(જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચનાતરુણોનું મનોરાજ્યઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ ઓછા તરુણો સમજે છે. પી.ડી.માલવિયા કૉલેજ, રાજકોટના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષીએ પોતાની આગવી શૈલીમાં લખેલ રચના આજના યુવા વર્ગને ઢંઢોળશે, જોબનના નીરને લાગેલો શેવાળ દૂર કરશે અને યૌવનની પાંખો વીંઝીને સિદ્ધિના ઉચ્ચ શિખરોને આંબી જવા પ્રેરશે. – સં.)

વરસો પહેલાંનો એ સુખદ પ્રસંગ આજે પણ હૂબહૂ, નજર સમક્ષ આવી, જૂનું સંભારણું તાજું કરી રહ્યો છે.

આજે રાજકોટ શહે૨માં જે જગ્યાને ‘અરવિંદભાઈ હૉલ’ નામ આપવામાં આવ્યું છે, એ જગ્યા, ‘કૉનૉટ હૉલ’ તરીકે જાણીતી હતી. એ હૉલમાં અને હૉલની બહાર જનમેદની ઊમટી પડી છે. લોકો ગાયક કવિની રાહ જોઈ રહ્યા છે, અને ત્યાંતો જનમેદનીને ચીરતો એક માનવી દાખલ થાય છે. કોણ હતો એ માનવી?
બેઠી દડીનું હૃષ્ટપુષ્ટ શરી૨.
ખભા સુધી આવતા ઓડિયા વાળ – ઝૂલ્ફાં
કસુંબી રંગની, લીંબુની ફાડ જેવી આંખો,
કંઠ, કહેણી અને કાવ્યનો કસબી.
મહાત્માજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ
આપેલું તે
લોકનાયક અને લોકગાયક, કવિ શ્રી મેઘાણી. એમના બુલંદ કંઠમાં જાદુ હતો લોકોને પકડી રાખવાનો, મડદાં બેઠાં કરવાનો, સૂતેલાંને જગાડવાનો, યુવાનોને ઢંઢોળવાનો. સભાગૃહમાં વીજળી સંચાર થઈ ગયો, થોડી હલચલ, અહોભાવ અને પછી શાંતિ. અને એમના બુલંદી કંઠમાંથી ગીત સરી પડ્યુઃ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ.

અને માનાં ધાવણમાં, બહેનીને કંઠેથી નીતરતાં હાલરડાંમાં, પહાડોની ત્રાડોમાં, વીરોનાં બલિદાનોમાં, સ્વાધીનતાની કબરોમાં, ભક્તોના તંબુરમાં, દિલદારાની પગની મેંદીમાં, કવિઓનાં સ્વપ્નોમાં, શહીદોના નિઃશ્વાસમાં આમ કસુંબલ રંગ ઘુંટાવા લાગ્યો, ઘુંટાતો ચાલ્યો, વારે વારે રંગ બદલતા કાકીડા જેવા લોકો દોરંગા આ કસુંબલ રંગથી દૂર ભાગ્યા પણ એકરંગી આદમીઓએ તો એ રંગનું આકંઠ પાન કર્યું. ન પાછા હઠ્યા, ન પીઠ બતાવી, ન ભયભીત થયા, ન ભાગ્યા. સમગ્ર ખંડમાં કસુંબલ રંગનાં કિરણો પ્રકાશી ઊઠ્યાં, દિલાવરી, બિરાદરી અને ફનાગીરીનાં પુષ્પો ખીલી ઊઠ્યાં, હકડેઠઠ મેદની મંત્રમુગ્ધ બની ગઈ. અને ત્યાં કવિના મુખથી સરી પડ્યું ‘કોઈનો લાડકવાયો’ કરુણ ગાન. કાવ્યની છેલ્લી કડીએ હાજર રહેલ હ૨ કોઈને રડાવી દીધાઃ

એની ભસ્માંકિત ભૂમિ પર, ચણજો આરસ ખાંભી,
એ પથ્થર પર કોતરશો, નવ કોઈ કવિતા લાંબી,
લખજો ખાક પડી આહીં
કોઈના લાડકવાયાની

કવિની આંખમાં આંસુ, શ્રોતાઓની આંખમાં આંસુ.

રાષ્ટ્રીય આંદોલનનો એ સમય. મેઘાણીએ કવિકર્મ અને કવિધર્મને પૂરતો ન્યાય આપ્યો. લોકહૃદયમાં સ્થાન પામેલાં એમનાં અનેક કાવ્યો, ઘેરઘેર ગવાતાં હાલરડાંઓ અને બહેનો માટેનાં રાસગરબાઓ. કાઠિયાવાડમાં મેઘાણી ઘેરઘેર છવાઈ ગયા. પરંતુ યુવાનોનાં દિલમાં મેઘાણીએ સ્થાન લીધું એમનાં કાવ્ય ‘તરુણોનું મનોરાજ્ય’ દ્વારા. ‘ચારણી કુંડલિયા’ ઢાળમાં લખાયેલા આ ગીતે યુવાનોને પાનો ચઢાવ્યો, યુવાનોની આંખોમાં કસુંબી રંગનાં આંજણ આંજ્યાં. તરુણોના મનોરાજ્યને મેઘાણી સિવાય કોણ પ્રક્ટ કરી શકે? મેઘાણીએ ગાયું,

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ,
અણ દીઠેલી ભોમ પરે યૌવન માંડે આંખ.

આપણે ત્યાં અને વિશ્વમાં પણ ‘અશ્વશક્તિ’ (Horse Power)ને શક્તિ, તાકાતનું માપ ગણવામાં આવે છે. વળી અશ્વમાં ચપળતા અને વફાદારીના ગુણ પણ એક નંબરના અને ઘોડાનો થનગનાટ તો જાણે સ્ફૂર્તિનો મહાસાગર.

પ્રસ્તુત ગીતમાં તરુણોની માનસિક સ્થિતિનું આબેહૂબ ચિત્ર દર્શાવ્યું છે. શરી૨માં અસાધારણ સ્ફૂર્તિ અને ચપળતા છે, ભીતરનો આત્મા, અફાટ આકાશમાં ઊડવા પાંખો ફફડાવી રહ્યો છે. દૃષ્ટિ બહારની દુનિયા ઉ૫૨ યૌવન આંખ માંડી બેઠું છે. યુવાની થનગને છે અણદીઠેલી ભોમ પર પગ માંડવા.

આપણાં શાસ્ત્રોએ જીવનના સમગ્ર વ્યાપને ત્રણ તબક્કાઓમાં વહેંચી દીધો છે:

શૈશવ
યૌવન
જરા

પરંતુ શૈક્ષણિક મનોવિજ્ઞાને ઉ૫૨ના ત્રણેય તબક્કાઓને ચોક્કસ તબક્કાઓમાં ઢાળી વધુ સ્પષ્ટતા બક્ષી છે:

શૈશવ Infancy
બાલપણ Childhood
કિશોરાવસ્થા Late Childhood
તરુણાવસ્થા Adolescence
(Early Adolescence)
યુવાવસ્થા Youth (Later Adolescence)
અહીં તરુણાવસ્થાનો સમય અંગ્રેજીમાં જેને (Teen Age) કહે છે એ બતાવાયો છે.
Thirteen to Nineteen (૧૩થી ૧૯ વર્ષ) તરુણાવસ્થાનો પ્રાથમિક અથવા તો પહેલાનો તબક્કો,

ઓગણીસ વર્ષ પછીનો ગાળો એ યૌવનનો ગાળો છે જે પ્રૌઢાવસ્થા શરૂ થતાં પૂરો થાય છે. તરુણાવસ્થા માટે અંગ્રેજીમાં ‘To grow to maturity’ એમ કહેવામાં આવ્યું છે. તરુણાવસ્થાના પ્રથમ તબક્કામાં તરુણો થોડા અસ્વસ્થ, થોડા ઉતાવળા, નિર્ણય લેવામાં થોડા ઢીલા, થોડા અતડા જોવા મળે છે. પરંતુ તરુણાવસ્થાના બીજા તબક્કામાં ‘યૌવન’ના ગાળામાં એ જ તરુણ પરિપકવ બને છે. પોતાની જવાબદારી સમજે છે. સ્વમાંથી બહાર આવી કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર માટે વિચારે છે, કંઈક કરી છૂટવા મથે છે. સાહસમાં તે પાછો પડતો નથી. મેઘાણીએ ‘તરુણ’ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ Late adolescence એટલે કે યૌવન માટે જ વાપરેલો શબ્દ છે.

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે,
વિશ્વભરના યુવાનોની આંખો અડે,
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે;
ગરુડ શી પાંખ આતમ વિષે ઊઘડે.

સમગ્ર વિશ્વમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રશિયા, ચીન, ભારત, આયર્લેન્ડ, આફ્રિકા. એ પરિવર્તનમાં યુવાનો શું હાથ જોડી બેસી રહેશે? યુવાનો તો પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ અણદીઠ ભૂમિ ઉપર પગ મૂકવા વિશ્વનું યૌવન ટાંપી રહ્યું છે. પંથની ખબર નથી, પંથ પરની મુશ્કેલીઓનું ભાન નથી છતાંયે આતમને તો જાણે ગરુડની પાંખો ફૂટી! ઝારશાહીની સામે પડકાર ફેંકતા યુવાનો, ચીનમાં સત્તાપલટા માટે મોતને વહાલું કરતા યુવાનો, અંગ્રેજ સલ્તનત સામે હસતે મુખે ફાંસીને માચડે ચડતા ભારતના યુવાનો, સુંવાળું સુખ એમને ખપતું નથી, મોજશોખ એમને ઝેર સમાન છે. મોત એમની પથારી છે, ફનાગીરી એમની સહધર્મિણી છે.

કવિશ્રી મકરંદ દવેનો એક શેર યાદ આવે છે.

“જુવાનોને હંમેશાં જોખમી દરિયો પુકારે છે,
કિનારાની કુણી સુખ નિંદરા (નિદ્રા) આફત ગણી લેજે.”

આપણે ત્યાં કેસરી રંગ એ ત્યાગ, બલિદાનને વ્યક્ત કરતો રંગ છે. ભારતની પ્રજાએ કેસરી રંગને ભીતર ને બહા૨ સ્થાપી, ભારતીય સંસ્કૃતિને ઉદાત્તતા બક્ષી છે.

કેસરિયા વાઘામાં સજ્જ જોબન યુદ્ધે ચડ્યું છે, એ તો ધસમસતું પૂર; એને કોણ રોકી શકે? એને માટે અશ્રુ સા૨નાર પણ કોણ? અને અશ્રુ સારે તો તો અપશુકન થયાં ગણાય. કેસરી વીરોના કોડ હણાયા ગણાય. આવું પાગલ મત્ત યૌવન, ક્યાં જશે, ક્યાં અટકશે, શું ક૨શે એની ચિંતા જ ન કરાય. એ તો પહાડને પાટુ મારી માર્ગ કાઢશે, સાગરને તળિયે પહોંચી સાચાં મોતી વીણી લાવશે, આકાશના તારાઓને આંબી પાછા ફરશે:

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે,
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

ભગતસિંહની જુવાની ફાટફટ થતી હતી, મૂછનો દોરો ફૂટી રહ્યો હતો. માતા, એના લગ્નની ચિંતામાં હતી. ભગતસિંહે માને સાંત્વન આપ્યું, “મા, જોજે તો ખરી, કેવી અદ્ભુત ફૂલમાળા પહેરી, લગ્નને માંડવે પગ માંડીશ હું! દુનિયા દંગ રહી જશે!” ભગતસિંહને ફાંસીની સજા થઈ. મેઘાણીએ ગાયું,

“વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ,
પે’રીને પળ્યો પોંખણે હોજી.

ફાંસીનું દોરડું ફૂલમાળ બની ગયું. આવા તો અનેક શહીદો થઈ ગયા. બલિદાનોની હારમાળા સરજાઈ. વિશ્વમાં ચેતનાનો શંખ ફૂંકાયો. સૌએ સાથે મળી ફરી બુલંદ કંઠને યાદ કર્યો:

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
– ભભક્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ…

હવે તો વિશ્વ સમરાંગણમાં યુવાનોના દિવસો આવ્યા છે. ખૂબ જ કરગર્યા, ખૂબ જ આજીજી કરી, પામરતા બતાવી, લાતો ખાધી, લથડિયાં ખાધાં. પણ હવે તો ઉન્નત મસ્તકે, ગર્વભેર, દયાની આજીજી કર્યા વિના યુવાનોનાં દળ ‘આગે કદમ, આગે કદમ’ કરતાં આગળ વધી રહ્યાં છે.

રગરગિયાં – રડિયાં ઘણું, પડિયાં સહુને પાય,
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય;
લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયા,
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વ સમરાંગણે તરુણદિન આવિયા.

યુવાનોનો એક જ મંત્ર છે:

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

અને જીવનની મહત્તા જ, સંકટોનો હસતે મુખે સામનો કરવામાં છે. આક્રમણને ખાળવામાં છે, પડકારને પહોંચી વળવામાં છે. ગઝલ સમ્રાટ અમૃત ‘ઘાયલ’નો શે૨ તો જરા માણો:

“મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.”

આપણાં ઉપનિષદોએ કવિને મનીષી કહ્યો છે. એ માત્ર ચર્મચક્ષુથી જ નથી જોતો, હૃદયનાં ચક્ષુથી પણ નિહાળે છે. યુવાનો વિશ્વના હર એક ક્ષેત્રમાં આગળ વધે, લક્ષ્યાંકો પ્રાપ્ત કરે એટલું જ બસ નથી. એમને તો ‘સતની સીમા’ પણ લોપવાની છે. ‘વિનીત જોડણીકોશ’માં ‘લોપ’ના ઘણા અર્થો આપ્યા છે. લુપ્ત થવું, નાશ પામવું, દેખાતું બંધ થવું, ઉલ્લંઘવું. સતની સીમા લોપીને, યુવાન શું અસત્યોની સીમામાં પ્રવેશ ક૨શે? તો તો યુવાનનું પતન થયું ગણાય. એમ નહિ, ભૌતિક સત્યો કે લક્ષ્યાંકો એ સાપેક્ષ સત્ય છે; કવિનો ઈશારો અહીં નિરપેક્ષ સત્ય તરફ છે. જે અદૃશ્ય છે, જે અતાગ છે, જે અનંત છે, એનો તાગ મેળવવા યુવાનોએ યજ્ઞ શરૂ કર્યો છે:

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા જોબન માંડે જાગ.
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું,
ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું,
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

બીજી રીતે જોઈએ તો, આપણે ઊભા કરેલા નાના નાના વાડાઓને આપણે લાંઘવાના છે. આપણી દૃષ્ટિએ બાંધેલી સતની સીમોને આપણે જ તોડવાની છે અને આગળ વધવાનું છે. આગળ વધતાં કદાચ શૂળી પર સૂવું પડે તો પણ કુ૨બાન છે. યૌવન તો મરીને જીવી જવામાં માને છે. જ્વાળામુખીના શિખર ઉપર જીવવામાં જ એને મજા છે, આનંદ છે.

પરંતુ, આ ધસમસતા પૂર જેવા યુવાનો, જ્યારે દિશાશૂન્ય બને ત્યારે? એમને દોરનાર કોઈ યોગ્ય નેતા ન મળે તો? એમણે સેવેલાં સ્વપ્નો સિદ્ધ ન થાય તો? યૌવન ઢીલું પડે તો? ઘર, શાળા, સમાજ, રાષ્ટ્ર અને દુનિયાનું સાંસ્કૃતિક પોત નષ્ટ થઈ જાય. યુવાન તો સંસ્કૃતિની કરોડરજ્જુ, કરોડરજ્જુ તૂટે તો દેહનો નાશ થાય.

આગળ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરી છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના મતે યુવાનની હતાશા એને દિવાસ્વપ્નમાં ધકેલી દે છે. યુવાન વ્યસન ત૨ફ વળે છે. મોજશોખ, ટાપટીપ, વ્યસન યુવાનમાં ઘર કરી જાય છે, પરિણામે યુવાધન વેડફાતું જાય છે. હાલ આપણા જ દેશની વાત કરીએ તો, શાળાઓ, મહાશાળાઓ, અને છાત્રાલયોમાં ડ્રગ્ઝ, દારૂ, જુગાર અને અન્ય બદીઓએ મૂળ ઘાલ્યાં છે. યૌવન હતાશ છે, યૌવન નિરાશ છે. આ પરિસ્થિતિમાં ફરી આપણે યુવાનોને યોગ્ય માર્ગે વાળવાના છે. દિશાશૂન્ય યુવાનોને ફરી ઢંઢોળી બેઠા કરવાના છે. આફતોની સામે અડીખમ ઊભા રહેતા કરવાના છે; એમને સમજાવવાના છે. ‘‘ખેતી માટે જમીન તૈયાર કરી, પાળા બાંધો, નીક બનાવો, ગંગા નદી વહી રહી છે, ઊભા થાઓ, બાંયો ચડાવી કામે લાગો.”

ખેતોં કો અબ દે લો પાની,
યહ બહ રહી હૈ ગંગા,
કુછ કર લો નવજવાનો!
ઊઠતી જવાનિયાં હૈં.

પછડાટ ખાધા પછી એને કળ વળશે અને બેઠો થશે તો એ જ યુવાન પોકારી ઉઠશે:

“મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.”
(ઘાયલ)

અત્યારે તો જોબનના નીરને શેવાળ લાગ્યો છે, ફૂગ ચડી છે, એને આપણે દૂ૨ ક૨વાનાં છે. મેઘાણીએ એ દૂ૨ ક૨વા ‘ઓતરાદા વાયરા’ને યાદ કર્યા છે:

જોબનના નીર મહીં જામ્યાં શેવાળ ફૂગ
ઝંઝાના વીર તમે ઊઠો
ઓતરાદા વાયરા ઊઠો – ઊઠો.
ઓતરાદા વાયરા ઊઠો…

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.