‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા સમાચારો પ્રકાશિત કરીશું જે ઉત્સાહવર્ધક હોય, પ્રેરક હોય, રસપ્રદ હોય. – સં.

બળદની તાકાતનું વીજ શક્તિમાં રૂપાંતર – એક અભિનવ પ્રયોગ

ઍકસૅલ ઈન્ડસ્ટ્રીઝના શ્રી કાન્તિસેન શ્રોફે ૮,૦૦૦ બળદની ‘શ્રમશક્તિ’થી ૨૫૦૦ મૅગવૉટ વીજળી ઉત્પન્ન કરવાનો એક અભિનવ પ્રયોગ વડોદરામાં આદર્યો છે, જેને અદ્‌ભુત સફળતા મળી રહી છે. આ પદ્ધતિ બિલકુલ પ્રદૂષણરહિત છે. ચાર બળદો વર્તુળાકારે ચાલતાં-ફરતાં રહે એટલે વચ્ચે રહેલા ગીયર બોક્સ દ્વારા ૫૦ આર.પી.એમ. ઉત્પન્ન થાય જે પછીથી ફલાય વ્હીલ અને ફ્રી વ્હીલમાંથી પસાર થાય એટલે ૨૪૦૦ આર.પી.એમ.માં રૂપાંતરિત થાય. આમ આઠ કલાકમાં એક બળદ વડે ૩.૨ કિલોવોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય. આ એક એકમની સ્થાપનાનો ખર્ચ ૨૫૦૦૦ રૂપિયા જેટલો થાય છે જે આગળ જતાં સામુહિક ઉત્પાદન થાય તો વધારે સસ્તું બની શકે.

શ્રી કાન્તિભાઈ શ્રોફે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વોટર શેડના અભિનવ પ્રોજેક્ટની શરૂઆત કરી લોકોને દુષ્કાળની અસરમાંથી બચાવ્યા છે, અમદાવાદ, મુંબઈ વગેરે શહેરોનાં કચરાના શુદ્ધીકરણના અભિનવ પ્રોજેક્ટ દ્વારા શહેરીજનોના દિલ જીતી લીધાં હતાં અને હવે તેમણે દેશની વીજ કટોકટીનો ઈલાજ શોધી આપ્યો છે. તે પણ તદ્દન દેશી ઢબે – તદ્દન સસ્તા દરે – યુનિટના ૪ રૂપિયાના ભાવે. (‘અભિયાન’ ૫ મે, ‘૯૭માંથી સંકલિત)

ભારતની અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે અદ્‌ભુત સિદ્ધિ : વિશ્વની હરોળમાં સ્થાન

ભારતમાં સ્વદેશમાં નિર્માણ પામેલ વિવિધલક્ષી સંદેશાવ્યવહાર ઉપગ્રહ ઈન્સેટ ૨-ડી તા.૪ જૂન ‘૯૭ના રોજ ફ્રેન્ચ ગુયાનામાં કોઉરોઝ ખાતેથી સફળતાપૂર્વક છોડવામાં આવ્યો છે.

સ્વદેશી બનાવટના, અતિ આધુનિક અને બહુહેતુક ઉપગ્રહ ઈન્સેટ-૨-ડીના સફળ અવકાશ આરોહણ સાથે ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની સિદ્ધિની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. સંદેશા વ્યવહાર માટેના સ્વદેશી બનાવટના આ ચોથા ઉપગ્રહના અવકાશ આરોહણ સાથે ભારત સંદેશા વ્યવહારની સેવાઓના ક્ષેત્રે સંપૂર્ણ સ્વાવલંબન મેળવવાને આરે આવી ઊભું છે અને ગ્રામ વિસ્તારોમાં વસતા લોકો માટે પણ આધુનિક સંદેશા વ્યવહારનાં દ્વાર ખૂલ્યાં છે. ટેલિવિઝન પ્રસારણનો વ્યાપ પણ વધ્યો છે. સંદેશા વ્યવહાર અને મોબાઈલ (સંચાર) ટેલિફોન સેવાઓમાં સિદ્ધિ હાંસલ કરવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે. આ ઈન્સેટ -૨ ડી ઉપગ્રહ પરના મોબાઈલ સેટેલાઈટ સર્વિસ ટ્રાન્સપોન્ડરને કારણે સંદેશા વ્યવહાર ખાતું જુલાઈના અંત સુધીમાં ભારતીય ઉપખંડમાં મોબાઈલ ટેલિફોન સેવા આપી શકશે.

આ ઉપગ્રહ ટેલીવિઝન પ્રસારણમાં મદદરૂપ થશે. તેના દ્વારા દક્ષિણ પૂર્વ એશિયા તથા પશ્ચિમ એશિયામાં ટેલીવિઝન કાર્યક્રમોમ પ્રસારણ થઈ શકશે.

સ્વદેશી બનાવટના ઈન્સેટ – ૨ શ્રેણીના ઉપગ્રહોએ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન્સ – સંદેશા વ્યવહાર અને ટેલીવિઝન પ્રસારણમાં ક્રાંતિ આણી છે. ભારતે પ્રથમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટ ૧૯૭૫માં તત્કાલીન સોવિયેત ઈન્ટરકોસ્પોસ રોકેટ વડે અવકાશમાં મૂક્યો હતો. બે દાયકામાં આ ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. આર્યભટ્ટ બાદ ભાસ્કર, એપલ, રોહિણી શ્રેણીના ઉપગ્રહો, સાઈટ, સ્ટેપ ઉપરાંત આઈ.આર.એસ. અને ઈન્સેટ શ્રેણીના ઉપગ્રહો તરતા મૂકી હવામાન, દૂરસંવેદન, સંદેશાવ્યવહાર, શિક્ષણ વગેરે મહત્ત્વનાં ક્ષેત્રોને આ અદ્યતન ટેકનોલોજી વડે આવરી લીધાં છે. ઈન્સેટ શ્રેણીએ તો સંદેશાવ્યવહાર અને ટી.વી. પ્રસારણ ક્ષેત્રે જબ્બર ક્રાંતિ આણી છે. ૧૯૮૨માં ઈન્સેટ – ૧ નિષ્ફળ ગયો અને ૧૯૮૩માં ઈન્સેટ ૧-બી ઉપગ્રહ કાર્યરત થયા પછીનાં આટલાં વર્ષોમાં ભારતે આ ક્ષેત્રે હરણફાળ ભરીને ટોચના દેશમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધીમાં અવકાશમાં છોડાયેલા આઠ ઉપગ્રહમાંથી છ સફળ થયા છે. ચાર આજે પણ કાર્યરત છે. ઇન્સેટ-૨ડી શ્રેણીના અગાઉના ત્રણ સ્વદેશી ઉપગ્રહોએ સંપૂર્ણ સફળતા મેળવીને સારી કામગીરી બજાવી છે. તેના ૬૩ ટ્રાન્સપોન્ડરો કાર્યરત હતાં, તેમાં હવે ઈન્સેટ – ૨ ડીના ૨૪ ટ્રાન્સપોન્ડરો ઉમેરાશે. આજે ભારતમાં દૂર દૂરના વિસ્તારો અને ગામડાં ટેલિફોનના રાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલાં છે. અને એ રીતે ટેલિફોનની સુવિધા ગામડાં સુધી પહોંચી છે, તેમાં આ ઉપગ્રહોનો ફાળો મુખ્ય છે. દૂરદર્શન તેના રાષ્ટ્રીય, પ્રાદેશિક અને બીજાં પ્રસારણો-કાર્યક્રમો માટે ૨૧ ટ્રાન્સપોન્ડરોનો ઉપયોગ કરે છે. ઈન્સેટ ઉપગ્રહો રોજે રોજ હવામાન અંગેનાં ચિત્રો પૂરાં પાડીને હવામાન અંગે તથા વાવાઝોડા, વરસાદ વગેરે અંગેની આગાહીઓ કરવાનું અને સમયસર તકેદારી રાખવાનું શક્ય બનાવે છે.

આગામી સદીમાં એશિયા તથા આફ્રિકામાં સંદેશા વ્યવહારના ક્ષેત્રે હજીયે વધુ વિકાસ અને વિસ્તરણની શક્યતા છે એટલે વધુ ને વધુ દેશોને એ માટે ઉપગ્રહો તેમજ તેમાંના ટ્રાન્સપોન્ડરોની સેવાઓની વધુ ને વધુ પ્રમાણમાં જરૂર પડશે, તેમની આ જરૂરિયાત પરિપૂર્ણ કરી શકે તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે, એટલું જ નહિ પણ આ ઉપગ્રહોની સફળતાનો રેકોર્ડ પણ નોંધપાત્ર છે એટલે આ સિદ્ધિનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવાની વિશાળ તક રહેલી છે, પણ ‘ઈસરો’નું એ કાર્યક્ષેત્ર નથી. આ માટે યોગ્ય આયોજન થવું જોઈએ. હાલ સરકારનાં કેટલાંય ખાતાંઓ આ ઉપગ્રહોના ટ્રાન્સપોન્ડરોનો કબજો છોડવા કે બીજાને પણ લાભ આપવા તૈયાર નથી એ વિષે પણ સમીક્ષા કરીને ટ્રાન્સપોન્ડરોના મહત્તમ અને ઈષ્ટતમ ઉપયોગ માટે પગલાં લેવાવા જોઈએ.

દેશને ગૌરવ અપાવી આ સિદ્ધિ માટે ઈસરોના અવકાશ વૈજ્ઞાનિકોને ધન્યવાદ.

(ફૂલછાબ તા.૬/૬/૧૯૯૭માંથી સંકલિત)

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.