શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે તારા ચરણે મહા-અપરાધ કરી મૂક્યો છે. તું મને ક્ષમા કર, ક્ષમા કર.” મહારાજ છેવટે શાંત થયા. હવે એમણે પુરી જવાની વાત કરી નહીં. હું જે પત્ર લઈને ગયો હતો એનું શું થયું, એ એમણે પછીથી મારી પાસે જાણ્યું.

(સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ (૧૮૮૨-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના આઠમા સંઘાધ્યક્ષ હતા. તેઓ જ્યારે યુવા સંન્યાસી હતા ત્યારે તેમને રામકૃષ્ણ મઠ, મદ્રાસમા કર્મીરૂપે મોકલવામાં આવ્યા હતા. એ સમયે શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્‍યક્ષ અને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી બ્રહ્માનંદ મદ્રાસ મઠની મુલાકાતે આવ્યા હતા. એ સમયે મદ્રાસ મઠના અધ્‍યક્ષ હતા શ્રીરામકૃષ્ણદેવના બીજા સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ).

વિશુદ્ધાનંદજીની મદ્રાસ મઠની એ દિવસોની સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત “સ્વામી બ્રહ્માનંદેર સ્મૃતિકથા” નામક બંગાળી પુસ્તકમાંથી સાભાર સ્વીકૃત કરવામાં આવી છે. સ્વામી બ્રહ્માનંદને એમના શિષ્યો મહારાજ અથવા રાજા મહારાજના નામે સંબોધન કરતા. -સં)

સ્વામી વિવેકાનંદની પુસ્તક “દિવ્યવાણી” પ્રકાશિત કરવામાં (સ્વામીજીનાં અમેરિકન શિષ્યા) ભગિની દેવમાતાની સક્રિય ભૂમિકા હતી. મહારાજનો પણ ખૂબ આગ્રહ. પુસ્તક પ્રકાશન કરવા માટે જે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું એના માટે અલગથી હિસાબ રાખવામાં આવતો હતો. આ હિસાબ રાખવાની જવાબદારી મારી હતી. મહારાજના મદ્રાસ મઠમાં આગમનથી મઠનો ખર્ચો વધી ગયો હતો માટે શશી મહારાજ એ ભંડોળમાંથી વચમાં વચમાં રૂપિયા ઉધાર લેતા હતા. એક દિવસ સર્વદર્શી મહારાજના ધ્યાનમાં આવ્યું કે શશી મહારાજ મારી પાસેથી રૂપિયા ઉધાર તો લે છે પરંતુ ઉધારની સામે કોઈ રસીદ આપતા નથી. એમણે મને પૂછીને ખાતરી કરી લીધી કે એમનું નિરીક્ષણ સાચું હતું. તેમણે કહ્યું, “આ તો બરાબર નથી; તું શશી મહારાજ પાસેથી ઉધારની સામે રસીદ માગી લેજે.”

હું ધર્મસંકટમાં પડી ગયો. શશી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય અને મદ્રાસ મઠના અધ્‍યક્ષ. હું એમની પાસેથી રસીદ કેવી રીતે માગું. મહારાજે મારી અવસ્થા સમજી જઈને કહ્યું, “તું મારું નામ દઈને રસીદ માગજે.”

જ્યારે શશી મહારાજ ફરી વાર રૂપિયા ઉધાર લેવા આવ્યા ત્યારે મેં મહારાજનું નામ આપીને રસીદ માગી. શશી મહારાજ તરત જ વિનમ્રતાપૂર્વક બોલ્યા, “નિશ્ચય, નિશ્ચય. એક કાગળ લાવ, હમણાં જ રસીદ લખી આપું છું.”

કેટલાક મહિનાઓ પછી મારી બદલી બેંગલોર આશ્રમમાં થઈ. મેં શશી મહારાજને કહ્યું કે તમે પુસ્તક ભંડોળનો હિસાબ સમજીને મારી પાસેથી લઈ લો. તેમણે આ વાત પર ધ્‍યાન આપ્યું નહીં. છેવટે મારા વારંવાર અનુરોધ કરવાથી તેઓ હિસાબ સ્વીકારવા માટે રાજી થયા. જ્યારે તેમણે ઉધારની મોટી રકમ જોઈ ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા અને કહ્યું, “મેં વળી આટલા બધા રૂપિયા ક્યાં ઉધાર લીધા હતા! ભલે, તારી પાસે અત્યારે જેટલા રૂપિયા છે એટલા મને સોંપી દે અને બેંગલોર જવા માટે રવાના થઈ જા. તારે હિસાબ વિશે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી.”

મેં તરત જ એમણે સહી કરેલ રસીદ એમને બતાવી દીધી. એમણે કહ્યું, “ઠીક તો, રસીદની સાથે ઉધારની રકમ મેળવી લેવાથી જ તો હિસાબ મળી જશે.” તેમણે મેળાવીને જોયું તો મારો હિસાબ પાકો હતો. ભગવાન, મેં નિરાંતનો શ્વાસ લીધો. જો રસીદ ના હોત તો શશી મહારાજના મનમાં એક ખટકો રહી જાત. અથવા તો મને એમ લાગત કે તેઓનો મારા પ્રતિ એક અવિશ્વાસ રહી ગયો છે અને આમ વિચારીને હું અશાંત બની જાત. મહારાજની સૂક્ષ્મદૃષ્ટિ અને દૂરદર્શિતા જુઓ! તમારામાંથી જેમણે રૂપિયા-પૈસાનો હિસાબ રાખવાનો હોય તેઓ મારા આ અનુભવમાંથી કશું શીખી શકો કે જેથી અનેક દુશ્ચિંતાઓમાંથી મુક્તિ મળશે.

“દિવ્યવાણી” પુસ્તકનો બહોળો પ્રચાર કરવા માટે મહારાજ ખૂબ રસ લેતા હતા. મદ્રાસના “હિંદુ” વર્તમાનપત્રમાં છપાયેલ આ પુસ્તકની સમીક્ષા એમણે કાપીને રાખી લીધી. પછી એમણે શશી મહારાજને કહ્યું કે હવે પુસ્તકને સમીક્ષા માટે “બોમ્બે ક્રોનિકલ” વર્તમાનપત્રમાં મોકલી આપવામાં આવે અને સાથે જ “હિંદુ” અખબારની સમીક્ષા પણ મોકલવામાં આવે. શશી મહારાજે કહ્યું, “પ્રેસ કટીંગ મોકલવાની જરૂર નથી. બોમ્બેનું છાપું મદ્રાસના છાપાનો અભીમત વાંચવા માગશે નહીં.” આ વાત મહારાજને ગમી નહિ. અલબત્ત તેઓ આ વિષયે કશું બોલ્યા પણ નહિ.

થોડી વાર પછી મહારાજે મને કહ્યું, “પંચાંગ લઈ આવ તો.” પંચાંગ જોઈ એમણે મારા હાથે જગન્નાથ પુરીના એક ભક્તને પત્ર લખાવડાવ્યો, “હું અમુક દિવસે અમુક ટ્રેનમાં પુરી આવું છું.” આ પત્ર શશી મહારાજની સામે જ લખાવ્યો હોવાથી શશી મહારાજ સમજી ગયા કે એમના મંતવ્યથી નારાજ થઈને મહારાજ મદ્રાસ છોડીને ચાલ્યા જવા માટે તૈયાર થયા છે. જ્યારે હું પત્રને લઈને પોસ્ટ ઑફિસમાં પહોંચ્યો ત્યારે જોયું તો શશી મહારાજ ત્યાં આંટા મારી રહ્યા છે. તેમણે મારા હાથમાંથી પત્ર છીનવી લીધો. હું ચિંતામાં પડી ગયો. પત્ર તો રવાના થયો નહીં, હવે હું મહારાજને જઈને શું કહીશ! શશી મહારાજે કહ્યું, “જા, તારે કશું કહેવાની જરૂર નથી.”

શશી મહારાજ મઠમાં મહારાજ સમીપે જઈ એમના બે પગ પકડી પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. મહારાજે નારાજ થઈને કહ્યું, “ભાઈ, તમે તો વિદ્વાન અને બુદ્ધિમાન, કેટલાં મોટાં મોટાં કામ કરો છો. અમે તો અકર્મણ્ય (આળસુ) અને મૂર્ખ, અમારામાં શું વળી બુદ્ધિ-ફુદ્ધિ હોય!”

શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે તારા ચરણે મહા-અપરાધ કરી મૂક્યો છે. તું મને ક્ષમા કર, ક્ષમા કર.” મહારાજ છેવટે શાંત થયા. હવે એમણે પુરી જવાની વાત કરી નહીં. હું જે પત્ર લઈને ગયો હતો એનું શું થયું, એ એમણે પછીથી મારી પાસે જાણ્યું.

શ્રીરામકૃષ્ણદેવનાં આ બે સંતાનોમાં પરસ્પર એકબીજા પ્રતિ કેટલો ગભીર પ્રેમ અને શ્રદ્ધા હતાં એ તમે કલ્પના પણ કરી શકો નહીં.

Total Views: 678

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) August 17, 2022 at 7:06 am - Reply

    કેટલો શુદ્ધ ભાવ હતો આ બે સંતાનોમાં…!? વળી કાર્ય પ્રત્યેની પ્રાપ્ણિકતા અને ચોકસાઈ તો ખરાં જ…

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.