શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં કાવ્યનો રસાસ્વાદ કરાવે છે. – સં.

કોઈ ગોકુળ વનરાવનન કહેજો,
આ કાનુડાના કાળજાની વાત..
વિસારી દઉં એમ ગોકુળ વનરાવન,
એટલો હું નથી કજાત…
કોઈ કહેજો આ વેદનાની વાત…
કંચનના કોટ લાખ કંચનના કાંગરા,
કંચનના મેડીયું ને માઢ,
હેમ મઢયા હીંચકા ને હીંડોળા હેમના,
પોઢણીયાં હેમ મઢયે ખાટ,
આવા સોનાના પિંજરમાં પાળેલા પોપટનો,
જાણ્યો છે કોઈએ આઘાત?
કોઈ કહેજો આ વેદનાની વાત…
જોઉં છું ગોમતી તો આવે છે યાદ મને,
જમનાનાં નખરાળાં નીર,
કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં,
ને કાળજામાં વાગે છે તીર,
લોકોના મન રોજ ઉગે પ્રભાત અહીં,
મારે તો અંધારી રાત…
કોઈ કહેજો આ વેદનાની વાત…
રાજા થઈ ગ્યો છું હશે પરભવનું પાપ,
અને રાજપાટ પરભવનો શ્રાપ,
હું ભાવિનો ભાખનાર અગમ આલેખનાર
જીવતરમાં ખાઈ ગ્યો છું થાપ
આ દોમ-દોમ સાહ્યબી ડંખે છે રોમ-રોમ
મારી વાંસળીને વાગી છે ઘાત
કોઈ કહેજો આ વેદનાની વાત…
વાગે છે આઠપહોર સંગીતની છાલકો
ને ત્રાંસા-નગારાના શોર
નોબતોની દાંડીએ ઊઠવું ને જાગવું
ને નોબતો એ રજનીને ભોર
ઓળઘોળ આખું આ રજવાડું કરું
કોઈ આપે જો ગોકુળની રાત…
કોઈ કહેજો આ વેદનાની વાત.…

– ઈશુદાન ગઢવી

એક સંવેદનશીલ કવિનું આ કાવ્ય વાંચ્યું અને આસ્વાદકના દિલ-દિમાગ પર છવાઈ ગયું. ભીતર ભાવની હેલી ચડી અને કલમમાંથી સરવાણી વહેતી ચાલી.

કાવ્યસંગ્રહનું નામ ‘ટહુકો’. કવિનો પ્રત્યક્ષ પરિચય તો જરા પણ નહિ પરંતુ કોયલનો ટહુકો નજીકથી સાંભળીએ ને જેટલો મીઠો લાગે એના કરતાં દૂરથી એ જ ટહુકો વિશેષ મધુર અને કર્ણપ્રિય લાગે. કવિતાપ્રેમી જીવ કવિને દૃષ્ટિથી નહિ પણ શ્રુતિથી ઝીલે અને દિલમાં એમની અક્ષરમૂર્તિને આકૃત કરે. કવિની ‘કમાલ’ ધન્ય બને, વાચકની ગ્રહણશીલતા પુષ્ટિ પામે.

મૂળ નામ તો એમનું ઈશ્વરદાન ગઢવી પરંતુ મિત્ર વર્તુળમાં ઈસુભાઈ ગઢવીના નામે ઓળખાય. વ્યવસાયમાં નોકરી. પરંતુ નોકરી પણ ઍસ.ટી. ડેપો મૅનૅજર, વાંકાનેર. કવિતા અને અસ.ટી.! ગઝલ અને બસનાં કાન ફાડી નાખતાં તીક્ષ્ણ હોર્ન!! ડાયરો અને ડેપો પરની ધમાલ!!! ક્યાંય મેળ બેસે નહિ. છતાં ઈસુભાઈના અંતરમાંથી કવિતાનું ઝરણું પ્રકટ્યું. શ્રી રાજ્યગુરુ આ કવિને બિરદાવતાં લખે છે : ‘ગીત, ગઝલ આ કવિનું ઘરેણું છે. લોકકથા અને લઘુકથા આ લેખકની હથોટી છે, અભિવ્યક્તિની વેધકતા અને વકતવ્યની બુલંદી આ વક્તાની ગરિમા છે.’

ગઢવી કુળમાં જન્મ એટલે મા સરસ્વતીની કૃપાપ્રસાદી વારસામાં મળી. પોતાની પાત્રતાએ કૃપાપ્રસાદીને વધુ મીઠી કરી જાણી. ઈસુભાઈની કવિતાના કેન્દ્રમાં રાધા અને કૃષ્ણ મુખ્ય છે. કોઈ વાર મિલનોત્સવનો અસીમ આનંદ તો કોઈ વાર વિરહના વેતરી નાખતા નિઃશ્વાસો. પણ વિયોગમાં આ કવિ વધુ ખીલે. વિરહરસમાં ઘુંટાતી કવિતા સાવંત સુરેખ સ્વરૂપે લોકો પાસે પહોંચે. કોઈ વાર કૃષ્ણની વેદના તો કોઈ વાર રાધાની વેદનાને ઝીલતો કવિ આપણી સંવેદનાઓના તારને પણ ઝંકૃત કરી નાખે અને આપણે સૌ કવિની વેદના અને આપણી સંવેદનાઓ મારફત એમના કરુણ ગાનને ભીની આંખે, ભર્યાં હૃદયે માણીએ.

‘કાનુડાના કાળજાની વાત’ કરુણરસથી છલકાતું, કાનુડાની ભીતરની વેદના રજૂ કરતું, અંતરની આડશો દૂર કરતું સુંદર, હૃદયસ્પર્શી કાવ્ય છે.

કાનુડાની સામે કેટકેટલા આક્ષેપો છે! ગોકુળ છોડીને ગયો તે ગયો જ. ક્યારેય જશોદા, નંદબાબા, રાધિકાજી, ગોપ ગોપીઓ, સ્નેહીઓ અને સ્વજનો, શું કોઈને સંભારવાના પણ નહિ? રાધિકાજીની વેદના આ કવિના કાવ્યમાં વ્યક્ત થાય છે.

‘હવે તો આવતા અવતારે તું રાધા ને
કાન હું સમજી લઈશું લેણ દેણ’

ગોપબાળો અને બાલિકાઓ, સ્વજનો અને સ્નેહીઓ પોતાની ગુસ્સાભરી લાગણી ઠાલવતાં બોલી ઊઠે છે, ‘હે દ્વારકેશ! તારું ઐશ્વર્ય અમને મોહતું નથી, તું રાજરાજેશ્વર હો તો ભલે હો! અમારી આંખો તો કુંજનવનમાં, ગોપવેશમાં ધેનુ ચરાવતા ગોપાલ માટે તરસે છે! ‘રાજરાજેશ્વર, રાજાધિરાજ, દ્વારકેશ માટે નહિ’.

આક્ષેપોની ઝડી વરસે છે, કાનુડો શાંત છે. આઘાતો ઉપર આઘાતો આવ્યા જ કરે છે, કાનુડાના મુખ પરથી એક પણ રેખા બદલાતી નથી. પરંતુ રાધાએ તો આવતા ભવે હિસાબ સમજી લેવાનું કહેણ મોકલ્યું અને વરસોથી મૌન લઈ બેઠેલા કાનુડાની વાણીના બંધ લાગણીના ધસમસતાં પૂર સાથે ફટાક દઈને ખૂલી ગયા. કાનુડાએ પ્રથમવાર જ ગોકુળ – વનરાવનવાસીઓ સમક્ષ પોતાના અંતરની વેદના વ્યક્ત કરી,

કોઈ ગોકુળ વનરાવનને કહેજો,
આ કાનુડાના કાળજાની વાત…
વિસારી દઉં એમ ગોકુળ વનરાવન,
એટલો હું નથી કજાત.

તમને ભૂલી જાઉં, એટલો હું કજાત છું? તમારી લાગણીને ન સમજી શકું એટલો પામર મને સમજી લીધો? તમે કહો છો એ સાવ સાચું છે. અહીં સોનાનો રાજમહેલ છે, સોનાનું રાચરચીલું છે, અઢળક ઐશ્વર્ય પણ છે. પરંતુ એ બધાંની વચ્ચે મારી સ્થિતિ કેવી છે, એ જાણવું છે?

હેમ મઢ્યા હીંચકા ને હીંડોળા હેમના,
પોઢણીયાં હેમ મઢ્યે ખાટ,
આવા સોનાના પિંજ૨માં પાળેલા પોપટનો,
જાણ્યો છે કોઈએ આઘાત?
કોઈ કહેજો આ વેદનાની વાત.

સોના મઢ્યા પિંજરામાં પક્ષીને રાખીએ તેથી શું? ગોકુળ, વનરાવનની મુક્તિ ક્યાંથી કાઢવી? એ તોફાન મસ્તી, એ ગોરસ લૂંટવાં, ઢોળવાં-ફોડવાં, એ કાંકરીચાળો! અહીં દ્વારકામાં બધું જ ભારેખમ છે. ગંભીરતાની વાડમાં સૌ પુરાયેલાં છીએ. ઊલટું, મને તમારી સૌની અદેખાઈ આવે છે. અહીં તો મારી સ્થિતિ પેલા પક્ષી જેવી જ છે, ‘દિલ ગમકો ખા રહા હૈ, ગમ દિલકો ખા રહા હૈ’

રાત દિવસ એ જ ગોકુળ, વૃંદાવન અને મથુરા નજરથી દૂર ખસતાં નથી. અહીં અમારે ગોમતી નદી છે. ગોમતી સ્નાન પવિત્ર સ્નાન છે. ચારે વર્ણ ગોમતી સ્નાન માટે તત્પર હોય છે. અહીં તો લોકો ગાતા હોય છે :

‘કનક કોટ ચમકારા કરે,
મણિમય રત્ન જડ્યાં કાંગરે;
ત્યાં તો ગોમતી સંગમ થાય
ચારે વર્ણ ત્યાં આવી નહાય’,

પણ એ ગોમતીનાં જળમાં મને જમનાજીનાં નખરાળાં જળ યાદ આવે છે. મારા કાળજામાં તીર ભોંકાયાનું દર્દ થાય છે. ઉષાના આગમન સાથે, સૂર્યનું પ્રથમ કિરણ ફૂટે અને દિવસની શરૂઆત થાય પણ મારે માટે તો એ અંધારી રાત જ છે.

અને મોટું પદ તો મહામારી સમાન, રાજ્ય સિંહાસન ઉપર તો આગલા જન્મમાં પાપ કર્યાં હોય એ જ બેસે, કાંટાળો તાજ એક મિનિટ પણ શાંતિ લેવા ન દે.

રાજા થઈ ગ્યો છું હશે પરભવનું પાપ,
અને રાજપાટ પરભવનો શ્રાપ,…

પરભવનાં કોઈ કડ કર્મોથી રાજા બનીને શિક્ષા ભોગવી રહ્યો છું. અને મારી દયનીય સ્થિતિ તો જુઓ!

હું ભાવિનો ભાખનાર અગમ આલેખનાર
જીવતરમાં ખાઈ ગ્યો છું થાપ.

ઇશ્વરની મુખ્ય વિશિષ્ટતાઓ ત્રણ : ઇશ્વર સર્વજ્ઞ છે. ઇશ્વર સર્વત્ર છે. ઇશ્વર સર્વ શક્તિમાન છે. જીવ અને શિવમાં આટલો તફાવત છે. જીવમાત્રના વિધિના લેખ લખનાર, પોતાની કુંડલી માંડવામાં જ થાપ ખાઈ ગયો આનાથી વધુ હાંસી બીજી કઈ હોઈ શકે? આજે તો હવે વાંસળી, વાંસળી નથી રહી.

દ્વારકેશના રાજ-દરબારમાં આઠે પહોર સંગીતના સૂરો વાગી રહ્યા છે એ પણ સાચું, ત્રાંસા-નગારાંના શોરથી રાજમહેલ ગાજી ઊઠે છે એમાં પણ ના નહિ. નોબતની દાંડી સાથે જ ઊઠવાનુ ને જાગવાનું એ પણ ખરું, પરંતુ આ સોનાના મહેલો, સમગ્ર ઐશ્વર્ય, દોમ દોમ સાહ્યબી, બધું જ હું જતું કરવા તૈયાર છું, જો કોઈ મને ગોકુળની મુક્ત રાત્રિ આપે તો. ગોકુળ છોડી મથુરા જવાની તૈયારી ચાલતી હતી એની આગલી રાતે રાધા સાથે જે પથ્થર ઉપર પ્રેમાલાપ કરેલો એ પથ્થર અને રાધિકાજીને ભૂલું એવો કજાત હું નથી. આટલું જરૂર સમજશો :

નોબતોની દાંડીએ ઊઠવું ને જાગવું
ને નોબતો એ રજનીને ભોર,
ઓળઘોળ આખું આ રજવાડું કરું,
કોઈ આપે જો ગોકુળની રાત…
કોઈ કહેજો આ વેદનાની વાત.

– ક્રાન્તિકુમાર જોશી

સંદર્ભ – અમૃતમ્ – ગોંડલ, પ્રાર્થના – ૧૭

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.