શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમના આધ્યાત્મિક વાર્તાલાપો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘આનંદધામના પથ પર’માં પ્રકાશિત થયા છે. સંસારના આધિ-વ્યાધિથી પીડિત લોકોને આ પુસ્તકના અહીં આપેલા અંશોથી વિશેષ શાતા મળશે. – સં.

(બેલુર મઠ : મંગળવાર, ૩૦ ઍપ્રિલ ૧૯૨૯)

અપરાહ્ન સમયે મુંગેરના વકીલ શ્રી ગંગાચરણ મુખોપાધ્યાય તેમની પુત્રી અને ઘરનાં બીજા કેટલાક ભક્તો સાથે આવ્યાં છે. શ્રીમહાપુરુષ મહારાજને દંડવત્ પ્રણામ કરીને ગંગાચરણ બાબુ બોલ્યા : ‘મહારાજ! આપની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે. ગયા વર્ષે તમને જોયા હતા. એના કરતાં આ વર્ષે તબિયત વધારે ખરાબ થઇ ગઇ છે.’

શ્રીમહારાજ – હા, ભાઇ, શરીર કમજોર બની ગયું છે. તબિયત દિવસે દિવસે વધારે બગડતી જાય છે. ષડ્વિકારાત્મક આ શરીરમાં હવે છેલ્લા વિકારની અવસ્થા ચાલે છે. એ તો થવાનું જ. શરીરનો એ જ ધર્મ છે.

ગંગાચરણબાબુ – પ્રત્યેક પત્ર દ્વારા જાણવા મળતું કે આપનું સ્વાસ્થ્ય ખૂબ કથળતું જાય છે. તેથી જ આપના ખબર કાઢવા આવ્યો છું. ખૂબ મન થતું હતું.

શ્રીમહારાજ – (હસતાં હસતાં) ભાઇ, બહાર જોવાનું શું છે? ખરેખર તો અંદર જોવાનું છે. અને એ ભગવાન તો બધાના અંતરમાં જ રહેલ છે. તેઓમાંથી જ આ સમસ્ત વિશ્વનો ઉદ્ભવ થયો છે. एतस्माज्जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च। खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ॥ આમાંથી જ પ્રાણ, મન, સર્વેન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સર્વ વસ્તુના આધાર રૂપ પૃથ્વી ઉત્પન્ન થઇ. આ પંચ મહાભૂત, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વ્યોમ તેમનામાંથી ઉત્પન્ન થયું છે. તેઓ જ આ બધાંના સંચાલક છે. (મુંડકઃ ૨/૧/૩) ‘भयात् तपति सूर्यः’ એમના જ તાપથી સૂર્ય તપે છે. (કઠોપનિષદ: ૨/૩/૩) અંતે આ બધું એમનામાં જ લય થઇ જશે. ‘તજ્જલાન્’ આ જગત એમનામાંથી જ ઉત્પન્ન થાય છે. (છા.ઉ. : ૩/૧/૧૪) તેમાં જ લય પામે છે અને તેમનાથી જ ક્રિયાશીલ બને છે! આ બધું તો છે જ. જન્મ, મૃત્યુ તો કોઇ રોકી શકતું નથી. એક માત્ર ભગવાન જ અજર, અમર, શુદ્ધ બુદ્ધ-મુક્ત સ્વરૂપ છે. એમને પ્રાપ્ત કરવા એ જ માત્ર જીવનનો ઉદ્દેશ્ય છે. એ લક્ષ્ય સિદ્ધ થઇ જાય એટલે બધું જ પ્રાપ્ત થઇ ગયું. એ પછી દેહ રહે કે જાય; તેઓ તો આપણા અંતરાત્મા રૂપે રહેલા છે. તેઓ સર્વ જીવોના પરમાત્મા છે, તેઓ જ અમૃત ધામ છે, સર્વની અંદર રહેલા છે. પણ આ અનુભૂતિ થવી જોઇએ.

ગંગાચરણબાબુ – મહારાજ, એક પ્રશ્ન મનમાં આવે છે. મૃત્યુ પછી શું બધાને પ્રેત શરીર ધારણ કરવું પડે?

મહારાજ – તેમ શા માટે? જેઓ ભગવાનના ભક્ત છે, સારી રીતે ભક્તિ પ્રાપ્ત કરી છે, જેમને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેમને પ્રેત શરીર શા માટે ધારણ કરવું પડે? તેઓ બધા શ્રીભગવાન સાથે એક થઇ જાય છે; મુક્ત થઇ જાય છે.

ગંગાચરણબાબુ – તો પછી આ બધી શ્રાદ્ધ વગેરે ક્રિયાની વ્યવસ્થા છે, તેનો અર્થ શો? બધાંને જ તો શ્રાદ્ધ, વાર્ષિક શ્રાદ્ધ વગેરે કરવાં પડે.

શ્રીમહારાજ – તે કરવું પડે. એ સામાન્ય નિયમ, બધાં સ્વીકારીને ચાલે છે. પરંતુ વિશેષ સંજોગોમાં, જેવી રીતે તમારાં પત્નીની બાબતમાં એ બધું કરી શકાય અને ન કરો તો પણ કંઇ હાનિ નથી. તેઓ તો ખૂબ ભક્તિભાવનાવાળાં હતાં; તેમની વાત અલગ છે. તમારાં પત્નીના દેહાવસાન પછી મેં સ્પષ્ટ જોયું છે કે તેઓ કૈલાસધામમાં ગયાં છે. તેમની ઘણી ઉચ્ચ ગતિ થઇ છે. તે બાબતમાં તમે નિશ્ચિંત રહો.

શ્રીમહાપુરુષ મહારાજનું આશ્વાસન સાંભળીને થોડીક ક્ષણો સ્તબ્ધ રહીને ગંગાચરણબાબુ એકદમ જોરથી રડી પડ્યા અને સજળ નયને હાથ જોડી, શ્રીમહાપુરુષ મહારાજના ચરણકમળમાં પડીને બોલ્યા : ‘મહારાજ, મને ભિક્ષા આપવી જ પડશે, એવું કરી આપો કે જેથી મને શ્રીમાનાં ચરણકમળમાં શ્રદ્ધાભક્તિ થાય. અંતે એમના શ્રીચરણોમાં હું સ્થાન પામું.’ આમ કહીને બાળકની માફક રુદન કરવા લાગ્યા.

શ્રીમહાપુરુષ મહારાજે ગંગાચરણબાબુના માથા ઉપર હાથ મુકી આશિષ આપીને કહ્યું : ‘વત્સ! તારું તેમ જ થશે, તારામાં શ્રદ્ધાભક્તિ છે અને હજી વધશે. ખૂબ આશિષ આપું છું કે તને ખૂબ શ્રદ્ધાભક્તિ થાઓ. હું કહું છું, બાપુ, તારી પ્રગતિ સારી થશે, તારા ઉપર શ્રીમાની ઘણી કૃપા છે.’

ગંગાચરણબાબુ – આપના કહેવાથી જ થશે. શ્રીમા આપની વાત સાંભળશે. આપ મારી શક્તિ, આધાર બધું છો.

શ્રીમહાપુરુષ મહારાજ – મા અમારી વાત તો સાંભળશે જ, તમારી પણ સાંભળશે. જે સરળ હૃદયથી આર્તભાવે તેમને પોકારે, તેની વાત તેઓ સાંભળે જ. દયા, દયા. તેમની દયા સિવાય કશું જ થઇ શકે નહિ, જય પ્રભુ, જય કરુણામય ઠાકુર!

ગંગાચરણબાબુ શ્રીમહાપુરુષ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આશ્વસ્ત થઇને બીજી એક બે વાતો કર્યા પછી વિદાય લઇ રહ્યા છે. એક પછી એક બધા પ્રણામ કરીને ઊભા થાય છે.

ગંગાચરણબાબુની પુત્રીએ પ્રણામ કરીને આશીર્વાદ માગ્યા. શ્રીમહાપુરુષ મહારાજે કરુણ સ્વરે કહ્યું : ‘મા, ખૂબ શાંતિમાં રહે. તારો પતિ, પુત્ર, પુત્રી, સગાસંબંધી બધાં જ ખૂબ સુખી થાઓ. સંસારમાં તો સુખ નથી. દુઃખ અને કષ્ટના પ્રમાણમાં સુખ ઘણું ઓછું છે. તો પણ આ બધાંની વચમાં જેઓ સંસારમાં ભગવાનના ભક્ત થઈને રહે તેઓ થોડીક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. દુઃખ, કષ્ટ જે પણ આવે તેથી તેઓ વિચલિત થતા નથી. કારણ કે, તે જાણે છે કે આ બધું ભગવાનનું દીધેલું છે. જે ઇશ્વર સુખ આપે છે, તે જ દુઃખ-કષ્ટ પણ આપે છે. તેથી જ તેઓ બધું ભગવાનના આશીર્વાદ સમજીને ચૂપચાપ સહન કરે છે. તેઓ સુખથી છકી જતા નથી અને દુઃખથી ભાંગી પડતા નથી. સંસારમાં સુખ જેમ અનિત્ય અને ક્ષણિક છે, તેમ દુઃખ પણ અનિત્ય છે. એ બધું આવે છે અને જતું કરે છે. કશું જ રહેતું નથી. એક માત્ર નિત્ય વસ્તુ, એક માત્ર શાંતિનું સ્થાન છે – શ્રીભગવાન, મા, તેમને પકડી રાખો, તો જીવનમાં શાંતિ મળશે.

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.