વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા વિના વિદ્યા સાંપડતી નથી. એટલા માટે શ્રદ્ધા તો રાખવી જ જોઈએ; પરંતુ શ્રદ્ધાની સાથે સાથે બૌદ્ધિક સ્વાતંત્ર્યની પણ એટલી જ જરૂર છે. જ્ઞાનનો આરંભ જ શ્રદ્ધાથી થાય છે પણ જ્ઞાનની પરિસમાપ્તિ સ્વતંત્ર ચિંતનથી થાય છે. એટલા માટે વિદ્યાર્થીઓએ ચિંતન સ્વાતંત્ર્યનો પોતાનો અધિકાર ક્યારેય ગુમાવવો ન જોઈએ.

વિદ્યાર્થીઓનું બીજું કર્તવ્ય છે પોતાની જાત પર કાબૂ મેળવવાનું. સ્વતંત્રતાનો અધિકાર તો તે જ પોતાના હાથમાં રાખી શકશે, જે પોતાની જાત પર કાબૂ મેળવી શકશે. હું જે સંકલ્પ કરીશ તેનું અચૂક પાલન કરીશ એવી નિષ્ઠા હોવી જોઈએ. જો તે સત્ય સંકલ્પ કરે તો દુનિયાની ગમે તેવી તાકાતની મગદૂર નથી કે તેનો સંકલ્પ તોડી શકે. તે માટે દેહ, મન અને બુદ્ધિ પર કાબૂ હોવો જોઈએ. જો હું ચાર વાગ્યે ઊઠવાનો સંકલ્પ કરું તો ઈન્દ્રિયોની શી મજાલ છે કે તે મને મારા નિશ્ચયમાંથી ચળાવી શકે! માટે વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસની સાથે સાથે પોતાના મન પર કાબૂ મેળવવાનો સંકલ્પ પણ વ્રતની માફક કરવો જોઈએ. નહીંતર વિદ્યા સત્ત્વહીન બની જશે.

વિદ્યાર્થીઓનું ત્રીજું કર્તવ્ય નિરંતર સેવાપરાયણ રહેવાનું છે. સેવા વિના જ્ઞાનપ્રાપ્તિ નથી. મહાભારતમાં યક્ષપ્રશ્નની વાર્તા આવે છે. એમાં એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો જવાબ મળ્યો કે જ્ઞાનં વૃદ્ધસેવયા – ‘વૃદ્ધોની સેવા ક૨વાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે’. વૃદ્ધોની પાસે અનુભવ હોય છે; જે કોઈ સેવા૫રાયણ હોય છે એમની પાસે એમનાં દિલનાં કમાડ મોકળાં થઈ જાય છે; પોતાનું હૈયું નીચોવીને તેઓ જે કાંઈ હોય તે સર્વસ્વ ત્યાં રેલાવી દે છે. એટલા માટે વિદ્યાર્થીઓએ સેવાપરાયણ થવું જોઈએ.

વિદ્યાર્થીઓનું ચોથું કર્તવ્ય છે, તેમણે સાવધાન રહેવું જોઈએ. દુનિયામાં જે સામાજિક હિલચાલો ચાલે છે તે તમામનું તેમણે અધ્યયન કરવું જોઈએ. ભિન્ન ભિન્ન વાદ નિર્માણ થાય તે સર્વવાદોનું તટસ્થ બુદ્ધિથી તોલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓની બુદ્ધિ સંકુચિત ન હોવી જોઈએ. દિલ અને દિમાગ બન્ને વિશાળ કરવાં જોઈએ.

(‘શિક્ષણ વિચાર,’ પૃ. ૨૧૯, ૨૨૦)

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.