(ગિરિ પ્રવચન)

પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’

શાંતિના સ્થાપકો, સમાજમાં શાંતિ સ્થાપી શકે, બીજા લોકોને શાંતિ પમાડી શકે એવા. માનવના હૃદયમાં સાચી શાંતિ પ્રેરી શકે, જન્માવી શકે એવા. શાંતિ એ પરમ વરદાન છે. જે તે આપી શકે તે ખરેખર પરમ સુખી છે.

બે પાડોશીઓ ઝઘડ્યા. બે હૃદયમાં કડવાશ આવે ને બે ઘેર દ્વેષ રેડાયો, સમાધાન કોણ કરશે? કદાચ એ બે પાડોશીઓ મનમાં ને મનમાં સમાધાન કરવા ઈચ્છે છે; કદાચ દુશ્મનાવટના દુઃખથી દુઃખી થયા છે ને ફરીથી સારો સંબંધ બાંધવા માગે છે. દ્વેષ કોઈનેય ખપતો નથી માટે દિલમાંથી ને ઘરમાંથી એ જલદી કાઢવો છે. પણ આબરૂનો સવાલ છે. એટલે ઈચ્છા હોવા છતાં એકે પહેલું પગલું ન ભરે. અને દુઃખના દિવસો લંબાય.

એમાં એ શાંતિના સ્થાપકનું સ્થાન છે. એ બંનેને ઓળખે છે. બંનેનો મિત્ર છે. બંનેનું હિત ઈચ્છે છે. અને થોડી તસ્દી લેવા પણ તૈયાર છે. માટે તે એકને મળે છે. બીજાને મળે છે. બંનેને સમજાવે છે. વાટાઘાટો ચલાવે છે. મિલન ગોઠવે છે. ને બંનેને જોઈતું હતું એ કરાવી આપે છે. એ બે પાડોશીઓ ઉપર એનો ભારે ઉપકાર છે.

અને જેમ માણસ ને માણસ વચ્ચે તેમ જ્યારે કુટુંબ ને કુટુંબ વચ્ચે, કે સંસ્થા ને સંસ્થા વચ્ચે, કે દેશ ને દેશ વચ્ચે ઝઘડો થાય ને સંબંધ બગડે ને વેરઝેર આવે ત્યારે જે કોઈ વચ્ચે આવે, ધીરજ રખાવે, રસ્તો કાઢે ને સુલેહશાંતિ લાવે એ સમાજનો ખરો ઉપકારક છે.

પણ જે લોકો ઊલટું કરે, વિકૃત ભાવ સાથે શાંતિ ને મિત્રતા નહિ પણ અશાંતિ ને દ્વેષ ફેલાવવા મેદાને પડે, જે એકને ઉશ્કેરી મૂકે ને બીજાના કાનમાં વહેમનું ઝેર રેડે, જે ખોટી અફવાઓ ફેલાવે, ખોટો ભય ઊભો કરે, કૂથલી ને નિંદા ચલાવે, કાન ભંભેરી નાખે ને ખોટી શંકા પેદા કરે – એ સમાજના દ્રોહી છે. શાંતિ સ્થાપવી એ દેવનું કામ. પણ શાંતિ સંહારવી એ શેતાનનું કામ, એ નિંદ્ય કામમાં ભૂલથી પણ કદી ભાગ ન લઈએ.

શાંતિની માત્રા દુનિયામાં છે એ ઓછી નહિ પણ વધારે થાય એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. શાંતિની સ્થાપના. સુલેહની પ્રવૃત્તિ. પરા ખરી શાંતિ એ કંઈ બહારની વસ્તુ નથી. ફક્ત ઝઘડો ન હોય કે અાબનાવ ન હોય કે યુદ્ધ ન હોય એ શાંતિ નથી. શાંતિ એ લડાઈનો અભાવ નથી. શાંતિ અંદરની ચીજ છે, હૃદયની સંપત્તિ છે. માટે શાંતિની સ્થાપના કોઈ બહારની પ્રક્રિયા નથી. સમાધાન કરાવ્યું, ઝઘડો મટાડ્યો, સંધિનો કરા૨ કબૂલ કરાવ્યો એ સારું કામ થયું, સારી સેવા થઈ, શાંતિ માટેની જરૂરી ભૂમિકા તૈયાર કરી. પણ શાંતિ હજુ આવી નહિ, એને હજુ વાર છે.

ખરો ઝઘડો માણસના હૃદયની અંદર જ ચાલે છે, તેથી ખરી શાંતિ માટે એ જ ઝઘડો મટાડવો જોઈએ. માણસ બહારથી ન લડે કે કોઈની સાથે સંઘર્ષમાં ન આવે તો ય એના હૃદયની અંદર સંઘર્ષ ચાલી શકે, લડાઈ ચાલી શકે – ને ઘણું કરીને ચાલે જ છે. ભાવના ને વાસ્તવિકતા, સંસ્કાર ને સંસાર, સિદ્ધાંત ને વાસના વચ્ચેનો સંઘર્ષ છે. ઉગ્ર લડાઈ છે. મહાભારત યુદ્ધ છે. એમાં જ શાંતિ ને સમાધાન જોઈએ. પણ એ લડાઈની વિશિષ્ટતા એ છે કે એમાં સંધિનો કરાર સમજૂતીથી ન થાય, બંને પક્ષે થોડી બાંધછોડ કરવાથી ને કરાવવાથી ન થાય. હૃદયમાં શાંતિ નીતિ અને અનીતિ વચ્ચે તોડ કાઢવાથી ન થાય. નીતિનો વિજય કરાવવાથી જ થાય.

પણ ફક્ત નીતિ-અનીતિનો સવાલ નથી. શાંતિનો નાશ કરી શકે એવાં માણસના હૃદયમાં અનેક પરિબળો છે. ભય ને ચિંતા, વહેમ ને અવિશ્વાસ, અનિશ્ચિતતા ને ચંચલતા. પાણીની સૃષ્ટિ કે આંધીનો હુમલો કે પવનની થપાટ એને હલાવી મૂકે છે. અને એક વાર એ પાણી હાલ્યું કે કેમે કરીને શાંત પડતું નથી.

એ શાંતિ સ્થાપવાની આવશ્યકતા છે. અને કેટલાક તો – ઘણા નહિ પણ કેટલાક દુનિયાના સાધકો ને સંસારના તપસ્વીઓ એમાં સારી સફળતા પણ મેળવે છે. શાંતિના સ્થાપકો. વિવેકના દૂતો. ભગવાનના માણસો. એમના મો સામે જુઓ. એમાં એ સ્મિત છે : સતત, સહજ, દિવ્ય. અંદરની શાંતિનો બાહ્ય સંકેત. નિર્મલ આંખો. સીધી નજર. અલૌકિક પ્રસન્નતા. હા, હજી પૂરી સિદ્ધિ નથી, હજી આખરી જીત નથી; સંસાર છે ત્યાં સુધી લડાઈ તો રહેશે, પણ પરિસ્થિતિ કાબૂમાં છે. માણસ મેળવી શકે એ પ્રમાણમાં એમને શાંતિ મેળવી છે, અને હવે તેની પ્રાપ્તિ માટે બીજાઓને પ્રેરણા આપી શકે.

શાંતિના સ્થાપકો દુનિયાના સંતો

પણ એમના શુભ કાર્યમાં આપણે પણ ભાગ લેવો જોઈએ. આપણા પ્રમાણમાં પણ આપણા વર્તુળમાં ને આપણા સમાજમાં એ સાચી શાંતિનું વાતાવરણ પેદા કરવા આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ હૃદયમાં શાંતિ લાવવી. બને તેટલી, બને તેવી ગહન ને સ્થિર ને સાત્ત્વિક. અને પછી એનું દાન બીજાઓને કરવું. લાગણી શમાવવી, શ્રદ્ધા પ્રેરવી, ધીરજ આપવી. કંઈ નહિ તો આપણી શાંતિથી આપણી આસપાસ શાંતિનો પ્રભાવ પાડવો. આપણા આનંદથી બધે આનંદનો પ્રકાશ ફેલાવવો. એ શુભ પ્રક્રિયા છે. મંગળ પ્રવૃત્તિ છે. અને ખૂબી એ છે કે શાંતિનું દાન આપવા જતાં આપણા હૃદયમાંની શાંતિ પણ દૃઢ થશે. પોતે નબળી હતી ને કાચી હતી તે બીજા હૃદયમાં સાચો પડઘો પાડશે. ત્યારે ઓર ખીલશે ને વિકસશે. શાંતિનું દાન એ શાંતિની પ્રાપ્તિ. અને એ રીતે હૃદયમાં ને દુનિયામાં શાંતિની માત્રા વધશે ને સાચું કલ્યાણ સધાશે.

શાંતિના સ્થાપકનું એ કામ છે. અને એનો બદલો તો એવો જ દિવ્ય છે : ‘તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે. ઇશ્વરનાં સંતાનો એમ તો બધા છીએ, પણ એમનો વિશેષ અધિકાર છે. શાંતિ સ્થાપવી એ ઇશ્વરનું કામ. એ જ માણસના હૃદયમાં ને માણસના સમાજમાં સાચી ને સ્થાયી ને ઊંડી શાંતિ સ્થાપી શકે. પણ એ કામમાં એને મદદરૂપ થાય, એનું નિમિત્ત બને એવા માણસો જાણે એના ભાગીદારી બને; એનું પ્રિય કામ તેઓ પણ કરે એટલે એના મદદનીશ કહેવાય; એનો સંદેશ પહોંચાડે, એનો વારસો ટકાવે એટલે એનાં સંતાનો કહેવાય. અને ઇશ્વરનાં સંતાનો તો હતાં, પણ હવે ‘કહેવાશે’ એમાં એ સૂચવે છે કે એમનું એ શુભ કાર્ય જોઈને આખી દુનિયા એમને ભગવાનના માણસો તરીકે ઓળખશે અને એ બિરુદથી વધાવશે.

શાંતિનું કામ. શાંતિની સાધના. મનમાં ને સમાજમાં. સુખમાં ને દુઃખમાં. શાંતિનો ઉદ્ગાર ઘણી વાર હોઠ ઉપર આવે છે : શાંતિ, શાંતિ, શાંતિ. એને દિલમાં પણ આવવા દઈએ. આખી દુનિયામાં ફેલાવા દઈએ. શાંતિની સ્થાપના એ ધર્મનો સાચો ઉદ્દેશ છે.

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.