(સાંત્વનાનો પત્ર)

મુંબઇ

૨૩મી મે, ૧૮૯૩

પ્રિય બાલાજી,

‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ; પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું, પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી સંતે મોટામાં મોટી વિપત્તિ સહન કરતી વેળાએ ઉચ્ચાર્યા હતા. અને તેમાં તેમની ભૂલ નહોતી. સત્તાનું, અસ્તિત્વનું આખુંય રહસ્ય અહીં સમાયેલું છે. સપાટી ઉપર મોજાંઓ ઊછળે અને શમે, તોફાનો પણ સર્જે, પરંતુ નીચેના ઊંડાણમાં અનંત નીરવતા, અનંત શાંતિ અને અનંત આનંદનો થર જામેલો હોય. ‘જેઓ શોક કરે છે તેઓ બડભાગી છે, કારણ કે તેમને આશ્વાસન આપવામાં આવશે.’ શા માટે? કારણ કે આવા શોકના સમયમાં જ્યારે પિતાનાં આક્રંદો કે માતાના વિલાપોની પરવા કર્યા વિના કોઈ આપણા હૃદયને નીચોવી નાખતું હોય છે, જ્યારે શોક, વિષાદ અને નિરાશાના ભાર તળે આ સંસાર આપણા પગ નીચેથી જાણે સરી જતો હોય તેમ લાગે છે, અને નજર પહોંચે ત્યાં સુધી ચોમેર દુઃખ અને અત્યંત નિરાશાના અભેદ્ય આવરણ સિવાય કંઈ દેખાતું જ નથી હોતું, ત્યારે આંતર-ચક્ષુ ખૂલે છે, એકાએક પ્રકાશ આવે છે, સ્વપ્ન ઊડી જાય છે અને અંતઃસ્ફુરણાથી આપણે પ્રકૃતિના ભવ્યમાં ભવ્ય રહસ્યની સન્મુખ આવીને ઊભા રહીએ છીએ; એ રહસ્ય છે : સત્. હા, બોજો જ્યારે અનેક નબળી હોડીઓને ડુબાડી દેવા માટે પૂરતો હોય છે, ત્યારે પ્રતિભાશાળી, શક્તિશાળી વીર પુરુષને અનંત, નિર્વિશેષ, સદા આનંદમય સત્ની ઝાંખી થાય છે. આ અનંત સત્ જુદા જુદા દેશોમાં જુદા જુદા નામે ઓળખાય છે. સત્ની ઝાંખી થાય ત્યારે જ આ દુઃખની ઊંડી ખાણમાં આત્માને બાંધી રાખનારી બેડીઓ થોડા કાળ માટે જાણે કે તૂટે છે. અને તે આત્મા મુક્તપણે ઊંચે ને ઊંચે ચઢે છે, અને આખરે પ્રભુના ચરણોમાં પહોંચે છે. ‘ત્યારે જ દુષ્ટો પજવતા અટકે છે અને થાકેલાઓ નિરાંત અનુભવે છે.’ ભાઈ! દિવસ રાત પરમાત્માનું સંભારવાનું ભૂલો નહિ; દિવસ રાત રટણ કરતા અટકો નહીં કે : ‘હૈ પ્રભુ! તારી ઈચ્છા હોય તે પ્રમાણે જ થાઓ.’ ‘આપણો અધિકાર કારણ પૂછવાનો નથી, પણ માત્ર કાર્ય કરી જવાનો અને જીવન હોમી દેવાનો છે.’

હે પ્રભુ! તારા નામનો જય હો! અને તારું જ ધાર્યું થાઓ. હે પ્રભો! અમે જાણીએ છીએ કે અમારે તો તારી જ ઈચ્છાને અધીન રહેવાનું છે. પ્રભો! અમે જાણીએ છીએ કે જે લપડાક પડે છે તે માતાની છે. ‘આત્મા બધું સહન કરવા તૈયાર છે, પણ શરીર નબળું છે.’ હે પ્રેમાળ પિતા! તું અમને તારી ઈચ્છાને શાંતિથી અધીન થવાનું શીખવે છે, પણ હૃદયની વેદના તેની સામે ઝઝૂમે છે. અમને શક્તિ આપ. તેં તારી નજર સમક્ષ તારાં સમગ્ર કુટુંબનો વિનાશ થતો અદબ વાળીને જોયો હતો. હે પ્રભો! હે મહાન ગુરુ! આવ. તેં જ શીખવ્યું છે કે સૈનિકે તો હુકમને તાબે થવાનું છે, કંઈ જ બોલવાનું નથી. હે પ્રભો, કે અર્જુનના સારથી! આવ. અર્જુનને જેમ એક વખત ઉપદેશ આપ્યો હતો તેમ મને પણ આપ કે તારામાં આત્મસમર્પણ એ જ આ જીવનનું સર્વોચ્ચ ધ્યેય અને લક્ષ્ય છે. પ્રભો! મને શક્તિ આપ કે પ્રાચીન, મહાનમાં મહાન સંતોની સાથે હું પણ દૃઢતા અને સમર્પણની ભાવના સાથે ઉચ્ચારી શકું, કે ‘ૐ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ!’ (બધું જ શ્રીકૃષ્ણને સમર્પિત હો)

પ્રભુ તમને શાંતિ આપો એવી દિનરાત પ્રાર્થના કરતો

વિવેકાનંદ

નોંધ : તારીખ ૨૩મી મે ૧૮૯૩માં ડી. આર. બાલાજી રાવને વિકટ કૌટુંબિક વિટંબણાઓ વેળા મુંબઈથી લખાયેલો સંદેશ.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.