ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં.

પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું કોઈ કાર્ય વિશેષ નથી?

ઉત્તર : રામકૃષ્ણ પરમહંસ વિશે આપણને સ્વામી વિવેકાનંદ દ્વારા ઘણું જાણવા મળ્યું છે. એ વિશે સ્વામીજીએ ઘણી વિનમ્રતાથી વાત કરી છે. શ્રીરામકૃષ્ણદેવ પાસેથી એમને જે સિદ્ધાંતસૂત્ર કે જીવનસંદેશ મળ્યા તેનો સ્વામી વિવેકાનંદે આયામપૂર્વક વિષદદર્શન કરાવ્યું છે અને એ જ સ્વામીજીનું મહાન કાર્ય છે.

પ્રશ્ન : સ્વામી વિવેકાનંદનું સામર્થ્ય કઈ બાબતમાં પ્રગટ થયું છે?

ઉત્તર : આ દેશની ભૂમિને માટે પોતાની જાતને સમરસ બનાવી દેવાની બાબતમાં એમનું સામર્થ્ય સવિશેષ પ્રગટ્યું છે. સ્વામીજી અને ગાંધીજી એ બંને આ દેશની માટીમાં પૂર્ણતઃ સમરસ બની ગયા હતા. આટલી નાની ઉંમરમાં સ્વામી વિવેકાનંદે કેટલું મહાન કાર્ય કર્યુ હતું! જેમ જેમ હું એમના વિશે વિચારું છું તેમ તેમ મારો એમના પ્રત્યે આદર વધતો જ રહે છે. અને એ બધું એમણે હિંદુ ધર્મમાં રહીને જ કર્યુ છે. એને એક નવી દિશા આપી છે. કોઈ અલગ પંથ સંપ્રદાય બનાવ્યો નહિ. જે કાળ ખંડમાં સમગ્ર વિશ્વપર અને ખાસ કરીને આપણા દેશ પર પોતાનો પ્રભાવ પાડ્યો છે એ સમયગાળાનો હું યુવક રહી ચૂક્યો છું. સ્વામી વિવેકાનંદ પહેલાં આ દેશ – આ દેશનો દરેકે દરેક નિવાસી કેવું વિચારતો અને એમના આગમન પછી કેવી રીતે વિચારવા લાગ્યો  — આનું પરિવર્તન મેં જાતે અનુભવ્યું છે. ૧૮૫૭માં આપણે અંગ્રેજોને સૌથી પહેલાં અહીંથી હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો. પણ એ સમયે આપણે પૂરી રીતે સંગઠિત ન થઈ શક્યા અને આપણો નિર્ણય પણ એટલો દૃઢ ન હતો. જો કે આ વિદ્રોહ કોઈ મામુલી બગાવત હતી એમ કહીને ઉડાડી દેવા જેવો વિદ્રોહ નથી. એટલી વાત સાચી કે સાચા અર્થમાં જેને ‘સ્વાતંત્ર્ય સમર’ કહી શકીએ એટલી તૈયારી આપણે કરી ન હતી. એટલે આપણે હારી ગયા ન વાસ્તવમાં એ આપણો નૈતિક પરાજય હતો. અંગ્રેજોએ આપણી આ કમજોરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને પોતાના સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા. ત્યાર પછી આ દેશના કેટલાય પ્રતિષ્ઠિત લોકોએ અંગ્રેજી રાજનો પ્રસન્નતા સાથે સ્વીકાર-આવકાર કર્યો. એટલું જ નહિ આ પર રાજ્યના પ્રશસ્તિગીત પણ ગાવા લાગ્યા. આપણે કેટલા બધા નીચે ઊતરી ગયા હતા તેનું એક ઉદાહરણ હું રજૂ કરું છું મહારાષ્ટ્રમાં પેશવાના શાસનનો અસ્ત થયો અને અંગ્રેજી રાજ બળવાન બન્યું ત્યારે પેશવાઓના પતન અને અંગ્રેજોના વિજયનો આનંદ ઉત્સવ મનાવતી વખતે અંગ્રેજ શાસકો દ્વારા મોટી મોટી દક્ષિણાઓ વહેંચાયેલી એ મેળવવા માટે એ જમાનાના કેટલાય વેદશાસ્ત્રસંપન્ન પંડિત શાસ્ત્રીઓ દોડતા ગયા હતા! આપણા હૃદય પક્ષની આવી અધોગતિ ક્યારેય થઈ ન હતી! આવી રીતે પોતાનું આત્મગૌરવ ગુમાવી બેઠેલા રાષ્ટ્રની સામે સ્વામી વિવેકાનંદે આત્મવિશ્વાસ, સ્વાભિમાન, નિર્ભયતા, ત્યાગ, વૈરાગ્ય અને નિઃસ્વાર્થ સેવા જેવા કેટલાય આદર્શો રાખ્યા અને પ્રજાના મનમાંથી ગ્લાનિ દૂર કરી. રાષ્ટ્રોત્થાનનું કેટલું મહાન કાર્ય તેમણે કર્યું છે! એટલે જ હું કહું છું જ્યારે જ્યારે એમના વિશે વિચારું છું ત્યારે ત્યારે મારું હૃદય ભક્તિભાવથી ગદ્‌ગદ્ થઈ જાય છે.

પ્રશ્ન : સ્વામી વિવેકાનંદ પહેલાં પણ વેદાંતનો પ્રચાર આ દેશમાં મહાન આર્ય સપૂતો અને સાધુસંતોએ કર્યો હતો પણ સ્વામીજીના કાર્યનો પ્રભાવ ઘણો મોટો પડ્યો એનું કારણ શું?

ઉત્તર : હા, એ વાત સાચી કે વેદાંત પ્રચારનું કાર્ય આ દેશમાં ઘણા મહાન આર્ય સપૂતો અને બધા સાધુસંતોએ કર્યું છે. એમના જમાનામાં ધર્મજાગૃતિનું કાર્ય અને એ બધાનું સારતત્ત્વ ઈશ્વરભક્તિ, સદાચાર, સંતોષ અને ભગવાનનામમહિમા, બસ, આટલામાં જ સમાઈ જતું હતું! સ્વામી વિવેકાનંદે આ બધી વાતોની સાથે તેજસ્વી પુરુષાર્થ, રાજકીય અસ્મિતા, ભૌતિક જ્ઞાનોપાસના, સામાજિક સુધારણા જેવી બાબતો પર પણ ભાર મૂક્યો. ધર્માનુભવના આધા૨ ૫૨ સંસ્કૃતિમાં નવચૈતન્ય લાવવું જોઈએ, ઉદ્યોગ- વ્યવસાય વધારીને લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરવો જોઈએ. આવા બધા વિચારો સાથે ભારતની સર્વાંગીણ જાગ્રતિ આ દેશમાં ઉદિત થઈ અને સ્વામી વિવેકાનંદ એમના અગ્રદૂત હતા.

પ્રશ્ન : એમને પાશ્ચાત્ય શિષ્યો મળ્યા એને કારણે એમનો પ્રભાવવિસ્તાર થયો એમ કહી શકાય ખરું?

ઉત્તર : હા, ઘણા કારણોમાંનું એક કારણ ખરું. અમેરિકા જતાં પહેલાં સ્વામીજી એક અજ્ઞાત સંન્યાસી રૂપે સમગ્ર દેશભરમાં ફરી વળ્યા. પોતાના આ પરિભ્રમણમાં એમણે દેશ અને દેશવાસીઓની દશાનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ પરીક્ષણ કર્યું ત્યારે તેમની સામે દેશોદ્વારનો આદર્શ સ્પષ્ટ થઈ ગયો. એમને લાગ્યું કે જે રાષ્ટ્ર આત્મગૌરવ, આત્મશ્રદ્ધા ગુમાવી બેઠું છે એમાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે સંજીવની તો બહારથી લાવવી પડશે. એટલે તેઓ અમેરિકા ગયા. એમને ત્યાં શિષ્યો પણ મળ્યા અને પૈસા પણ મળ્યા.

પ્રશ્ન : રોમારોલાં સ્વામીજીની જીવન કથામાં લખે છે તેમ એમને એટલા બધા પૈસા ન મળ્યા એ વાત ખરી?

ઉત્તર : પૈસા ભલે ઓછા મળ્યા પણ નિષ્ઠાવાન શિષ્યો તો મળ્યા. આ વાતનો અહીંના જનમાનસ પર વિશેષ પ્રભાવ પડ્યો. જ્યાં ગોરા (અંગ્રેજ) લોકો માલિક અને ગુરુ બનીને રહેતા હતા ત્યાં એમાંના કેટલાક લોકો અહીં આવીને શિષ્યભાવે વિનમ્ર બનીને સ્વામીજીની સેવા શુશ્રૂષા કરતા જોઈને અહીંના ભારતવાસી લોકોના મનની હીનગ્રંથી લઘુતાગ્રંથી દૂર થવા લાગી. આ પણ એક મહાન ઉપલબ્ધિ છે એમ કહી શકાય.

પ્રશ્ન : સ્વામીજીએ દેશની સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે જેનો વિશેષ ઉલ્લેખ કરી શકાય એવું કંઈ કર્યું છે ખરું?

ઉત્તર : એક રીતે જોઈએ તો પ્રત્યક્ષ રીતે એમણે આવું કંઈ કર્યુ નથી પરંતુ પરોક્ષ રીતે એમણે ઘણું ઘણું કર્યું છે. એટલે જ તો લોકમાન્ય ટિળકે એમને રાષ્ટ્રભક્ત સંત કહ્યા છે ને? બીજી બધી વાતોને એકબાજુ રાખીએ પરંતુ રવીન્દ્રનાથ, અરવિંદ અને ગાંધીજી જેવા જે ત્રણ યુગપુરુષ આપણને મળ્યા એ ત્રણેયના નિર્માણમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન ઘણું મોટું હતું. એવું મારું માનવું છે. એ ત્રોય મહાનુભાવનાં સાહિત્ય અને કાર્યપ્રવાહ પર જ્યારે જ્યારે મારી નજર જાય છે ત્યારે એ ત્રણેયના યુગકાર્યમાં મને વિવેકાનંદજીનું પ્રદાન અને એમનો પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે. શું તમે ભગિની નિવેદિતાનું ‘Patriotic saint’ એ પુસ્તક વાંચ્યું છે? રવીન્દ્ર કેલેકરે કહ્યુંઃ મેં વાચેલા અત્યંત ઉત્કૃષ્ટ પુસ્તકોમાંનું એ એક છે.

સ્વામી વિવેકાનંદને સમજવા માટે જેમ એમણે પોતે લખેલા પત્રો વાંચવાં જોઈએ તેવી રીતે ભગિની નિવેદિતાનું આ પુસ્તક પણ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં આપણને સ્વામી વિવેકાનંદના જે જીવન પાસાં જોવા મળે છે એની કલ્પના આપણે એમની જીવનકથા જ વાચવાથી કરી ન શકીએ. ભગિની નિવેદિતાનું ‘The web of Indian Life’ આ પુસ્તક જેવું પુસ્તક વિશ્વ સાહિત્યમાં શોધવા જતાં માંડ માંડ મળે તેવું છે. નિવેદિતાની સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક એવી ઐતિહાસિક સેવાથી સ્વામી વિવેકાનંદનું કાર્ય એક રાષ્ટ્રીય સ્વરૂપ મેળવી શક્યુ. શિક્ષણ દ્વારા જીવનપરિવર્તન અને સંસ્કૃતિ સંવર્ધન કરવાં એવાં સ્વામીજીના મહત્ પ્રયાસનો વિસ્તાર ભગિની નિવેદિતાએ બહુ સારી રીતે કર્યો છે.

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.