શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ કરતા તેનું આલેખન કેટલાક બંગાળી ગ્રંથોમાં થયું છે. તેમાંના એક અમૂલ્ય ગ્રંથનું ભાષાંતર ‘સત્ પ્રસંગ’ નામે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત થયું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. – સં.

ભગવાનને આત્મસમર્પણ અને તેમની શરણાગતિ એ સાધનાની છેક છેલ્લી વાત છે. તેમને ચરણે બધું સમર્પી દેવું પડશે. આપણે કેવળ માગવાનું જ શિખ્યા છીએ, દેવાનું જાણતા નથી, દઈએ તો મળે એ વાત ભૂલી ગયા છીએ. પરંતુ આત્મસમર્પણનો મંત્ર એ જ છે કે પોતાને માટે કંઈ રાખ્યા વિના જે કાંઈ હોય તે બધું તેમને સમર્પી દેવું. ત્યારે જ તેઓ પોતે આવી બધો ભાર લઈ લે છે. પોતાના સુખને માટે આપણે કેટલો હિસાબ કરીને ચાલીએ છીએ, એ માટે અવિરામ પ્રયત્ન કરીએ છીએ. પણ જે સાચો ભક્ત છે તે ભગવાનને પોતાના કરી લેવાનું જાણે છે, તે તેમને જ બધું આપી દે છે.

ઠાકુર કહેતા હતા કે – બે જાતના ભક્તો હોય છે. એક બિલાડીનાં બચ્ચાં જેવા સ્વભાવવાળા, મા જે કરે તે કબૂલ. ક્યાં જવું, શું કરવું, કંઈ જાણે નહીં. આ જાતના ભક્તો ઈશ્વરને મુખત્યારનામું આપી દે, વકીલાતનામું આપીને બેફિકર. આ બધા ભક્તોનો પાકો વિશ્વાસ હોય છે કે ઈશ્વર આપણી મા છે. આપણા બાપ છે. બીજી એક જાતના ભક્તો હોય છે તે વાંદરાનાં બચ્ચાં જેવા સ્વભાવના. વાંદરાનાં બચ્ચાં પોતે જોર કરીને માને વળગી રહે. આ પ્રકારના ભક્તોને એક જાતનો કર્તાપણાનો બોધ હોય છે. મારે તીર્થ કરવાં પડશે, જપતપ કરવાં પડશે, ષોડશોપચાર પૂજા કરવી પડશે – ત્યારે જ હું ઈશ્વરને પકડી શકીશ – એવો તેમનો ભાવ હોય છે. એ બંને ભક્તો જેમ આગળ વધશે તેમ દેખશે કે તેઓ જ બધું કરે છે. આત્મસમર્પણનું એક બીજું સુંદર દૃષ્ટાંત ઠાકુરે આપ્યું છે – પવનના સપાટામાં એંઠુ પતરાળું. તેઓએ કહ્યું છે કે વાયરામાં એંઠા પતરાળાની જેમ થઈને સંસારમાં રહેવું. પવન એઠા પતરાળાને કોઈ વાર ઓરડાની અંદર લઈ જાય છે, કોઈ વાર ઉકરડામાં પણ લઈ જાય, હવા જે દિશામાં જાય તે દિશામાં પતરાળું પણ જાય. કોઈ વાર સારી જગ્યામાં, તો કોઈ વાર ખરાબ જગ્યામાં. આપણે જો ભગવાનને બધું આપી શકીએ તો પછી વિચારવાનું શું રહે? તેમની મરજી પડે ત્યાં આપણને ભલેને લઈ જાય! ગીતા (૯/૨૨) દ્વારા તેમણે કહ્યું છે કે –

अनन्याश्चिन्तो माम् ये जना: पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यम् ॥

‘મારામાં નિયુક્ત – જે બધા ભક્તો અનન્ય ચિત્ત મારાં ચિંતન અને ઉપાસના કરે તેમનાં યોગ અને ક્ષેમને હું વહન કરું છું, એટલે કે તેમને જરૂરી વસ્તુઓ હું લાવી આપું છું અને તેમની પ્રાપ્ત વસ્તુઓની દેખભાળ પણ હું જ કરું છું.’ ઠાકુરના બિલાડીનાં બચ્ચાનાં દૃષ્ટાન્ત સાથે આ શ્લોક મેળ બેસે છે. જેમનાં મન ભગવાનમાં સમાહિત થયાં છે તેઓ જ અનન્ય ચિત્તવાળાં. અનન્ય ચિત્ત લોકો બહુ જ વિરલ. તેઓ જ સાધનાને છેલ્લે પગથિયે પહોંચ્યા છે. શરણાગતિ જ છેલ્લું પગથિયું; ત્યાં પહોંચી શકાય તો પછી તદ્દન નિશ્ચિત થઈ જવાય.

અર્જુન મિશ્ર એક ભક્ત સાધુ હતા. તેઓ રોજ ગીતા પાઠ કરતા. જ્યારે જ્યારે લોક વાંચતા ત્યારે તેમના મનમાં સંશય જાગતો –

‘ભક્તને જરૂરી વસ્તુ ભગવાન પોતે માથે લઈ પહોંચાડે – એ શું સંભવિત છે?’ તેઓ ખરા ભક્ત હતા પણ તેમ છતાં તેમનો આ સંશય જાય નહીં, બહુ બહુ વિચાર કરીને એક દિવસ નક્કી કર્યું- ‘वहाम्यम्’ (વહન કરું) શબ્દને બદલે ‘ददाम्यहम्’ (આપું) બોલીએ તો સારું. એવા વિચારથી ‘वहाम्यम्’ કાપી તેને બદલે લાલ શાહીએ ‘ददाम्यहम्’ લખી નાખ્યું. તે પછી રોજની ટેવ માફક ગંગાસ્નાન કરવા જઈ સંધ્યા વંદનમાં જોડાયા. ઘેર બ્રાહ્મણી પણ જપતપ કરતાં; તે દિવસે જપ કરતાં કરતાં તેના મનમાં થયું કે, ‘આજ તો ઘરમાં કંઈ નથી, પતિ ઘેર આવશે ત્યારે ખાવા શું આપીશ? ’ જપમાં બેઠાં હતાં ત્યાં કોઈ બારણું ખખડાવે છે એવું તેમને લાગ્યું. બારણું ખોલીને જુએ તો બે સુંદર બાળકો, ઉંમર નવ-દસ વરસની, શરીરનો રંગ બહુ સુંદર. તેમને બંનેને માથે અક્કી ટોપલી, બંને ટોપલી એકદમ નીચે મૂકી તેઓ બોલ્યા – ‘મા, આ ચીજો લઈ લો.’ પરંતુ તેમની છાતીમાંથી દડદડ કરતું લોહી પડે છે એમ જોઈ બ્રાહ્મણીને કંપારી છૂટી. તે અશ્રુભરી આંખે બોલ્યાં – ‘તમારી આવી દશા કોણે કરી? એવો કોણ નઠોર છે?’ – તેઓએ કહ્યું – ‘અમે રાહ જોઈ શકીએ એમ નથી. અમે જઈએ છીએ.’ – આમ બોલી તેઓ અંતર્ધાન થયા. બ્રાહ્મણી કંઈ સમજી શક્યાં નહીં. બેઉ ટોપલી ખોલી જોઈ તો ઘરને માટે બધી જરૂરી વસ્તુઓ તેમાં હતી. ચિંતાતુર મને તેઓએ પતિ માટે ખાવાનું તૈયાર કર્યું. ઘેર પાછા ફરતાં બ્રાહ્મણીને મોંએ બધું સાંભળી અર્જુન મિશ્ર રડવા લાગ્યા. તેમના અંતર્ચક્ષુ ખુલી ગયાં. ગીતાજીના શ્લોકના થોડા ભાગનું સંશોધન કર્યું હતું, એ વાત તેમણે બ્રાહ્મણીને તે વખતે કરી. છેવટે તેઓએ કહ્યું કે – ‘તું ખરેખર ભાગ્યવાન, તને ભગવાનનાં દર્શન થયાં.’

સ્વામીજીના જીવનમાં પણ આ જાતનો એક બનાવ બન્યો હતો. ઠાકુરના દેહત્યાગ પછી તેઓ પરિવ્રાજક તરીકે ત્યારે ભારતનું પર્યટન કરી રહ્યા હતા. અમેરિકા જતાં પહેલાં ગાઝીપુરના પવહારીબાબાનાં દર્શન કરવાના ઉદ્દેશ્યથી એક પણ પૈસો સાથે રાખ્યા વિના તેઓ જતા હતા. એક દિવસ તેઓ દિલદાર નગર સ્ટેશને ઊતર્યા; બ્રાંચ લાઈનમાં બી ટ્રેન ઊભી હતી, તેમાં બેઠા. તે ડબ્બામાં એક પૈસાદાર મારવાડી બેઠો હતો. તે સ્વામીજી તરફ વારંવાર જોતો હતો; જાણે એમ વિચારતો હોય કે ‘આ યુવક શિક્ષિત છે, તો સંન્યાસી થઈ આમઆળસુનું જીવન ગાળી રહ્યો છે; એ જો સંસારનું કામકાજ કરત તો પોતાની કેટલી ઉન્નતિ કરી શકત!’ ધીમે ધીમે તે સ્વામીજી પ્રત્યે કટાક્ષ કરતો સંન્યાસ આશ્રમની વિરુદ્ધમાં બોલવા લાગ્યો. આ ભાગમાં તે દિવસમાં ભિસ્તીઓ જ રેલ્વેના મુસાફરોને પીવાનું પાણી આપતા. જેઓ પૈસા આપી શકતા તેમને જ પહેલાં પાણી મળતું. સ્વામીજીને ખૂબ તરસ લાગી હતી, પણ તેમણે બોલાવ્યા છતાં ભિસ્તી આવ્યો નહીં. તેમને પાણી પીધા વિના જ ચલાવી લેવું પડ્યું અને મારવાડી ગૃહસ્થે તેમની સામે જ બેસીને આહાર કર્યો; પૈસા આપી પીવાનું પાણી પણ લીધું. સ્વામીજીની તકલીફ જોઈ તે ખુશ થતો હોય એવું લાગ્યું. ટ્રેન ઉપડવાને વાર હતી. સ્વામીજીએ લંબાવ્યું. એટલામાં એક માણસે આવીને હાક મારી ‘ક્યાં છે સાધુબાબા? સાધુ મહારાજ ક્યાં છે સાધુ મહારાજ?’ સ્વામીજીએ જોયું તો એ માણસને ખભે ખાટલો હતો; હાથમાં પૂરી, શાક અને પાણીથી ભરેલો કૂંજો! તે માણસ એમની પાસે આવી બોલ્યો – ‘મહારાજ! આપને માટે ખાવાનું લાવ્યો છું. કૃપા કરી ભોજન કરો’ સ્વામીજી બોલ્યા – ‘જો, કોઈ બીજો હશે, તપાસ કર.’ તે માણસે જવાબ આપ્યો ‘અહીં તો કોઈ બીજો કોઈ નથી. હું જેને શોધું છું તે આપ જ છો.’ સ્વામીજીએ પૂછ્યું ‘તને કેવી રીતે ખબર પડી કે મેં ખાધું નથી?’ તે બાલ્યો- બપોરે ખાધા પછી હું ઊંઘી ગયો હતો. સ્વપ્નમાં મને રામજી કહેવા લાગ્યા, ‘મારો ભક્ત સ્ટેશનમાં ખાધા વિનાનો બેઠો છે, ત્યાં જઈને તેને ખવરાવ.’ ઊંઘ ઊડી ગઈ, પણ મગજનો ખ્યાલ છે, માનીને ફરીથી ઊંઘવા લાગ્યો. આ વખતે સ્વપ્નમાં જોયું કે રામજી ભયંકર મૂર્તિ ધારણ કરી મને આજ્ઞા કરે છે કે, ‘જલદી જઈને મારા ભક્તની પૂજા કર, જા, નહીં તો તારા પર આફત આવશે.’ એટલે તો એકદમ ઊઠી ખાવાનું તૈયાર કરી લઈ આવ્યો છું. હવે ભોજન કરી મને કૃતાર્થ કરો.’ સ્વામીજીએ તેની સેવા સ્વીકારી. આ બનાવ જોઈ પેલો મારવાડી ગૃહસ્થ તો અવાક્!

અનન્ય ચિત્તે તેમને બોલાવવાથી તેઓ બધો ભાર ઉપાડે. બીજું એક દૃષ્ટાંત આપું છું : કુરુક્ષેત્રના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના હતી – કૌરવોના પક્ષમાં અગિયાર અને પાંડવોના પક્ષમાં સાત અક્ષૌહિણી. આવું યુદ્ધ અગાઉ થયું ન હતું. (હાલના સમયના વિશ્વયુદ્ધને બાદ રાખું છું) યુદ્ધ પૂરું થયું ત્યારે બંને પક્ષના મળીને દસ માણસો જીવતા રહ્યા હતા, પાંડવપક્ષે શ્રીકૃષ્ણ, પાંચ પાંડવો અને સાત્યકિ. કૌરવ પક્ષે કૃપાચાર્ય, અશ્વત્થામા અને કૃતવર્મા. યુદ્ધની શરૂઆતના કેટલાક દિવસ પહેલાંની વાત. દરરોજ ભયંકર રક્તપાત જોઈ મહામતિ ભીષ્મે વિચાર્યું કે, પાંડુના પુત્રોનો નાશ થાય તો જ આ યુદ્ધ અટકે. તેઓએ પાંચ પાંડવના મૃત્યુ માટે પાંચ ખાસ બળવાન બાણો તૈયાર કર્યાં. અને જુદાં રાખ્યાં. પ્રતિજ્ઞા કરી કે પછીને દિવસે એમનો ઉપયોગ કરીશ. એ વખતે માત્ર દિવસે જ યુદ્ધ થતું. બંને પક્ષના યોદ્ધાઓ રાતના એકબીજાના તંબુમાં જઈ મિત્રભાવે હળતા મળતા. તે દિવસે સાંજે દુર્યોધન ભીષ્મદેવના તંબૂમાં આવતાં જ પિતામહે તેને પાંચ બાણ બતાવી કહ્યું કે, ‘મેં સંકલ્પ કર્યો છે કે આવતીકાલે આ બાણો વડે પાંચ પાંડવોને મારી નાખીશ.’ દુર્યોધનના મનમાં પાકો સંદેહ હતો કે પિતામહ હૃદયમાં પાંડવો પ્રત્યે વધારે પ્રેમ રાખે છે. તે સાથે ભીષ્મની પ્રતિજ્ઞાની દૃઢતા પણ તે સારી રીતે જાણતો હતો. તેથી પિતામહનો આ સંકલ્પ સાંભળી તે બહુ જ ખુશ થયો.

આ બાજુ શ્રીકૃષ્ણને બધી ગંધ આવતાં પિતામહની પ્રતિજ્ઞાની વાત તેમણે યુધિષ્ઠિરને જણાવી. યુધિષ્ઠિર બધા વિષયોમાં ભગવાનની ઇચ્છા ઉપર જ આધાર રાખીને ચાલતા હતા. શ્રીકૃષ્ણની વાત સાંભળી તેઓ બોલ્યા, ‘તમારી ઇચ્છા થતાં બધું જ સંભવિત છે. તમારી ઇચ્છા ન થાય તો પિતામહની પ્રતિજ્ઞા પૂરી નહિ થાય. તમારી ઇચ્છા નહીં તો.. કોઈ પાંડવોના વાળને સુધ્ધાં અડી શકશે નહીં, અમને બોલાવીને સાવચેત કરવા એ નકામું છે, અમારી સાવચેતી વૃથા.’ શ્રીકૃષ્ણ તો ભારે મુશ્કેલીમાં આવી પડ્યા, કારણ કે, આ તો હતી ભક્તની સંપૂર્ણ શરણાગતિ. પછી અર્જુનને બોલાવીને કહ્યું, ‘સખા! ગંધર્વયુદ્ધમાં તમારું વીરત્વ જોઈ પ્રસન્ન થઈ દુર્યોધને તમને વરદાન આપવાની ઇચ્છા કરી હતી, યાદ છે ને? હવે અત્યારે ઝટપટ ત્યાં જઈને તેને એ વાતનું સ્મરણ કરાવી તેનો રાજપોશાક ભેટરૂપે માગી લો. અર્જુન દુર્યોધનને શિબિરે આવતાં જ રાજા દુર્યોધને પરમ આદરથી તેમને આલિંગન કર્યું. અને કહ્યું, ‘શી ખબર છે, ભાઈ?’ અર્જુને જવાબ આપ્યો, એ વખતે જે વરદાન આપવાનું કહ્યું હતું તે માગવાને આવ્યો છું, તમારો આ અતિ સુંદર પોશાક મને આપશો?’ દુર્યોધને ‘એમાં તો કંઈ નહીં’ એમ બોલી તરત જ હસતાં હસતાં શરીર પરનો પોશાક ઉતારી આપ્યો. અર્જુન પાછા આવતાં શ્રીકૃષ્ણે કહ્યું, ‘આ રાજ પોશાક પહેરી અત્યારે ને અત્યારે જ સીધા પિતામહને શિબિરે પહોંચી જાઓ. કાલના યુદ્ધને માટે તેમણે પાંચ બાણ જુદાં રાખ્યાં છે, તમે જ દુર્યોધન છો; એ રીતે યુક્તિપૂર્વક એ બધાં લઈ આવો.’

રાજવેશમાં અર્જુને ત્યાં જઈ પ્રણામ કરતાં જ વૃદ્ધ પિતામહે એ રાતને વખતે તેને દુર્યોધન જ ધારીને કહ્યું, ‘શું વિચારીને ફરીથી મારી પાસે આવ્યો છે?’ અર્જુને એટલું જ કહ્યું કે પિતામહ! આપે જે પાંચ બાણ તૈયાર કર્યાં છે તે જો આપની અનુમતિ હોય તો હું લઈ જઈને આજે રાતે હું મારી પોતાની પાસે જ રાખું. ભીષ્મદેવ બોલ્યા, – આ રહ્યાં, લઈ જા, પહેલાં બોલ્યો હોત તો તે વખતે જ લઈ જઈ શકત. આને માટે તારે નાહકની મહેનત લઈ અહીં આવવું પડ્યું!’ અર્જુને પાંચે બાણ લાવીને શ્રીકૃષ્ણના હાથમાં સોંપ્યાં. જુઓ શરણાગતિ કેવી અમૂલ્ય વસ્તુ છે! કોની ચિંતા કોણ કરે!

થોડી વારે શ્રીકૃષ્ણે ભીષ્મની શિબિરે જઈ તેમને પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, ‘એકાએક મને વૃદ્ધને યાદ કર્યો!’ શ્રીકૃષ્ણ બોલ્યા, ‘હા, આ હમણાં જ અર્જુન પાંચ બાણ લઈને પાછો આવ્યો; તેની પાસેથી આપની વાત સાંભળીને એક વાર આપનાં દર્શન કરવાની ભારે ઇચ્છા થઈ, એટલે આવ્યો.’ શ્રીકૃષ્ણની વાત સાંભળી ભીષ્મ ચમકી જઈ બોલ્યા, ‘અર્જુન! તો પછી શું દુર્યોધન નહીં? સમજ્યો છું કૃષ્ણ, બધી તમારી જ ચાલાકી. વારુ, વારુ, જેમ તમે મને મારા સંકલ્પમાં ખોટો પાડ્યો, તેમ હું પણ તમારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવીશ. જોઈ લઈશ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમને અસ્ત્ર ધારણ કરાવી શકું છું કે નહીં.’

બીજે દિવસે કેવું ભયંકર યુદ્ધ! પિતામહના હાથમાંથી અર્જુનને બચાવવા જતાં શ્રીકૃષ્ણને સાતપાંચ થઈ પડી. છેવટે જ્યારે તેમણે જોયું કે બીજા કોઈ ઉપાયે તેને બચાવી શકાશે નહીં ત્યારે રથમાંથી ઊતરી પડી ભગવાને પોતે ચક્ર હાથમાં લીધું. મહામતિ ભીષ્મે એ દૃશ્ય જોઈને તરત જ અસ્ત્રનો પરિત્યાગ કર્યો.

તેથી જ કહું છું કે આપણું જે કંઈ હોય તે બધું તેને અર્પણ કરી દેવું પડશે. બધું અર્પણ કર્યા પછી શું રહેશે? બાકી રહેશે, વિશુદ્ધ પ્રેમ. એ પ્રેમ બધો આપી દો, પ્રતિદાન પણ કંઈ ચાહો નહીં, આ વાત તો ભગવાનના પ્રસાદથી જ મળે, અનન્યશરણ થઈ જે તેમને બધું આપી દઈ શકે, તેને પરા શાંતિ મળે. ત્યાગમાં જ શાંતિ, ભોગમાં નહીં, એ સમજાય તો જ શરણાગતિ આવે, આત્મસમર્પણ આવે. તે પછી કહી શકાય – ‘त्वमेव सर्व मम देवदेव’ પ્રભુ! તમે જ મારા સર્વસ્વ છો. તેમના પ્રત્યે જેટલો આ પ્રેમ થશે, તેટલા પ્રમાણમાં આપણે તેમની દિશામાં આગળ વધીશું. સર્વ અવસ્થામાં જિસસની પ્રાર્થના હતી કે, ‘પ્રભુ! તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ’ એ જ ખરુ આત્મસમર્પણ.

પવહારીબાબા કાળોતરો નાગ કરડવાથી ત્રણ દિવસ ગુફામાંથી બહાર નીકળી શક્યા ન હતા. ભગવાનની કૃપાથી બચી ગયા. દર્શનાર્થીઓએ પૂછ્યું કે, ‘આપ કેટલાક દિવસ બહાર કેમ આવ્યા ન હતા?’ તેમણે કહ્યું કે, ‘મારા પ્રિયતમ પાસેથી દૂત આવ્યો હતો!’ ભક્ત અને સાધકનું જીવન આ શરણાગતિ દ્વારા જ ઘડાયેલું હોય છે.

‘દળવું અને લોટ ફાકવો’, બંને સાથે થાય નહીં. ઠાકુર એક ગોવાળણની વાત કહેતા. તે રોજ પોતાના ગુરુને ઘેર દૂધ દઈ જતી, પરંતુ ઘાટ પર હોડી મળતાં વખત લાગતો એટલે વખતસર આવી શકતી નહીં. ગુરુદેવે એક દિવસ મોડું થવાનું કારણ જાણતાં કહ્યું, ‘ગુરુદેવે આપેલ નામ લેવાથી કેટલાય લોકો ભવનદીની પાર થઈ જાય અને તું એક સાધારણ નદી પાર કરી શકતી નથી?’ આ વાત સરળ વિશ્વાસુ ગોવાળણના મનમાં ચોંટી ગઈ. બીજે દિવસથી તે ગુરુપાદપદ્મનું સ્મરણ કરી પગે ચાલીને જ નદી પાર કરવા લાગી, દૂધ પણ સમયસર પહોંચવા લાગ્યું. આ જોઈ ગુરુને આશ્ચર્ય થયું અને એક દિવસ આમ કેવી રીતે થાય છે એ પ્રશ્ન પૂછ્યો. ગોવાળણે તેમના ઉપદેશની વાત યાદ કરાવી. ગુરુ તો એ વાત જ ભૂલી ગયા હતા. તેઓએ કહ્યું કે ‘ચાલ જોઈએ!’ બંને નદીતીરે ગયાં. ગોવાળણ ગુરુદત્ત બીજમંત્રનો જપ કરતી કરતી નદી પાર કરી ગઈ, પરંતુ ગુરુ પાણીમાં આગળ ચાલવા જતાં ‘હરિ’ એમ બોલે અને કપડાં પણ ઊંચાં લેતા જાય. વિશ્વાસનું બળ નહીં હોવાથી તેઓ નદી પાર કરી શક્યા નહીં!

ઠાકુરની ‘બે વેવાણો’ની વાત સાંભળી છે ને? એક વેવાણે બીજી વેવાણની ગેરહાજરીમાં એક સૂતરની ફીરકી બગલ નીચે દબાવી દીધી હતી. પંડિત શશધર તર્કચૂડામણિને ઠાકુરે આ વાત કહી હતી. વાર્તા પૂરી થતાં તેમણે પંડિતને કહ્યું હતું કે, ‘હું બગલમાં હાથ રાખીને નાચતો નથી, મેં બંને હાથ ઊંચા કરી લીધા છે, મને ડર નથી.’ આ નાનીસરખી વાતમાંથી કેટલું બધું શીખવાનું છે! આપણે બે હાથ ઊંચા કરી નાચતા નથી, બધું ત્યાગીને ભગવાનને પોકારતા નથી, તેના ઉપર સોળસોળ આના વિશ્વાસ રાખતા નથી. સંસારને બગલમાં દબાવી રાખી આપણે એક હાથ ઊંચો કરી નાચીએ છીએ; પરિણામે કંઈ મળતું નથી, આપણે બંને હાથ ઊંચા કરી નાચવું પડશે, બધું છોડી દઈ તેમને પકડવા પડશે.

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.