હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમ જ પાપી બન્ને ઉપર એકસરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય એ સર્વનો સરવાળો હશે. અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહીં એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમ જ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.

આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો, અને જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે. અશોકની સમિતિ બૌદ્ધધર્મીઓની સમિતિ હતી. અકબરની સમિતિ, જો કે વધારે ધ્યેયલક્ષી હતી, છતાં એ એક ઓરડાની બેઠક હતી. અમેરિકાએ જ આજે પહેલી વાર સમગ્ર જગતને પોકારીને કહ્યું છે કે દરેક ધર્મમાં ઈશ્વર વસે છે.

તમારા આ વિશ્વધર્મના અભિજાત વિચારને અમલમાં મૂકવામાં, હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝ્દ કહે છે તે, બૌદ્ધધર્મીઓ જેને બુદ્ધ કહે છે તે, યહૂદીઓ જેને જિહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓ જેને સ્વર્ગના પિતા કહે છે તે, સહુ પૂરતી શક્તિ આપો.

– સ્વામી વિવેકાનંદ

(‘શિકાગો વ્યાખ્યાનો’, પૃ. ૩૪-૩૫માંથી)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.