ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ થયા તેથી જ પારતન્ત્ર્યમાં આવી પડ્યા…

ઈશ્વરને ત્યાં એવો નિયમ છે કે દરેક આપત્તિનો ઈલાજ એની સાથે જ જન્મે છે. ઈ.સ. ૧૮૩૬માં જ જ્યાં અંગ્રેજી કેળવણી પહેલવહેલી વવાઈ ગઈ તે જ પ્રાંતમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. શ્રીરામકૃષ્ણ પરમહંસ એટલે હિંદુધર્મનો શુદ્ધ અને પ્રાણવાન પ્રવાહ. રાજા રામમોહન રાયે હિંદુ, મુસલમાન અને ઈસાઈ ધર્મનાં તત્ત્વોનું અધ્યયન કરી બધાનો સામાન્ય સાર કાઢવાનો પ્રયાસ ચલાવ્યો હતો. એ જ અરસામાં પ્રત્યક્ષ સાધના કરી ધર્મતત્ત્વનો અનુભવ કરવાનો પ્રયાસ શ્રીરામકૃષ્ણ પરમહંસે ચલાવ્યો. શ્રીરામકૃષ્ણ પરમહંસે પણ હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી એ ત્રણે ધર્મનું રહસ્ય અનુભવ્યું, અને તેમણે કહ્યું, ‘અનુભવની દૃષ્ટિએ બધા ધર્મ સરખા સાચા છે.’ રામમોહન રાયને ત્રણે સંસ્કૃતિનાં સાહિત્ય સાથે પરિચય હતો, જ્યારે રામકૃષ્ણ પરમહંસે ત્રણમાંથી એકેનું અધ્યયન કર્યું ન હતું. ભણ્યા વગર પણ અનુભવ મેળવી શકાય છે એમ શ્રીરામકૃષ્ણ પરમહંસે સિદ્ધ કર્યું. 

નાનપણથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસે સ્વતંત્ર વૃત્તિ કેળવી હતી. સત્યવાદી પિતા અને નિ:સ્પૃહ માતાનું સંતાન બીજું શું કરી શકે? એમના વખતમાં સામાન્ય કેળવણી મળતી તે પણ લેવાની તેમણે ના પાડી. ‘કેળાં, ચોખા અને પૈસા અપાવનાર કેળવણી લઈને હું શું કરું? મારે તો પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તમારી કેળવણી મને તે ક્યાંથી આપે?’ એમ જ તેઓ કહેતા. એકવાર જો તેઓ કેળવણીના સકંજામાં સપડાઈ જાત તો તેમને મેકોલેવાળી કેળવણી લેવી પડત. પણ તેમને તો ઈશ્વરપ્રાપ્તિની કેળવણી લેવી હતી અને ઈશ્વરને તેમની મારફતે બંગાળને તેવી જ કેળવણી અપાવી હતી, તેથી તેઓ અભણ જ રહ્યા. આજે દુનિયામાં કેટલાયે લોકો તેમને અવતારપુરુષ તરીકે પૂજે છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસને ઈશ્વરના અવતાર ગણવા કે ન ગણવા એની ભારે ચર્ચા હજીયે ચાલે છે. દરેક વ્યક્તિમાં ઈશ્વરી તત્ત્વ તો હોય જ છે. જ્યાં જ્યાં આ ઈશ્વરી તત્ત્વ વધારે સ્ફુટ થતું હોય, વિભૂતિમત્‌, શ્રીમત્‌, ઊર્જિત હોય ત્યાં ત્યાં અવતારની કલ્પના કરવી એ કંઈ ખોટું નથી. જેણે પોતાનો ઉદ્ધાર કર્યો છે, એટલું જ નહિ પણ જે બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે તે ચોક્કસ ઈશ્વરનો અવતાર છે એમાં શક નથી. વિશિષ્ટ જમાનાની ખાસ ખામી જોઈ, ખાસ નબળાઈ જોઈ તે દૂર કરવાનું સામર્થ્ય જેની અંદર જોવામાં આવે તેને જ અવતાર કહેવો એમ પણ કેટલાક કહે છે. આ બધી દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ પરમહંસને આપણે અવતાર ગણી શકીએ…

શ્રીરામકૃષ્ણ પરમહંસના મનમાં નાનપણમાં વર્ણાભિમાન તો હતું જ. રાણી રાસમણિ ન્યાતે માછણ હતી. તેના મંદિરમાં પણ આપણાથી ભોજન કરાય નહિ એમ તેઓ માનતા. પણ જ્યારે તેઓ સાધના કરવા લાગ્યા ત્યારે એ અભિમાન કાઢી નાખવા માટે તેમણે રાત્રે આસપાસનાં જાજરુ સાફ કરવાનું અને અન્ત્યજોનાં આંગણાં પોતાના વાળ વતી વાળવાનું શરૂ કર્યું. ધન અને માટી સમાન છે એવી વૃત્તિ કેળવી હાથમાંનો રૂપિયો અને માટીનું ઢેફું બંને નદીમાં તેઓ ફેંકતા… સાંજ પડે એટલે જિંદગીનો એક દિવસ ગયો છતાં ઈશ્વરપ્રાપ્તિ ન થઈ એ દુ:ખે તેઓ પોકેપોકે રોઈ પડતા. આમ અનેક રીતે સાધના કરતાં કરતાં તેમને સ્ફુરી આવ્યું કે બધે એક જ ઈશ્વરી તત્ત્વ વ્યાપેલું છે. તેઓ શાંત થયા… નરના નારાયણ થઈ ગયા. લોકો તેમને રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા.

ઈશ્વર પાછળ જે માણસ ગાંડો થાય તેને સમાજ સાંખી શકતો નથી. શ્રીરામકૃષ્ણ પરમહંસનું ગાંડપણ જોઈ સગાંવહાલાંએ તેમને પરણાવી દેવાનો વિચાર કર્યો.. પરણ્યા છતાં તે જેવા ને તેવા જ રહ્યા. એમની સ્ત્રી જ્યારે મોટી થઈ ત્યારે પતિની દશા શી છે એ નજરોનજર જોવા તેમની પાસે આવી. શ્રીરામકૃષ્ણ પરમહંસે માતા ગણી તેની પૂજા કરી! શારદા માતાએ કહ્યું, ‘આપે પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ સ્વીકાર્યો છે. આપને ત્યાંથી પાછા ખેંચનારી અવિદ્યા-માયા થવા હું નથી માગતી. આપની પાસે રહી આપની સેવા કરું એટલો જ પ્રસાદ ચાહું છું.’ શારદા માતાએ આખર સુધી તેમની સેવા કરી તે મારફતે શાંતિ મેળવી અને શ્રીરામકૃષ્ણ પરમહંસના આ લોક છોડ્યા પછી તેમની જ માનસપૂજા કરવામાં પોતાની બાકી રહેલી જિંદગી વિતાવી. પ્રતાપચંદ્ર મજુમદાર જેવા બ્રાહ્મભક્તે રામકૃષ્ણ પરમહંસ પર આક્ષેપ મૂક્યો છે કે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસે આ રીતે પોતાની સ્ત્રી પ્રત્યે ક્રૂરતા વાપરી છે અને તેની સ્થિતિ વિધવા જેવી કરી મૂકી છે.’ હિંદુ આદર્શની દૃષ્ટિએ જોતાં શારદા માતાની સ્થિતિ દયા ખાવા જેવી ન હતી. પણ અદેખાઈ કરવા જેવી હતી. કોઈ સ્ત્રીપુરુષ પોતાના વિકારને મારીને સંયમી જીવન પસંદ કરે તો તેમાં દયા ખાવા જેવું શું છે?

વાસનાતૃપ્તિ એ માણસનો સ્વાભાવિક હક છે અને વાસનાતૃપ્તિમાં જ જીવનસાફલ્ય છે એ તત્ત્વજ્ઞાન આપણું નથી. વાસનાઓથી આત્મા ઘેરાયો છે અને તેથી તે કષ્ટ પામે છે, વાસનાનો નાશ કરી આત્માને છોડાવવાથી તે પોતાનો આનંદ પોતાની મેળે ભોગવી શકે છે એ આપણો જીવનમંત્ર છે. હું જ્યારે કલકત્તામાં શારદા માતાનાં દર્શને ગયો હતો ત્યારે તેઓ શ્રીરામકૃષ્ણ પરમહંસની છબિની પૂજા કરતાં હતાં. માત્ર એક જ સફેદ વસ્ત્ર પહેરેલું. વાળ છૂટા હતા. લાંબા વખત સુધી ધ્યાન કરવાથી આંખમાં જે વિશેષ તેજ આવે છે તે તરફ સ્વભાવિક રીતે લક્ષ ગયું. તેમની મુખમુદ્રા ઉપર પાવિત્ર્ય, શાંતિ, પ્રસન્નતા અને માતૃવાત્સલ્ય ભરપૂર વિલસતાં હતાં. પતિદેવની પૂજામાં તેમની તલ્લીનતા જોઈ મનમાં થયું, શું આ પ્રત્યક્ષ દુર્ગાની મૂર્તિ હશે? એમની નજીક પણ દુ:ખ ન આવી શકે, તો એમને પોતાને તો દુ:ખ ક્યાંથી સંભવે?

‘મારા ગુરુદેવ’ એ સ્વામી વિવેકાનંદના લેખ ઉપરથી જ ઘણાખરાને શ્રીરામકૃષ્ણ પરમહંસની માહિતી મળી હશે. પણ તેમનો પહેલવહેલો પરિચય તો આપણને ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ ઉપરથી થયો. એ ગ્રંથ લખનાર વિભૂતિ કોણ હશે એમ તો ઘણાને થયું હશે. ચોપડી ઉપર લેખક તરીકે ફક્ત ‘મ’ એટલી જ નિશાની છે. તેમનું આખું નામ ગુપ્ત હતું. કલકત્તામાં તેમને દર્શને પણ અમે ગયા. તેમની ભવ્ય અને ભક્તિનમ્ર મૂર્તિ જોઈ શ્રીરામકૃષ્ણ પરમહંસનાં જ દર્શન થયા જેટલું સમાધાન થયું. આગળ જતાં તેમનો વધારે સહવાસ મળ્યો. તેઓ તો શ્રીરામકૃષ્ણ પરમહંસના ચરિત્રકાર. પરમહંસ વિશે તેમની પાસેથી કેટલુંયે સાંભળવાનું મળ્યું. તેમની સ્મરણશક્તિ અજબ છે. જ્યારે જ્યારે અમે તેમને કંઈ પણ પૂછીએ ત્યારે પોતાની સ્મરણપોથી ઉઘાડીને તેમાંથી એકાદ પાનું જોઈ લે, મિનિટેક આંખ મીંચી ધ્યાન કરી લે અને તરત જ પરમહંસ સાથેનો કોઈ જુનો પ્રસંગ તેમની દૃષ્ટિ આગળ ઊભો થાય. પરમહંસ ક્યાં બેઠેલા, તેમણે શું ઓઢેલું, તેમનું મોં કઈ દિશા તરફ હતું, પાસે કોણ કોણ બેઠેલા હતા, પછી કોણ કોણ આવ્યા, વચમાંથી કોણ ઊઠી ગયા – બધું વિગતવાર તેઓ કહી શકતા. સંભાષણ તો અક્ષરે અક્ષર ઉતારી શકતા. તેમની ગુરુભક્તિ એટલી ઉત્કટ છે કે એક અક્ષરની પણ ભૂલ થઈ જાય તો તેમને ગુરુદ્રોહ કર્યા જેટલું જ દુ:ખ થાય. તેમના જેટલા યથાર્થવાદી ચરિત્રકાર ભાગ્યે જ બીજા હશે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ એક ઈશ્વરની ભક્તિ જ જાણતા. ઈશ્વરને ઓળખો, ઈશ્વરને પ્રાપ્ત કરો એટલું જ તેઓ કહેતા. છતાં પોતાના જીવનથી તેમણે આ યુગનો યુગધર્મ ચોક્કસ રીતે આપણને બતાવ્યો છે.

૧. તેમનો પ્રથમ સંદેશ સર્વધર્મોની એકતાનો છે. બધા ધર્મો એક જ ઈશ્વરની ઉપાસના કરે છે. બધા એક જ ઠેકાણે જાય છે, એકેએક રસ્તો સાચો છે, એમ તેમણે અનુભવની અધિકારયુક્ત વાણીથી દુનિયાને સમજાવ્યું. એક જણે તેમને પૂછ્યું, શું વામાચારી શાક્તધર્મ પણ સાચો રસ્તો છે? તેમણે કહ્યું, ‘મંદિરમાં જવાના અનેક રસ્તા હોય છે, અને ખાળ મોટી હોય તો તેના કાણામાંથી પણ મંદિરમાં પ્રવેશ તો થઈ શકે. પણ મહાદ્વાર છોડી એવો ગંદો રસ્તો આપણે કેમ પસંદ કરીએ?’

૨. તેમનો બીજો સંદેશ માણસના ધ્યેય વિશે છે. માણસે ઈશ્વરપ્રાપ્તિનો જ વિચાર કરવો, આત્મશુદ્ધિ કરવી, એટલે તેને જે જોઈએ છે તે મળી શકે છે. થડ હાથમાં આવ્યું એટલે ડાળાંપાંદડાં એની મેળે હાથ આવી જાય છે.

૩. ઈશ્વરપ્રાપ્તિના સાધન તરીકે તેમણે કનક અને કાંતાનો ત્યાગ બતાવેલો છે, કોઈ પણ માણસ સ્ત્રી તરફ પત્નીભાવે જુએ (અથવા તો કોઈ પણ સ્ત્રી પુરુષ તરફ વલ્લભભાવે જુએ) ત્યાં સુધી તેને માટે મોક્ષ નથી. કામ અને લોભ એ મોક્ષમાર્ગમાં મોટામાં મોટા વાટમારાઓ છે.

૪. શ્રીરામકૃષ્ણ પરમહંસની સાધનાનું પ્રથમ પગથિયું અહંકારનાશ હતું. અહંકારનો નાશ કરવા તેમણે અન્ત્યજસેવા આદરી આપણને આપણો યુગધર્મ શીખવ્યો છે. કૃષ્ણકિશોર નામના એક વૈષ્ણવ ગૃહસ્થની વાર્તા તેઓ પોતાના શિષ્યોને કહેતા. પરમહંસ કહેતા, ‘કૃષ્ણ કિશોરને ત્યાં હું અધ્યાત્મ રામાયણ સાંભળવા જતો. કૃષ્ણકિશોરની શ્રદ્ધા ભારે હતી. એક વાર તે વૃંદાવનની યાત્રાએ નીકળેલો. રસ્તામાં તેને બહુ તરસ લાગી. એક કૂવા પરના કોઈ માણસ પાસે તેણે પાણી માગ્યું. પેલાએ કહ્યું, હું અંત્યજ છું, મારું પાણી તમને કેમ ચાલશે? કૃષ્ણકિશોરે કહ્યું, તું ઈશ્વરનું નામ લે અને પાણી કાઢી આપ. પેલાએ તે પ્રમાણે કૃષ્ણકિશોરને પાણી કાઢી આપ્યું અને એ બ્રાહ્મણે તે પાણી પીધું.’

૫. જેણે કનક અને કાંતાનો ત્યાગ કર્યો છે, જેનામાં અહંકાર નથી, તેના મનમાં સામાજિક ઉચ્ચનીચતાનો ભાવ ક્યાંથી હોય? તેને હિસાબે રાય અને રંક સરખા જ હોય. શ્રીરામકૃષ્ણ પરમહંસે રાજા સુરેન્દ્રનાથ ટાગોરને રાજા કહેવાની ના પાડી હતી. પરમહંસે કહ્યું: ‘જો, હું કંઈ તને રાજા-બાજા કહેવાનો નથી, કેમ કે તેમ કહેવું એ જૂઠું બોલવા સમાન છે.’

૬. પરમહંસની ખાસ વિશેષતા તેમની શિષ્યપ્રીતિ છે. ગુરુની પાછળ પડેલા શિષ્યો ઘણા મળે છે, પણ શિષ્ય પાછળ ઘેલા થયેલા શ્રીરામકૃષ્ણ પરમહંસ તો અપૂર્વ જ ગણાય. જેમ દયામય પ્રભુ ભક્તાધીન છે તેમ પરમહંસ પોતાના શિષ્યોની બધી કાળજી રાખતા. 

શ્રીરામકૃષ્ણ પરમહંસે આ રીતે આખી જિંદગી ઈશ્વરભક્તિમાં અને લોકકલ્યાણમાં ખર્ચી નાખી. દિવસરાત ધર્મોપદેશ કરી કરી તેમના ગળામાં વ્રણ પડ્યું. વૈદ્ય અને દાક્તર લોકોએ તેમને બોલવાની મનાઈ કરી. પણ -સત્પુરુષના ચાર શબ્દો સાંભળી કૃતાર્થ થવા માગનારા લોકો – તેમની પાસે આવ્યા જ કરે અને પરમહંસ પણ કોઈને નિરાશ કરે નહિ. રાતદિવસ તેમનો વાગ્યજ્ઞ ચાલુ જ રહેતો. પરમહંસની ગંભીર માંદગી સાંભળી તેમને આરામ આપવાને બદલે આ છેલ્લી તક સાધવા ટોળેટોળાં દૂરદૂરથી આવવા લાગ્યાં. યજ્ઞ વધારે જોરથી ચાલવા લાગ્યો. આખરે સને ૧૮૮૬ના ઓગસ્ટની ૧૬મીની રાત્રીએ પરમહંસે યજ્ઞમાં પોતાની પૂર્ણાહુતિ આપી હતી…

પરમહંસનો ઉપદેશ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે દેશદેશાંતર સુધી પહોંચાડ્યો. અંગ્રેજી કેળવણીથી મોહિત થયેલા આપણા લોકો ઉપર વિવેકાનંદના અંગ્રેજી લેખો મારફતે જ અસર થાય એમ હતું. પરમહંસનું શુદ્ધ અધ્યાત્મ જીરવવાની શક્તિ જેમનામાં ન હતી તેમને માટે પાશ્ચાત્ય વિચારો મેળવીને કરેલું વિવેકાનંદી મિશ્રણ બહુ જ અનુકૂળ થઈ પડ્યું. વિવેકાનંદે પરમહંસના અધ્યાત્મને તત્ત્વજ્ઞાનની ભાષામાં મૂક્યું અને તે દૃષ્ટિએ સંસારસુધારો અથવા જીવનસુધારો કેવી રીતે થઈ શકે તે બતાવ્યું. તે જ સૂત્ર હાથમાં લઈ ભગિની નિવેદતાએ હિંદુ સામાજિક જીવન અને ઐતિહાસિક રાષ્ટ્રિય જીવનનું રહસ્ય ખોલી બતાવ્યું. આજે રામકૃષ્ણ મિશનનાં અનેક સેવાશ્રમો, અદ્વૈતાશ્રમો અને મંદિરો રામકૃષ્ણનો ઉપદેશ કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા દુનિયા આગળ પીરસી રહ્યાં છે. જેને ભૂખ લાગી હશે તે જ તે લેશે. જેનામાં મુમુક્ષા હશે તે જ તેનું રહસ્ય સમજી શકશે. જેનામાં વ્યાકુળતા હશે તે જ તેનો ઉપયોગ કરી શકશે.

(નવજીવન દ્વારા પ્રકાશિત ‘કાકાસાહેબ ગ્રંથાવલિ’, ભાગ-૮, પૃ.૪૧૫-૪૨૧)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.