(રાગ : ખમાજ – તીન તાલ)

જાકે પ્રિય ન રામ બૈદેહી,
સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી.

તજ્યો પિતા પ્રહ્‌લાદ, વિભીષણ બન્ધુ, ભરત મહતારી,
બલિ ગુરુ તજ્યો, કંત વ્રજબનિતનિ, ભયે મુદમંગલકારી.

નાતે નેહ રામકે મનિયત સુહૃદ સુસેવ્ય જહાં લૌ,
અંજન કહા આંખિ જેહિ ફૂટૈ, બહુતક કહૌ કહાં લૌ.

તુલસી સો સબ ભાંતિ પરમહિત પૂજ્ય પ્રાન તે પ્યારો,
જાસોં હોય સનેહ રામપદ, એતો મતો હમારો.

-સંત તુલસીદાસ

કહે છે કે ઘરની પોતાની હેરાનગતી ભક્ત શિરોમણિ તુલસીદાસને જણાવી મીરાંએ એમની પાસેથી સલાહ માગી એટલે તુલસીદાસે ‘જાકે પ્રિય ન રામ બૈદેહી સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી’ એવી શિખામણ આપી, અને પ્રહ્‌લાદ, વિભીષણ, ભરત, બલિ આદિ ભક્તોના દાખલાઓ ટાંક્યા, એ દાખલાઓમાં વ્રજવનિતા ગોપીઓનો દાખલો મીરાંને વિશેષ આધાર આપનારો નીવડ્યો હશે.

ભગવદ્ભક્તિમાં જે મદદ કરે તે જ સગાવહાલાં, આંખોમાં આંજતાંવેંત આંખો ફોડી નાખે, અને આપણે અંજન (સુરમો) કેમ કહી શકીએ? રામચરણમાં જેને સ્નેહ છે, તે જ આપણો હિતકર્તા, અને પ્રાણપ્રિય મુરબ્બી કહેવાય, એમ મારો સ્પષ્ટ અભિપ્રાય છે, એમ તુલસીદાસે જણાવ્યું.

આ ભજનની શૈલી જોતાં, તુલસીદાસે કોઈ મૂંઝાયેલાને શિખામણ આપવા માટે લખ્યું હોય એમ સ્પષ્ટ દેખાય છે. અથવા કોઈ સગાનો તુલસીદાસે ત્યાગ કર્યો હોય અને એ માટે પોતાને ઠપકો આપનાર કોઈ મિત્રને ચોખ્ખો જવાબ પરખાવી દેતા હોય એવી આ ભજનની શૈલી છે.

પણ તુલસીદાસ અને મીરાં સમકાલીન પણ ન હતાં એનું શું? આવી દંતકથાઓ રચનારને કાલક્રમ સાથે નિસ્બત હોતી નથી. મીરાંની કથા તેઓ જાણે છે. મીરાં જેવી ભગવદ્ભક્ત સલાહ પૂછે તો જેવા તેવાને ન પૂછે. કૌટુંબિંક આસક્તિમાંથી ઊગરી ગયેલા અને જ્ઞાન-ભક્તિ-સદાચારના પ્રચારમાં વ્યાસ-વાલ્મીકિ સમા તુલસીદાસને જ એ પૂછી શકે! અને મીરાં જેવીને તુલસીદાસ બીજી શી શિખામણ આપી શકે! મીરાંને પજવનાર લોકો સાવ દુષ્ટ ન હતા, વ્યવહાર છોડી વૈરાગી ગોસાવડા જેવા સાથે ભળી જવાનું જો મીરાં છોડી દે, તો એને ફૂલની પેઠે રાખવાને તેઓ તૈયાર હતા. હીર અને ચીર આપી એનો વૈભવ વધારવામાં તેઓ વારી જાત. તેઓ બધા દુન્યવી જીવનમાં પરમ સનેહી હતા. એ વિશે શંકા નથી પણ મીરાંને તો જગત જોઈને રોવાનું મન થતું હતું, એમાં તેઓ શું કરે? આવે વખતે જ મૂંઝવણ થાય છે કે કરવું શું? આવી દુવિધા ટાળવા માટે તુલસીદાસે એક ઉત્કૃષ્ટ અને નિર્ણાયક કસોટી મૂકી છે. અમુક માણસમાં રામભક્તિ છે? હોય તો તે આપણો સગો છે. પણ જે કાંઈ રામવિમુખ છે તે ગમે તેટલો નજીકનો અને પ્રેમાળ સગો હોય તો પણ એ પારકો માણસ છે.

લોકોએ આટલું સરસ ભજન અને આટલી નિસ્સંદિગ્ધ શિખામણ હાથમાં આવ્યા પછી મીરાંના જીવન સાથે એ વણી દીધી એમાં આશ્ચર્ય શું? અને ખોટું પણ શું? વ્યવહારના જગતમાં એ ભલે બંધ ન બેસે પણ કાવ્યજગતમાં એ સંપૂર્ણ રીતે ઉચિત નીવડે છે. લોકમાનસને એટલું બસ છે.

જીવનનૌકાને માટે જો એક ધ્રુવની જ નિશાની રાખી હોય તો જીવનયાત્રા વિશે કશી શંકા રાખવાનું કારણ રહેતું નથી.

Total Views: 22
By Published On: April 1, 1997Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram