મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા પોતાનાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર પડી છે. એ આઘાતનું બળ અને વેગ આવે છે એકાગ્રતામાંથી. માનવમનની શક્તિને કોઈ સીમા નથી. જેમ જેમ તે વધુ એકાગ્ર થાય છે, તેમ તેમ તેની શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ એકાગ્ર કરી શકાય છે. રહસ્ય એ છે.

માણસ અને પશુ વચ્ચેનો તફાવત અહીં છે. માણસમાં એકાગ્રતાની શક્તિ વધારે હોય છે. એકાગ્રતાની શક્તિની વધુ ઓછી માત્રા માણસ માણસ વચ્ચે પણ તફાવત પાડે છે. હલકામાં હલકા માણસને મહાનમાં મહાન માણસ સાથે સરખાવી જુઓ; બન્નેમાં તફાવત એકાગ્રતાની માત્રાનો જ હોય છે. તફાવત એને કારણે જ થાય છે.

દરેક માણસનું મન ક્યારેક ક્યારેક એકાગ્ર થાય છે. જે બાબતોને આપણે ચાહીએ છીએ તેમના પર આપણે એકચિત્ત બની જઈએ છીએ; અને જેના પર એકચિત્ત બની જઈએ તેમને આપણે ચાહીએ છીએ.

આપણને ઇશ્વરનાં દર્શનમાં સહાયક થાય એવું એક માત્ર સાધન તે મનની શક્તિઓની એકાગ્રતા છે. જો તમે આત્માને (તમારા આત્માને) જાણો, તો તમે ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના સર્વ આત્માઓને જાણો. ઈચ્છાશક્તિ મનને એકાગ્ર કરે છે. અને આ ઈચ્છાશક્તિને તર્ક, પ્રેમ, ભકિત, પ્રાણાયામ વગેરે જેવી કેટલીક બાબતો ઉત્તેજિત કરે છે અને તેને કાબુમાં પણ રાખે છે. એકાગ્ર થયેલું મન આપણા આત્માના દરેક ખૂણાને અજવાળીને બતાવનારો દીપક છે.

એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચાર શક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સત્તત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો કરે નહીં.

ચિત્તને જ્યારે એકાગ્ર કરી પાછું તેના પર જ કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે આપણી અંદરનુ બધું આપણું માલિક નહીં બનતાં આપણું દાસ બને છે. હિન્દુએ આંતરજગત ઉપર – આત્માના અણદીઠા સામ્રાજ્યમાં મન કેન્દ્રિત કર્યું અને યોગવિદ્યાનો વિકાસ કર્યો. યોગ એટલે ઈન્દ્રિયો, ઇચ્છાશક્તિ અને મનને કાબૂમાં રાખવાં. યોગના અભ્યાસનો ફાયદો એ છે કે આપણા પર મન વગેરેનો કાબૂ આવવાને બદલે આપણે તેને કાબૂમાં રાખતા શીખીએ છીએ. મન થર ઉપર થરનું બનેલું લાગે છે. આપણા જીવનને આડા આવતા આ બધા જ થરોને ઓળંગી જઈને ઇશ્વરને શોધવો એ જ આપણું ખરું લક્ષ્ય છે. યોગનો અંતિમ હેતુ અને લક્ષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. આ પ્રાપ્ત કરવા માટે આપણે સાપેક્ષ જ્ઞાન અને ઈન્દ્રિયોના જગતથી પર જવાનું છે.

– સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદની અભયવાણી પૃ. ૨૦ થી ૨૨)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.