ ઉપર એક એવી ઉદારતાપૂર્વકની સર્વજન્ય માન્ય સમ્યક્ વિભાવના ઉત્પન્ન કરી; તેમાંથી જગતના ભિન્ન ભિન્ન ધર્મોને સમજવાની ગુરુચાવી જગતના વિચારકોને સાંપડી ગઈ. તેઓ પોતાના ગહન અને સૂક્ષ્મ વિચારોને એવી આકર્ષક અને પ્રસન્ન શૈલીમાં વક્તૃત્વ દ્વારા રજૂ કરતા કે ભલભલા પંડિતોને પણ એ પોતાના ચિંતનથી આંજી દેતા. અગાઉથી કશી પણ નોંધ કર્યા સિવાય કે તેના આધાર વિના તેઓ પોતાનાં વ્યાખ્યાનોને અશ્વની રેવાલગતિની જેમ રમાડતા – એટલો અંગ્રેજી ભાષા, શૈલી, વક્તૃત્વ અને અભિવ્યક્તિ ઉપર એમનો અનન્ય કાબૂ જણાઈ આવતો.

એમનું બીજું એક પુસ્તક ‘‘ધ ફિલૉસોફી ઑફ રવીન્દ્રનાથ ટાગોર” હતું, જેમાં રવીન્દ્રનાથના જીવન અને ચિન્તનમાંથી સર્જનાત્મક ચિંતનનો નવો ઉદ્ઘોષ સાંપડે છે. તેમાં, ગુરુદેવના ‘સાધના’, ‘ક્રિએટીવ યુનિટી’ અને ‘રિલિજિયન ઑફ મૅન તથા પર્સનાલિટી’ નામના વ્યાખ્યાન અને ચિન્તનનાં પુસ્તકોમાં કવિવરનો જે કાવ્યમય તત્ત્વ અભિસાર ભર્યો છે તેનું નિરૂપણ અને વિશ્લેષણ કર્યું છે, તો ‘ઈસ્ટર્ન રિલિજ્યન ઍન્ડ વેસ્ટર્ન થૉટ’ નામના બીજા એક પુસ્તકમાં પૂર્વ અને પશ્ચિમમાં તત્ત્વજ્ઞાન અને ધર્મ વચ્ચે જે ભેદાભેદ છે તેની વિશદ ચર્ચા કરી છે. પશ્ચિમમાં હંમેશાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને છૂટાં પાડીને વિચારાય છે – જ્યારે પૂર્વમાં તેને એકરૂપે વિચારાય છે તે સ્ફૂટ કરેલ છે. પશ્ચિમ તત્ત્વજ્ઞાનને એક કેવળ તાત્ત્વિક તર્કગત અભ્યાસની ચીજ લેખે છે. પરંતુ પૂર્વમાં ધર્મને અનુભૂતિ દ્વારા તત્ત્વજ્ઞાન જે વિશુદ્ધ નિખાર આપે છે તેનો ફોડ પાડીને ધર્મ અને તત્ત્વજ્ઞાન વચ્ચેનું સામંજસ્ય રજૂ કર્યું છે અને ધર્મ અને તત્ત્વજ્ઞાનને અનુભૂતિની ત્રિજ્યા ઉપર ભેટાડી દઈને બન્નેની પરસ્પરની ઉપકારકતાને છતી કરી છે.

પૂર્વમાં, ખાસ કરીને ભારતવર્ષમાં અનુભૂતિથી ધર્મ શુદ્ધ અને વ્યાપક બને છે અને તત્ત્વજ્ઞાનથી એ અનુભૂતિને વ્યવસ્થા, વ્યાપકતા, ગહનતા અને પરિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ હિન્દમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વિચ્છેદ ન થતાં પરસ્પરની ઉપકારકતાનો સ્વીકાર થાય છે. એટલું જ નહિ પરંતુ તર્કની પરિસીમા બહારની જે વસ્તુઓ ગણાય છે તેનો તત્ત્વવિચાર, આચરણ અને અનુભૂતિને પરિણામે સ્વીકૃતિ મળે છે. આ હકીકત એમણે દાખલા, દલીલો અને ઊંડી અભ્યાસનિષ્ઠાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

એમનાં બીજાં પુસ્તકોમાં ‘‘ગૌતમ, ધ બુદ્ધ” અને ‘‘વર્લ્ડસ્ અનબૉર્ન સોલ ઑફ ટુ – મોરો” છે. જેમાં ગૌતમબુદ્ધની તત્ત્વપરંપરાનાં વિધેયક પાસાંઓની છણાવટ કરી તેના પ્રચ્છન્ન રહસ્યને ખુલ્લું કરેલ છે. અને બૌદ્ધ વિચાર એ નિષેધાત્મક દર્શન નથી પરંતુ જગત તરફ જોવાનો અને અનન્યભાવે અનુસરવાનો ભારતીય પરંપરાનો એક વિધેયાત્મક અભિગમ છે તે સ્પષ્ટ ક૨વા પરિશ્રમ લીધો છે: અને તેના બીજા પુસ્તકમાં ‘આવતી કાલના આધ્યાત્મિક પુરુષ’નાં તેમણે દર્શન કર્યાં છે અને તેની સંકલ્પના પણ રજૂ કરી છે અને એમ કરીને નિરાશ માનવજાતિ માટેના સુખદ આધ્યાત્મિક ભાવિનાં શ્રદ્ધા અને આસ્થા ઉત્પન્ન કરેલાં છે.

બીજી રીતે જોઈએ તો ગાંધીજી જેમ ‘સર્વ ધર્મ સમભાવ’ના પ્રણેતા પુરુષ લેખાય છે, તેમ ડૉ. રાધાકૃષ્ણન્ ‘સર્વ ધર્મ સમન્વય’ના મર્મગામી વિશ્લેષક છે. એક શિક્ષક તરીકે તેઓ માને છે કે ભાવિ પેઢીના ઉદ્ધાર માટે અને આધુનિક સંસ્કૃતિના આધ્યાત્મિક ઉત્થાન માટે આપણે અને જગતે ભૌતિક જગતમાં જ નહીં પણ આધ્યાત્મિક જગતમાં પણ Investment in the fields of Thought and Spiritual Action -ના ક્ષેત્રમાં વિચાર અને આધ્યાત્મિકતાનું કર્મગત વાવેતર કરવાનું છે – ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બન્નેને તૈયા૨ ક૨વાનું છે. ભૌતિક સુવિધાઓ અને સમૃદ્ધિ માટે વિજ્ઞાને અને વિદ્યાપીઠોએ નૂતન સંશોધન અને પરિણામશીલ જ્ઞાન દ્વારા જગતને મોટું ભૌતિક ભાથું આપ્યું છે. તો હવે એને અનુલક્ષીને આધ્યાત્મિક ખોજ અને વિચારનું ભાથું માનવજાતિને આપીશું નહીં તો, ‘સુવર્ણમૃગ’ જેવી દેખાતી આ તોતિંગ સંસ્કૃતિ કાળના કોદંડ સામે ટકી શકવાની નથી એટલું જ નહીં પણ આ કેવળ ભૌતિકવાદી તર્કપ્રધાન સંસ્કૃતિ ફટકિયાં મોતી માફક સંયોગોના ભીષણ દબાણ નીચે ભાંગીને ભૂક્કો થઈ જવાની છે એ વાત તેમણે લોકશાહી જગતને બાંબૂના પરદા પાછળ છુપાયેલી સંસ્કૃતિને તેમજ લોકની દિવાલ પોતાની આસપાસ રચીને પલાંઠી વાળીને બેસી ગએલી રશિયન સભ્યતાને તેમણે ઠોકી વગાડીને કહેલી છે. આજે એ વાત સાચી પડી રહી છે. તેઓ કહે છે કે જો આપણે પ્રાચીન જ્ઞાન, અર્વાચીન વિજ્ઞાન અને અહિંસાનો તર્કપૂત સમન્વય નહીં કરી શકીએ, તો સંસ્કૃતિના પરિવર્તન કે ઉદ્ધારની તો આશા જ નથી – ઊલટો જે મહાવિનાશ ઘૂરકી રહ્યો છે, તેનાથી ભરખાઈ જઈશું.

એમના ચિન્તનની ખૂબી એ છે કે તેઓ જગતને ભયગ્રંથિથી ચેતવીને સુધારનારા ચિન્તકોમાંના એક નથી રહેતા. પરન્તુ વિશ્વની વિધેયક આધ્યાત્મિકતા અને શ્રેયના પુરસ્કર્તા બનીને વિશ્વની માનવજાતિને ચેતવે છે; એમના ચિન્તનમાં પૂર્વ અને પશ્ચિમનો મેળ છે. સર્વધર્મોની પાછળથી પરિસ્ક્રૂટિત થતાં એક જ અધ્યાત્મ તત્ત્વનો બુલંદ પણ વિદ્યાકીય રણકાર છે, ગાંધી અને અહિંસાનો સ્વીકાર છે. તો વિજ્ઞાન અને અધ્યાત્મનો પુનઃ સેતુ બાંધવાનો ઉદાત્તવાણી અને પ્રજ્જ્વલિત જ્ઞાનની ગરિમાનો જ્યોતિ – પ્રકાશ છે. વેદોક્ત અને ઉપનિષદ્ કથિત જ્ઞાનાગ્નિના તેઓ પ્રકાશ – દૂત છે. તો વિશ્વને માટે આશા, શ્રદ્ધા અને વ્યવસ્થાના તેઓ શ્રદ્ધેય ઉદ્ગાતા છે.

આપણા આ વિશ્વવિખ્યાત તત્ત્વદર્શી પુરુષને સ્વ. મહાઅમાત્ય શ્રી પંડિત જવાહરલાલ જેવા પુરુષે રાષ્ટ્રના પ્રમુખપદે વરણી કરીને સ્થાપ્યા હતા; એ હકીકત જ પ્લૅટો જેમને ‘ફિલૉસૉફર કિંગ’ તરીકે ‘રિપબ્લિક’ નામના પોતાના ગ્રંથમાં નવાજે છે, તેવા જ ‘ફિલૉસૉફર પ્રમુખ’ ભારતીય લોકશાહીને સાંપડ્યા તે ભારતીય રાજકારણનું ક્ષુબ્ધ જગતને મળેલું મોટામાં મોટું પ્રદાન હતું. મોટા બે બૃહદ ખંડોમાં વિસ્તરેલો તેમનો ‘ઈન્ડિયન ફિલૉસૉફી’ નામનો ગ્રંથ તેમનાં તત્ત્વ ચિન્તન અને વિચારધારાનો એક બેનમૂન તત્ત્વગ્રંથ છે.

એ ભારત વર્ષનું સદ્ભાગ્ય છે કે તેની માટીમાંથી આ ત્રણ પુરુષોએ પ્રકટીને ભારતવર્ષને અહેસાનમંદ બનાવી દીધો છે. તેમાં પ્રથમ આવે છે ‘સર્વ ધર્મ સમાનત્વ’ની અનુભૂતિને પ્રકટ કરનાર શ્રીરામકૃષ્ણ ૫૨મહંસદેવ, બીજા છે ‘સર્વધર્મ સમાનતા’ના આચાર્ય મહાત્મા મોહનદાસ ગાંધી અને ત્રીજા છે આપણા વિરલ તત્ત્વદર્શી, મહાશિક્ષક અને રાજર્ષિ ‘સર્વ ધર્મ સમન્વય’ના પુરસ્કર્તા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્! ભારતની પુનિત માટી સિવાય બીજે ક્યાંથી આવી મહા – વિભૂતિઓ પ્રકટી શકે? આ ત્રણેય વિભૂતિઓને – આપણા એકી સાથે સહસ્રાવધિ વંદન હો.

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.