સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા.

સ્વામી ગૌતમાનંદજીનો જન્મ 1929માં બેંગલુરુના એક ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. 5 કે 6 વર્ષની વયે તેમણે મહાત્મા ગાંધીને બેંગલુરુમાં જોયા હતા. તેમણે શેષાદ્રિપુરમ્‌ હાઇસ્કૂલ અને બેંગલુરુની સરકારી સેન્ટ્રલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

તેઓ 1951માં રામકૃષ્ણ મઠની બેંગલુરુ શાખાના સંપર્કમાં આવ્યા. આ સંપર્ક 1954-55માં સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ ઘનિષ્ઠ બન્યો. તેમણે 1955માં સ્વામી યતીશ્વરાનંદજી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.

પછીના વર્ષે, તેઓ રામકૃષ્ણ મિશનની નવી દિલ્હી શાખામાં જોડાયા. ત્યાં સ્વામી રંગનાથાનંદજી મહારાજે તેમને મઠ-જીવન અંગે માર્ગદર્શન આપ્યું હતું. દિલ્હીમાં નવેમ્બર, 1957માં શ્રીરામકૃષ્ણનું નવું મંદિર નિર્માણાધીન થયું ત્યારે તેમને પોતાના ગુરુની સેવા કરવાની તક મળી. તેમણે આ નવા મંદિરના પ્રથમ પૂજારી તરીકે પણ સેવા આપી હતી.

1960માં તેઓ પ્રોબેશનર્સ ટ્રેનિંગ સેન્ટરમાં પ્રશિક્ષણ અર્થે બેલુર મઠ ગયા. બે વર્ષની તાલીમના અંતે તેમણે 1962માં સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ પાસેથી બ્રહ્મચર્ય દીક્ષા મેળવી તથા બ્રહ્મચારી આત્મચૈતન્ય નામ મેળવ્યું. બેલુર મઠથી તેઓ પાછા દિલ્હી કેન્દ્ર ગયા. ત્યાર બાદ 1964માં (તે સમયે ચેરાપુંજી તરીકે ઓળખાતા) સોહરામાં તેમની નિયુક્તિ થઈ. ત્યાં તેમણે વરિષ્ઠ સાધુ સ્વામી શુદ્ધબોધાનંદજી (સ્વામી વિરજાનંદજી મહારાજના શિષ્ય) અને સ્વામી નિરામયાનંદજી (સ્વામી અખંડાનંદજી મહારાજના શિષ્ય) સાથે કાર્ય કર્યું હતું.

પછી તેઓ 1966માં સંન્યાસવ્રત ગ્રહણ કરવા બેલુર મઠમાં આવ્યા. રામકૃષ્ણ સંઘના 10મા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે તેમને સંન્યાસ દીક્ષા અને ‘સ્વામી ગૌતમાનંદ’ નામ આપ્યું. સંન્યાસ દીક્ષા બાદ તેઓએ કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, ગંગોત્રી, ગોમુખ અને યમુનોત્રીની યાત્રા કરી અને સોહરા પરત ફર્યા.

તેઓને રામકૃષ્ણ સંઘના અન્ય વરિષ્ઠ સંન્યાસીઓનો સંગલાભ મળ્યો હતો જેવા કે સ્વામી અભયાનંદજી (ભરત મહારાજ, બેલુર મઠના દીર્ઘકાલીન પ્રબંધક), સ્વામી નિર્વાણાનંદજી (સૂરજી મહારાજ, શ્રીરાજા મહારાજના સેવક), સ્વામી શંકરાનંદજી (સંઘના 7મા પરમાધ્યક્ષ), સ્વામી વિશુદ્ધાનંદજી (સંઘના 8મા પરમાધ્યક્ષ), સ્વામી શાંતાનંદજી (શ્રીશ્રીમાના શિષ્ય) અને સ્વામી માધવાનંદજી (સંઘના 9મા પરમાધ્યક્ષ).

સ્વામી ગૌતમાનંદજી લગભગ ચાર વર્ષ સોહરામાં કાર્યરત રહ્યા બાદ 1968માં, મુંબઈ કેન્દ્રમાં આવતાં સ્વામી હિરણ્મયાનંદજીની પ્રેમાળ સંભાળ હેઠળ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો.

મુંબઈમાં તેઓ લગભગ 8 વર્ષ કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ, તેઓ 1976માં અરુણાચલ પ્રદેશમાં આદિવાસી સ્થાન આલો(અગાઉનું આલોંગ)માં કેન્દ્રના વડા તરીકે નિયુક્ત થયા.

ત્યાં તેમના 13 વર્ષના નેતૃત્વ દરમિયાન, આલો કેન્દ્ર રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું અને અનેક સિદ્ધિઓ મેળવી; જેવી કે તેમણે શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગો શરૂ કર્યા, શાળાએ 1985માં ‘બાળ કલ્યાણમાં શ્રેષ્ઠ કાર્ય માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર’ મેળવ્યો, શાળાની ફૂટબોલ ટીમ 1986 અને 1988માં બે વખત સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રનર્સ-અપ રહી. સમગ્ર અરુણાચલ પ્રદેશમાં ટેલિવિઝન નહોતું એવા સમયે શાળામાં ટેલિવિઝનની શરૂઆત થઈ.

1989ના અંતમાં, તેઓ મિશનની રાયપુર શાખાના વડા તરીકે નિયુક્ત થયા. પછી છ મહિના કે તેથી વધુ સમય બાદ તેઓએ નારાયણપુર કેન્દ્રનો હવાલો સંભાળ્યો. આ કેન્દ્ર છત્તીસગઢના અંતરિયાળ આદિવાસી પ્રભુત્વવાળા ક્ષેત્રમાં અબુજમાળ વિસ્તારમાં આવેલું છે. આ કેન્દ્રનો પ્રારંભ અતિ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે થયો હતો. બે વર્ષ સુધી તેમણે આ કેન્દ્રનો કાર્યભાર સંભાળ્યો.

માર્ચ, 1990માં તેઓ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય બન્યા. અને ડિસેમ્બર, 1991માં સારદાપીઠ કેન્દ્રનું નેતૃત્વ સંભાળ્યું. ત્રણ વર્ષ સુધી તેમણે આ કેન્દ્રનું અસરકારક સંચાલન કર્યું.

તેઓ 1995માં રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના વડા બન્યા હતા. આ જવાબદારી તેમણે લગભગ ત્રણ દાયકા સુધી નિભાવી હતી. ચેન્નાઈ મઠ એ સમગ્ર દક્ષિણ ભારતમાં રામકૃષ્ણ મઠનું પ્રથમ કેન્દ્ર છે, અને તે કેન્દ્ર બેલુર મઠ પછીનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમના કાર્યકાળ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર ઈ.સ. 2000માં નિર્માણાધીન થયું.

ચેન્નાઈમાં સ્વામીજી અને સ્વામી રામકૃષ્ણાનંદજીના નિવાસથી પાવન બનેલું ‘આઇસ હાઉસ’ હસ્તગત કરી સુંદર સ્મારકમાં રૂપાંતરિત કરાયું હતું. તે હવે ‘વિવેકાનંદ હાઉસ’ તરીકે પ્રખ્યાત છે. 2004માં સુનામીની આપત્તિના પગલે મોટા પાયે રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. 1997માં સ્વામી વિવેકાનંદના વિદેશથી પ્રત્યાગમનની શતાબ્દી, 2003માં શ્રીશ્રીમા શારદાદેવીની 150મી જયંતી તથા 2013માં સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતી ચેન્નાઈમાં ભવ્યતાપૂર્વક ઉજવાઈ હતી.

તેઓએ દક્ષિણ ભારતનાં પુડુચેરી (કેન્દ્રશાસિત પ્રદેશ), કડપા અને તિરુપતિ (આંધ્ર પ્રદેશ), ચેંગમ, તંજાવુર, તિરુમુક્કુડલ અને વિલ્લુપુરમ્‌ (તમિલનાડુ)માં સંઘનાં નવાં કેન્દ્રો શરૂ કરવામાં સહાય કરી હતી.

2012માં તેઓએ આધ્યાત્મિક દીક્ષા આપવાનો પ્રારંભ કર્યો. 2017માં તેઓ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ તરીકે નિર્વાચિત થયા. દીક્ષાગુરુ અને ઉપાધ્યક્ષ તરીકે તેમણે મઠ અને મિશનની શાખાઓની મુલાકાત લઈને ભારત અને વિશ્વના વિવિધ ભાગોમાં વ્યાપક પ્રવાસ કર્યો. આટલી મોટી ઉંમરે પણ તેમની શારીરિક તંદુરસ્તી, માનસિક સતર્કતા અને આનંદી સ્વભાવ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

સ્વામી ગૌતમાનંદજીએ વરિષ્ઠ સાધુઓના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામી નિર્વાણાનંદજીએ તેમને આશીર્વાદ આપ્યા, “લાંબુ, સ્વસ્થ જીવન મેળવો.” સ્વામી યતીશ્વરાનંદજીએ પણ તેમને આશીર્વાદ આપ્યા, “તંદુરસ્ત શરીર અને શાંત મન રાખો.” સ્વામી ગૌતમાનંદજીને દૃઢ વિશ્વાસ છે કે ઠાકુર, શ્રીમા અને સ્વામીજી તેમજ વરિષ્ઠ સંન્યાસીઓના આશીર્વાદ એકમાત્ર શક્તિ છે જેના દ્વારા તેઓ કાર્યરત રહ્યા છે, અને આગામી વર્ષોમાં પણ કાર્યાન્વિત રહેશે.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.