બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨

પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા જોઈને પોતે શલ્ય ચિકિત્સા કરાવવા તૈયાર છે એ વાત કરી. સ્વામી અભયાનંદજીની વિચક્ષણતા પર પરમાધ્યક્ષશ્રીને જીવનપર્યંત પરમ શ્રદ્ધા હતી. તેથી શલ્ય ચિકિત્સા વિશે એમનો મત જોઈને પરમાધ્યક્ષશ્રીને આશ્વાસન મળ્યું. અને કોઈ વિલંબ કર્યા વગર સ્નેહધન્ય ડો. સનત ગુપ્તાને બોલાવીને શલ્ય ચિકિત્સાની વ્યવસ્થા કરવા કહ્યું. 

પ્રત્યક્ષ દર્શન ત્રણ સપ્તાહ સુધી બંધ રહ્યા એટલે ઘણા લોકો સાથે મળવાનું ન થયું. ૧૦મી જૂન જ્યેષ્ઠ શુક્લ અષ્ટમીના દિવસે ભક્તવૃંદ સાથે સાક્ષાત્કાર થઈ જાય એટલે નર્સિંગ હોમમાં દાખલ થવા માટે ૧૧મી જૂન નક્કી થઈ.

બેલુર મઠ, ૨૯-૫-૧૯૬૨

(સંન્યાસીને ઉદ્દેશીને): ‘નીલાંચલની યાત્રા સમયે ભુવનેશ્વરમાં લિંગરાજ શિવજીની પૂજા કરીને મહાપ્રભુ તરત જ પુરીધામ જવા માટે આગળ વધ્યા. જેમ જેમ પુરીધામ નજીક આવતું હતું તેમ તેમ દર્શનની આતુરતા વધતી જતી હતી, પોતાની જાતને સંભાળવામાં મુશ્કેલી અનુભવતા હતા. વધુ વિલંબ સહ્યો જતો ન હતો એટલે ઘણી ઝડપથી ચાલી રહ્યા છે. હવે પુરીધામ ઘણું નજીક આવી ગયું, બેએક ગાઉ દૂરથી મંદિરનો કળશ જોઈને એકદમ શ્વાસભેર દોડી પડ્યા. મંદિરના કળશ પરથી ગોપાલે જાણે કે એને હાથથી ઈશારો કર્યો હતો, એટલે જ આટલી ઝડપથી દોડી રહ્યા છે. (‘Where more is meant than meets the ear’ – Milton)

બેલુર મઠ, ૪-૬-૧૯૬૨

ઓપરેશનનો દિવસ નજીક આવતો હતો. અત્યારે શારીરિક નબળાઈ અને રોગનાં ચિહ્‌નો પણ જણાતાં નથી. વારંવાર વસ્ત્ર બદલાવવાની વાત પણ દૂર થઈ ગઈ. સેવાનિપુણ સેવક સાધુએ કહ્યું : ‘મહારાજ, ફોલ્લો સાવ નીકળી ગયો છે, હવે બધું જેવું હોય એવું સામાન્ય જ છે. અહીં કંઈક ફોલ્લા જેવું હતું એનોયે ખ્યાલ નહિ આવે.’ પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘તમે કશું બોલો નહિ. અત્યારે આ સ્વાભાવિક, તો વળી પાછું અસ્વાભાવિક થવામાં કેટલી વાર લાગે? વધુ માયા વધારવાથી કામ ચાલવાનું નથી. આ પાર કે પેલે પાર થવું જોઈએ.’

બેલુર મઠ, ૫-૬-૧૯૬૨

(દરરોજ તરતપાસ કરવા આવતા ડોક્ટરને ઉદ્દેશીને) : ‘માની ઇચ્છા પૂર્ણ હજો. આનાથી વધારે સારી બીજી પ્રાર્થના કઈ હોઈ શકે? આપણી ઇચ્છા પૂર્ણ થાય એવું માગવાથી અંતે કોઈ ઉત્પાત નહિ થાય એવું કોણ કહી શકે? મા જે કંઈ કરે છે એમાં જ સંતાનનું મંગળ છે. મા સારું જ કરે છે, એ સિવાય બીજું કંઈ ન કરી શકે. બિલાડીનાં બચ્ચાંને એની મા કમરથી પકડી રાખે છે, એ બચ્ચુંયે જાણે છે કે મા એને કોઈ પણ રીતે છોડવાની નથી. એ તો સંપૂર્ણ નિશ્ચિંત છે. બિલાડીના બચ્ચાનો પૂર્ણ સમર્પણભાવ.

માના હાથમાં જ બધું છોડી દઈએ તો આપણે નિશ્ચિંત થઈ શકીએ.’

બેલુર મઠ, ૬-૬-૧૯૬૨

સાધુને ડિક્ટેશન લખાવીને વારાણસી સેવાશ્રમના એક વરિષ્ઠ સંન્યાસી સ્વામી ભાસ્કરાનંદને એક પત્ર લખ્યો અને સહી પણ કરી. એનો ઉપસંહાર લખવામાં સાધુનો હાથ ચાલતો ન હતો. – એમના કંઠમાં અસ્ફૂટ રીતે અણગમાનો ભાવ વ્યક્ત થયો. પરંતુ લહિયા તો અસહાય હતા.

બેલુર મઠ, ૯-૬-૧૯૬૨

સવારે ૧૦ વાગ્યે બે ઉત્કંઠાવાળા ભક્તો પરમાધ્યક્ષશ્રીનાં ચરણ સમક્ષ આવીને બેઠા. એક ભક્ત મહિલાએ અનુનય વિનય સાથે કહ્યું: ‘મહારાજ, એકવાર આપ ફરીથી કહો કે હું સ્વસ્થ થઈને પાછો આવીશ.’ પરમાધ્યક્ષશ્રીએ પહેલાં એ વિષયને અવગણવાનો પ્રયત્ન કર્યો પછી કહ્યું: ‘અરે, એ કોણ કહી શકે? બધી માની ઇચ્છા છે!’ પ્રશ્ન કરનાર મહિલાએ ઉપરા ઉપરી ત્રણવાર એ જ વાત પૂછી ત્યારે પરમાધ્યક્ષશ્રીએ પણ વારંવાર એ જ વાત ઉચ્ચારી : ‘બધી માની જ ઇચ્છા છે.’

એકાએક બીજા એક ભક્ત (રાસબિહારી સેન)ને જોઈને કહ્યું: ‘પરંતુ આ વખતે તો સંધિ પૂજા. ત્યારે મા ચામુંડારૂપિણી, બલિ પણ દેવાશે, લોહી વહેશે. એમાં ડાક બજાવનારો પણ વહી જાય. (માત્ર ત્રણ-ચાર સંન્યાસી અને બે ભક્ત પરિવાર પરમાધ્યક્ષશ્રીના આ ભાવને સમજી શક્યા. પરંતુ થોડો ઉદ્વેગ રહેવા છતાં પણ શ્રીશ્રીઠાકુરની નિગૂઢ ઇચ્છા અમોઘ છે એ અન્ય કોઈ જાણી ન શક્યા.)

બેલુર મઠ, ૧૦-૬-૧૯૬૨

જ્યેષ્ઠ શુક્લ અષ્ટમી. આજે હજારો ભક્તોનો મેળો જામ્યો છે. અનેક લોકો આ તિથિ પાળે છે અને જો સુયોગ સાંપડે તો એ દિવસે પરમાધ્યક્ષશ્રીનું દર્શન કરવાનું પણ ચૂકતા નહિ. આજે ભક્તગણને સવાર અને સાંજ એમ બે વખત પરમાધ્યક્ષશ્રીનાં દર્શનનો લાભ મળ્યો. પરમાધ્યક્ષશ્રીએ બીજા માળના સુપરિચિત વરંડામાં સમાહિત ભાવમાં બેસીને દર્શન આપ્યા. વાતચીત બહુ ઓછી થઈ, પરંતુ ભક્તવૃંદના હૃદયદેવતા સાથે કોઈ નીરવ વાર્તાલાપ થયો હશે ખરો.

બે સેવકસાધુ પરમાધ્યક્ષની બંને બાજુએ સતત ઊભા રહીને દર્શનાર્થી ભક્તોને કહેતા હતા : ‘મહારાજ આવતી કાલે સવારે નર્સિંગ હોમમાં જશે. આજે આપ બધા સાથે સાક્ષાત્કાર થયો.’

નર્સિંગ હોમમાં જવાના નિર્ણય અને કાર્યક્રમ વિશે ભક્તવૃંદે અને દર્શનાર્થીગણે કોઈ ને કોઈ સૂત્ર દ્વારા સાંભળ્યું હતું. ૧૦ મે થી ૯ જૂન સુધી એટલે કે એક મહિનો સાક્ષાત્‌ દર્શનલાભ સ્થગિત રહેવાથી મોટા ભાગના ભક્તો આટલા દિવસ દૂરથી ખબર-અંતર પૂછતા રહેતા. પરમાધ્યક્ષશ્રીને દુ:ખકષ્ટ થશે એમ સમજીને એમનાં સાક્ષાત્‌ દર્શન કરવાનો તેમણે પ્રયાસ ન કર્યો.

આજે આ શુભ દિને એમનો દર્શનલાભ પામીને એમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. બધા લોકો આટલું વિચારીને આસ્વસ્થ થયા કે શલ્યચિકિત્સા પછી તેઓ સંપૂર્ણ નિરામય થઈને પહેલાં જેવા સ્વસ્થતાપૂર્વક હરી ફરી શકશે.

બેલુર મઠ, ૧૧-૬-૧૯૬૨

પરમાધ્યક્ષ આજે નર્સિંગ હોમમાં ગયા.

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.