બેલુર મઠ, ૧-૫-૧૯૬૨

ખાલી પેટે ધર્મ ન થાય – શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા – એકેયમાં ભગવાનમાં મન લાગતું નથી. તો કઈ અવસ્થા ધર્મલાભ માટે અનુકૂળ છે? શ્રીઠાકુરે જ કહ્યું છે : ‘જાડા ભાત અને જાડું કાપડ.’ આટલું હોય તો પછી આપણે ભગવાનને બોલાવશું ને! જો પેટની ચિંતા વધી જાય તો પછી એને કેવી રીતે બોલાવવા? ભોગમાં પણ ડૂબ્યા રહીએ તો એમને બોલાવવાની ઇચ્છા થતી નથી અને અવસર મળતો નથી. એટલે જ મધ્યમમાર્ગ જ ઉત્તમ.

બેલુર મઠ, ૨-૫-૧૯૬૨

પૂજનીય અધ્યક્ષ મહારાજે આજે દર્શનાર્થીઓને કહ્યું: ‘દીક્ષા તો થઈ. હવે ખાનદાની ખેડૂતની જેમ ખેતી કરો. જો વસ્તુ લાભ જોઈતો હોય તો પાંચ વર્ષ પરિશ્રમ કરવો જોઈએ. આ કંઈ જેવી તેવી વિદ્યા થોડી છે! ‘અધ્યાત્મ વિદ્યા વિદ્યાનાં’ બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા, બ્રહ્મવિદ્યા. કથામૃત થોડું થોડું હંમેશાં વાચતાં રહેવું. કથામૃત ન વાંચીએ તો એમને ઓળખી ન શકીએ. વારુ, કહો તો, પાંચ ખંડમાં (ગુજરાતીમાં ત્રણ) એમના (શ્રીઠાકુરના) કયા કયા મુખ્ય નિર્દેશો જોવા મળે છે? (એક ભક્ત મહિલાએ કહ્યું : ‘પહેલાં ઈશ્વર પછી સંસાર’, ‘ડૂબકી લગાવો અને આગળ વધો’.) પરમાધ્યક્ષે કહ્યું: ‘વાહ, તમને સોમાંથી સો મળ્યા. માત્ર વાંચવાથી ન થાય. ત્રણ વસ્તુની જરૂર છે – શ્રવણ, મનન, નિદિધ્યાસન. ત્યારે ઉપદેશની ધારણા થાય છે.

સંસાર ત્યાગ કરવાની જરૂરત શું! શ્રીઠાકુર શું સંન્યાસીઓ માટે જ આવ્યા હતા? તેઓ તો બધા માટે આવ્યા હતા. સંસારમાં રહેવું પડે, ભલે. તો પહેલાં એમને (ઈશ્વરને) બેસાડો.જો પહેલાં પોતાને બેસાડશો તો બધું ગરબડ થઈ જવાનું. જેઓ ગમે તેમ કરીને એમને પહેલાં બેસાડે છે અને સંસાર ભોગવે છે, તે ઉત્તમ ગૃહસ્થ છે.

અધ્યક્ષ : ‘અરે, કહો તો, ઠાકુરે સંસારમાં કેવી રીતે રહેવા કહ્યું છે?’ 

ભક્ત મહિલા : ‘મોટા ઘરની દાસીની જેમ.’

અધ્યક્ષ : ‘કહો તો, એણે પોતાને હાથે ઘડેલા આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી કોણ હતા? બહેન ગીતા, તું જ કહે.’

ભક્ત મહિલા : ‘સાધુ નાગમહાશય અને સ્વામીજી.’

પરમાધ્યક્ષ : ‘વાહ, તને ફરીથી સોમાંથી સો ગુણ મળ્યા.’

ગિરિશબાબુ બરાબર કહેતા હતા: ‘મહામાયા બંનેને બાંધી ન શકી – દીનતાની પ્રતિમૂર્તિ સાધુ નાગમહાશય અને અમારા નરેનભાઈને. મહામાયાએ નાગમહાશયને બાંધવા માટે પોતાના જાળનું નાકું જેટલું નાનું કર્યું એટલા જ નાગ મહાશય નાના બની ગયા. અને એમણે નરેનને બાંધવા માટે જાળને જેટલી મોટી કરી, નરેન તો એનાથીયે મોટો થઈ ગયો. બંને દ્વારા મહામાયાની હાર થઈ.

સફેદ કાચ ઉપર ગમે તેટલો છાયો પડે, તે રહેવાનો નથી, વસ્તુ જ જો હટી જાય તો બધું ચાલ્યું જાય (પછી કાચ જ રહેશે). એમના પર થોડો પ્રેમભાવ થાય તો એમના ઉપદેશની ધારણા થઈ શકે.

સંસારનાં દુ:ખકષ્ટનો અંત નથી. પણ એને છોડવાથી ચાલશે નહિ. આમ છતાં પણ હું કાલી કહીને પોકારું છું, ધન્યવાદ ઘટે છે મારા એ સાહસને. આ જ છે એમના સંતાનનો સાચો ભાવ. મા સિવાય પોતાની ગતિ નથી એમ નાનું બાળક માને છે. પરંતુ આપણે તો માત્ર એને ઊલટાવી નાખીએ છીએ. આઘાત થાય ત્યારે એમને આપણે ત્યજી દઈએ છીએ.

અહા, દ્રૌપદીનો ભાવ કેવો મજાનો! સાક્ષાત્‌ રાજસભામાં ધૃતરાષ્ટ્રના પાખંડી છોકરાઓ એનું હળહળતું અપમાન કરે છે, એણે જોયું કે અહીં પાંચેય પાંડવ અશક્તિમાન અને અસહાય છે. એટલે આર્દ્ર અને ઉત્કટભાવે એમણે જગત્પતિને યાદ કર્યા. આ અંતરનો નાદ પણ ભગવાન પાસે પહોંચી ગયો અને એમણે શરણાગત (દ્રૌપદી)ની લજ્જાનું રક્ષણ કર્યું.

બેલુર મઠ, ૪-૫-૧૯૬૨

આકસ્મિક વિપત્તિ આવવાને લીધે એક દુ:ખી દંપતી વહેલી સવારે બેલુર મઠમાં આવ્યાં અને પરમાધ્યક્ષશ્રી તેઓને તત્ક્ષણે જ દર્શન આપવા રાજી થયા.

(આગલા દિવસે સાંજે એમના એકમાત્ર પુત્રના માથા પર પોતાના જ ત્રણ માળના મકાનની છત પરથી એક ઈંટ પડી અને એનું તાલકું તૂટી ગયું. રાત્રે એમને નર્સિંગ હોમમાં લઈ ગયા. મોટું ઓપરેશન પણ થયું. શલ્ય ચિકિત્સકે સ્પષ્ટપણે કહ્યું: ‘એક ભગવાન જ એને બચાવી શકે.’ અચેતન બાલકને નર્સિંગ હોમમાં રાખીને તેઓ બંને અહીં આવ્યાં.)

વાત સાંભળીને પરમાધ્યક્ષશ્રી તે જ ક્ષણથી મૌન ધારણ કરીને બેઠા રહ્યા. એમનું સૌમ્ય મુખ છાયાથી જાણે કે ઢંકાઈ ગયું. એમણે અસહાય ભાવે અનેકવાર ખુરશીના હાથા પર હાથ ભટકાવતા રહ્યા. એમણે ભક્ત દંપતીને એક ઉપાખ્યાન કહ્યું: ‘મહાભારતમાં આવે છે, સર્પદંશથી એક બ્રાહ્મણકુમારનું મૃત્યુ થયું. ગ્રામવાસીઓએ સાપને પૂરી દીધો હતો, હવે શોકાર્ત બ્રાહ્મણની સામે તેનો વધ કરવા તૈયારી થઈ. સાપે કહ્યું: ‘મને છોડી દો. હું નિર્દોષ છું. મેં તો માત્ર યમરાજના આદેશનું પાલન કર્યું છે.’ અંતરિક્ષમાંથી યમરાજે જોયું કે આ બિચારો સાપ તો વિના અપરાધ મરી જાય છે. એમણે તત્ક્ષણ એમની સામે આવીને કહ્યું: ‘આ સાપ ખરેખર નિર્દોષ છે, કારણ કે એણે મારા આદેશથી આવું કામ કર્યું છે.’ ગ્રામવાસીઓએ પૂછ્યું: ‘અરે! તમે આવો નિર્દય આદેશ શા માટે આપ્યો?’ ધર્મરાજે કહ્યું: ‘અરે ભાઈ, હુંયે અસહાય છું. મારે પણ નિયતિનું વિધાન માનીને ચાલવું પડે છે.’ આ સાંભળીને ગ્રામવાસીઓએ વિચાર્યું કે આ બધી પ્રવંચના પેલા સાપને બચાવવા માટે જ છે. એટલે એમણે ફરીથી લાકડી હાથમાં લીધી. ત્યારે નિયતિએ પોતે જ આવીને કહ્યું: ‘તમે થોડા શાંત થાઓ. જુઓ, આ બ્રાહ્મણકુમારના મૃત્યુ માટે એ સાપ, ધર્મરાજ કે હું કોઈ જવાબદાર નથી. એના પૂર્વજન્મનાં કર્મનું આ પરિણામ છે.’ આવી રીતે નિયતિએ ગ્રામવાસીઓ સમક્ષ બધી વાત વિગતથી રજૂ કરી. ગ્રામવાસીઓએ આ બધું સાંભળીને સાપને જંગલમાં છોડી દીધો.

જુઓ, આ જગતમાં બધા લોકો પોતપોતાનાં કર્મનું ફળ ભોગવે છે. બીજા લોકો તો માત્ર નિમિત્ત જ છે.’

આ વાત પૂરી થતાં વિષાદમગ્ન દંપતીને મોટું આશ્વાસન આપીને શ્રીમંદિરમાંથી લાવેલ શ્રીઠાકુરનું ચરણામૃત ભક્તના હાથમાં મૂકીને કહ્યું: ‘આ મહા-ઔષધ લઈ જાઓ. છોકરાને પાઈ દો. તેને કેમ છે, એની મને દરરોજ ખબર આપતાં રહેજો. જ્યારે સારો-સાજો થઈ જાય ત્યારે એક વખત મારી પાસે લાવજો.’ (ખરેખર એ શ્રીચરણામૃતે તરત જ પરિણામગામી બનીને એમનો મોટો ભય દૂર કર્યો. પુત્ર નિરામય થયા પછી એને પરમાધ્યક્ષ સમક્ષ લઈ આવ્યા. પરમાધ્યક્ષે એના મસ્તક પર પડેલા ઘા પર સસ્નેહ હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા. શલ્ય ચિકિત્સકે વ્યક્ત કરેલી શંકા વિફલ થઈ અને બાળક યથાકાળે વિદ્યાર્જન કરીને પોતાના કર્મજીવનમાં સુસ્થિર થયો.

વેળા થતાં ફરીથી દર્શન શરૂ થયાં. ઉપસ્થિત નરનારી વૃંદને કહ્યું: ‘એમને જાણીને એક હાથ એમનાં પાદપદ્મમાં રાખો અને બીજા હાથે સંસારનાં કર્તવ્યો કરતાં રહો. સંસારમાં રહેવું પડે છે ને! સંસારમાં કામ કરવું પડે છે ને! એટલે બંને હાથ એમનાં પાદપદ્મમાં રાખવા સંભવ નથી. એટલે જ એક હાથે પકડી રાખો અને સંસાર-સરોવરમાં કામ કરો. એટલે જ એમાં ડૂબી જવાનો કોઈ ભય નથી કારણ કે એક હાથે એમને પકડી રાખ્યા છે.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આવે છે, દારૂડિયાનું પ્રતિમા દર્શન. એક સ્થળે દુર્ગાનો ઉત્સવ થઈ રહ્યો છે. એમની પ્રતિમા ઘણી સુંદર છે. અસંખ્ય લોકો દર્શન કરવા આવે છે. એમાં એક દારૂડિયો ક્યાંકથી આવી ચડ્યો. એ ધીમે ધીમે બડબડે છે: ‘અરે, મા! તેં તો ઘણા શણગાર સજ્યાં છે. સાડી કેટલી સુંદર છે! કેટલાં સુંદર અલંકારો છે! દસેય હાથમાં દસેય પ્રહર ચમકતાં રહે છે. આ બધું મળીને કેવું સુંદર લાગે છે! પરંતુ મા, ચાર દિવસ પછી તને હુડબુડ કરીને લઈ જશે અને પાણીમાં ફેંકી દેશે. ત્યારે તો બધુંયે ખતમ થઈ જશે.

આપણા બધા સાજ-પોષાક, રૂપિયાનો ગર્વ, વિદ્યાનો અહંકાર – બધા બે દિવસ માટે જ છે.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.